મચ્છર નામ પડે એટલે ડેન્ગ્યૂથી માંડીને મેલેરિયા જેવા રોગો નજર સામે તરી આવે. મચ્છર કરડે એટલે બીમારી આવી જ સમજો. એ સંજોગોમાં આપણે મચ્છરો પેદા ન થાય એ માટે ગંદકી ન થાય તેની કાળજી રાખીએ કે તાજા પાણીમાં પણ મચ્છર પેદા ન થાય એ માટે જરૂરી પગલાં ભરીએ. મચ્છર તો હોવા જ ન જોઈએ એવો મત આપણે બધા ભલે ધરાવતા હોઈએ, પણ બ્રાઝિલમાં અઠવાડિયે 10 કરોડ મચ્છરો પેદા કરતી સુપર ફેક્ટરી ધમધમે છે.
મચ્છર જુદા જુદા રોગ ફેલાવતા રોગાણુઓના વાહક છે. એક મચ્છર કરડે એ સાથે સાદા મેલેરિયાથી માંડીને ડેન્ગ્યૂ જેવા જીવલેણ રોગનું સંક્રમણ થઈ શકે. સાદો મેલેરિયા, ઝેરી મેલેરિયા, હાથીપગો, ડેન્ગ્યૂ કે એવા બીજા અનેક તાવના રોગો મચ્છર કરડવાથી થઈ શકે છે. એ કારણે જ મચ્છર પેદા ન થાય એવી કાળજી રાખવા છતાં મચ્છર નાબૂદ કરી શકાતા નથી. એમાંય ભારત તથા આફ્રિકા ખંડના અનેક ગરમ દેશોમાં તો મચ્છરના ઝુંડના ઝુંડ ઊડાઊડ કરતા હોય છે. જોકે, એ મચ્છરને કારણે જ શરીર બીમારીઓનો ભોગ બને છે. બીમાર થવું ન પડે એ માટે મચ્છર ન કરડે એનું આપણે ધ્યાન રાખીએ છીએ. મચ્છર ન કરડે એ માટે કાળજી રાખવા છતાં ક્યારેક તો એ કરડી જ જાય છે. હળવાફૂલ વજન ધરાવતા મચ્છરો શરીર પર બેસે એની પણ ઘણી વખત તો ખબર પડતી નથી, તેથી કરડી જાય ત્યારે જ અહેસાસ થતો હોય છે. એ કારણે જ મચ્છરને દૂર ભગાડવા માટેનો આખો એક ઉદ્યોગ ચાલે છે. મચ્છર દૂર રાખતી કે મારતી અગરબત્તી- કોઈલથી માંડીને શરીર પર ચોપડવાનું લોશન, મચ્છરદાની અને મચ્છરને દૂર રાખે એવા લિક્વિડનો ઉપયોગ કરતાં મશીન કે મચ્છર મારવાના રેકેટ. કરોડો રૂપિયાનો આ બિઝનેસ મચ્છર ન હોત તો ચાલતો ન હોત.
વિશ્વ આરોગ્ય સંગઠનના અહેવાલ મુજબ દર વર્ષે કરોડો લોકોને ડેન્ગ્યૂ થાય છે. એ જ રીતે મેલેરિયા, ઝિકા, ચિકનગુનિયા જેવી બીમારી પણ મચ્છર કરડવાથી જ થાય છે. એટલે સ્તો બીમારી ન થાય એટલા માટે જ તેને ભગાડવા માટે આપણે પ્રયાસ કરતા હોઈએ, પરંતુ જો મચ્છર જ આ બીમારીથી બચાવતા હોય તો? તો તો સોના જેવું પીળું શું? એ જ કામ માટે બ્રાઝિલમાં મચ્છર પેદા કરવાની ફેક્ટરી ચાલે છે. આ સુપર ફેક્ટરીમાં અઠવાડિયે 10 કરોડ મચ્છર પેદા થાય છે. કુરિતિબા શહેરમાં ચાલતી આ બાયોફેક્ટરીમાં વોલ્બેકિયા બેક્ટેરિયાથી સંક્રમિત મચ્છરો પેદા કરવામાં આવે છે.
બન્યું એવું કે 2014માં બ્રાઝિલમાં ડેન્ગ્યૂના દર્દીઓની સંખ્યા 65 લાખ ઉપર પહોંચી ગઈ હતી. વળી, મચ્છર કરડવાને કારણે જ 6297 લોકોનાં મોત થયાં હતાં. એ કારણે બ્રાઝિલમાં મચ્છરોથી છુટકારો મળે એ માટે પ્રયાસ શરૂ થયા હતા, પરંતુ સામાન્ય રીતે જંતુનાશક સ્પ્રેથી મચ્છરો પર નિયંત્રણ મેળવી શકાયું ન હતું. એ બાદ 2014થી વર્લ્ડ મસ્કિટો પ્રોગ્રામ હેઠળ વોલ્બેકિયા પદ્ધતિનો ઉપયોગ શરૂ થયો હતો. વોલ્બેકિયા એક કુદરતી બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા 60થી વધારે કીડામાં જોવા મળે છે. આ બેક્ટેરિયા મચ્છરમાં વાઇરસને ફેલાવા દેતા નથી. એ કારણે જ એ મચ્છરથી બીમારી ફેલાતી નથી. બ્રાઝિલની મચ્છર ફેક્ટરીમાં વોલ્બેકિયા બેક્ટેરિયા ધરાવતા મચ્છર પેદા કરવામાં આવે છે. આ મચ્છર કરડે તો કોઈ જ બીમારી થતી નથી, પરંતુ સવાલ એ થાય કે એ સિવાયના મચ્છરોનો ઉપદ્રવ તો પરેશાન કરનારો જ હોયને?
વોલ્બેકિયા બેક્ટેરિયા ધરાવતા મચ્છરો જ્યારે બીજા વાઇરસ ધરાવતા મચ્છરો સાથે પ્રજનન કરે ત્યારે, જે બચ્ચાં પેદા થાય એમાં કુદરતી રીતે જ વોલ્બેકિયા બેક્ટેરિયા વારસામાં મળી જતા હોય છે. એમ કરતાં કરતાં મચ્છરોની નવી પેઢી માણસજાતને બીમારીથી સંક્રમિત કરી શકતી નથી. બ્રાઝિલે આ મચ્છર પેદા કરી તેને ખુલ્લામાં છોડી મૂકવાનો પ્રયોગ આઠ શહેરોમાં હાથ ધર્યો હતો. આ પદ્ધતિથી એ શહેરોના 50 લાખ લોકોને મચ્છરજન્ય બીમારીથી બચાવી લેવાયા છે. બ્રાઝિલના નાઈતેરોઈ શહેરમાં તો ડેન્ગ્યૂના 69 ટકા કેસ ઓછા થઈ ગયા છે. ચિકનગુનિયા અને ઝિકા જેવા કેસો પણ ઘણા ઓછા થઈ ગયા છે.
3500 વર્ગ મીટર વિસ્તારમાં પથરાયેલી આ સુપર ફેક્ટરીમાં 70 લોકો કામ કરે છે. ફેક્ટરીમાં ઓટોમેટિક મશીન ઈંડાંને સંક્રમિત કરે એ પછી વિશેષ વાહન દ્વારા મચ્છરોના હોટસ્પોટ કહેવાય એવા વિસ્તારમાં એ મચ્છરોનાં બચ્ચાંને છોડી મુકાય છે. એ રીતે બ્રાઝિલે કરોડો લોકોને મચ્છરથી થતા રોગોથી બચાવી લીધા છે.