લગ્નજીવનનાં 48 વર્ષ દરમિયાન ટોલ્સ્ટોયની સૌથી વધુ સંભાળ પત્ની સોફિયાએ લીધી હતી અને માંદગીઓ દરમિયાન ટોલ્સ્ટોયની ચાકરી કરવા બાબતે સોફિયા સૌથી લાયક વ્યક્તિ હતાં, પરંતુ ટોલ્સ્ટોય જ્યારે 82ની ઉંમરે ઘર છોડ્યા બાદ દૂરના એક નાનકડા ગામ એસ્ટાપોવોમાં મરણપથારી પર હતા ત્યારે સોફિયાને ટોલ્સ્ટોય પાસે ન જવા દેવામાં આવ્યાં.  

માત્ર સોફિયાને જ નહીં, આખી દુનિયામાંથી એ નાનકડા ગામમાં આવી પહોંચેલા ઢગલાબંધ ચાહકો, પ્રેસવાળાઓ વગેરેમાંથી કોઈ પણ ટોલ્સ્ટોય પાસે ન જઈ શકે એ માટે ટોલ્સ્ટોયની દીકરી એલેક્ઝાન્ડ્રા અને ટોલ્સ્ટોયના નિકટના મિત્ર વ્લાદિમીરે ચુસ્ત ચોકીદારી ગોઠવી દીધેલી.  

ટોલ્સ્ટોય શાંતિથી જીવવા માટે ઘર ત્યજી ગયેલા, પરંતુ વાસ્તવમાં ઘર છોડ્યા પછીનું દસેક દિવસનું એમનું જીવન ભારે ધમાલભર્યું રહ્યું. રશિયન ઉપરાંત વિદેશી પત્રકારો, તસવીરકારો તથા ફિલ્મકારોએ એસ્ટાપોવોમાં ધામા નાખ્યા. ટોલ્સ્ટોયની તબિયત વિશે દર કલાકે બુલેટિન પ્રસારિત કરવા માટે ખાસ ટેલિગ્રાફ લાઈનોની ગોઠવણ કરવામાં આવી.  

રેલવે સ્ટેશન પાસેના એક ખાલી ડબ્બામાં સોફિયાએ ઉતારો મેળવેલો. એક અખબારે એવો ફોટો પણ પ્રસિદ્ધ કરેલો.   

ટોલ્સ્ટોયની તબિયત કથળતી ગઈ. એમને શ્વાસ લેવામાં પડતી મુશ્કેલી વધતી ગઈ. એમણે મરતાં પહેલાં છેલ્લી વાર ઉચ્ચારેલા સ્પષ્ટ શબ્દો આ હતાઃ `દુનિયામાં કરોડો લોકો છે અને એમાંના ઘણા પીડાઈ રહ્યા છે, તો પછી તમે બધા મારી જ આજુબાજુમાં શા માટે ભેગા થયા છો?' (થોડાક ત્યાં, બીજા પીડિતો પાસે પણ જાવ.)  

છેવટે જ્યારે એ કોમામાં અત્યંત ઊંડા સરી ગયા અને હવે પછી એ કોમામાંથી બહાર નહીં આવી શકે એવું ડોક્ટરોને લાગ્યું ત્યારે એમણે સોફિયાને બોલાવ્યાં. સોફિયા ટોલ્સ્ટોયના પલંગ પાસે આવીને ઘૂંટણભેર બેસી ગયાં. એ રડતાં રહ્યાં અને માફી માગતાં રહ્યાં, પરંતુ ટોલ્સ્ટોય એ બધું જોઈ-સાંભળી શકતા નહોતા.  

થોડા જ કલાકોમાં ટોલ્સ્ટોયે દેહ છોડ્યો. એ જ દિવસે 7 નવેમ્બર, 1910ની ડાયરીમાં સોફિયાએ નોંધ્યું: `સવારે છ વાગ્યે લેવ નિકોલ (ટોલ્સ્ટોય) મૃત્યુ પામ્યા. મને છેક ત્યારે એમની પાસે જવા દેવામાં આવી જ્યારે એમના અંતિમ શ્વાસ ચાલી રહ્યા હતા. એ લોકોએ મને પતિની વિદાય લેવાનો મોકો પણ ન આપ્યો. કેવા ક્રૂર છે આ લોકો.'  

