કેરળના મલપ્પુરમ જિલ્લાનું શાંત અને નાનકડું ગામ ચેલેમ્બ્રા. નેશનલ હાઈવે 66 પર આવેલું આ ગામ સામાન્ય રીતે પોતાના શાંત વાતાવરણ માટે જાણીતું હતું, પરંતુ 30 ડિસેમ્બર, 2007ની ગુલાબી ઠંડીમાં ઊગેલી સવાર આ ગામ માટે જ નહીં, પણ સમગ્ર કેરળ પોલીસ અને ભારતીય ક્રાઈમ હિસ્ટ્રી માટે એક અભૂતપૂર્વ ઝટકો લઈને આવી રહી હતી. સાઉથ મલબાર ગ્રામીણ બેંકની શાખા રોજની જેમ એ સવારે પણ ખૂલવાની તૈયારીમાં હતી, પરંતુ જ્યારે બેંકના કર્મચારીઓએ મુખ્ય દરવાજો ખોલીને અંદર પ્રવેશ કર્યો, ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ. બેંકનો સ્ટ્રોંગ રૂમ, જે રાત્રે લોખંડના મજબૂત કવચ અને તાળાંથી સુરક્ષિત હતો, તે અત્યારે અંદરથી ભંગારમાં ફેરવાયેલો હતો. ભોંયતળિયે એક મોટું ગોળ વિવર દેખાતું હતું અને સેફમાંથી આશરે 80 કિલોગ્રામ શુદ્ધ સોનું અને 25 લાખ રૂપિયાની રોકડ રકમ ગાયબ હતી. તે સમયે તેની કુલ કિંમત આશરે 8 કરોડ રૂપિયા થતી હતી. આ કોઈ સાધારણ ચોરી નહોતી, પણ ભારતના ઈતિહાસની સૌથી મોટી અને આયોજનબદ્ધ બેંક લૂંટ પૈકીની એક હતી.

આ અકલ્પનીય ગુનાનું બીજ રોપાયું હતું આ ઘટનાના ઘણા મહિનાઓ પહેલાં. લૂંટનો મુખ્ય સૂત્રધાર હતો વાણિયામપુરક્કલ જોસેફ, જે કોટ્ટયમ જિલ્લાનો વતની હતો અને પોતાની ઓળખ છુપાવવા માટે `જયસન' કે `બાબુ' જેવાં નકલી નામો ધારણ કરતો હતો. જોસેફ કોઈ સામાન્ય ગુનેગાર નહોતો, પરંતુ ક્રાઈમ થ્રિલર ફિલ્મો અને ખાસ કરીને ધૂમ-2 ફિલ્મ જોઈને પ્રેરણા મેળવેલો એક ચાલાક અને અત્યંત શાર્પ દિમાગ ધરાવતો માસ્ટરમાઈન્ડ હતો. તેણે આ વિશાળ યોજના પાર પાડવા માટે પોતાના વિશ્વાસુ સાથીદારો ભેગા કર્યા હતા. જેમાં તિરુસુરનો રહેવાસી કાદયિલ શિબુ (ઉર્ફે રાજેશ), કોઝિકોડ જિલ્લાના મુદાદીનો રહેવાસી નાનકલાદથ રાધાકૃષ્ણન અને રાધાકૃષ્ણનની પત્ની કનકેશ્વરીનો સમાવેશ થતો હતો. આ ચારેય જણાએ કોઈ પણ ભૂલ વગર આ કામ પાર પાડવા માટે મહિનાઓ સુધી રેકી કરી હતી અને દરેક નાની વિગત પર બારીકાઈથી ધ્યાન આપ્યું હતું. તેમણે જોયું કે સાઉથ મલબાર ગ્રામીણ બેંક એવા મકાનના પહેલા માળે આવેલી હતી જેની નીચે ભોંયતળિયે એક રેસ્ટોરાં બંધ હાલતમાં પડી હતી. બેંકનો સ્ટ્રોંગ રૂમ બરાબર એ રેસ્ટોરાંની છત પર આવતો હતો. આ જ ભૌગોલિક સ્થિતિ તેમની યોજનાનું મુખ્ય કેન્દ્રબિંદુ બની ગઈ.

લૂંટના ચાર મહિના પહેલાં વાણિયામપુરક્કલ જોસેફ ઉર્ફે જયસને રેસ્ટોરાં ભાડે લેવાનો પ્લાન બનાવ્યો. તેણે મકાનમાલિકનો સંપર્ક કર્યો અને દાવા સાથે કહ્યું કે તે ત્યાં એક હાઈ-ક્લાસ હોટલ અને ફાસ્ટ ફૂડ રેસ્ટોરાં શરૂ કરવા માંગે છે. મકાનમાલિકે કોઈ પણ આશંકા વગર જોસેફને એ ભોંયતળિયું ભાડે આપી દીધું. ભાડા કરાર થતાં જ ષડ્યંત્રના બીજા તબક્કાની શરૂઆત થઈ. જોસેફ, શિબુ અને રાધાકૃષ્ણને રેસ્ટોરાંનું ઈન્ટીરિયર રિનોવેશન કરવાનું બહાનું બનાવીને સમગ્ર પરિસરને બહારથી મોટી તાડપત્રીઓ અને બોર્ડથી ઢાંકી દીધું, જેથી અંદર ચાલતી પ્રવૃત્તિ કોઈ જોઈ ન શકે. ગામલોકો અને બેંકના કર્મચારીઓ માનતા રહ્યા કે નીચે એક સુંદર રેસ્ટોરાં આકાર લઈ રહી છે, પરંતુ વાસ્તવમાં ત્યાં અંદર ભારતીય ઈતિહાસની સૌથી મોટી લૂંટનો પાયો ખોદાઈ રહ્યો હતો.

મહિનાઓ સુધી આ ગેંગ દિવસ-રાત મહેનત કરતી રહી. તેમણે બેંકના કલાકો અને સુરક્ષા સિસ્ટમનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો. સ્ટ્રોંગ રૂમની સ્થિતિ ચોક્કસ માપવા માટે તેમણે છતમાં કાણાં પાડવા માટેનો યોગ્ય પોઈન્ટ શોધવો જરૂરી હતો. જોસેફે ગેસ કટર, ડ્રિલિંગ મશીન, કટર અને કોંક્રીટ તોડવાનાં આધુનિક ઓજારો ખરીદ્યાં. તેઓ દરરોજ રાત્રે રેસ્ટોરાંની અંદર જતા અને ઉપરની કોંક્રીટની છત ખોદવાનું કામ કરતા. અવાજ બહાર ન જાય તે માટે તેઓ શાંતિથી અને ખૂબ જ સાવચેતીથી કામ કરતા. છત એટલી જાડી હતી કે તેને કાપવામાં તેમને અઠવાડિયાઓ લાગી ગયાં. આખરે 2007ની ડિસેમ્બરની આખરી રાત્રિઓમાં તેમણે સ્ટ્રોંગ રૂમના ફ્લોરિંગ સુધીનો રસ્તો બનાવી લીધો હતો. શનિવાર અને રવિવારની સળંગ રજાઓ તેમના માટે વરદાન સાબિત થવાની હતી.

29 ડિસેમ્બર, 2007ની શનિવારની રાત્રે જ્યારે આખું ચેલેમ્બ્રા ગામ ઊંઘી રહ્યું હતું, ત્યારે જોસેફ, શિબુ અને રાધાકૃષ્ણન અંતિમ ઓપરેશન માટે સજ્જ થઈ ગયા. તેમણે રેસ્ટોરાંની અંદરથી છતમાં બાકી રહેલું આખરી કોંક્રીટનું પડ તોડી પાડ્યું અને બેંકના સ્ટ્રોંગ રૂમમાં નીચેથી પ્રવેશ કર્યો. બેંકમાં કોઈ એલાર્મ વાગ્યું નહીં, કારણ કે તેમણે અગાઉથી જ વાયરિંગની તપાસ કરી લીધી હતી. કટર વડે તેમણે સેફના કપ્પા તોડી નાખ્યા. એક પછી એક સોનાના દાગીનાથી ભરેલી થેલીઓ અને રોકડ રકમ નીચે રેસ્ટોરાંમાં ઉતારવામાં આવી. આશરે 80 કિલો સોનું અને 25 લાખ રોકડા હાથમાં આવ્યા બાદ જોસેફે ત્યાં એક અનોખી ચાલાકી વાપરી. તેણે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે રૂમમાં સુગંધી પાઉડર અને મરચાનો ભુક્કો છાંટી દીધો જેથી સ્નિફર ડોગ્સ તેમનો પીછો ન કરી શકે. એટલું જ નહીં, તેમણે ત્યાં બોલિવૂડ ફિલ્મ ધૂમ-2નું પોસ્ટર ચોંટાડી દીધું, જેથી પોલીસ એવું માને કે આ કોઈ શોખીન ચોરોનું કામ છે.

રવિવારની વહેલી સવારે જ આખી ગેંગ લૂંટેલી સંપત્તિ સાથે ત્યાંથી ફરાર થઈ ગઈ. સોનું અને રોકડ સુરક્ષિત જગ્યાએ છુપાવીને તેઓ પોતપોતાના રસ્તે નીકળી ગયા. સોમવારે સવારે જ્યારે લૂંટનો ખુલાસો થયો, ત્યારે કેરળ સ્ટેટ પોલીસમાં સન્નાટો વ્યાપી ગયો. આટલી મોટી રકમ અને સોનાની ચોરી અગાઉ ક્યારેય રાજ્યમાં થઈ નહોતી. કેરળ પોલીસે તરત જ એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી, જેની આગેવાની અનુભવી ઉત્તરી ઝોનના આઈજીપી પી. વિજયન અને મલપ્પુરમ સપી સુરેશ રાજપુરોહિતને સોંપવામાં આવી. સમગ્ર રાજ્યમાં નાકાબંધી કરવામાં આવી અને ક્રાઈમ બ્રાન્ચે ઘટનાસ્થળનો કબજો લીધો. પ્રથમ દૃષ્ટિએ આ કેસ સંપૂર્ણપણે `બ્લાઈન્ડ કેસ' જણાતો હતો, કારણ કે ગુનેગારોએ પોતાની પાછળ ફિંગરપ્રિન્ટ કે અન્ય કોઈ પ્રત્યક્ષ પુરાવો છોડ્યો નહોતો.

તપાસ ટીમે રેસ્ટોરાંની વિગતો તપાસવાનું શરૂ કર્યું. જોસેફે જે સરનામું અને આઈડી પ્રોફાઈલ મકાનમાલિકને આપ્યાં હતાં તે તમામ ખોટાં અને બનાવટી નીકળ્યાં. તેણે જે મોબાઈલ નંબર વાપર્યો હતો, તે પણ બોગસ નામે લેવાયેલું સિમ કાર્ડ હતું. પોલીસે રેસ્ટોરાંના કાગળો, વાયરો અને ઉપયોગમાં લેવાયેલાં ઓજારોની ઝડપથી તપાસ શરૂ કરી. પી. વિજયનને સમજાયું કે આટલી મોટી યોજના ઘડનાર વ્યક્તિ ટેક્નોલોજીનો ઉપયોગ જરૂર કરતો હશે. 

તેમણે એરિયાના તમામ મોબાઈલ ટાવર્સના કૉલ ડિટેલ રેકોર્ડ્સ મેળવ્યા. ઘટનાના દિવસે અને તેના મહિનાઓ પહેલાં આ વિસ્તારમાં સક્રિય રહેલા હજારો મોબાઈલ નંબરોનું વિશ્લેષણ કરવામાં આવ્યું. આ એક અત્યંત જટિલ અને કંટાળાજનક પ્રક્રિયા હતી, પરંતુ કાયદાના લાંબા હાથથી કોઈ બચી શકતું નથી.

પોલીસ ટીમે ડેટા માઈનિંગ કરીને એવા નંબરો તારવ્યા, જે ઘટનાના થોડા દિવસ પહેલાં જ એક્ટિવેટ થયા હતા અને લૂંટના દિવસે અચાનક બંધ થઈ ગયા હતા. આ તપાસ દરમિયાન પોલીસને એક શંકાસ્પદ નંબર મળ્યો જેમાંથી વારંવાર અમુક જ નંબરો પર વારંવાર કોલ કરવામાં આવ્યા હતા. એ નંબરનું લોકેશન કોઝીકોડ અને કોઈમ્બતુર તરફ દર્શાવતું હતું. વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં માલૂમ પડ્યું કે આ નંબર પરથી રાધાકૃષ્ણનની પત્ની કનકેશ્વરી સાથે પણ સંપર્ક સાધવામાં આવતો હતો, જે લૂંટની યોજનાથી માંડીને માલ છુપાવવાના કાવતરામાં સક્રિય રીતે જોડાયેલી હતી. પોલીસ માટે આ પ્રથમ મહત્ત્વની કડી હતી. પોલીસે કનકેશ્વરી અને તેના સંપર્કો પર ગુપ્ત નજર રાખવાનું શરૂ કર્યું.

મળેલી વિગતોના આધારે કેરળ પોલીસે ઝડપી કામગીરી કરી દરોડા પાડવાનું શરૂ કર્યું. સૌથી પહેલાં કનકેશ્વરી અને તેના પતિ નાનકલાદથ રાધાકૃષ્ણનની ધરપકડ કરવામાં આવી. તેમની કડક પૂછપરછમાં માસ્ટરમાઈન્ડ જોસેફ અને તેના મુખ્ય સાથી કાદયિલ શિબુનાં છુપાયેલાં લોકેશન ખુલ્લાં પડી ગયાં. જોસેફ તમિલનાડુના કોઈમ્બતુર નજીક એક ભાડાના મકાનમાં છુપાયેલો હતો અને ચોરાયેલા સોનાને ઓગાળીને બિસ્કિટમાં ફેરવવાની તૈયારી કરી રહ્યો હતો. કેરળ પોલીસે તમિલનાડુ પોલીસની મદદથી દરોડો પાડીને વાણિયામપુરક્કલ જોસેફ ઉર્ફે જયસન અને કાદયિલ શિબુ ઉર્ફે રાજેશની ધરપકડ કરી લીધી.

ધરપકડ બાદ આરોપીઓની ઊંડી પૂછપરછમાં લૂંટવામાં આવેલું આશરે 80 કિલો સોનું અને રોકડ રકમ અલગ-અલગ જગ્યાએ દાટેલી તથા છુપાવેલી હાલતમાં મળી આવી. પોલીસે રિકવરી પ્રોસેસ હાથ ધરીને ગણતરીના દિવસોમાં જ લૂંટાયેલા સોનાનો મોટાભાગનો જથ્થો સુરક્ષિત રીતે કબજે કરી લીધો, જે ભારતીય પોલીસ ઈતિહાસની સૌથી સફળ અને ઝડપી રિકવરીઓ પૈકીની એક માનવામાં આવે છે. મંજેરી ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા તમામ સાક્ષીઓ, કૉલ ડિટેલ્સ અને પૂરતા પુરાવાના આધારે જોસેફ, શિબુ અને રાધાકૃષ્ણનને 10-10 વર્ષની સખત કેદ તથા કનકેશ્વરીને 5 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી. આ રીતે ધૂમ-2 ફિલ્મથી પ્રેરિત થઈને ઘડાયેલું ભારતનું સૌથી મોટું અને ચકચારી બેંક લૂંટનું પ્લાનિંગ કેરળ પોલીસની અસાધારણ બુદ્ધિમત્તા અને તપાસ સામે ધૂળધાણી થઈ ગયું.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો