અચ્છા, તો અંડકોષ તથા ન્યૂરોન્સ સિવાયના પણ જન્મ વખતે વધુ હોય એવા અમુક કોષોની વાત ગયા લેખમાં કરેલી. એ કયા અંગના કોષો હતા? યાદ કરો. (જવાબ લેખના અંતે.)
તો, વાત એ ચાલી રહી હતી કે છોકરી માના પેટમાં હોય ત્યારે એના બીજાશયમાં 60-70 લાખ અંડકોષ હોય. પછી એ જન્મે ત્યારે એના બીજાશયમાં અંડકોષની સંખ્યા ઘટીને દસથી વીસ લાખ જેટલી થાય અને પછી કિશોરાવસ્થામાં એ પહેલી વાર રજસ્વલા બને ત્યારે અંડકોષોની સંખ્યા વધુ ઘટીને ત્રણથી ચાર લાખ જેટલી થઈ જાય.
એ જ રીતે માણસનું (સ્ત્રીનું કે પુરુષનું) ભ્રૂણ પાંચેક મહિનાનું થાય ત્યારે એના મગજમાં અંદાજે દસ હજાર કરોડ ન્યૂરોન્સ હોય છે, પરંતુ પુખ્ત માનવીના મગજમાં આશરે સાડા આઠ હજાર કરોડ ન્યૂરોન્સ હોય, ભ્રૂણ કરતાં દોઢ હજાર કરોડ ઓછા.
અહીં એવો વાંધો પડી શકે કે આવું તે કંઈ હોતું હશે? ખોબા જેવડા ભ્રૂણમાં અમુક પ્રકારના કોષો વધારે હોય અને પછી એ ભ્રૂણમાંથી મોટો હટ્ટોકટ્ટો કદાવર માણસ બને ત્યારે એની અંદર પેલા કોષોની સંખ્યા અગાઉ કરતાં ઘટી જાય એવું કઈ રીતે બને? વળી, ટચૂકડા ભ્રૂણના અને નવજાત શિશુના સાવ ટચૂકડા મગજમાં કરોડો અને બીજાશયમાં લાખો કોષો કઈ રીતે સમાય એ વિશે પણ શંકા જાગી શકે.
શંકા વાજબી છે. શંકા જાગવી જ જોઈએ, પણ વાત એમ છે કે આપણે જે કોષોની વાત કરીએ છીએ એ એટલા સૂક્ષ્માતિસૂક્ષ્મ હોય છે કે નાની શીશીના ઢાંકણામાં પણ લાખોની સંખ્યામાં સમાઈ શકે.
વળી, ભ્રૂણમાં તથા નવજાત શિશુમાં જે કોષો હોય એ પછી સંખ્યામાં ભલે ન વધે, પણ કદમાં મોટા થાય એવું બની શકે. જેમ કે, હૃદયના સ્નાયુના કોષો.
આપણું લાલચટક હૃદય પણ જે કોષોનું બનેલું છે એનો મામલો પણ કંઈક એવો જ છે કે નાની ઉંમરે એ મોટી સંખ્યામાં હોય છે. પછી એ ઘટતા જાય.
લાંબા સમય સુધી એવું જ મનાતું રહેલું કે જન્મ સમયે માણસના હૃદયના સ્નાયુના જે કોષો હોય છે એનાથી જ પછી એણે આખી જિંદગી ગાડું ગબડાવવાનું હોય છે. જોકે, વધુ સંશોધન પછી જાણવા મળ્યું કે હૃદયના કોષોનો નાશ થવા સામે નવા કોષોનું નિર્માણ પણ આમ તો જીવનભર ચાલતું રહે છે, પરંતુ હૃદયના કોષોનું નવનિર્માણ બહુ જ નાના પાયે થતું હોવાથી પેલી જૂની માન્યતા મહદંશે સાચી જ ઠરે છે કે જન્મ સાથે જ હૃદય જાણે કહી દે છેઃ જો ભાઈ, જો બહેન, જે છે તે આ છે. મારા કોષોની સંખ્યામાં હવે ઝાઝો વધારો નથી થવાનો.
અને છતાં બાળક જન્મીને મોટું થાય એ સાથે હૃદય પણ મોટું થાય. આ કઈ રીતે શક્ય બને?
એના બે રસ્તા છે. એક, કોષોની સંખ્યા થોડી વધે. બે, જન્મ વખતે જે કોષો હોય એનું કદ વધે. હૃદયના સ્નાયુના જે મુખ્ય કોષો છે એના કદમાં બાલ્યાવસ્થાથી જુવાની દરમિયાન મુખ્યત્વે કદ વધે છે (લગભગ દસ ગણો કદવધારો થાય). આની સામે એ કોષોની સંખ્યામાં જે વધારો થાય છે એ ગૌણ હોય છે. હૃદયના સ્નાયુઓમાં બે પ્રકારના કોષો હોય છે, મુખ્ય (કાર્ડિયોમાઈકોસાઈટ્સ) અને સહાયક (એન્ડોથર્મિયલ વગેરે). આમાંના સહાયક કોષોની સંખ્યામાં બાલ્યાવસ્થા દરમિયાન કોષવિભાજન દ્વારા મોટા પાયે વધારો થાય છે, પરંતુ મુખ્ય કોષોના કદમાં થતા વધારાની સરખામણીમાં સંખ્યાનો વધારો ઘણો ઓછો હોય છે. સરળ રીતે કહીએ તો બાળકનું હૃદય મુખ્યત્વે કોષોનું કદ વધવાથી મોટું થાય, સંખ્યા વધવાથી નહીં.
સરવાળે, આપણે વીસેક વરસના થઈએ ત્યાં સુધી સમગ્ર હૃદયની કોષસંખ્યા તેની મહત્તમ ટોચને આંબી જાય છે.
અહીં આપણને આપણી પેલી કહેવત સાચી પડતી લાગી શકેઃ સોળે સાન અને વીસે વાન. સોળની ઉંમર સુધીમાં મન વિકસી જાય અને વાન (એટલે કે આખું શરીર તથા તેની અંદરના અવયવો) વીસની ઉંમરે વિકાસની ટોચને આંબી લે. હૃદય માટે તો આ વાત અક્ષરશઃ સાચી ઠરે છે કે હૃદય વીસની ઉંમર સુધી મોટું થતું રહે છે.
તો શું વીસની ઉંમર પછી જિંદગીભર હૃદયના સ્નાયુઓમાં નવા કોષો બને જ નહીં? ના, નવા કોષો તો પછી પણ બને, પરંતુ જૂના કોષોના નાશની સામે નવા કોષો બનવાનું પ્રમાણ ઘણું ઓછું હોય. ખાસ તો જેમ જેમ ઉંમર 40 અને 50 પછી વધતી જાય તેમ તેમ હૃદયના સ્નાયુના નાશ પામતા કોષોની સરખામણીમાં નવા બનતા કોષોનું પ્રમાણ વધુ ને વધુ ઘટવાને કારણે હૃદયની કુલ સ્નાયુ-સામગ્રી ઘટતી જાય.
જોકે, આમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ ફાયદામાં રહે છે.
સ્ત્રીનું હૃદય સેલ-રિજનરેશન (કોષ નવનિર્માણ)ના મામલે પુરુષ કરતાં નોંધપાત્ર વધુ સારી કામગીરી કરતું રહે છે. છેક વીસથી માંડીને સો વર્ષ સુધીનો ગાળો ગણીએ તો સ્ત્રી-હૃદયનું આખું મસલ-સેલ-કમ્પાર્ટમેન્ટ અંદાજે પંદર વાર નવનિર્માણ પામે છે, જ્યારે પુરુષોમાં ફક્ત 11 વાર જ `નવું હૃદય' બને છે. હૃદયના કોષોના કુદરતી મોતનું પ્રમાણ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં લગભગ ત્રણ ગણું વધારે હોય છે. ટૂંકમાં, સ્ત્રીઓ કરતાં પુરુષોના હૃદય-કોષો વધુ નાશ પામે અને એના નવનિર્માણનું પ્રમાણ ઓછું હોય. આ એક મહત્ત્વનું કારણ છે જેના લીધે સ્ત્રીઓમાં હૃદયરોગનું પ્રમાણ ઓછું જોવા મળે છે.
એટલે તમારી સાથેની વાતચીતમાં કોઈ માણસ (ખાસ તો સ્ત્રી) એવી દલીલ કરે કે પુરુષ કરતાં સ્ત્રીનું હૃદય વધુ કોમળ હોય, લવચીક-ફ્લેક્સિબલ ઇવન તંદુરસ્ત હોય તો એની સામે દલીલો ન કરવી અને ચૂપચાપ એની વાત માની લેવી, કારણ કે વિજ્ઞાન પણ એ જ કહે છે કે સ્ત્રી કરતાં પુરુષનું દિલ વધુ `જડ' હોય છે. એમ તો પુરુષનું આખેઆખું શરીર પણ પણ સ્ત્રી કરતાં વધુ `ડઠ્ઠર' હોય છે, પણ એની વાત પછી કરીશું.
અત્યારે તો લેખના આરંભે પુછાયેલા સવાલના જવાબ પર અટકીએ. સવાલ એ હતો કે બીજાશય અને મગજમાંના અનુક્રમે અંડકોષો તથા ન્યૂરોન્સની જેમ બીજાં એવાં કયાં અંગો હોય છે જેમાં જન્મ વખતે મહત્તમ કોષો હોય? જવાબ છેઃ નેફ્રોન્સ (કિડનીના ફંક્શનલ સેલ્સ), કાનની અંદરના હેર સેલ્સ, આંખના રેટિનાના કોષો. આ કોષો પણ નોન-રિન્યુએબલ હોય છે. જન્મ સમયે એની જે સંખ્યા હોય છે એ પછી વધતી નથી.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો