એવું કહેવાય છે કે દુનિયાની દરેક વ્યક્તિમાં એક અભિનેતા કે અભિનેત્રી છુપાયેલાં હોય જ છે. (આવું ક્યાં કહેવાય છે? આવું કોણ કહે છે? આવું કોને કહેવામાં આવે છે?

એની અમને કશી જ ખબર નથી, પણ આવું કહેવાય છે એવું કહેવાય છે.) રોજિંદા જીવનમાં દરેકેદરેક માણસે ક્યાંક ને ક્યાંક અભિનય કરવો જ પડે છે. નાટકમાં અને ફિલ્મમાં અભિનય કરવા કરતાં રોજિંદા જીવનમાં અભિનય કરવો એ ખૂબ અઘરી વાત છે.

રોજિંદા જીવનની એક્ટિંગ માટેનું સૌથી પહેલું સ્ટેજ યાનિ કી તખ્તો આપણું ઘર જ છે. આપણે બધા આપણા ઘરમાં દરરોજ, જાતજાતના અભિનય કરતા હોઈએ છીએ. આપણાં ઘરોમાં આવો અભિનય `ટેણિયાં ટબૂડિયાં'થી માંડીને `ઘઈડા ડોહા-ડોહીઓ' સુધી બધાં જ કરતાં હોય છે.

નાનાં બાળકો તોફાન કરી `ઝલાઈ જાય' ત્યારે એકદમ ભલો ભોળો ચહેરો બનાવી `મેં તો કશું જ નથી કર્યું' એવી એક્ટિંગ કરતાં હોય છે. પતિ-પત્નીમાં તો સામસામે એક્ટિંગ કરવાની `હોડ' ચાલતી હોય છે. લગભગ બધા જ પતિદેવો પોતાની પત્નીઓ સામે `સતા સાવિત્રા' બનવાનો અભિનય દરરોજ કરતા હોય છે. મિત્રો-ભાઈબંધો સાથે રખડવા જવું હોય, લેટ નાઇટ `ભેદી પાર્ટી' કરવી હોય કે પછી `હવાલા એકાઉન્ટ'નું સેટિંગ પાડવું હોય (આ શબ્દોનો અર્થ શું થાય છે એ દરેક પતિદેવ સમજી જ ગયા હશે.) આવા બધા જ સંજોગોમાં પતિદેવો `કહ્યાગરા કંથ' હોવાનો આબાદ અભિનય કરતા હોય છે. એની સામે પત્નીઓ પણ પોતાનું ધાર્યું કરાવવા રિસાવાનો, દુઃખી થવાનો, ગુસ્સે થવાનો જોરદાર અભિનય કરી દેખાડતી હોય છે.

`જમાનાના ખાધેલ' વડીલો પણ ઓછા એક્ટર નથી હોતા. એ લોકો પણ કુટુંબમાં પોતાની પકડ જાળવી રાખવા, ધાક જમાવવા, સેવા કરાવવા ઉત્કૃષ્ટ અભિનય કરી બતાવતા હોય છે. અમારા કુટુંબમાં એક `મોટાં બા' છે. એ આમ તો સંપૂર્ણપણે સ્વસ્થ છે. એકદમ `કડેધડે' છે. મેડિકલી ફુલ્લી ફિટ છે. ડૉક્ટરો કહે છે, `એમને કશું જ નથી,' તેમ છતાં એ સતત માંદા હોવાનો અભિનય કરતાં રહે છે. જગતના મોટાભાગના રોગનો એ ભોગ બની ચૂક્યાં હોવાનો એમનો દાવો છે. એ સતત ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે' રહી બધા પાસે ખૂબ સેવા કરાવ્યા કરે છે અને પોતે ખાઈ-પીને જલસા કરે છે.

ઘરની બહાર રોડ-રસ્તા પર પણ અભિનયનું સામ્રાજ્ય ફેલાયેલું હોય છે. ટ્રાફિક ભંગ કરનારા પોલીસ સામે સાવ નિર્દોષ હોવાનો અભિનય કરે છે અથવા તો પોતે કેટલી તકલીફમાં છે, ઉતાવળમાં છે એવી વાત કરી ગુનાથી બચવા પ્રયત્ન કરતા હોય છે. `અરે સાહેબ! મેં હમણાં ગયા મહિને જ બ્રેઇન ટ્યુમરનું ઓપરેશન કરાવ્યું છે. એના લીધે માથાને તકલીફ ન પડે એ માટે મેં હેલ્મેટ નથી પહેર્યું' અથવા તો `મારા સાઢુભાઈને હોસ્પિટલમાં દાખલ કર્યા છે એટલે ઉતાવળમાં મેં ટ્રાફિક સિગ્નલ તોડ્યું છે.' ટૂંકમાં, કરેલા ગુનાથી બચવા એક્ટિંગનો સપોર્ટ લેતા હોઈએ છીએ આપણે.

આ ઉપરાંત કોર્પોરેટ આફિસોમાં, સરકારી કચેરીઓમાં, બેન્કોમાં ચારે બાજુ કામ ન કરતા હોવા છતાં સતત કામ કરતા હોવાનો અભિનય રોજે ચાલતો હોય છે. કોઈ પણ કામ ન કરવા માટે, નવરાં રહેવા માટે વ્યસ્ત હોવાનો અભિનય કરવાની ઓફિસોમાં પ્રથા ચાલતી હોય છે.

દુકાનોમાં, મોટા મોટા મોલમાં પોતાનો માલ વેચવા વેપારીઓ અદ્ભુત અભિનય કલાનું પ્રદર્શન કરતા રહેતા હોય છે. `અરે શેઠ! હું કહું છું ને આ સીલિંગ ફેન લઈ જ જાઓ. તમારી સીલિંગ તૂટી જશે, પણ આ સીલિંગ ફેનને કશું જ નહીં થાય અને ધારો કે કંઈ થાય તો અમે બેઠા જ છીએને?' પછી છ મહિનામાં સીલિંગ ફેન ફરતો બંધ થઈ જાય. તમે ફરતા થઈ જાઓ અને પેલો વેપારી ખરેખર બેઠો જ રહે. કંઈ જ ન કરી આપે. આમ, બજારમાં પણ અભિનયનું જોર ચાલતું રહે છે અને ધંધા (કે ગોરખ ધંધા) ચાલતા રહે છે અને ગ્રાહકો છેતરાતા રહે છે.

રમતના મેદાનમાં એક્ટિંગ ચાલે છે. ક્રિકેટમાં ખેલાડીઓ આઉટ થયા પછી, ભૂંડ હાલે હાર્યા પછી, ટ્રોફી ગુમાવ્યા પછી ખૂબ ખૂબ દુઃખી થવાનો આબેહૂબ અભિનય કરે છે અને પછી એ જ સાંજે પાર્ટીઓમાં છાકટા બની નાચતા રહે છે.

આ બધાયની સાથે વકીલો, ડૉક્ટરો, એન્જિનિયર, શિક્ષકો અભિનયના સહારે પોતાની નાવડી હંકાર્યા કરે છે અને આપણા વહાલા નેતાઓ તો `અઠંગ- અભિનેતા' છે જ. ટૂંકમાં, આ આખું વિશ્વ અભિનયનું મોટું સ્ટેજ છે. એક્ટર-એક્ટ્રેસને તો અભિનય માટે મોટા મોટા એવોર્ડો મળે છે, પણ આપણા જેવા રોજિંદા કલાકારો માટે પણ `નેચરલ એક્ટિંગ ઇન ડેઇલી લાઇફ'નો ઓસ્કાર એવોર્ડ ન હોવો જોઈએ?