જ્યારે કોઇ ગુફા કે ખંડેરની અંદર જવાનું થાય ત્યારે ડર જરૂર લાગે. સૌથી પહેલાં આપણાં મનમાં એવો વિચાર આવે કે ક્યાંકથી સાપ કે અન્ય કોઇ ખતરનાક જીવ આવી ન જાય, પણ કલ્પના કરો કે તમારી સામે જ વિશાળકાય અને ભયાનક એનાકોંડા હોય તો?
તો ભરશિયાળે પરસેવો વળવા લાગે અને બે મિનિટ તો શું કરવું અને શું ન કરવું એવું કંઇ સૂઝે નહીં. જ્યારે તમને ખબર પડે કે આ તો રિયલ એનાકોંડા નહીં, પણ પથ્થર છે, તો પહેલાં તો માન્યામાં ન આવે અને આશ્ચર્ય થવાની સાથે જીવમાં જીવ આવે. આવી ગુફા થાઇલેન્ડમાં આવેલી છે. આ ગુફાનું નામ નાગા ગુફા છે અને તે વિશાળકાય સાપ જેવી જ છે. તેને જોઇને એવું લાગે કે સદીઓ પહેલાંનો સાપ જાણે પથ્થરમાં બદલાઇ ગયો હોય. નાગા કેવને નાકા ગુફા તરીકે પણ ઓળખવામાં આવે છે.
નાગા ગુફાનો ઇતિહાસ
આ ગુફા પૂર્વોત્તર થાઇલેન્ડના બુઅંગ કાન પ્રાંતમાં આવેલી એક ઐતિહાસિક ગુફા છે. આ ગુફા થાઇલેન્ડના ફુ લંગકા નેશનલ પાર્કમાં આવેલી છે. નાગા ગુફા અંગે થયેલા સંશોધનના આધારે એવું કહેવાય છે કે, આ ગુફા 3000થી 5000 વર્ષ જૂની છે. તેની શોધ 2020માં કરવામાં આવી હતી. લંગકા નેશનલ પાર્કમાં ટેન્કોની સાફસફાઇ કરનાર અધિકારીઓની એક ટીમ દ્વારા નાગા ગુફાની શોધ થઇ હોવાનું કહેવામાં આવે છે. ત્યારથી આ ગુફા દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની છે. આ ગુફામાં એક વિશાળ પથ્થર જોવા મળે છે, જે નાગ જેવો આકાર ધરાવે છે. લોકોમાં એવી માન્યતા છે કે આ નાગ ભગવાનની આશિષરૂપ છે.
પૌરાણિક માન્યતા
થાઇ અને લાઓસની સંસ્કૃતિમાં નાગા એટલે કે અર્ધ માનવ અને અર્ધ સાપ જેવી દૈવી શક્તિને પવિત્ર માનવામાં આવે છે. સ્થાનિક લોકોની માન્યતા અનુસાર આ ગુફામાં રહેલા નાગ ભગવાનની મૂર્તિ છે. જેની ભૂમિકા ઇશ્વર તથા ગંગાના રક્ષક તરીકે પણ જોવા મળે છે. એમની લોકકથા અનુસાર નાગ માણસો માટે ધન અને ભલાઇ લાવનાર માનવામાં આવે છે. થાઇલેન્ડમાં વસવાટ કરતા લોકોમાં એવી માન્યતા છે કે જ્યારથી આ ગુફાના અસ્તિત્વની શોધ થઇ છે ત્યારથી તેમની સુખ, સમૃદ્ધિ વધી રહી છે. તેથી નાગની દેવતા તરીકે પૂજા કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોનું એવું માનવું છે કે, આ દેવતા દર વર્ષે સારો વરસાદ લાવે છે.
નાગા ગુફાની રચના
આ ગુફામાં સાપ જેવા આકારનો જે વિશાળ પથ્થર જોવા મળ્યો છે, તેની રચના સાપ જેવી છે. એટલે કે સાપનું મુખ જે પ્રમાણે હોય એવું જ મુખ પથ્થરનું છે.
બીજું, સાપની ચામડી જેવો જ ખરબચડો પથ્થર છે. આ પથ્થર લાંબો અને વક્ર આકાર ધરાવે છે, તેથી તેને જોઇને એવું જ લાગે કે વિશાળકાય ધરાવતો સાપ જાણે સૂતો હોય. નાગા ગુફા અંગે સંશોધન કરનાર વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ભૂગર્ભીય પ્રવૃત્તિઓ અને વાદળનાં પાણી તથા હવામાનની અસરથી બનેલી કુદરતી રચના છે. જ્યારે અમુક સંશોધકનું માનવું છે કે આવી રચના કુદરતી ન હોઇ શકે, તેની રચના પ્રાચીન સમયમાં કરવામાં આવી હોય એવું બને. જોકે, આ અંગે હજુ કોઇ સચોટ માહિતી મળી નથી.
એક સંશોધન મુજબ નાગા ગુફા કુદરતી પથ્થરમાંથી લગભગ 100,000 વર્ષ પહેલાં બની હતી એવું કહેવાય છે. આજે પણ આ નાગા ગુફાને લઇને સંશોધન ચાલી રહ્યાં છે અને તેના વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.
નાગા ગુફા એ માત્ર એક ગુફા નથી, પરંતુ સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રસ ધરાવતું સ્થળ છે, જે દુનિયાભરના સંશોધકો અને ટૂરિસ્ટો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ ગુફાની રચનાને કુદરતનો અદ્ભુત ચમત્કાર માનવામાં આવે છે.