ઘડપણમાં હૂંફ અને નાનાં-મોટાં કામકાજ માટે કોઇ વ્યક્તિની હાજરી જરૂરી બને છે. જાપાનમાં છેલ્લાં ઘણાં વર્ષોથી `ટાઇમ બેંક' મોડલ અપનાવવામાં આવ્યું છે.

જેને `ફુરેઇ કિપ્પૂ' કહેવામાં આવે છે. જાપાનમાં ઘણા વૃદ્ધો આ ટાઇમ બેંકનો ઉપયોગ કરી રહ્યા છે. ખુશીની વાત એ છે કે, હવે કેરળના ઇડુક્કી જિલ્લાના એલ્લીકુલમ પંચાયતમાં પણ આ `ટાઇમ બેંક' સફળ રીતે ચાલુ કરવામાં આવી છે. જે સમાજની પેઢીઓનું અંતર ઘટાડશે. અલબત્ત, જે જુવાન વ્યક્તિ જે તે વૃદ્ધ માટે જેટલો સમય ફાળવશે તેટલો જ સમય તે જુવાન જ્યારે વૃદ્ધ બનશે ત્યારે ફાળવવામાં આવશે. આ ટાઇમ બેંકમાં વૃદ્ધો અને યુવાનો રજિસ્ટર કરાવી શકે છે. જેના મુખ્ય કામોમાં દવા લાવવી, ખરીદી, ઘરનાં કામ તેમજ વૃદ્ધો સાથે થોડીવાર બેસી વાતચીત સાંભળવી અને ચર્ચા કરવી આવે છે. યુવાનો જેટલો સમય વૃદ્ધો માટે કાઢે છે તેટલા સમયની નોંધ આ ટાઇમ બેન્કમાં કરવામાં આવે છે. નોંધનીય છે કે, આ ટાઈમ બેન્ક માટે કોઇ જ રૂપિયાની લેવડદેવડ નથી કરવામાં આવતી.

પત્ની કે લિયે કુછ ભી કરેગા

થોડા દિવસ પહેલાં બિહારથી દિલ્હી જતી વિક્રમશિલા એક્સપ્રેસમાં બોમ્બ હોવાની માહિતી મળતાં નજીકના રેલવે સ્ટેશન પર અને ટ્રેનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ ટ્રેનને અલીગઢ જંક્શન પર રોકીને ડોગ સ્ક્વો્ડ અને પોલીસ વિભાગ દ્વારા સમગ્ર ટ્રેનની પૂરતી તપાસ કરવામાં આવી, પંરતુ ટ્રેનમાંથી કોઇ પણ પ્રકારની સંદિગ્ધ વસ્તુ મળી ન હતી. આખરે મુસાફરો અને પોલીસ વિભાગે રાહતનો દમ લીધો હતો, પરંતુ હવે બોમ્બની માહિતી આપીને અફવા કોણે ફેલાવી તે વાત સાબિત કરવાની હતી. જેમાં ખુલાસો થયો કે દિલ્હીના મોનુ સક્સેના નામની વ્યક્તિએ 139 અને 112 નંબર પર ખોટી માહિતી આપીને અફવા ફેલાઈ હતી. મોનુએ જણાવ્યું હતું કે, તે જ્યારે પોતાની પત્નીને લઇને સ્લીપર કોચમાં સફર કરતો હતો ત્યારે તેની પત્નીને જગ્યા ન મળી હતી તેથી તેઓ ટોઇલેટ પાસે બેઠાં હતાં. આ દરમિયાન તેના મગજમાં ખુરાફાતી આઇડિયા આવ્યો કે, હું ટ્રેનમાં બોમ્બ અને ચારથી પાંચ બદૂકધારી છે એવી અફવા ફેલાવીશ અને જેવી ટ્રેન ખાલી થશે હું અને મારી પત્ની ટ્રેનમાં જગ્યા લઈ લઇશું. આખરે મોનુએ આવું જ કર્યું અને જસવંતનગર રેલવે સ્ટેશન પર ઊતરીને તેણે બે ટોલ ફ્રી નંબર પર કોલ કરીને અફવા ફેલાવી હતી. હાલમાં આરોપી જેલમાં છે.

લખનૌને ગેસ્ટ્રોનોમી ક્રિએટિવ સિટીનું બિરુદ મળ્યું

નવાબોનું શહેર લખનૌ હાલમાં આ શહેર પોતાના ખાન-પાન માટે દુનિયાભરમાં ફેમસ છે. લખનૌ તેની તહજીબ, નજાકત, નફાસતની સાથે સાથે પહેરવેશ અને સૌથી વિશેષ તેના અધધ વ્યંજન માટે દેશ-વિદેશોમાં ખૂબ જ જાણીતું છે. તાજેતરમાં જ યુનેસ્કોએ `વર્લ્ડ સિટીઝ' ડે પર લખનૌને `ક્રિએટિવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમી' (Creative City of Gastronomy)નું બિરુદ આપ્યું હતું. આ બિરુદ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં થયેલી 43મી યુનસ્કો જનરલ કોન્ફરન્સ દરમિયાન આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, લખનૌ પોતાના કબાબ, બિરિયાની ઉપરાંત મખ્ખન મલાઇ માટે વિશેષ જાણીતું છે. દુનિયાભરના પર્યટકો અહીં ખાન-પાન માટે આવે છે અને અહીંના કલ્ચરને પણ અપનાવે છે. હવે લખનૌ સિટીને પણ યુનેસ્કોની 70મી ગેસ્ટ્રોનોમી સિટીઝમાં સામેલ કરવામાં આવી છે. હવે લખનૌનું નામ પણ હૈદરાબાદ, કેલોના (કેનેડા), ક્વાંઝોઉં (ચીન) ઉપરાંત જરાગોજા (સ્પેન) જેવા વૈશ્વિક ફૂડ હબ્સ સાથે આદરપૂર્વક લેવામાં આવશે. લખનૌ ખાણી-પીણી માટે ઇ.સ. 1900થી પ્રચલિત છે. મૂળ આ શહેર ઘણીવાર બદલાયું છે, પરંતુ તેના ખાણી-પીણીનો સ્વાદ આજે પણ અકબંધ છે.