વર્ષ 2026ની શરૂઆત સાથે જ સાયન્સ સફરનો જે પ્રથમ લેખ (7 જાન્યુઆરી, 2026) તમે વાંચ્યો, એ ઈરાન નજીક આવેલા ટચૂકડા હોર્મુઝ ટાપુ અંગેનો હતો. આ ટાપુની આસપાસનો દરિયો ગત ડિસેમ્બર માસ દરમિયાન લાલ રંગનો થઇ ગયેલો. જોકે, એની પાછળ પોલિટિકલ નહિ પણ ભૌગોલિક કારણો જવાબદાર હતા, એ વિશે લેખમાં વાત થયેલી, પરંતુ ત્યાર પછી વિશ્વનાં રાજકીય સમીકરણો એવાં બદલાયાં કે હોર્મુઝ ફરી એક વાર વૈશ્વિક પાવર પોલિટિક્સના કેન્દ્રમાં છે. અહીં માત્ર મહાસત્તાનું નાક બચાવવાનો જ સવાલ નથી, પણ વૈશ્વિક ઊર્જા સંકટ ઊભું થવાની ભીતીય છે. આ આખો ઘટનાક્રમ એક વાત પથ્થર પર લકીરની માફક સાબિત કરે છે. આ વાત એટલે જળમાર્ગ અને એની સુરક્ષાનું મહત્ત્વ. આપણે ઊંચા આકાશે ભલે અવકાશ સુધીની ઊડાઊડ કરીએ, પણ જીવનજરૂરી ચીજવસ્તુઓના વહન માટે આજેય આપણને જળમાર્ગની જરૂર પડે છે અને એટલે જ દેશની આસપાસના જળમાર્ગો પર આધિપત્ય જમાવવું આવશ્યક બની જાય છે.

ભારત આ સત્ય બરાબર સમજે છે. કહેવાય છે એ શાંતિનો સમય મોજમજા માટે નહિ, પણ યુદ્ધની પૂર્વતૈયારીઓ માટે હોય છે. આપણેય ભવિષ્યના સંભવિત સમુદ્ર યુદ્ધ માટેની તૈયારીઓ તેજ કરી દીધી છે. આપણા પડોશમાં ચીન અને પાકિસ્તાન જેવા નમૂનાઓ છે. પાકિસ્તાન કરતાંય ચીનવાળા દાયકાઓથી હિન્દ મહાસાગર ઉપર ચૂંચી નજર ખોડીને બેઠા છે. એમને હોર્મુઝથી માંડીને દક્ષિણ એશિયન જલમાર્ગો પર પોતાનું પ્રભુત્વ સ્થાપવું છે. એવામાં આપણે હિન્દ મહાસાગર પર કંટ્રોલ જાળવી રાખવો હોય તો મોટાં યુદ્ધજહાજોની સાથે સાથે પાણીની નીચે લપાઈને રહેતી અને જરૂર પડે ત્યારે દુશ્મન પર કાળ બનીને ત્રાટકતી સબમરીન બહુ મહત્ત્વપૂર્ણ સાબિત થાય! સબમરીનનું મુખ્ય હથિયાર એટલે પાણીની અંદર રહીને જ છોડી શકાય એવો ટોર્પિડો. આવા ટોર્પિડો દુશ્મનોનાં મોટાં મોટાં યુદ્ધજહાજોને ડુબાડી શકે છે અને એટલે જ ભારત હાલ પોતાની ટોર્પિડો ક્ષમતા વિકસાવી રહ્યું છે. દેશ માટે આ કામ કરી છે સ્વદેશી સંસ્થા DRDO.

વિશાખાપટ્ટનમમાં DRDOની નેવલ સાયન્સ એન્ડ ટેક્નોલોજિકલ લેબોરેટરી (NSTL) ઝડપથી આગામી પેઢીના હળવા વજનના ટોર્પિડો વિકસાવી રહી છે. DRDO દ્વારા વિકસાવવામાં આવી રહેલો આ ટોર્પિડોનું નામ છે `એડવાન્સ્ડ લાઇટ ટોર્પિડો (ALWT) શ્યેના'. આ ભારતનું પ્રથમ સ્વદેશી લાઇટવેઇટ એન્ટિ-સબમરીન વોરફેર (ASW) ટોર્પિડો છે. આ ટોર્પિડો વિશે આપણને પહેલી વાર 2012માં જાણવા મળ્યું. હાલમાં તેની બીજી પેઢી, એટલે કે અપગ્રેડેડ વર્ઝન (ALWT) વિકસાવવામાં આવી રહ્યું છે.

શ્યેનાનું વજન 220 કિલોગ્રામ, લંબાઈ 2.75 મીટર અને એનો વ્યાસ 324 મીમી જેટલો છે. વોરહેડ, એટલે કે દારૂગોળાની વાત કરીએ તો શ્યેના 50 કિ.ગ્રા. જેટલા વજનનું હાઈ-એક્સપ્લોસિવ વહન કરી શકે છે. શ્યેનાની રેન્જ 19થી માંડીને 25 કિલોમીટર સુધીની છે.

ઓકે ફાઈન. આ તો પાણીની અંદર રહીને દુશ્મનને મારવાની વાત થઇ, પણ શું તમે જાણો છો કે નૌસેના માત્ર જળવાહનો જ નહિ, પણ હવાઈ વાહનો એટલે કે હેલિકોપ્ટર્સ અને વિમાનો પણ વાપરે છે? જી હા, કેટલાંક વિમાન તેમજ હેલિકોપ્ટર્સને દરિયાઈ સીમાઓની સુરક્ષા માટે વિશેષરૂપે બનાવવામાં આવે છે. આ એરફોર્સ દુશ્મન દેશની નૌસેનાનો ખાત્મો કરવામાં પણ નિર્ણાયક ભાગ ભજવી શકે છે. આ માટે ભારતીય નૌસેના સાથે જોડાયેલ અમેરિકન બનાવટના પોસાયડન વિમાન અને ધ્રુવ હેલિકોપ્ટરનો દાખલો લઇ શકાય.

P-8I પોસાયડન - આખું નામ P-8I Poseidon Maritime Patrol Aircraft આપણે અમેરિકા પાસેથી ખરીદ્યું છે. જેના નામ પરથી વિમાનનું નામ પડ્યું એ પોસાયડન એટલે ગ્રીક માયથોલોજી મુજબ સમુદ્રનો દેવતા. આ વિમાન ખરેખર સમુદ્ર પર રાજ કરે એવું છે. એ માત્ર સીમાઓની પર નજર જ નથી રાખતું, બલકે જરૂર પડે ત્યારે દુશ્મન જહાજો પર ઘાતક પ્રહાર કરીને એના ફૂરચા બોલાવી શકે છે. 85 હજાર કિલોગ્રામનું વજન ધરાવતું આ હવાઈ બોડીબિલ્ડર સર્ચ રડાર, પાણીની નીચે છુપાયેલી દુશ્મન સબમરીનને લોકેટ કરતું મેગ્નેટિક ડિટેક્ટર અને એન્ટિ શિપ તેમજ એન્ટિ સબમરીન મિસાઈલ્સથી સજ્જ છે.

ભારતીય મહાસાગરમાં ચીની નૌકાદળની પ્રવૃત્તિ (ખાસ કરીને સબમરીન) પર નજર રાખવામાં P-8I ખૂબ મહત્ત્વનું છે. આ વિમાન ભારતના સમુદ્ર વિસ્તારો માટે ગેમ ચેન્જર સાબિત થશે.

આ આખું વિમાન મેડ ઇન અમેરિકા છે, પરંતુ એની સામે ધ્રુવ હેલિકોપ્ટર સ્વદેશી છે. Hindustan Aeronautics Limited - HAL દ્વારા બનાવવામાં આવેલ ધ્રુવ હેલિકોપ્ટર ભારતનું પ્રથમ સ્વદેશી ડિઝાઇન અને વિકસિત લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર છે. ધ્રુવ માટે ALH, એટલે કે `Advanced Light Helicopter' જેવો શબ્દપ્રયોગ થાય છે, કારણ કે સૈનિકો અને હથિયારો સહિત એનું મહત્તમ વજન છે માત્ર 5,500 કિલોગ્રામ. હાલમાં ભારત પાસે જુદી જુદી કેટેગરીઝમાં સેવા બજાવતાં 300 કરતાં વધુ ધ્રુવ હેલિકોપ્ટર્સ છે.

હવે મજાની વાત એ છે કે P-81 અને ધ્રુવ - આ બંનેમાંથી દુશ્મન ઉપર શ્યેના ટોર્પિડોનો પ્રહાર કરી શકાય છે અને એટલા માટે જ શ્યેના ટોર્પિડોને ભારતીય નૌસેના માટે બહુ મહત્ત્વનું ગણાય છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો