સમયના વહેતા પ્રવાહમાં જે પોતાની હોડીને વહેણ મુજબ હંકારી જાણે છે, એ જ સાચો લીડર છે. મેનેજમેન્ટની દુનિયામાં એક બહુ પ્રચલિત શબ્દ છે.
`એડેપ્ટેબિલિટી', પણ હજારો વર્ષો પહેલાં શાંતિપર્વમાં ભીષ્મ પિતામહ આના માટે એક વધુ ઊંડો અને સચોટ શબ્દ આપી ગયા છે `કાલજ્ઞતા'. કાલજ્ઞતા એટલે માત્ર સમયને જોવો નહીં, પણ સમયને ઓળખવો અને એ મુજબ પરિવર્તિત થવું. એક સફળ મેનેજર કે લીડરની સૌથી મોટી ગ્રૂમિંગ સ્કિલ એ જ છે કે તે `દેશ, કાળ અને પાત્ર'ની ગંભીરતાને સમજી શકે. જ્યારે કોઈ પ્રોજેક્ટમાં સંજોગો બદલાય, ત્યારે જે લીડર જૂના નિયમોને વળગી રહે છે તે પછડાય છે, પણ જે કાળના સંકેતો સમજીને પોતાની સ્ટ્રેટેજી બદલે છે, તે જ વિજેતા બને છે. લીડરશિપમાં ક્યારેક મૌન રહેવું એ તાકાત છે, તો ક્યારેક ગર્જના કરવી એ જરૂરિયાત છે. પિતામહ ભીષ્મનો આ સિદ્ધાંત આજના કોર્પોરેટ જગતમાં એટલો જ પ્રસ્તુત છે. એક કુશળ મેનેજર એ નથી જે હંમેશાં એક જ ઢાંચામાં કામ કરે, પણ એ છે જે જાણે છે કે કયા પાત્ર સામે કેવી રીતે પેશ આવવું. તમારી નીચે કામ કરતા દરેક કર્મચારીની ક્ષમતા અને માનસિકતા અલગ હોય છે, એટલે કે `પાત્ર' અલગ હોય છે. જો તમે બધાને એક જ લાકડીએ હાંકવા જશો, તો તમને ક્યારેય આઉટપુટ નહીં મળે. કાલજ્ઞ લીડર હંમેશાં સામી વ્યક્તિની મનોદશા અને પરિસ્થિતિને પારખીને પોતાની વાત મૂકે છે. મેનેજમેન્ટમાં `ટાઇમિંગ'નું મૂલ્ય નાણાં કરતાં પણ વધુ છે. ખોટા સમયે લેવાયેલો સાચો નિર્ણય પણ ઘણીવાર નુકસાન પહોંચાડી શકે છે.
પરિવર્તન એ સંસારનો નિયમ છે, પણ મેનેજમેન્ટમાં પરિવર્તન એ અનિવાર્યતા છે. આજના ઝડપથી બદલાતા ટેક્નોલોજિકલ યુગમાં જો કોઈ લીડર એમ વિચારે કે વર્ષો પહેલાં જે રીતે બિઝનેસ ચાલતો હતો એ જ રીતે આજે ચાલશે, તો તે ભૂલ કરી રહ્યો છે. `દેશ' એટલે કે તમારું માર્કેટ કે કાર્યક્ષેત્ર બદલાય ત્યારે તમારે તમારી પર્સનાલિટી અને વર્કિંગ સ્ટાઈલને પણ અપડેટ કરવી પડે. એક મેનેજર તરીકે તમારે સતત તમારી આસપાસના વાતાવરણનું સ્કેનિંગ કરતા રહેવું જોઈએ. જે ક્ષણે તમે `આઈ નો ઈટ ઓલ'ના અહંકારમાં આવી જાવ છો, એ જ ક્ષણે તમારી કાલજ્ઞતા નષ્ટ પામે છે. સાચો લીડર એ છે જે સતત શીખતો રહે છે અને પોતાની ટીમને પણ બદલાતા સમય સાથે તાલ મિલાવવા પ્રેરણા આપે છે.
ઘણીવાર મેનેજરો એવું માને છે કે શિસ્ત એટલે જડતા, પણ હકીકતમાં, શિસ્ત ફ્લેક્સિબિલિટી સાથે જોડાયેલી હોવી જોઈએ. લીડરશિપની પર્સનાલિટીમાં આ લવચીકતા જ કાલજ્ઞતા છે. કટોકટીના સમયે જ્યારે આખી ટીમ તણાવમાં હોય, ત્યારે લીડરે ધીરજ ધરવી પડે છે અને જ્યારે તક સામે દેખાતી હોય ત્યારે આક્રમક બનવું પડે છે. આ સમયસૂચકતા એ કોઈ પુસ્તકમાંથી શીખવાની વસ્તુ નથી, એ સતત નિરીક્ષણ અને અનુભવથી કેળવાતી સ્કિલ છે. એક પ્રભાવશાળી મેનેજર વર્તમાનમાં જીવે છે નહીં કે, ભૂતકાળના ગૌરવમાં.
નિર્ણય લેવાની ક્ષમતા એ લીડરનું સૌથી મોટું ઘરેણું છે, પણ આ નિર્ણય કયા સંજોગોમાં લેવાયો છે એ વધુ મહત્ત્વનું છે. ક્યારેક પીછેહઠ કરવી એ હાર નથી, પણ ભવિષ્યની મોટી જીત માટેની તૈયારી હોઈ શકે છે. આ રણનીતિ પણ કાલજ્ઞતાનો જ ભાગ છે. મેનેજમેન્ટમાં રિસોર્સિસનો ઉપયોગ કેવી રીતે કરવો એ તો ઘણાને આવડે છે, પણ ક્યારે કરવો એ માત્ર કાલજ્ઞ લીડર જ જાણી શકે છે. તમારી વાણી, તમારો વ્યવહાર અને તમારી કાર્યપદ્ધતિ જો સમય સાથે સુસંગત નહીં હોય, તો તમારી પાસે ગમે તેટલી ડિગ્રીઓ હશે, તમે લોકોનાં હૃદય જીતી શકશો નહીં. પર્સનાલિટી ગ્રૂમિંગનો અર્થ માત્ર સુઘડ કપડાં કે સારું અંગ્રેજી બોલવું એ નથી, પણ તમારી અંદર રહેલી એ ક્ષમતા છે જેનાથી તમે સમયના વહેણને ઓળખીને તમારી ટીમને સુરક્ષિત અને સફળતાપૂર્વક કિનારે લગાવી શકો. આફ્ટરઓલ લીડરશિપ એ કોઈ પદ નથી, પણ એક જવાબદારી છે. કાળની ગતિને પકડી રાખવાની જવાબદારી. એક સાચો લીડર હંમેશાં સાવધ રહે છે. તે જાણે છે કે જે ગઈ કાલે શ્રેષ્ઠ હતું, તે આજે કદાચ નકામું પણ હોઈ શકે. આ જાગૃતિ જ તેને બીજા કરતાં અલગ પાડે છે. જો તમે તમારા પ્રોફેશનલ જીવનમાં ભીષ્મ દ્વારા બતાવાયેલી આ કાલજ્ઞતાને ઉતારો છો, તો તમે માત્ર એક મેનેજર નહીં પણ એક એવા લીડર બનશો જેનો પ્રભાવ સમયના સીમાડા ઓળંગી જશે. તમારી પર્સનાલિટીમાં એવો ઠરાવ અને એવી ફ્લેક્સિબિલિટી લાવો કે પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય, તમારી કાલજ્ઞતા તમને હંમેશાં સાચો માર્ગ બતાવે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો