આયુર્વેદીય ચિકિત્સા પદ્ધતિ પ્રમાણે જોઈએ તો પ્રસવ ક્રિયા (ડિલિવરી) પછી સ્ત્રીઓના શરીરમાં વાયુ દોષ વધવાનો સંભવ રહે છે. એટલે પ્રસૂતિ પછી સ્ત્રીઓએ ખાસ કરીને વાયુ દોષથી બચવા પ્રયત્નો કરવા જોઈએ અને વાયુ ન વધી જાય એવા આહાર અને ઔષધો યોજવાં જોઈએ.
પ્રસૂતિ પછી વાયુ દોષ વધી ન જાય એ ધ્યાનમાં રાખીને જ આપણે ત્યાં પ્રસૂતાને પૌષ્ટિક પાકમાં સૂંઠ અને થોડો મેથીનો ભુક્કો મેળવીને આપવાનો રિવાજ છે. સૂંઠ અને મેથી બંને વાયુનાશક છે. સૂંઠ દીપન છે અને વાયુનું અનુલોમન પણ કરે છે.
મેથીનો કડવો રસ અરુચિ અને ગળાની ખરેટીને દૂર કરે છે અને તે ઉત્તમ વાયુનાશક પણ છે. આમ, પ્રસૂતાને અપાતા પૌષ્ટિક પાકમાં વપરાતાં આ બંને ઔષધો સૂક્ષ્મ વિચાર કર્યા પછી જ ગોઠવાયાં છે.
પ્રસૂતાના શરીરમાં જો વાયુનો પ્રકોપ થાય તો સૌથી પહેલાં ભૂખ મરી જાય છે. શરીરના જુદા જુદા અવયવોમાં દુખાવો થાય છે. ભૂખ ઓછી લાગવાથી આહારનું પ્રમાણ ઘટે છે, તેથી શરીરનું પોષણ અટકે છે.
ગર્ભાશયનીશુદ્ધિ માટે
સુવાવડ પછી સ્ત્રીના ગર્ભાશયનું પૂર્વવત્ સંકોચન થાય એ માટે હું દશમૂલારિષ્ટનું સૂચન કરું છું. એકલો દશમૂલારિષ્ટ વાપરો તો પણ પર્યાપ્ત છે. પ્રસવ વખતે ગર્ભાશયની જે સંકોચ વિકાસની પ્રક્રિયા થાય છે, તેને કારણે ઘણી વખત ગર્ભાશયમાં સોજો ઉત્પન્ન થાય છે અને પ્રસૂતાને સુવારોગ લાગુ પડે છે. પ્રસવ પછી સૂતીકાને થતા વ્યાધિઓને આયુર્વેદમાં સૂતિકારોગ કહે છે. દશમૂલારિષ્ટના સેવનથી આ સૂતિકારોગો થવાનો ભય રહેતો નથી.
દશમૂલારિષ્ટ શું છે?
દશમૂલારિષ્ટ એ આયુર્વેદનું પ્રસિદ્ધ પ્રવાહી ઔષધ છે. તે આસવ પદ્ધતિથી સહેજ ભિન્ન રીતે તૈયાર કરવામાં આવે છે. દશમૂલારિષ્ટમાં લગભગ 40 જેટલાં જુદાં જુદાં આયુર્વેદીય ઔષધો પડે છે, પરંતુ એમાં દસ વનસ્પતિનાં મૂળ મુખ્ય ગણાય છે અને એટલે જ એનું `દશમૂલારિષ્ટ' નામ આપવામાં આવ્યું છે. આવડત વગર આ દશમૂલારિષ્ટ ઘરે બનાવી શકાય એમ ન હોવાથી કોઈ ઉત્તમ પ્રમાણિત ફાર્મસીનો લાવીને વાપરવો જોઈએ.
બળ આપનાર
દશમૂલારિષ્ટ વાયુનું અનુલોમન કરે છે, તેથી ગર્ભાશયમાં રહી ગયેલા દોષોને દૂર કરવા માટે ઉત્તમ ગણાય છે. ગર્ભાશયની શિથિલતાને લીધે ઘણી વખત સ્ત્રીઓને ગર્ભસ્રાવ કે ગર્ભપાત થઈ જતો હોય છે. શિથિલતાને લીધે ઘણી વખત ગર્ભધારણા થઈ શકતું નથી. આવી સ્ત્રીઓને માટે દશમૂલારિષ્ટનું લાંબા ગાળાનું સેવન અત્યંત લાભપ્રદ બને છે.
દશમૂલારિષ્ટમાં પાચનતંત્રને સુધારવાનો અને ગર્ભાશયને બળશાળી કરવાનો ઉત્તમ ગુણ રહેલો છે. દશ મૂળમાં પડતાં મુખ્ય દસેદસ મૂળ આમ તો ત્રિદોષનાશક છે, પરંતુ તેના સેવનથી વાયુ અને કફથી થતા અનેક રોગો પણ દૂર થાય છે. જેમ કે, અરુચિ, મંદાગ્નિ, અનિદ્રા, શ્વાસ, ઉધરસ, શરદી, ક્ષય, પ્રમેહ વગેરે.
દસ મૂળ વાયુનું અનુલોમન કરે છે તેથી અર્શ (મસા-પાઈલ્સ)માં પણ તે હિતકારી છે. મૂત્રમાર્ગની નાની અશ્મરી (પથરી) પણ દશમૂલારિષ્ટના સેવનથી મૂત્રમાર્ગથી ઓગળીને ફેંકાઈ જાય છે.