બહારગામ ગયેલો પતિ અચાનક ઘરે આવી પહોંચ્યો, કારણ કે એને શંકા હતી કે એનાં પત્ની-ભાઈબંધ વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હતું. એ ઘરમાં પ્રવેશ્યો ત્યારે પત્ની-ભાઈબંધ બંધબારણે ડિનર લઈ રહ્યાં હતાં. પતિના મન પર ક્રોધનો શેતાન સવાર થયો. પતિ ધારદાર કટાર લઈને ડાઈનિંગ રૂમમાં પ્રવેશ્યો. એને જોઈને પેલા બેય ડર્યાં. આગળની વાત, પતિના શબ્દોમાં...

પત્નીની આંખોમાં ડર ઉપરાંત પણ કેટલીક લાગણીઓ ડોકાઈ. પત્નીની આંખોમાં માત્ર ડર જ હોત તો એ ન બન્યું હોત જે બન્યું (ખૂન ન થયું હોત), પરંતુ પત્નીની આંખોમાં ડર ઉપરાંત અણગમો અને ચીડ પણ હતાં. એના પ્રેમની અને સુખની પળોમાં ખલેલ પહોંચી એનો જાણે એને વાંધો હોય એવા ભાવ મને એ આંખોમાં દેખાયા.

પછી પત્નીએ ટૂફસ્કી (ભાઈબંધ) સામે જોયું અને પત્નીની આંખમાં ટૂફસ્કીની ફિકરના ભાવ પ્રગટ્યા હોવાનું મને લાગ્યું. હું ચૂપચાપ દરવાજામાં ઊભો રહ્યો. કટારને મેં પીઠ પાછળ છુપાવી રાખી હતી. અચાનક ટૂફસ્કીએ હસીને પોતે એકદમ સહજ હોય એવા ભાવ સાથે કહ્યું, `અમે લોકો સંગીતની...' એ જ વખતે પત્નીએ ટૂફસ્કી જેવા જ સૂર-લયમાં કહ્યું, `તમે આજે આવશો એવું...'

બેમાંથી એકેયે પોતાનું વાક્ય પૂરું ન કર્યું.

આગલા અઠવાડિયે પત્ની પ્રત્યે જાગેલા પ્રચંડ રોષે મારા પર કબ્જો જમાવ્યો (એ વખતે મેં પત્ની સામે પેપરવેઈટ ફેંકેલું). મને લાગ્યું કે મારે મારી અંદરની હિંસાને મોકળું મેદાન આપવું જોઈએ અને ઉન્મુક્ત રોષનો આનંદ માણવો જોઈએ.

હું પત્ની સામે ધસ્યો. એ વખતે પણ કટાર મેં હજુ પીઠ પાછળ છુપાવી રાખેલી. હું પત્નીની છાતીમાં ચોક્કસ જગ્યાએ, સ્તનની નીચે કટાર ભોંકવા માગતો હતો. હું પત્ની તરફ ધસ્યો એ ઘડીએ ટૂફસ્કીને મારા હાથમાંની કટાર દેખાઈ અને એણે ઝડપથી મારો હાથ પકડ્યો. એ આવું કરશે એવું મેં ધાર્યું નહોતું. એ ચિલ્લાયોઃ `ભાનમાં આવ. આ તું શું કરે છે? હેલ્પ... હેલ્પ...'

મેં જોર કરીને મારો હાથ એના હાથમાંથી છોડાવ્યો અને હું એના તરફ ધસ્યો. આ વખતે ફરી એક વાર એણે એવું કર્યું જેના વિશે મેં ધાર્યું નહોતું કે એ આવું કરશે. એ ચોપગા પ્રાણીની જેમ પિયાનોની નીચે ઘૂસીને બીજા કમરા તરફ સરક્યો. હું એના તરફ આગળ વધ્યો, પણ અચાનક મારા ડાબા ખભા પર ભારે બોજ આવી પડ્યો. એ બોજ મારી પત્નીનો હતો. પત્નીએ મને પકડી રાખવા જોર લગાવ્યું. હું એની પકડથી છૂટવા મથ્યો. એણે વધુ જોર કર્યું. આ અણધારી અડચણને લીધે અને પત્નીના અણગમતા સ્પર્શને લીધે મારો ગુસ્સો વધ્યો અને મને સમજાઈ રહ્યું હતું કે હું સાવ જ ગાંડો થઈ ગયો છું. હું ભયંકર દેખાઈ રહ્યો હોઈશ. આહા, કેવી મજા!

મેં પૂરું જોર કરીને ડાબી કોણી વડે પત્નીના ચહેરા પર પ્રહાર કર્યો. એણે ચીસ પાડી. એણે મારો હાથ છોડી દીધો. હું ટૂફસ્કીની પાછળ જવા માગતો હતો, પરંતુ મને લાગ્યું કે આવી રીતે અપૂરતાં વસ્ત્રોમાં હું પત્નીના પ્રેમીનો પીછો કરું એ સારું ન લાગે. હું કઢંગો લાગું એ મને મંજૂર નહોતું. મારો રોષ ટોચ પર હોવા છતાં પ્રત્યેક પળે મારામાં એવી સભાનતા હતી જ કે હું કેવો લાગી રહ્યો હોઈશ. મારા દેખાવની સભાનતાએ મને દોર્યો.

(એટલે ટૂફસ્કીની પાછળ જવાને બદલે) હું પત્ની તરફ લપક્યો. એ લાંબી આરામખુરશીમાં ફસડાઈ પડી હતી. મારી કોણી એના ચહેરા પર જ્યાં વાગેલી એ ભાગને એ પોતાના હાથ વડે ઢાંકી રહી હતી. એની આંખોમાં મને મારા પ્રત્યેના, એના દુશ્મન પ્રત્યેના ભય અને ધિક્કાર દેખાયા. પુરાયેલા ઉંદરને છોડવા માટે આપણે ઉંદરિયું ખોલીએ ત્યારે ઉંદરની આંખમાં જોવા મળે એવા એ ભાવ હતા. ભય અને ધિક્કાર. અન્ય પુરુષ પ્રત્યેના પ્રેમથી પ્રેરાયેલા ભય અને ધિક્કાર. કદાચ હું હજુ પણ એ તબક્કે અટકી શક્યો હોત, જો એ અંતિમ છેડે ન ગઈ હોત, જો એ ચૂપ રહી હોત, પણ એણે અચાનક બોલવાનું શરૂ કર્યું. મારા જે હાથમાં કટાર હતી એ હાથને પકડીને એ બોલીઃ `ભાનમાં આવો. આ તમે શું કરી રહ્યા છો? તમને શું થઈ ગયું છે? કશું નથી થયું. અમારી વચ્ચે કશું એટલે કશું જ નથી થયું. હું સોગંદ ખાઈને કહું છું.'

હું થોભ્યો હોત, પણ એના આ શબ્દોનો બરાબર સામેના છેડાનો અર્થ મને સમજાયો કે `બધું જ' થઈ ચૂક્યું હતું. હવે આનો તો જવાબ આપવો જ પડે અને જવાબ એવો હોવો જોઈએ જે મેં મારા પ્રચંડ રોષને અનુરૂપ હોય. એ રોષ, જે સતત વધી રહ્યો હતો અને એ વધવો જ જોઈએ. રોષના પોતાના નિયમો હોય છે.

`ખોટું ન બોલ હલકટ. જુઠ્ઠું બોલવાનું રહેવા દે.' હું ગરજ્યો.

મેં ડાબા હાથે પત્નીના બેય હાથ પકડવાની કોશિશ કરી, પણ એણે હાથ છોડાવી લીધા. પછી કટાર પકડેલી રાખીને મેં એને ગળેથી પકડીને ફર્શ પર પાડી અને એનું ગળું દબાવવાનું શરૂ કર્યું. એ રૂંધાતાં-રૂંધાતાં બંને હાથ વડે ગળું છોડાવવા મથી. પછી મેં એના ડાબા પડખામાં નીચલી પાંસળીઓની વચ્ચે કટાર ભોંકી.

લોકો જ્યારે એવું કહે કે આવેગ કે રોષની પળોમાં પોતે શું કરેલું એ એમને યાદ નથી ત્યારે સમજવું કે એ બકવાસ કરી રહ્યા છે, કારણ કે મને તો બધું જ યાદ છે. હું પ્રત્યેક પળે સભાન હતો. જેમ જેમ મારો રોષ વધ્યો તેમ તેમ મારી માનસિક સ્પષ્ટતા પણ વધી.

     હું એકદમ સભાનપણે વિચારી રહ્યો હતો. હું આવું બધું કરીશ એની મને પહેલેથી જ ખબર હતી એવું તો હું ન કહી શકું, પણ એટલું ચોક્કસ કહીશ કે હું જે કરી રહ્યો હતો એની આગલી પળોમાં મને બરાબર ખબર હતી કે હું શું કરવા તરફ આગળ વધી રહ્યો હતો. આ સભાનતા અને માનસિક સ્પષ્ટતા મેં કદાચ એટલે ટકાવી રાખેલી, જેથી આગળ જતાં હું પસ્તાવો કરી શકું. એવું કહી શકું કે મને ખબર હતી. હું અટકી શક્યો હોત.

મને ખબર હતી કે કટાર પાંસળીની વચ્ચે ભોંકાઈ. એ ઘડીએ મને બરાબર ખબર હતી કે અગાઉ ક્યારેય ન કર્યું હોય એવું એક ભયાનક કૃત્ય હું કરી રહ્યો હતો અને આ કૃત્યનાં ભયાનક પરિણામો આવશે. મારા વિચારો વીજળીવેગે ચાલી રહ્યા હતા અને વિચારોને અનુસરીને મારો હાથ પણ આગળ વધ્યો. મેં અનુભવ્યું કે કોર્સેટ (અંદર પહેરવાના જાડા-કડક વસ્ત્ર)ને કારણે કટારની ગતિની આડે થોડો અવરોધ આવ્યો. પછી કોર્સેટ ભેદ્યા બાદ કટારને બીજું કશુંક નડ્યું અને પછી કશાક પોચા પદાર્થમાં કટાર પ્રવેશી.

પત્નીએ હાથ વડે કટારને મજબૂતીથી પકડી. એને લીધે એના હાથ જખમી થયા. એણે પૂરતું જોર કર્યું, પરંતુ એ કટારને વધુ ઊંડે ઘૂસતી રોકી ન શકી.

લાંબા સમય પછી જ્યારે હું જેલમાં હતો અને મારામાં નૈતિક બદલાવ આવી ચૂક્યો હતો ત્યારે મેં આ ઘટનાને યાદ કરી અને મારાથી બની શકે એટલા ઊંડાણથી એ પળોને મેં ફરીથી વિચારી-ગોઠવી ત્યારે મને યાદ આવ્યું કે (કટારને વધુ ઊંડે સુધી ભોંકતી વખતે) મારા મનમાં એક એવી ભયાનક સભાનતા પ્રગટેલી કે હું એક પત્નીને મારી રહ્યો છું, મારી પત્નીને.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો