મેંસોક્રેટિસજી,

કોલેજ પૂરી થતાં મારા બોયફ્રેન્ડ લવર સાથે મેરેજ કરી લીધા હતા. હવે આઠ વર્ષ વીતવા છતાં અમારે સંતાન નથી થતું એટલે હું ટેસ્ટ ટ્યૂબ બેબી, આઈવીએફ, સરોગેટ મધર જેવા આઈડિયા કહું છું તો મારો હસબન્ડ ના પાડી કહે છે કે તારામાં જ ખામી છે. હકીકતમાં ખામી એનામાં હોવાની મને ખબર છે. એ લઘુતાગ્રંથિથી પીડાય છે, શું કરું?

- સુનીતા (નામ બદલ્યું છે),

તારી સમસ્યા એક મોટી પીડા છે. કોઈ પ્રેમી આવો હોઈ જ કઈ રીતે શકે? અને તેને સહન જ કઈ રીતે કરી શકાય? તમે કોલેજમાં તમારી સાથે સ્ટડી કરતા બોયફ્રેન્ડને લવ કરો અને સમાજની કે પરિવારની પરવા કર્યા વિના તેની સાથે મેરેજ કરો અને સમય જતાં એ જ લવર સંતાન ન થાય તો તમારા પર જ ખામી હોવાનો આરોપ મૂકે તો કેવી હાલત થાય તે સમજી શકાય છે. કોઈ શાંત અને પ્રેમાળ સ્વભાવની મહિલા હોય તો તેને ભારે આઘાત લાગે અને તેનાથી એવી પરિસ્થિતિ સર્જાય કે કહી ન શકાય. એ ડિપ્રેશનમાં સરી પડે. કેટલાક કિસ્સામાં આપઘાત જેવું અંતિમ પગલું પણ લઈ લે. તો કોઈ માથાફરેલ સ્વતંત્ર મિજાજની મહિલા હોય તો પતિને જ સીધું સંભળાવી દે કે તારામાં જ ખામી છે. ચાલ, માનતો ન હોય તો તબીબી તપાસ કરાવીએ. પતિ ન માને તો એ છૂટાછેડા લેવા સુધી જાય અને પતિને સબક શીખવવા માગતી હોય તે મહિલા કોઈ અન્ય પ્રેમી શોધીને આડો સંબંધ બાંધી માતા બની પતિને ઉલ્લુ બનાવી કહે, જુઓ, તમારા કે મારામાં કોઈમાં કંઈ ખામી નથી. આ તો નસીબના ખેલ છે. આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે પતિ મૂરખ હોય તો કંઈ સમજે નહીં અને ખુશ થાય, પરંતુ જો હોશિયાર, બુદ્ધિશાળી હોય તો મનમાં બધું સમજીને બેસી રહે, ન કહેવાય અને ન સહેવાય.

આવી કોઈ પરિસ્થિતિ ન સર્જાય તે માટે તારે તારા પ્રેમી પતિને શાંતિથી સમજાવવો પડશે. એને સૌપ્રથમ તો તબીબી તપાસ માટે સમજાવવો. જો એ માની જાય તો પછી કોઈ વાંધો જ ના આવે, પરંતુ ન માને તો સંતાનસુખ મળી શકતું હોય તો બીજા ઉપાયો કરવામાં શું વાંધો? એ જણાવી એને જો તબીબી તપાસમાં કોઈ વાંધો ન નીકળે અથવા એવું કોઈ કારણ નીકળે તો કૃત્રિમ ઉપાયો માટે એને કહેવું. આ રીતે પણ સંતાન મળે તેથી વધુ આનંદની વાત શું હોઈ શકે? આમ છતાં પતિ માને જ નહીં તો તેને ઉશ્કેરવો જોઈએ. તારામાં જ ખામી છે એવો સીધો જ આક્ષેપ કરવો અને સ્પષ્ટ રીતે કહેવું કે જો એમ નથી તો તબીબી તપાસ કરાવતા કેમ ડરે છે? મારામાં જો ખામી હોય તો તપાસ કરાવીને જાણી લે, જો હોય તો તું ઇચ્છે તો કોઈ બીજી યુવતીને પરણી શકે છે, હું તને છૂટ આપું છું. એ બીજી આવનારી જો તને સંતાનસુખ આપશે તો એને હું વધાવી લઈશ, પરંતુ તારામાં ખામી હશે તો શું? એટલે તારા કે મારામાં કે પછી બંનેમાં કંઈ ખામી હોય તો તેની તપાસ કરાવી તે દૂર કરવા ઉપાયો કરવા જોઈએ. હવે વિજ્ઞાન ખૂબ આગળ વધી ગયું છે. ઘણી બધી રીતે બાળક પ્રાપ્ત થઈ શકે અને તે પણ આપણું પોતાનું! તારી આવી સમજાવટથી તારો પતિ સમજી જ જશે. આમ પણ આખરે એ તારો પ્રેમી છે એટલે એ તું દુઃખી થાય એ બાબત સહન કરી ન શકે. એટલે એકવાર જો એ પોઝિટિવ બને તો પછી તમારે બંનેએ કઈ રીતે આગળ વધવું તે શાંતિથી વિચારવું. એટલું તો ચોક્કસ માનવું પડશે કે તબીબી તપાસ વિના આગળ વધી શકાશે નહીં. એટલે કોઈ યોગ્ય ગાયનેકને બતાવી, વિવિધ ટેસ્ટ કરાવી તેમાં શું આવે છે તે જાણીને તેની સલાહ મુજબ તમારા બંનેમાંથી જેને સારવાર કરાવવી જરૂરી હોય તેણે નિઃસંકોચ કરાવવી. કદાચ બંનેને જરૂરી હોય તો બંનેએ કરાવવી. સૌપ્રથમ એ વાત ખાસ યાદ રાખવી કે જો સારવાર બાદ કૃત્રિમ ઉપાયોની જરૂર ન હોય તો પ્રાકૃતિક રીતે જ એટલે કે સહજ સ્વાભાવિક રીતે જ બંનેએ આગળ વધવું. પ્રેમ ખૂબ મહત્ત્વની બાબત છે. એનાથી ગમે તેવી સમસ્યા હલ થઈ શકે. સતત એકબીજાના સહયોગથી સારા પરિણામ આવે જ આવે. બાકી એકબીજામાં શંકા રાખીને કે પછી પોતાનામાં કોઈ ખામી નથી એવું પહેલેથી જ વિચારીને ગ્રંથિ બાંધી લેવાથી કોઈ સારું પરિણામ ન આવે. જે કંઈ પણ પરિસ્થિતિ સર્જાય કે હોય એમાં બંનેએ સાથે મળીને સામનો કરવાથી ધાર્યું પરિણામ આવે જ. એક વાત રાખવાની કે પોઝિટિવ વિચારવાથી આપોઆપ શરીરમાં સારા ફેરફાર થાય અને જે ઈચ્છીએ તે થાય.

બાકી તું તારા પતિને સમજાવીશ નહીં અને એ પોતાનામાં કોઈ ખામી નથી એમ માનીને બેસી રહેશે તો એક દિવસ તમારા દાંપત્યજીવનમાં વાવાઝોડું આવશે અને જુદા પડી જશો. આ મુદ્દો જ પ્રેમી પતિને તું ઈચ્છે છે તેમ કરવા તૈયાર કરી દેશે. આમ છતાં જો એ તારી કોઈ વાત માનવા જ તૈયાર ન થાય તો તારે એને છોડી દેવામાં જ સાર છે. બાકી તું એને વળગી રહીશ તો આખી જિંદગી દુઃખી થવું પડશે. એટલે થોડો સમય દુઃખ ભોગવીને કાયમી શાંતિ અને સુખ, આનંદનો માર્ગ લેવો જ ડહાપણ છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો