સંદેશના એક વાચક સુરેશ ચૌહાણનું સુંદર સૂચન આવ્યું છે; `હું શ્રી કમલ હાસનજીનો એક અદનો પ્રશંસક છું. આપે તેમની એક ફિલ્મ પુષ્પક અંગે વાત નથી કરી. તેની વાર્તા, અભિનય, દિગ્દર્શન તો ઉત્તમ છે, પણ સૌથી ગજબ વાત તો એ છે કે તેમાં એક પણ સંવાદ નથી, છતાં પણ ફિલ્મ જોવામાં કોઈ કંટાળો નથી આવતો. આપ આ ફિલ્મ વિશે અવશ્ય માહિતી આપો, જેથી મારા જેવા સિનેરસિકોને મોજ પડી જાય.'
વાત તો સાચી છે. એક પણ સંવાદ વગરની આ ફિલ્મ ખરેખર સીમાચિહ્ન રૂપ છે, કમલ હાસનની કારકિર્દીમાં તો ખરી જ, ફિલ્મ સર્જનની દુનિયામાં પણ. એક તો આ `મૂંગી સિનેમા'ના યુગ પછીની પહેલી સંવાદ વગરની ફિલ્મ હતી. બીજું, કમલ હાસનની કારકિર્દી શિખર પર હતી ત્યારે આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ જોયા પછી ફિલ્મકાર સત્યજિત રેએ કહ્યું હતું, `(લેખક-નિર્દેશક) સિંગીતમ શ્રીનિવાસ રાવે મૃત શરીરની આસપાસ પ્રેમનું દૃશ્ય રચ્યું છે.'
દક્ષિણ ભારતના સિનેમામાં દિગ્ગજ સિંગીતમ શ્રીનિવાસ રાવને એક ફિલ્મમાં એક પાત્ર પાસેથી બોલ્યા વગર ડરનો અભિનય કરાવતી વખતે વિચાર આવ્યો હતો આખી વાર્તામાં કોઈ બોલે જ નહીં તેવી ફિલ્મ બને તો કેવું? કમલ હાસનને આ પ્રયોગ પસંદ આવ્યો હતો અને તેમણે ચાર્લી ચેપ્લિન પરથી પ્રેરણા લઈને એક બેરોજગાર ગ્રેજ્યુએટનો આ કિરદાર કર્યો હતો, જેના માટે તેમને એવોર્ડ પણ મળ્યો હતો.
ફિલ્મનું મૂળ નામ હતું `પુષ્પક વિમાન.' પાંચ ભાષામાં (અલગ અલગ શીર્ષક સાથે) રિલીઝ થઇ હતી. આ કેવળ ફિલ્મ જ નથી, પણ મનુષ્યના અચેતન મનનો હરતો-ફરતો નકશો છે. તે એક એવી યાત્રા છે જેમાં શબ્દો અનુપસ્થિત છે, પણ માણસના અંદરનો શોરબકોર દરેક ફ્રેમમાં સંભળાય છે.
સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે સંવાદ કોઈ પાત્રના વિચારોને વ્યક્ત કરે છે, પણ `પુષ્પક' આ ભ્રમ તોડી નાખે છે. અહીં કોઈ બોલતું નથી, કારણ કે નિર્દેશક એવું કહેવા માંગે છે કે મનુષ્યની ઊંડી ઇચ્છાઓ ક્યારેય શબ્દોમાં નથી બોલતી. તે આંખોમાં હોય છે, ચાલમાં હોય છે, વસ્તુઓ પ્રત્યેના આકર્ષણમાં હોય છે અને એ સપનામાં રહેતી હોય છે, જે જાગતી આંખે જોવામાં આવે છે.
ફિલ્મનો બેરોજગાર નાયક કેવળ એક વ્યક્તિ નથી ; તે એ આધુનિક ભારતીય સમાજનો પ્રતિનિધિ છે, જ્યાં યોગ્યતા અને અવસર વચ્ચે લાંબી ખાઈ છે. શરૂઆતમાં તે ગરીબી, અસુરક્ષા અને હીનતા વચ્ચે જીવતો હોય છે અને તે માત્ર અમીર જ બનવા નથી માંગતો, બલ્કે એ અપમાનથી પણ મુક્ત થવા માંગે છે જે તેની ગરીબીના કારણે પેદા થયું છે.
તેને સડક પર પડેલો એક અમીર શરાબી મળે છે. આ માણસ તેની અતૃપ્ત આકાંક્ષાનું પ્રતીક છે. એ શરાબી વાસ્તવમાં તેનું જ `બીજું સ્વરૂપ' છે ; વ્યક્તિત્વનો એક એવો શેડ, જેને આપણે મેળવવા ઇચ્છીએ છીએ, પણ તેના પ્રત્યે અપમાનબોધ પણ મહેસૂસ કરીએ છીએ. બેરોજગાર યુવક તેના ખિસ્સામાંથી તેની વૈભવી હોટલ `પુષ્પક'ના રૂમની ચાવી સેરવી લે છે અને ખુદ અમીર બનીને તેમાં ઘૂસી જાય છે. યુવક ખાલી તે અમીરની ઓળખ જ નથી ચોરતો, બલ્કે પોતાની અંદર દબાયેલા એ સપનાને જીવવા લાગે છે જે તે વર્ષોથી જોતો આવ્યો હતો.
આ એક અસહજ સત્ય છે. આપણામાંથી મોટાભાગના લોકો જીવનમાં કોઈ ને કોઈ રૂપે આવું જ કરતા હોઈએ છીએ. આપણે બીજાની સફળતાઓ જોઇને કલ્પના કરીએ છીએ કે આપણને આવું જીવન મળી જાય તો આપણી સર્વે સમસ્યાઓ દૂર થઇ જાય.
`પુષ્પક' આ ભ્રમનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ છે. `પુષ્પક' હોટલ ખાલી ઈમારત નથી, તે ઈચ્છા-મહેલ છે. તે આધુનિક મૂડીવાદી સમાજનું સ્વર્ગ છે. રામાયણમાં પુષ્પક વિમાન મનુષ્યને એક સ્થળેથી બીજા સ્થળે લઇ જાય છે. એવી જ રીતે ફિલ્મમાં આ હોટલ એક બેરોજગાર યુવાનને તેની સામાજિક વાસ્તવિકતામાંથી ઉઠાવીને એક કૃત્રિમ સ્વપ્નલોકમાં પહોંચાડી દે છે.
પણ મનુષ્યનું મન ક્યાં એટલું સરળ છે! નાયક જેમ જેમ અમીરોના વિલાસમાં ડૂબતો જાય છે, તેમ-તેમ તેની ચિંતાઓ વધવા લાગે છે. દરેક ચોરી તેની સાથે ભય લઈને આવતી હોય છે. માણસ જેટલું વધુ જૂઠું બોલે, એટલો જ પકડાઈ જવાનો ડર તેને સતાવે. આ કારણથી જ ફિલ્મમાં હાસ્ય અને ભયનો ભાવ સાથે-સાથે ચાલે છે. દર્શકો હસે તો છે, પણ અંદરથી બેચેન પણ છે, કારણ કે તેમને ખબર છે કે આ જીવન અસલી નથી.
અમીરની બેવફા પત્ની પતિની હત્યા માટે જે હત્યારાને ભાડે રાખે છે તે પણ ખાલી અપરાધી નથી. તે નાયકના અચેતન અપરાધબોધનું પ્રતીક છે. નાયકના માથા પર તોળાતો ખતરો જાણે તેને યાદ અપાવતો હોય કે વ્યક્તિ તેના નૈતિક અપરાધોથી ભાગી નથી શકતો. પેલો તેને બરફના ખંજરથી મારવા પ્રયાસ કરે છે. આ હિંસા પણ પ્રતિકાત્મક છે. આ હિંસા પ્રતિસ્પર્ધા, લાલચ અને મહત્ત્વાકાંક્ષાના રૂપમાં આપણી અંદર છુપાયેલી હોય છે.
ફિલ્મમાં પ્રેમ પણ દિલચસ્પ છે. સામાન્ય ફિલ્મોમાં પ્રેમ મુક્તિ અપાવતો હોય છે, પણ અહીં દર્પણનું કામ કરે છે. નાયક જ્યારે છોકરી(અમલા)ને પ્રેમ કરવા લાગે છે, ત્યારે પહેલીવાર તેને તેના જૂઠનો ભાર મહેસૂસ થાય છે. પ્રેમ વ્યક્તિને કેવળ બીજાની નજીક જ નથી લાવતો, તે સ્વયંને પોતાની સામે પણ લાવે છે. પ્રેમમાં આપણે બીજી વ્યક્તિની અંદર આપણા અધૂરા આત્માને શોધીએ છીએ, પણ આપણી ઓળખ જો જૂઠ આધારિત હોય, તો પ્રેમ પણ અસુરક્ષિત થઇ જાય છે. એટલા માટે નાયકનો સૌથી મોટો સંઘર્ષ ધન કે હત્યા નથી, તેનો સૌથી મોટો સંઘર્ષ એ છે કે તે એ સ્ત્રી સામે પોતાના વાસ્તવિક સ્વરૂપને કેવી રીતે સ્વીકારે.
ફિલ્મમાં વારંવાર દર્પણ બતાવવામાં આવ્યાં છે. તેનું કારણ એ જ છે કે તે નાયક જેટલો જૂઠની જિંદગીમાં ઊતરતો જાય છે, તે વધુ ને વધુ સ્વયંથી જાગૃત થતો જાય છે. અહીં દર્પણ આત્મબોધનું કામ કરે છે. ફિલ્મમાં એક બીજું પણ માર્મિક દૃશ્ય છે, જેમાં સડક પર રહેતા એક ભિખારી પાસે છૂપું ધન છે. આ દૃશ્ય માણસની સંગ્રહખોરીનું નગ્ન સ્વરૂપ છે. ભિખારી ધન જમા કરે છે, અમીર માણસ ધનમાં ડૂબેલો છે અને બેરોજગાર યુવાન ધનનું સપનું જુએ છે. ત્રણે અલગ-અલગ સામાજિક વર્ગના છે, પણ ત્રણેના મનમાં એક જ ચીજ સમાન છે; અભાવનો ભય. ફિલ્મનો આ ક્રૂર વ્યંગ છે કે ગરીબી અને અમીરી બંનેના કેન્દ્રમાં ભય મોજૂદ છે. નાયક જ્યારે હોટલના માલિકની વાર્તા જુએ છે ત્યારે તેની અંદર પરિવર્તન આવે છે કે સફળતા કેવળ છળ-કપટથી જ નથી આવતી. આ પરિવર્તન આત્મબોધનું પરિણામ છે. અંતે તે બધું છોડીને નોકરીની લાઈનમાં ઊભો રહી જાય છે. આપણને એવું લાગે કે કશું બદલાયું નથી; એ જ બેરોજગારી, એ જ ગરીબી અને એ જ અસુરક્ષા, પણ વાસ્તવમાં ઘણું બધું બદલાઈ ગયું છે. હવે તેની અંદર એ ભ્રમ નથી કે કોઈકની ઓળખ ચોરીને જીવન જીવી શકાય છે. તેને ખબર છે કે જીવનયાત્રા કઠિન હશે, પણ હશે તેની પોતાની.
`પુષ્પક' ફિલ્મ એટલે જ આજે પણ પ્રાસંગિક છે. તે ખાલી 1980ના દાયકાની બેરોજગારી પર બનેલી ફિલ્મ નથી, તે દરેક મનુષ્યની વાર્તા છે જે હંમેશાં બીજાની જિંદગી જીવવા ઈચ્છે છે. જે માની બેઠો છે કે સુખ ક્યાંક બહાર છે, સ્વર્ગ ક્યાંક અમીરીમાં છે, પણ અંતે તેને ભાન થાય છે કે સૌથી અઘરું કામ અમીર બનવાનું નથી, બલ્કે સ્વયં બનવાનું છે.
આ જ અંતિમ સત્ય છે. આપણો અસલી સંઘર્ષ દુનિયા જીતવાનો નથી, આપણી અંદરના જૂઠથી મુક્ત થવાનો છે. `પુષ્પક' ફિલ્મ એટલા માટે મહાન નથી કે એમાં એક પણ સંવાદ નથી, પણ એટલા માટે કે તે આપણને અંદર ચાલતી એ વાતોથી રૂબરૂ કરાવે છે, જે વિના શબ્દોથી ઘટિત થઇ રહી છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો










