આજે ચારેબાજુ માનવ-માનવ વચ્ચે યુદ્ધનો માહોલ જામ્યો છે, પરંતુ ઓસ્ટ્રેલિયામાં પક્ષીઓ અને સૈનિકો વચ્ચે યુદ્ધ જામ્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ પછી, પૂર્વ સૈનિકોને પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં ખેતી માટે જમીન આપવામાં આવી હતી. આ સૈનિકો બિનઅનુભવી ખેડૂતો હોવાથી શરૂઆતથી જ ખેતીમાં સંઘર્ષ કરી રહ્યા હતા, તેમાં 1932માં મહામંદી દરમિયાન 20,000 ઇમુ પક્ષીઓનું સ્થળાંતર આ પ્રદેશમાં કરવામાં આવ્યું, જેણે ઘઉંનાં ખેતરોને બરબાદ કરવાનું શરૂ કરી દીધું. સૈનિકો/ખેડૂતોએ સરકારને સહાયની વિનંતી કરી, સરકારે મેજર જી. પી. ડબલ્યુ. મેરેડિથના નેતૃત્વમાં રોયલ ઓસ્ટ્રેલિયન આર્ટિલરીમાંથી 3 સૈનિકો, બે લુઇસ મશીનગન અને 10,000 રાઉન્ડ દારૂગોળાથી સજ્જ મોકલ્યા. 1932ના નવેમ્બર અને ડિસેમ્બર, બે મહિના દરમ્યાન ત્રણ સભ્યોને આશરે 20,000 ઇમુઓને મારવાનું કામ સોંપવામાં આવ્યું હતું. એક તરફ બે લુઇસ મશીનગન, 10,000 રાઉન્ડ દારૂગોળાથી સજ્જ 3 સૈનિકો અને સામે ટાર્ગેટ હતો ઓસ્ટ્રેલિયાના મૂળ નિવાસી 20,000 ઇમુ.   

સંરક્ષણપ્રધાન જ્યોર્જ પીયર્સ માનતા હતા કે ખેડૂતોને મદદ કરવા માટે વ્યાવસાયિક સૈનિકો મોકલવાથી પ્રજામાં સંદેશ જશે કે સરકારે નિવૃત્ત સૈનિકોની ચિંતાઓને ગંભીરતાથી લીધી છે. રોયલ ઓસ્ટ્રેલિયન આર્ટિલરીના ત્રણ સભ્યો ગ્વિનીડ પુર્વેસ વાયન-ઓબ્રે મેરેડિથ ઇન કમાન્ડ, સાર્જન્ટ એસ. મેકમુરે અને ગનર જે. ઓ'હાલોરન મશીનગન અને દારૂગોળો લઇ સ્થળ પર પહોંચે છે. તેમની સાથે એક સિનેમેટોગ્રાફર પણ હતો. કદમાં મોટાં, ટોળામાં રહેતાં, ઊડી જ ન શકતાં ઇમુની મશીનગન અને દારૂગોળા સામે શી વિસાત? સૈનિકો માટે લક્ષ્ય સાધવું અઘરું નથી હોતું, લક્ષ્યાંક સહેલો હતો.   

ત્રણે સૈનિકો પણ આવો જ વિચાર કરતા હતા. 2 નવેમ્બરના રોજ આશરે 50 ઇમુઓના જૂથ પર પ્રથમ પ્રહાર કર્યો ને ઇમુઓ જાણે પહેલેથી જ તૈયાર હોય તેમ ઝડપથી બધી દિશાઓમાં વિખેરાઈ ગયા. સૈનિકો કરતાં ઇમુઓ વધુ ચપળ સાબિત થયા. ભોંઠા પડેલા સૈનિકોએ 4 નવેમ્બરના રોજ પાણીના સ્રોત પર જઈ ઓચિંતો હુમલો કર્યો. ઇમુ ઝડપથી વિખેરાઈ ગયા. ત્રણ દિવસની કાર્યવાહી પછી ફક્ત 30 ઇમુ માર્યા ગયા હતા. એકે ટ્રકમાંથી ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો, લગભગ 30 માઇલ પ્રતિ કલાકની ઝડપે દોડી શકતાં ઇમુ, ઊબડખાબડ ભૂપ્રદેશ પર ટ્રક કરતાં ઝડપી હતાં. મશીનગન માટે નિશાન બનાવવું મુશ્કેલ હતું. એક વધુ સમસ્યા ઉજાગર થઈ તે, ઇમુની ચામડી મજબૂત હોય છે. મશીનગનમાંથી છૂટતી ગોળી ભાગ્યે જ મૃત્યુ અથવા ગંભીર ઇજા પહોંચાડતી હતી. કેટલાક ઇમુ ગોળી લાગ્યા પછી પણ દોડતા રહ્યા અને પાછળથી મૃત્યુ પામ્યા.  

8 નવેમ્બર સુધીમાં સમાચાર અહેવાલોએ સૈનિકોની નિષ્ફળતાનો વ્યાપકપણે પ્રચાર શરૂ કર્યો. ઓસ્ટ્રેલિયન પ્રતિનિધિ ગૃહના સભ્યોએ સૈનિકોની ઠેકડી ઉડાવતાં કહ્યું કે, `જો કોઈ આ સંઘર્ષમાંથી મેડલ મેળવવાને લાયક હોય, તો તે ઇમુ હતાં, જેમણે અત્યાર સુધી દરેક રાઉન્ડ જીત્યો હતો.' મેરેડિથે અહેવાલ આપ્યો કે 12 નવેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન 986 ઇમુ માર્યાં ગયાં હતાં અને 2500 વધુ ઇજા પામ્યાં હતાં. વળી, આ આંકડાઓ પર પણ વિવાદ થયો હતો. અજાયબ વાત જાણવા મળી કે દરેક જૂથમાં એક ઇમુ બીજાઓને ચેતવણી આપવા માટે ચોકીદાર તરીકે કામ કરે છે, જેનાથી તેમને ભાગી જવાનો સમય મળે છે. મેરેડિથે જાહેરમાં જણાવ્યું હતું કે, `ઇમુ અભેદ્યતા સાથે મશીનગનનો સામનો કરી શકે છે.' બે મહિના પછી 1000થી પણ ઓછા ઇમુ માર્યા ગયા હોવાના અહેવાલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપહાસનો વિષય બની ગયા. ઇમુનો પ્રતિકાર એવો થયો હતો કે રીતસર તેને `ઇમુ યુદ્ધ' જાહેર કરવામાં આવ્યું હતું. આ પક્ષીઓ અને સૈનિકો વચ્ચેનું પ્રથમ યુદ્ધ હતું. 

               

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો