દેશ અને દુનિયામાં એવા ઘણા મહાન લોકો થઇ ગયા જેની યાદમાં તેમની વિશાળ પ્રતિમા બનાવવામાં આવે છે. એ દ્વારા તેમને સન્માન આપીને તેમની વિશેષતાને અન્ય લોકો સમક્ષ રજૂ કરવામાં આવે છે. આવી જ એક પ્રતિમા રોમાનિયાના ઓર્સોવા શહેર પાસે ડેસિયન રાજા ડેસિબલસની છે.

ડેન્યૂબ નદીના કિનારે, આયર્ન ગેટ્સ કોતરના ભવ્ય પ્રવેશદ્વાર પર બનાવવામાં આવેલી ડેસિબલસની પ્રતિમા માત્ર એક શિલ્પ નથી, પરંતુ તે એક રાષ્ટ્રની અદમ્ય ભાવના અને ઐતિહાસિક સ્મૃતિની પરાકાષ્ઠા છે. રોમાનિયા અને સર્બિયાની સરહદોને વિભાજિત કરતી ડેન્યૂબ નદીના કિનારે આવેલા ખડકોને કોતરીને આ સ્ટેચ્યૂ બનાવવામાં આવ્યું છે. તેની ઊંચાઇ 55 મીટર અને પહોળાઇ 25 મીટર છે. આ પ્રતિમા એટલી અદ્ભુત છે કે, તે રોમન સામ્રાજ્ય સામે પોતાનું સર્વસ્વ આપનાર પ્રાચીન ડેશિયન રાજા ડેસિબલસને કાયમ માટે અમર બનાવે છે.

સ્વતંત્રતાના મહાન યોદ્ધા રાજા ડેશિયન

ડેસિબલસનું નામ રોમાનિયન ઇતિહાસમાં બલિદાન અને રાષ્ટ્રીય ગૌરવ તરીકે લેવાય છે. તે ડેશિયાના છેલ્લા રાજા હતા, જેમના શાસન હેઠળ આજના રોમાનિયાનો પ્રદેશ આવ્યો હતો. ડેસિબલસ માત્ર એક સૈનિક નહોતા, પણ એક કુશળ નેતા પણ હતા, જેમણે એક મજબૂત અને સંગઠિત ડેશિયન રાજ્યનું નિર્માણ કર્યું હતું. તેમની મુખ્ય લડાઈ રોમન સામ્રાજ્ય સામે હતી, જે તેમના રાજ્યને જીતવા માટે સતત પ્રયત્નશીલ હતું. સમ્રાટ ટ્રાજને ઈ.સ. 101-102 અને ઈ.સ. 105-106માં બે ભયંકર યુદ્ધો લડ્યાં. આખરે રોમની વિશાળ સૈન્ય શક્તિ સામે ટકી ન શકતા, ડેસિબલસે રોમન કેદમાં જીવવાને બદલે આત્મહત્યા કરવાનું પસંદ કર્યું. રોમન ઇતિહાસકારોએ પણ તેમની હિંમત અને વીરતાની નોંધ લીધી છે. તેમના બલિદાને તેમને રોમાનિયન લોકો માટે એક પૌરાણિક નાયકનું સ્થાન આપ્યું છે.

નિર્માણ પાછળનો હેતુ

આ અસાધારણ સ્મારકનું નિર્માણ કોઈ સરકારી પ્રોજેક્ટ નહોતો, પરંતુ તે એક રોમાનિયન ઇતિહાસકાર અને વ્યાપારી યોસિફ કોન્સ્ટેન્ટિન ડ્રાગનની અંગત મહત્ત્વાકાંક્ષાનું પરિણામ હતું. પેટ્રોલિયમ ઉદ્યોગમાં સફળતા મેળવનાર ડ્રાગન ડેશિયન ઇતિહાસ અને રાષ્ટ્રવાદના પ્રખર સમર્થક હતા. ડ્રાગનનું સ્વપ્ન હતું કે ડેન્યૂબના આ ઐતિહાસિક સ્થળે ડેશિયન ઓળખનું એક કાયમી પ્રતીક સ્થાપિત કરવામાં આવે. તેમણે આ સંપૂર્ણ પ્રોજેક્ટ માટે ભંડોળ પૂરું પાડ્યું. જેમાં આશરે એક મિલિયન યુએસ ડોલરનો ખર્ચ થયો હોવાનું કહેવામાં આવે છે. તેમણે પ્રતિમાના પાયામાં એક શિલાલેખ કોતરાવ્યો છે, જે લેટિન ભાષામાં છે. ડેસેબાલસ રેક્સ ડ્રેગન ડન. એનો અર્થ રાજા ડેસેબાલસ જેણે ડ્રેગને બનાવ્યાં હતાં એવો થાય છે.

ભૌગોલિક પડકારો

આ પ્રતિમાને બનાવવાની શરૂઆત 1994માં કરવામાં આવી હતી. 1994થી શરૂ કરીને 2004 સુધી તેની કામગીરી ચાલી હતી. એટલે કે આ મૂર્તિ બનાવવામાં 10 વર્ષની સખત મહેનત લાગી હતી. આ કાર્યને પૂર્ણ કરનાર કલાકારો અને એન્જિનિયરોની ટીમને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો.

દુર્ગમ સ્થળ : પ્રતિમાનું સ્થળ આયર્ન ગેટ્સની કોતર ડેન્યૂબ નદીની ઉપર એક ઊભી અને અસ્થિર ખડક પર છે. અહીં કોઈ રસ્તો નહોતો, તેથી કારીગરોથી માંડીને પ્રતિમા બનાવવા માટેનાં તમામ સાધનો, ખોરાક અને પાણી બધું બોટ દ્વારા જ પહોંચાડવાના હતા.

ઊંચાઈ પર કામ : ઇટાલિયન શિલ્પકાર મરિયો ગાલેરિયાના નેતૃત્વ હેઠળ આ પ્રતિમા બનાવવામાં આવી હતી.

તેમણે એને તેમની ટીમે પર્વતારોહક તથા શિલ્પકારોની જેમ કામ કર્યું. તેઓ ખડક પર લટકીને અને બાંધકામના કૌશલ્યનો ઉપયોગ કરીને દિવસના માત્ર 6-8 કલાક જ કામ કરી શકતા હતા. ભૌગોલિક સ્થિતિ એવી હતી કે રાત્રે કામ ચાલુ રાખી શકાય એમ નહોતું.

સલામતી અને ટેક્નિક : શરૂઆતમાં ખડકની સપાટીને ડાયનેમાઇટ વડે વિસ્ફોટ કરીને મોટો આકાર આપવામાં આવ્યો, જેથી કામ કરવામાં સરળતા રહે. ત્યારબાદ સ્ટીલના માળખા અને સિમેન્ટનો ઉપયોગ કરીને બાકીની વિગતોને કાળજીપૂર્વક કોતરવામાં આવી. કાર્યના અંતે પ્રતિમાની સપાટીને હવામાનની અસરથી બચાવવા માટે વિશેષ રસાયણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ડેસિબલસ વિરુદ્ધ ટ્રાજન

આ પ્રતિમાનું સ્થાન રોમાનિયાના ઇતિહાસના ઊંડાણની સાક્ષી પૂરે છે. ડેસિબલસની પ્રતિમાની બરાબર સામે, નદી પાર સર્બિયાના કિનારે, એક પ્રાચીન રોમન સ્મારક આવેલું છે, જેનેટ્રાજનનું ટેબ્લેટ કહેવામાં આવે છે. તેથી અહીંના લોકો દ્વારા આ પ્રતિમાને ડેસિબલસ વિરુદ્ધ ટ્રાજન કહેવામાં આવે છે.

આ રોમન ટેબ્લેટ સમ્રાટ ટ્રાજનના લશ્કરી માર્ગ અને તેના પુલના નિર્માણની યાદ અપાવે છે, જેણે આયર્ન ગેટ્સમાંથી પસાર થવા માટે રોમન દળોને મદદ કરી હતી. એક તરફ રોમન વિજેતાની સિદ્ધિનું પથ્થરનું સ્મારક છે અને બીજી તરફ બહાદુરીપૂર્વક લડનાર ડેશિયન રાજાની વિશાળ છબી છે. આ બે સ્મારકો એકસાથે ઊભા રહીને રોમન વિજય અને ડેશિયન ગૌરવ વચ્ચેના શાશ્વત સંઘર્ષની વાર્તા કહે છે.

આજે ડેસિબલસની પ્રતિમા રોમાનિયા માટે એક શક્તિશાળી સાંસ્કૃતિક ચિહ્ન છે. તે લાખો પ્રવાસીઓને આકર્ષે છે. આ પ્રતિમા રોમાનિયન લોકોની મૂળ ઓળખ અને સંસ્કૃતિને જાળવી રાખવાના પ્રયાસોનું પ્રતીક છે.