મેઘલી રાત ઢળી ગઈ હતી. હાથ પડ્યો હાથ સૂઝે નહીં એવું ઘનઘોર અંધારું હતું. આભમાંથી ભાદ્રપદનો પ્રૌઢ વરસાદ ધીમી ધારે ઝરમર ઝરમર વરસી રહ્યો હતો. જીવ માત્ર જંપી ગયા હતા. આવા સુંવાળા સમયે પગી ગામના ચોરા પર બેસી, થાંભલીએ માથું ટેકવી બેઘડી આંખને આરામ આપવામાં હતો. લાગલગાટ બે-ત્રણ રાતના ઉજાગરા હતા. થોડીવાર આંખ મળી જાય તો તન-મનને રાહત થાય, પણ આંખની પાંપણો ભેગી થાતાં સાથે જ કાનમાં છમ છમ અવાજ સંભળાયો. ધ્યાન દીધું નહીં. વરસાદનો મીઠો અવાજ હશે, પણ અનુમાન કરવામાં આંખો ઊઘડી ગઈ હતી. સામે રસ્તા પર નજર કરી તો કોઈ બાઇમાણસ હાથમાં ફાનસ લઇ પગની પાયલને છમકાવતી મક્કમતાથી ચાલી આવતી હતી.   

કોઈ ચળીતર થયું લાગે છે, નહિતર આવી વરસાદી રાતે કોઈ બાઈમાણસ બહાર નીકળે ખરું? પગી ચોરાની દીવાલ પાસે લપાઇ ગયા હતા. પછી પાસે આવેલ સ્ત્રીને ધ્યાનથી જોઈ હતી. તેના અવળા પગ નહોતા. અદલ બાઇમાણસ જ હતી, પણ ચોરા આગળથી નીકળીને આમ જાય છે ક્યાં? એ જોવાનું હતું.   

`પગી, આમ હલફલતા રે'શો તો બાઇ હમણાં અંધારામાં ઓગળી જાશે હોં!'   

હજુ બે દિવસ પહેલાં પાદરમાં આવેલા મંદિરમાંથી ભગવાનનાં આભૂષણો ચોરાયાં છે. પોતે આંખો ચોળતા રહ્યા છે ને કોઈ ચોર હાથફેરો કરીને નીકળી ગયો છે. પોતાના વર્ષો જૂના પગીપણા માથે પાણી ફરી વળ્યું છે. ગામ માથે માછલાં ધુએ છે ને ખુદ શંકાના દાયરામાં આવી ગયા છે. ઢીલ કરવી પાલવે એવું નહોતું. પગીએ કાળા મોંવાળી બંદૂક હાથમાં લીધી હતી. ઝનૂન ચઢી આવ્યું હતું. ચમરબંધીને છોડવો નથી, એક ઘાએ જ ઢીમ ઢાળી 

દેવું છે.   

બાઇમાણસે ગામની ભાગોળનો રસ્તો લીધો હતો. વરસાદી છાંટાના લીધે તેના હાથમાં લટકતું હતું તે ફાનસ ભડક ભડક થાવા લાગ્યું હતું. પહેલાં એવું પણ ધાર્યું હતું કે, કોઈ પર પુરુષનો ઓરડો અજવાળવા આ બાઇમાણસે રાત માથે લીધી છે. હમણાં કોઈ ઘરનું અર્ધખુલ્લું બારણું જરીક અમથું ખૂલશે ને પોતે તેમાં હળવેકથી ગરકી જાશે ને પછી અંદરથી ભોગળ ભીડાઈ જાશે ને હાંઉ, તલસતા ને વલખતા હૈયાના તન-મનનાં દ્વાર ઊઘડી જાશે. રાત અને દિવસ ઓગળીને સુખના સરોવરમાં ખળખળ વહેવા લાગશે. આ વિચારમાત્રથી પગી ઘડીભર સઘળું ભૂલી જઈ વરસાદની જેમ પાણી પાણી થાવા લાગ્યા હતા. પોતે તો એ સુખને પામી શક્યા નથી, પણ જેના ભાગ્યમાં હોય તેમાં અડચણરૂપ થાવું ન જોઈએ.   

પગી વર્ષોથી ગામનું પગીપણું કરતા આવ્યા છે. આવા કેટલાય બનાવોમાં આંખ આડા કાન કર્યા છે. વળી, કોઈની આવી વાતને ક્યારેય ઉઘાડી કરી નથી. ભેદભરમ ભીતરના ભંડકિયામાં ભરી રાખ્યા છે, પણ બાઈએ જ્યારે ગામનો ઊભો રસ્તો છાતરી પાદરના પંથે પડી હતી એટલે પગી ચોંક્યા હતા. નક્કી કોઈ સાથે બારોબાર ભાગી જવાની છે. ભાઇને કંવ ભૂંડિયું થાય હોં. ધોળામાં ધૂળ પડી કે'વાય.   

અંધારું અડીંગો જમાવીને ઊભું હતું. ઉરાઉર ગયા વગર કંઈ સૂઝે એવું નહોતું. પગીએ ઉતાવળા પગે બાઈના પગલાં દબાવ્યાં હતાં. ક્યારેક તો ગામલોકોને કહેવાનું મન થઇ આવતું હતું : ભાઈ, હું પગી છું. પગેરું શોધી કાઢું, પણ ચોકીદારી એ મારું કામ નથી.   

પગીની નજર સામે જ બાઇ ક્યાંય આડીઅવળી થાવાના બદલે મંદિરનું પગથિયું ચઢી ગઈ હતી. તે જોઈ પગીના મનમાં વીજળીના કડાકા સાથે મેઘ ગર્જવા લાગ્યો હતો. સઘળી ધારણા પોકળ નીવડી હતી અને થયું હતું, ચોર નજર સામેથી નીકળી ગયો છતાંય પોતે પારખી ન શક્યા?   

અને બાઇના પહેરવેશમાં ભાયડો છે એવોય અણસાર ન આવ્યો? નજર ભારે ધોખો ખાઈ ગઈ. હજુ બે દિવસ પહેલાં ચોરી કરી છે, કંઈ રહી ગયું હશે તે પાછો ચોરવા આવ્યો લાગે છે.   

વરસાદ હતો, પાણીના લીધે ચોરનાં પગલાં ભૂંસાઇ ગયાં હતાં. પગેરું મળે એમ રહ્યું નહોતું નહિતર તો માના ઉદરમાંથી પણ પકડી પાડે. જેને લઈ બીજીવાર આવું પગલું ભરવાની ભૂલ નો કરે.   

`બોલ્ય, કોણ છો?' પગીએ પળવારનો વિલંબ કર્યા વગર બાઈની પીઠ પાછળ બંદૂકનું નાળચું દબાવી દીધું હતું : `ઝટ ભસી મર્ય નકર આ કાળા મોંવાળી મા સગી નહીં થાય.'   

બાઈએ પારોઠ ફરી જરાય થડક્યા વગર કહ્યું હતું : `પગી, જે કરવું હોય એ કરો, હું ગામનો, તમારો ને ભગવાનનોય ગુનેગાર છું' પણ સાદ વરતી પગીનો સ્વર ફાટી પડ્યો હતો : `સરપંચ તમે ઊઠીને?'   

આ વેળા વળી આભના ગાભ ચીરી નાખે એવો કડાકો થયો હતો.   

`સાચું કહું તો પગી, મારા કપાતરે ચોરીનું કાળું કામ કર્યું હતું.' પગીએ સામેથી પૂછ્યું હતું : `પણ તેમાં તમે રાત કેમ માથે લીધી?' તો સરપંચ કહે : `એનો બાપ મૂઓ છું તે દાગીના પાછા મૂકવા મારે જ આવવું પડેને?' સરપંચની ખાનદાની અને ખમીર સામે કંઈ બોલવાપણું રહ્યું નહોતું.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો