એક સીધાંસાદાં સન્નારી હતાં. નામ સોફિયા. એ પરણ્યા પછી પિયરનું મોટું શહેર છોડીને અંતરિયાળ વિસ્તારમાંની પતિની જાગીર પર રહેવા આવ્યાં.
પતિ ટોલ્સ્ટોય એ ગુમનામ જગ્યાએ બેસીને પણ જગતમાં પોતાની ખ્યાતિ પ્રસરાવી રહ્યા હતા, પરતું પત્નીનું જગત પતિ, પરિવાર અને જાગીર પૂરતું જ સીમિત હતું. ધીમે ધીમે સ્થિતિ એવી થઈ કે પતિ-પત્ની વચ્ચે પ્રેમ હોવા છતાં વિશ્વવ્યાપી પતિને પોતાના વર્તુળમાં સીમિત રાખવાના પ્રયત્નોની નિષ્ફળતાથી સોફિયા વ્યથિત થયાં.
1902ની સાલમાં 74ની ઉંમરે ટોલ્સ્ટોય ગંભીર માંદગીમાં પટકાયા ત્યારે સોફિયા એ વાતે રાજી થયાં કે માંદગીના એ આકરા સમયગાળા દરમિયાન પોતે તો પતિનું પૂરેપૂરું ધ્યાન રાખી જ શક્યાં, સાથોસાથ સામે પક્ષેથી પતિનું પૂરેપૂરું ધ્યાન પણ પોતાના (પત્ની) તરફ રહ્યું. જોકે, આ વિશિષ્ટ ખુશી અલ્પજીવી નિવડી. જેવા ટોલ્સ્ટોય સાજા થઈ ગયા કે તરત સોફિયાને લાગ્યું કે પતિની આટઆટલી ચાકરી કરવા છતાં તે પત્નીની પૂરતી કદર કરવાને બદલે, જીવનના કેન્દ્રમાં પત્ની, ઘર અને બાળકોને રાખવાને બદલે બહારની એક અલગ જ દુનિયામાં જીવી રહ્યા હતા.
ખૈર, એ ગંભીર માંદગીમાંથી બેઠા થયા પછી આઠ વર્ષ સુધી પ્રમાણમાં તંદુરસ્ત આયુષ્ય ભોગવીને ટોલ્સ્ટોય મૃત્યુ પામ્યા. એ છેલ્લાં વર્ષોમાં આમ તો ઉંમર સાથે માણસનું જોર ઘટતું જાય, પરંતુ આ પતિ-પત્ની ઉંમર વધવાની સાથે વધુ ને વધુ ઝઘડવા લાગ્યાં.
નોબત ત્યાં સુધી આવી પહોંચી કે 1910ના ઓક્ટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં ટોલ્સ્ટોય પત્ની અને ઘર છોડીને જતા રહ્યા. એ વખતે એમની ઉંમર હતી 82 વર્ષની. આ કંઈ ગૃહત્યાગની ઉંમર તો નથી, પરંતુ થયું એવું કે આગલી રાતે ટોલ્સ્ટોયે જાણ્યું કે સોફિયા એમના સ્ટડીરૂમમાં એમનું વસિયતનામું શોધી રહ્યાં હતાં. વસિયતનામાની જોગવાઈઓ વિશે પતિ-પત્ની વચ્ચે કેટલાક મુદ્દે મતભેદો હતા. આવામાં આ આદર્શવાદી માણસે ક્યાંક બધી જ સંપત્તિ લૂંટાવી તો નથી દીધીને એવી પ્રેક્ટિકલ દુન્યવી ચિંતાથી પ્રેરાઈને કે બીજું કશુંક ચેક કરવા સોફિયાએ વસિયતનામું જોવાનો ખરેખર પ્રયાસ કર્યો હોય, તો પણ એ કંઈ એટલી મોટી વાત નહોતી કે પતિએ ઘર છોડી દેવું પડે. ખૈર, એ બંને વચ્ચે એ દિવસોમાં એક્ઝેક્ટલી શું બન્યું હતું એ તો આપણે નથી જાણતા, પરંતુ એટલું સ્પષ્ટ છે કે ઘર છોડતી વખતે ટોલ્સ્ટોય પત્નીના નામે એક પત્ર મૂકતા ગયેલા, જેમાં લખ્યું હતું કે હું તને છોડી રહ્યો છું.
આ વાતનો સોફિયાને એટલો બધો આઘાત લાગ્યો કે એમણે ઘર પાસેના તળાવમાં ડૂબી મરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એમને બચાવી લેવામાં આવ્યા. ઊગરી ગયેલાં સોફિયાએ પછી 31 ઓક્ટોબર, 1910ના રોજ ડાયરીમાં લખ્યું: `હવે અમારો સંબંધ પહેલાં જેવો ક્યારેય નહીં થઈ શકે. એમણે (પતિએ) મને બહુ દુઃખ પહોંચાડ્યું છે. અમે એકમેકને હવે ફરી ક્યારેય ચાહી નહીં શકીએ. અમે એકબીજાંથી ડરતાં રહીશું.' આટલી અકળામણ ઠાલવ્યા પછી તરત, એ જ દિવસની ડાયરીનોંધમાં આગળ એ લખે છેઃ `મને એમની તબિયતની બહુ ચિંતા થઈ રહી છે.'
પછી બીજા દિવસે 1 નવેમ્બર, 1910ની ડાયરીનોંધમાં ફરી એમણે પતિની ચિંતા એવી રીતે વ્યક્ત કરી કે (આત્મહત્યાના પ્રયાસ બાદ) છેવટ હવે મેં ખાવાનું ફરી શરૂ કરી દીધું, કારણ કે જો એ (ટોલ્સ્ટોય) માંદા પડે અને એમને મારી ચાકરીની જરૂર પડે તો મારામાં શક્તિ તો હોવી જોઈએ.
ટોલ્સ્ટોય ઘર છોડી ગયા એના એકાદ અઠવાડિયા બાદ 4 ઑક્ટોબર, 1910 રોજ સોફિયાએ પતિને શોધી કાઢ્યા. એસ્તાપોવો નામના એક નાના ગામના સ્ટેશન માસ્તરના ઘરમાં ટોલ્સ્ટોય ઊતર્યા હતા. એ બહુ માંદા હતા. એમને ન્યુમોનિયા થયેલો. સોફિયાએ પતિને મળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ટોલ્સ્ટોયની આસપાસના લોકોએ એમ કહીને એમને અંદર ન આવવા દીધાં કે એ મરી રહ્યા છે અને આવા સમયે તમારી (પત્નીની) હાજરીથી એમને સ્ટ્રેસ થશે.
સોફિયા પાછા ન ફર્યાં. સ્ટેશન માસ્તરના ઘરની નજીક, જ્યાંથી એ ઘરની બારી દેખાય ત્યાં એમણે રાતો ગુજારી. ત્રણ દિવસ પછી 7 ઓક્ટોબરની ડાયરીમાં એમણે લખ્યું: `આજે સવારે છ વાગ્યે લેવ નિકોલ (લિયો ટોલ્સ્ટોય) મૃત્યુ પામ્યા. મને સાવ છેક છેલ્લી ઘડીએ અંદર જવા દેવામાં આવી ત્યારે અંતિમ શ્વાસ ચાલી રહ્યા હતા. આ લોકોએ (ટોલ્સ્ટોયની દેખભાળ રાખનારાઓએ) મને મારા પતિની વિદાય લેવાનો પણ મોકો ન આપ્યો. કેવા ક્રૂર છે આ લોકો!'
ટોલ્સ્ટોયના મૃત્યુ અને અંતિમવિધિ બાબતે સમગ્ર રશિયામાં ભારે ચકચાર જાગી. હજારો લોકો ટોલ્સ્ટોયની અંતિમવિધિમાં હાજર રહ્યા. એ સમયગાળો સોફિયા માટે બહુ આકરો રહ્યો. એક તરફ પતિના મૃત્યુના પ્રચંડ આઘાત અને દુઃખ સાથે પનારો પાડવાનો હતો, બીજી તરફ સંતાનો અને જાગીરની મસમોટી જવાબદારી હતી અને ત્રીજી તરફ ટોલ્સ્ટોયના સાહિત્યિક વારસાનું જતન કરવાનું હતું.
ટોલ્સ્ટોયનાં લખાણોને સુવાચ્ય અક્ષરે લખવાનું કામ સોફિયાએ છેવટ સુધી ચાલુ રાખેલું. ટોલ્સ્ટોયના મૃત્યુ પછી પણ એમનાં જૂનાં લખાણો સોફિયા સારા અક્ષરે કાગળ પર ઉતારતાં રહ્યાં. પતિના મૃત્યુના પાંચેક મહિના પછી 23 માર્ચે એમણે ડાયરીમાં લખ્યું: `લેવ નિક(પતિ લિયો ટોલ્સ્ટોય)ની ડાયરીની કૉપી કરવાનું કામ પૂરું થયું. કામ પત્યાનું મને બહુ દુઃખ થઈ રહ્યું છે. હવે મારી પાસે એમણે લખેલું એવું કશું નથી બચ્યું જેની હું નકલ લખી શકું. હવે (મારા જીવનમાં) છે અનંત ઉદાસી. હું ઘરમાં આખો દિવસ બેસી રહું છું. દીવાલો પર મેં એમનાં મોટાં પોટ્રેટ્સ તો ટાંગ્યાં છે, પણ એ મારી સાથે વાત નથી કરતા.'
આ નોંધના બે મહિના પછી 11 મે, 1911ના રોજ સોફિયાએ એક સાવ જ ટચૂકડી ડાયરીનોંધ લખી: `(ટોલ્સ્ટોયની) કબર પર હું ન ગઈ. ત્યાં બહુ બધા લોકો હતા. લ્યોવોચ્કા (પતિ ટોલ્સ્ટોય) અને હું, અમે બે એકલાં જ સાથે હોઈએ એવું મને જોઈએ.'
આ અત્યંત ટૂંકું લખાણ એ પતિ-પત્ની વચ્ચેના અત્યંત પેચીદા સંબંધનું જાણે હાર્દ વ્યક્ત કરે છે. `લ્યોવોચ્કા અને હું, અમે બે એકલાં જ સાથે' પત્નીને કદાચ માત્ર આટલું જ જોઈતું હતું, પરંતુ પતિએ એ આપ્યું નહીં કે આપી શક્યો નહીં.
અહીં સુધી આપણે ખાસ તો પત્નીની ડાયરીના આધારે આ સંબંધના અનેક રંગો જોયા. હવે આખી વાત પતિના એંગલથી જોઈએ. (ક્રમશઃ)
