દરેક માણસ કોઇ ને કોઇ માનસિક સમસ્યા લઇને ફરતો હોય છે. બહારથી એકદમ નોર્મલ દેખાતો માણસ અંદરથી થોડોક થાકેલો તો ક્યારેક હારેલો હોઈ શકે છે. એનું કારણ એ છે કે, દરેક માણસ કોઇ ને કોઇ માનસિક સંઘર્ષનો સામનો કરી રહ્યો છે. આપણી સ્થિતિ અને આપણા સંજોગો ક્યારેક આપણા પર એટલા બધા હાવી થઇ જાય છે કે, આપણે ન કરવા જેવું વર્તન કરી બેસીએ છીએ. આપણે આપણી આસપાસ ઘણા એવા લોકોને જોયા હોય છે જેનું મગજ અચાનક જ છટકે છે. નાની નાની વાતમાં એ ચિડાઇ જાય છે. કેટલીક વખત હાથમાં આવે એ ફેંકીને તોડીફોડી નાખે છે. આપણને સમજાય જ નહીં કે આ માણસ આવું શા માટે કરે છે? આવું કરીને તેને શું મળી જવાનું છે? માણસના દરેક વર્તન પાછળ કોઇ કારણ જવાબદાર હોય છે. એમ જ કોઇ કંઇ કરતું નથી. માણસ કંઇ ન કરવાનું કરે ત્યારે એક વાત સમજી લેવાની જરૂર હોય છે તેને લાગણી અને હૂંફની જરૂર છે. અત્યારે થાય છે ઊંધું, કોઇ માણસ અયોગ્ય વર્તન કરે તો લોકો તેના પ્રત્યે સહાનુભૂતિ દાખવવાને બદલે તેને નફરત કરવા લાગે છે. તેની સામે જેમ તેમ બોલે છે. તને કંઇ ભાન નથી પડતું. તારું ધાર્યું કરાવવા માટે તું ત્રાગાં કરે છે. આ બધાં તારાં નાટક છે. તારી વાતોમાં અમે આવવાના નથી. આવું કરવાથી અસ્વસ્થ માણસ શાંત પડવાના બદલે વધુ અશાંત અને અધીરો થાય છે. હમણાંનો એક અભ્યાસ એવું કહે છે કે, અત્યારની લાઇફ સ્ટાઇલ, સોશિયલ મીડિયા, ઇન્ટરનેટની લત અને ટેક્નોલોજી વચ્ચે ઘેરાયેલો માણસ વધુ ને વધુ ડિસ્ટર્બ થતો જાય છે. હવે આવું બહુ વધી ગયું છે એવી વાતો થાય છે. નિષ્ણાતો સવાલ કરે છે કે, શું અગાઉ આવું નહોતું? અગાઉ પણ ઇશ્યૂઝ અને પ્રોબ્લેમ હતા જ. એ સમયે નજીકના લોકો, મિત્રો, સંબંધીઓ તેને સંભાળી લેતા. હવે એવું નથી થતું. અનેક કિસ્સાઓમાં અયોગ્ય વર્તન કરનારને નોધારા મૂકી દેવામાં આવે છે. તારે કરવું હોય એમ કર એવું કહીને તેની માનસિક સ્થિતિ વધુ ખરાબ કરી દે છે. હકીકતે એને સમજવાની, સ્વીકારવાની અને એની કાળજી લેવાની જરૂર હોય છે.
માનસિક રીતે અસ્વસ્થ માણસ ઘણી વખત ઓળખાતો નથી. મનોવિજ્ઞાન ત્યાં સુધીની વાતો કહે છે કે, એ પોતાની જુદી જ માનસિક અવસ્થામાં જીવતો હોય છે. આપણે પણ કોઇ ને કોઇ એવી હરકતો કરતા હોઇએ છીએ જે એબ્નોર્મલ હોય છે. આપણું વર્તન હિંસક કે હાનિકારક નથી હોતું, એટલે લોકો તેને ગંભીરતાથી લેતા હોતા નથી. દુનિયામાં આજકાલ `ધ માસ્ક ઓફ સેનિટી' નામના પુસ્તકની જબરદસ્ત ચર્ચા છે. અમેરિકાના સુપ્રસિદ્ધ સાઇકિયાટ્રિસ્ટ હર્વે એમ. ક્લેકલીએ લખેલું આ પુસ્તક 1941માં પ્રસિદ્ધ થયું હતું. આ પુસ્તકની ગણના સાયકોપથી પર લખાયેલા સૌથી પ્રભાવશાળી પુસ્તક તરીકે થાય છે. આ પુસ્તકમાં હર્વે ક્લેકલીએ અનેક અભ્યાસ કરીને લખ્યું છે કે, સાયકોપેથ માણસ બહારથી ખૂબ જ આકર્ષક, બુદ્ધિશાળી અને વાતચીતમાં કુશળ હોય છે. એ લોકો બહારથી ભલે સીધા સાદા દેખાતા હોય, પણ અંદરથી કોઇ જુદા જ સ્તર પર જીવતા હોય છે. ક્યારેક એ અસામાન્ય લાગે એવું વર્તન પણ કરતા હોય છે. આ વિષય પર બ્રિટનની ડર્બી યુનિવર્સિટીના મનોવિજ્ઞાની લેવિસ વીલેસ કહે છે કે, દરેક માનસિક સમસ્યા નકારાત્મક હોતી નથી. કેટલીક માનસિક સમસ્યાઓ માણસને વધુ સંનિષ્ઠ અને વધુ મહેનતું બનાવે છે. બીજી એક વાત એવી પણ કહેવામાં આવી છે કે, તમારી નજીકની કોઇ વ્યક્તિ સામાન્ય અને અહિંસક માનસિક સમસ્યાથી પીડાતી હોય તો તેના બિહેવિયર પર નજર રાખો. એ સમસ્યાને ઇગ્નોર કરો. તેનામાં શું સારું છે એ શોધો. એ વ્યક્તિ કોઇ ચોક્કસ કામમાં નિપુણ હોઈ શકે છે. એને એ તરફ વાળવાથી સારાં પરિણામો મેળવી શકાય છે.
