4 ઓક્ટોબર, 2009ની એ સવારે જ્યારે કેનેડાના કેલગરીસ્થિત પીટર લોહીડ સેન્ટર હોસ્પિટલના સફેદ કોરિડોરમાં સન્નાટો પથરાયેલો હતો, ત્યારે 27 વર્ષની હરસિમરત `સિમ્મી' કાહલોને તેના અંતિમ શ્વાસ લીધા. હોસ્પિટલના સ્ટાફ માટે આ એક ગંભીર મેડિકલ કેસ હતો, કારણ કે સિમ્મીનું મૃત્યુ તેની છેલ્લી ગુપ્ત ગર્ભાવસ્થા દરમિયાન ઉદ્ભવેલી અત્યંત જટિલ શારીરિક સમસ્યાઓને કારણે થયું હતું, પરંતુ કોઈને અંદાજ નહોતો કે આ મૃત્યુ માત્ર એક જીવનનો અંત નથી, પણ પશ્ચિમ કેનેડાના ગુનાહિત ઇતિહાસના સૌથી કાળાં અને ભયાનક રહસ્યો પરથી પડદો ઊંચકવાની શરૂ આત છે. 1982માં ભારતના ચંદીગઢમાં એક શીખ પરિવારમાં જન્મેલી હરસિમરત 1999માં મોટાં સપનાંઓ સાથે કેનેડા સ્થળાંતરિત થઈ હતી. શરૂઆતમાં તે માર્ટિનડેલમાં તેનાં કાકા-કાકી સાથે રહેતી હતી અને એક લો ફર્મમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી હતી. તેની સાથે કામ કરતા લોકો તેને હંમેશાં હસમુખી અને સખત મહેનતું યુવતી તરીકે ઓળખતા હતા. કોઈ કલ્પના પણ નહોતું કરી શકતું કે આ હસતા ચહેરા પાછળ એક સીરિયલ કિલરનું મગજ ચાલી રહ્યું છે.
સિમ્મી જે રહસ્યો પોતાની સાથે કબરમાં લઈ જવાની હતી, તે તેના જ ઘરમાંથી જીવતાં થવાનાં હતાં. તેના મૃત્યુના દિવસે જ્યારે તેનો લિવ-ઇન પાર્ટનર હરનેક મહેલ, જે વ્યવસાયે લોંગ-હોલ ટ્રકર હતો અને અવારનવાર કામ અર્થે બહાર રહેતો હતો. ઘરે પાછો ફર્યો ત્યારે તેણે સિમ્મીને બેડરૂમના ફ્લોર પર નિશ્ચેતન હાલતમાં જોઈ. શરૂઆતમાં પોલીસે તેને સામાન્ય મૃત્યુ માન્યું હતું, પરંતુ બીજા જ દિવસે સીરિયલ કિલિંગ્સનો પર્દાફાશ થયો. હરનેક મહેલે જ્યારે તેમના એપાર્ટમેન્ટની સાફસફાઈ શરૂ કરી અને શોક વચ્ચે સામાન વ્યવસ્થિત કરવાનું વિચાર્યું, ત્યારે તેના હાથમાં એક એવી જૂની સૂટકેસ આવી, જેણે આખા કેનેડાના આત્માને હચમચાવી દીધું. તે સૂટકેસ ખોલતાંની સાથે જ જે દૃશ્ય સામે આવ્યું તેણે હરનેકના પગ નીચેથી જમીન સરકાવી દીધી. અંદર પ્લાસ્ટિકમાં ચુસ્તપણે લપેટેલા અને વર્ષોથી છુપાયેલા નવજાત શિશુઓના કોહવાયેલા મૃતદેહો હતા.
મેડિકલ એક્ઝામિનરે જ્યારે તે બેગ ખોલી ત્યારે અંદરથી એક નવજાત શિશુનો મૃતદેહ મળ્યો. આ તો માત્ર શરૂઆત હતી; થોડા જ કલાકોમાં હરનેકની બહેનને ઘરમાંથી બીજું એક બોક્સ મળ્યું, જેમાં બે શિશુઓના મૃતદેહો અને પ્લેસેન્ટા (ગર્ભનાળ) રાખેલા હતા. આખું ઘર જાણે એક અઘોષિત કબ્રસ્તાનમાં ફેરવાઈ ગયું હતું. હરનેકે કબૂલાત કરી હતી કે વર્ષ 2000ની શરૂઆતમાં સિમ્મી ગર્ભવતી હતી ત્યારે તેઓએ ગર્ભપાત કરાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ ત્યારબાદની બે ગર્ભાવસ્થાઓ વિશે તેને અંધારામાં રાખવામાં આવ્યો હતો.
કેલગરી પોલીસના હોમિસાઇડ યુનિટે જ્યારે તપાસની ધૂરા સંભાળી ત્યારે કડીઓ એક પછી એક કોઈ ડરામણી ફિલ્મનાં દૃશ્યોની જેમ ખૂલતી ગઈ. હરસિમરત કાહલોન, જે વર્ષો પહેલાં ભારતથી સારા ભવિષ્યની આશા સાથે કેનેડા આવી હતી અને જેની ઓળખ એક તેજસ્વી, ભણેલીગણેલી યુવતી તરીકેની હતી, તેની પાછળ એક અત્યંત વિકૃત અને ઘાતક માનસિકતા છુપાયેલી હતી. ફોરેન્સિક અને ડીએનએ તપાસમાં જે બહાર આવ્યું તે કલ્પના બહારનું હતું. તે સૂટકેસ અને ઘરના અન્ય ખૂણેથી મળી આવેલા બોક્સમાંથી કુલ ત્રણ બાળકોના અવશેષો મળ્યા હતા અને તે ત્રણેય બાળકો હરસિમરતના જ હતા. પોલીસની થિયરી મુજબ, પ્રથમ બાળકની હત્યા 2005માં, બીજાની 2007માં અને ત્રીજાની 2009ની શરૂઆતમાં કરવામાં આવી હતી. સૌથી ચોંકાવનારી અને માનવામાં ન આવે તેવી હકીકત એ હતી કે આટલાં વર્ષો સુધી તે જેની સાથે એક જ છત નીચે રહેતી હતી, તે હરનેક મહેલને પણ આ ગર્ભાવસ્થાઓ, પ્રસૂતિઓ કે હત્યાઓ વિશે કોઈ જ ભણકારા નહોતા. સિમ્મી પોતાની શારીરિક અવસ્થાને છુપાવવામાં એટલી હદે માહિર હતી કે તે હંમેશાં અત્યંત ઢીલાં કપડાં પહેરતી અને ગર્ભાવસ્થાના અંતિમ મહિનાઓમાં લોકો સાથેનો સંપર્ક સાવ કાપી નાખતી હતી.
તપાસકર્તાઓએ જ્યારે ફોરેન્સિક એક્સપર્ટ્સ સાથે મળીને કેસનું વિશ્લેષણ કર્યું, ત્યારે માલૂમ પડ્યું કે સિમ્મીએ આ તમામ બાળકોને કોઈ પણ મેડિકલ સહાય વગર, ઘરે જ એકાંતમાં જન્મ આપ્યા હતા. જન્મ આપ્યાની ગણતરીની મિનિટોમાં જ તેણે માસૂમ જીવોના શ્વાસ રૂંધી નાખ્યા હતા અથવા તો તેમને કોઈ પણ જાતની સંભાળ વગર પ્લાસ્ટિકમાં પેક કરી દીધા હતા. 2009માં જ્યારે તે ચોથા બાળકની ગર્ભાવસ્થાના અંતિમ તબક્કે પહોંચી, ત્યારે કુદરતે તેને સાથ ન આપ્યો. પ્રસૂતિની જટિલતાઓને કારણે તેની હાલત એટલી હદે બગડી કે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવી પડી. જો તે જીવતી હોત, તો કદાચ તેના ચોથા બાળકની લાશ પણ એ જ સૂટકેસમાં હોત. પોલીસને તેના ઘરના કબાટમાંથી મળેલી એ સૂટકેસ કોઈ સામાન્ય સામાન નહોતો, પણ એક ઠંડા કલેજે બનાવવામાં આવેલું નાનકડું કબ્રસ્તાન હતું. હરનેક મહેલ, જે પોતે આ ઘટનાથી ઊંડા આઘાતમાં સરી પડ્યો હતો અને પોતે પિતા હોવા છતાં આ અકલ્પનીય ગુનાથી અજાણ હોવાથી સમાજમાં શંકાની નજરે જોવાતો હતો, તેની પર પણ લાંબી તપાસ થઈ, પરંતુ પુરાવાઓએ સ્પષ્ટ કર્યું કે તે સિમ્મીનાં અદ્ભુત જુઠાણાં અને રહસ્યમયી વ્યક્તિત્વનો માત્ર એક શિકાર હતો.
આ કેસની સૌથી ગૂઢ અને અકળાવનારી બાબત એ હતી કે એક ઉચ્ચ શિક્ષણ મેળવેલી અને સામાન્ય દેખાતી સ્ત્રીના મનમાં આવો ક્રૂર વિચાર કેવી રીતે જન્મી શકે? મનોવૈજ્ઞાનિકોએ આ અસાધારણ વર્તનને `નિયોનેટસાઈડ'(નવજાત શિશુની હત્યા)ના એક ગંભીર અને વિરલ કિસ્સા તરીકે મૂલવ્યો હતો. પડોશીઓ, સહકર્મચારીઓ અને મિત્રોના મતે સિમ્મી એક અત્યંત શાંત, વ્યવસ્થિત અને સૌમ્ય યુવતી હતી, જેણે ક્યારેય કોઈની સાથે ઝઘડો પણ કર્યો નહોતો, પરંતુ આ બાહ્ય શાંતિ પાછળ એક સીરિયલ કિલરનો અંધકાર છુપાયેલો હતો, જેણે પોતાના જ અંશને ત્રણ-ત્રણ વાર નિર્દયતાથી મિટાવી દીધો હતો. તપાસ દરમિયાન એ પણ પ્રશ્ન ઊઠ્યો હતો કે શું આ સામાજિક લોકલાજનો ડર હતો કે કોઈ ગંભીર માનસિક બીમારી?
તપાસ દરમિયાન ફોરેન્સિક સાઇકોલોજિસ્ટ ડો. જે. થોમસ ડેલ્બીએ વિશ્લેષણ કર્યું કે સિમ્મી કદાચ કોઈ ગંભીર પર્સનાલિટી ડિસઓર્ડર અથવા ડિપ્રેશનથી પીડાતી હતી, જેના કારણે તે પોતાની જાત પ્રત્યે નફરત અનુભવતી હતી. સૌથી ચોંકાવનારો પુરાવો તેની ગુપ્ત ડાયરીમાંથી મળ્યો. આ ડાયરીમાં સિમ્મીએ લખ્યું હતું કે તેને આ બાળકોના મૃત્યુ બદલ કોઈ જ પસ્તાવો કે અપરાધભાવ નથી.
તેમ છતાં તેણે બાળકોના મૃતદેહોને વર્ષો સુધી પોતાની પાસે સાચવી રાખ્યા હતા, જે સૂચવે છે કે તે તેમની સાથે એક વિચિત્ર પ્રકારનું જોડાણ અનુભવતી હતી. પ્રથમ બાળકની ઓળખ `રીત કાહલોન' તરીકે થઈ હતી, જે 2005માં જન્મી હતી અને તેને હોસ્પિટલનું આઈડી બ્રેસલેટ પણ પહેરાવેલું હતું. બાકીનાં બે બાળકો 2009ના ઉનાળામાં જન્મેલાં હતાં, જેમને સિમ્મીએ હરનેકની ગેરહાજરીમાં કોઈ પણ તબીબી મદદ વિના લોહીથી લથપથ ટુવાલ અને ગાર્ડન હોસ (બગીચાની પાઇપ) જેવા ક્રૂર સાધનોનો ઉપયોગ કરીને બાળકોને જન્મ આપ્યો હતો.
આ ભયાનક હત્યાકાંડને છુપાવવા માટે સિમ્મીએ અત્યંત ઘૃણાસ્પદ રસ્તો અપનાવ્યો હતો. તેણે મૃતદેહોને પોતાના બેડરૂમમાં રાખ્યા હતા અને લાશની દુર્ગંધ ન આવે તે માટે તે સતત એર ફ્રેશનરનો છંટકાવ કરતી રહેતી હતી. 2006માં જ્યારે તેઓ ફાલ્કનરિજથી ટેરાડેલના નવા મકાનમાં રહેવા ગયાં, ત્યારે પણ તે આ લાશો ભરેલી સૂટકેસ પોતાની સાથે લઈ ગઈ હતી. સિમ્મીએ આ બાળકોને કેમ માર્યાં અને તે મૃતદેહોને આટલાં વર્ષો સુધી કેમ સાચવ્યાં, તે પ્રશ્નો આજે પણ અનુત્તર છે.
2009ની એ તપાસમાં જ્યારે પોલીસે જાહેર કર્યું કે બાળકોના પિતા કદાચ અલગ-અલગ વ્યક્તિઓ હોઈ શકે, ત્યારે આ કેસમાં નૈતિક અને સામાજિક ગૂંચવણો પણ વધી ગઈ હતી. જોકે, હકીકત એ હતી કે મુખ્ય ગુનેગાર પોતે જ મૃત્યુના શરણે ગઈ હોવાથી કોઈની સામે ટ્રાયલ ચલાવી શકાય તેમ નહોતી. તેમ છતાં, આ કેસે કેનેડિયન હેલ્થ કેર સિસ્ટમ અને ખાસ કરીને ઇમિગ્રન્ટ મહિલાઓની એકલતા અને તેમના માનસિક સ્વાસ્થ્યના અભાવ પર અનેક કઠોર સવાલો ઊભા કર્યા હતા.
સૂટકેસમાં મળેલી નાનકડી અને લાચાર લાશો એ વાતની કાયમી સાક્ષી બની ગઈ કે માનવીય ક્રૂરતા જ્યારે માનસિક વિકૃતિ સાથે ભળે છે ત્યારે તેની કોઈ સીમા નથી હોતી. આ કોઈ કલ્પનાશીલ નવલકથા નથી, પણ એક એવી સ્ત્રીની હકીકત છે જેણે પોતાની આસપાસ જુઠાણાંની એવી દીવાલ ચણી હતી, જેણે તેને તેના પરિવારથી પણ અજાણ રાખી હતી. સિમ્મી કાહલોનનો આ કિસ્સો માત્ર કેલગરીના પંજાબી સમુદાય માટે જ નહીં, પણ સમગ્ર માનવતા માટે એક એવી દર્દનાક ચેતવણી છે કે જે વ્યક્તિ સૌથી સામાન્ય અને ભલી દેખાતી હોય, તેની પાછળ પણ કોઈ અકલ્પનીય અંધારું હોઈ શકે છે. તપાસના અંતે કેલગરી પોલીસે ફાઈલ તો બંધ કરી દીધી, પરંતુ તે માસૂમ બાળકોના આત્મા અને એ સૂટકેસની યાદો કેનેડાના ન્યાયિક અને સામાજિક ઈતિહાસમાં હંમેશાં એક ડામ સમાન અને અત્યંત અસ્વસ્થ કરી દે તેવા સત્ય તરીકે અંકિત થઈ ગઈ.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો