શ્રાવણ બેઠો ત્યાં જ નાગપાંચમનો તહેવાર આપણે ત્યાં ઊજવાઈ ગયો. જોકે, એ પરંપરા કેમ શરૂ થઈ એ વાત બાજુએ મૂકીએ તો એક વાત સ્પષ્ટ છે કે હજુ પણ સાપ આપણને ડરાવે છે.
જોકે, ખેતીમાં સાપ તો વરદાન ગણાય, કેમ કે પાકને નુકસાન કરતા ઉંદર તથા દેડકા જેવાં પ્રાણીઓનો આહારમાં ઉપયોગ કરીને તે ખેડૂતને મદદ કરે છે. જોકે, ચીનમાં સાવ ઊલટી સ્થિતિ છે. ચીનમાં કરોડોની કમાણી કરવા માટે હવે નવા જ પ્રકારની ખેતી શરૂ થઈ છે અને એ ખેતી એટલે સાપની ખેતી!
ભારતમાં સાપનો ડર રહે એ સમજી શકાય એમ છે. સર્પદંશને કારણે અનેક લોકોનાં મોત થતાં હોય ત્યારે કોણ તેનાથી ન ડરે? વિશ્વ આરોગ્ય સંસ્થાનો અંદાજ છે કે વિશ્વમાં દર વર્ષે લગભગ 50 લાખ સાપ કરડવાના કિસ્સા બને છે, જેમાંથી દર વર્ષે 81,000 થી 138,000 લોકો મૃત્યુ પામે છે. લગભગ 4,00,000 લોકો સાપ કરડવાથી કામચલાઉ અથવા કાયમી અપંગતાનો ભોગ બને છે. દુનિયામાં સૌથી વધુ સર્પદંશથી થતાં મોતમાં ભારતનું નામ આવે છે. ભારતમાં દર વર્ષે લગભગ 58,000 લોકો સાપ કરડવાથી મૃત્યુ પામે છે.
જોકે, ભારત દુનિયાભરમાં સાપની વિવિધતા માટે જાણીતું છે. ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી અહીં સાપનું ખાસ સ્થાન છે. ભારતમાં 300થી વધુ પ્રજાતિના સાપ જોવા મળે છે. આમાંથી કેટલાક ઝેરી છે, જ્યારે કેટલાક બિલકુલ ઝેરી નથી. વૈજ્ઞાનિક માહિતી અનુસાર આ 300માંથી ફક્ત 60 પ્રજાતિઓ ઝેરી છે. ભારતમાં ચાર સાપ એટલા ઝેરી છે કે તે કરડે અને સમયસર સારવાર ન મળે તો વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. આ ચાર ઝેરી સાપોમાં નંબર વન ઝેરી સાપ ભારતીય કોબ્રા છે. તેનું ઝેર ન્યૂરોટોક્સિક છે, જે નર્વસ સિસ્ટમ પર સીધી અસર કરે છે. જો સમયસર એન્ટિ-વેનોમ ઉપલબ્ધ ન થાય તો મૃત્યુ થઈ શકે છે. એ જ રીતે રસેલ વાઈપર પણ ખૂબ ઝેરી છે. તેના કરડવાથી લોહી ગંઠાઈ જવું, કિડની ફેલ્યોર અને આંતરિક રક્તસ્રાવ થઈ શકે છે. જ્યારે કોમન ક્રેટ સાપ ફક્ત રાત્રે કરડે છે. તેનું ઝેર ન્યૂરોટોક્સિક છે અને કોઈ દુખાવો અનુભવાતો નથી, તેથી લોકો મોડી સારવાર લે છે, જેના કારણે મૃત્યુ થાય છે. તો સો-સ્કેલ્ડ વાઇપર કરડવાથી ગંભીર બળતરા, સોજો, રક્તસ્ત્રાવ અને અંગ નિષ્ફળતા થઈ શકે છે. તે રેતાળ વિસ્તારોમાં જોવા મળે છે.
સાપની આ ખાસિયતો જોયા પછી સાપની નજીક પણ ફરકતા ડર લાગે કે નહીં? વિશ્વના તમામ દેશોમાં પાક, ફળો અને શાકભાજી ઉછેરવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય સાપ ઉછેર વિશે સાંભળ્યું છે? પરંતુ આશ્ચર્ય થાય એવું એક ગામ ચીનમાં આવેલું છે, જ્યાં લોકો સાપની ખેતી કરે છે. ચીનના જીસિકિયાઓ ગામમાં લોકો સાપની ખેતી કરે છે. આ ગામનો દરેક બીજો વ્યક્તિ સાપ ઉછેર સાથે સંકળાયેલો છે. જીસિકિયાઓમાં ઝેરી સાપની સેંકડો પ્રજાતિઓ જોવા મળે છે. આ ગામના લોકો કિંગ કોબ્રા, અજગર અને ઝેરી વાઇપર સહિત ઘણા ઝેરી સાપની ખેતી કરે છે.
ચીનમાં સાપની ખેતી કેમ કરવામાં આવે છે, એ જાણવું પણ જરૂરી છે. ખાસ તો ચીનમાં સાપની વાનગી પણ ખૂબ જ પ્રચલિત છે. લોકો ટેસથી સાપનું માંસ ખાય છે. એ ઉપરાંત તેનું લોહી, કાંચળી અને ઝેર પણ ઉપયોગમાં લેવાય છે. સાપની કાંચળી એટલે કે તેની ચામડીનો ઉપયોગ વિવિધ ચીજો બનાવવામાં થાય છે, તો તેનું લોહી પીનારાઓ પણ ઓછા નથી! સાપના લોહીમાંથી ચીની પરંપરાગત દવા પણ બને છે, તો તેના ઝેરનો પણ ઉપયોગ થાય છે. ઝેરના ભાવ ઊંચા મળે છે, તેથી ચીનમાં સાપની ખેતી કરતા લોકો કરોડોમાં કમાય છે. લાકડા અને કાચના બનેલા નાના બોક્સમાં સાપ ઉછેરવામાં આવે છે. જ્યારે સાપનાં બચ્ચાં ઇંડાંમાંથી બહાર આવે છે અને મોટાં થાય છે, ત્યારે તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરવામાં આવે છે. અંતે જ્યારે સાપ મોટા થાય છે, ત્યારે તેમને ફાર્મહાઉસથી કતલખાનામાં લઈ જવામાં આવે છે.
અહીં પહેલાં તેમનું ઝેર કાઢવામાં આવે છે અને પછી તેમનું માથું કાપી નાખવામાં આવે છે. આ પછી સાપને કાપીને તેમનું માંસ બહાર કાઢીને અલગ રાખવામાં આવે છે. ચામડી અલગથી સૂકવવામાં આવે છે. સાપના માંસમાંથી દવાઓ બનાવવામાં આવે છે અને તેના ચામડામાંથી બેગ બનાવવામાં આવે છે. સાપનું ઝેર કરોડોમાં વેચાય છે, એટલે સાપની ખેતી કરીને લોકો મોટી કમાણી કરે છે.