ટોલ્સ્ટોયના જીવનના કેન્દ્રમાં સોફિયા હતાં. એક લેખક તરીકે ટોલ્સ્ટોય ઘણું બધું લખી શક્યા એમાં સોફિયાનો ફાળો મહત્ત્વનો હતો. ટોલ્સ્ટોયનાં તમામ લખાણોને સુવાચ્ય અક્ષરોમાં ફરી લખવાનું, ટોલ્સ્ટોય જેટલી વાર સુધારા કરે એટલી વાર ફરીફરી લખવાનું કામ સોફિયાએ કર્યું હતું. પ્રકાશકો સાથે માથાકૂટો કરવાનું કામ સોફિયાએ કર્યું હતું. સંતાનોના ઉછેરની લગભગ બધી નાની-મોટી જવાબદારી મુખ્યત્વે સોફિયાના ખભે હતી. ટોલ્સ્ટોયની મસમોટી જાગીરનું વ્યવસ્થાપન પણ સોફિયા સંભાળતાં હતાં. પતિ ટોલ્સ્ટોય ગરીબોને મદદ કરવા માટે જમીનો આપી રહ્યા હતા ત્યારે આ રીતે સંપત્તિ ત્યજી દેવા સામે કચવાટ હોવા છતાં એ કાર્યમાં સોફિયાએ સહયોગ આપ્યો હતો.  

ટૂંકમાં, પતિ પોતાનું સર્જનકાર્ય, ધાર્મિક ચિંતન-મનન, સેવાપ્રવૃત્તિઓ, ઉપદેશક તરીકેનું કામ મોકળાશપૂર્વક કરી શકે એ માટે સોફિયાએ કેટલો બધો ભોગ આપેલો એની જાણ ટોલ્સ્ટોયને પણ હતી. ઇવન છેલ્લે ટોલ્સ્ટોયે ગૃહત્યાગ કર્યો ત્યારે એ જે ચિઠ્ઠી છોડી ગયા એમાં પણ એમણે મુખ્યત્વે તો ખૂબ બધા માણસો અને ખૂબ બધી પ્રવૃત્તિથી થાકીને દૂર જઈ રહ્યા હોવાનું લખ્યું હતું. પછી જ્યારે ટોલ્સ્ટોય એસ્ટાપોવોમાં અંતિમ દિવસો વિતાવી રહ્યા હતા ત્યારે ટાઈમ્સ અખબારે એક લેખમાં લખ્યું: `એક જમાનામાં ટોલ્સ્ટોય શબ્દવિશ્વના એક નોંધપાત્ર સર્જક હતા. સ્પષ્ટ દૃષ્ટિ, નોંધપાત્ર નિરીક્ષણશક્તિ અને પ્રવાહી શૈલી ધરાવતા લેખક હતા, પરંતુ હમણાં હમણાંથી એ વેરવિખેર થઈ ગયા છે. એ જાણે જંગલમાં જાનવરની જેમ મરવા માટે નીકળી પડ્યા છે. એમની મજાક ઉડાવવાનો ઇરાદો નથી. આ બહુ દુઃખદ છે.'  

ટૂંકમાં, ટોલ્સ્ટોયના દુઃખદ અંત માટે સોફિયાને જ દોષી ઠરાવવાનો અર્થ નથી. ઊલટાનું ટોલ્સ્ટોય સ્ટડી જર્નલ નામના પ્રકાશનના તંત્રી એની કોકોબોબોએ તો સોફિયાની તરફેણમાં એ હદે લખ્યું કે, `ટોલ્સ્ટોયને સોફિયા જેટલા ઊંડાણથી કોઈ સમજી શક્યું નહોતું અને સોફિયા જેટલી એમની સંભાળ બીજું કોઈ લઈ શક્યું નહોતું. જેવા એ સોફિયાના વર્તુળમાંથી નીકળ્યા કે તરત એ મૃત્યુ પામ્યા.' 

ટોલ્સ્ટોયની વિદાયના ચારેક મહિના પછી સોફિયાએ એમની ડાયરીમાં નોંધ્યું: `(જીવનમાં) અનંત ઉદાસી છે. હું ઘરમાં આખો દિવસ બેસી રહું છું. દીવાલો પર મેં એમના મોટા પોટ્રેટ્સ તો ટાંગ્યા છે, પણ એ મારી સાથે વાત નથી કરતા.' ટોલ્સ્ટોયના અવસાનના છએક મહિના બાદ સોફિયાએ ડાયરીમાં લખ્યું: `(ટોલ્સ્ટોયની) કબર પર હું ન ગઈ. ત્યાં બહુ બધા લોકો હતા. લ્યોવોચ્કા (પતિ ટોલ્સ્ટોય) અને હું, અમે બે એકલાં જ સાથે હોઈએ એવું મને જોઈએ.'  

એક પત્ની ફક્ત પતિનો સંગાથ ઝંખતી હતી. એક પતિ પત્ની ઉપરાંત સમગ્ર દુનિયાને પણ ચાહતો હતો. આ સિવાય ટોલ્સ્ટોય અને સોફિયા વચ્ચેનો સંબંધ અસલમાં કેવો હતો અને સંજોગોના ઝંઝાવાતોમાં એ સંબંધ કેવી કેવી રીતે બદલાતો રહ્યો અને એ સંબંધમાં છેવટ સુધી શું ટક્યું એ બધી વાતોનો પૂરેપૂરો હિસાબ તો એ બે જણ પણ પૂરેપૂરો કદાચ સમજી શકે તેમ નહોતાં. તો પછી આપણું શું ગજું?   

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો