બહારગામ ગયેલા પતિએ અચાનક ઘરે આવીને જોયું તો એની પત્ની અને ભાઈબંધ બંધ બારણે ડિનર લઈ રહ્યાં હતાં. પતિએ બંને પર હુમલો કર્યો. પત્ની બોલી, `ભાનમાં આવો. આ તમે શું કરી રહ્યા છો? તમને શું થઈ ગયું છે? કશું નથી થયું. અમારી વચ્ચે કશું એટલે કશું જ નથી થયું. હું સોગંદ ખાઈને કહું છું.' આનો અર્થ પતિએ એવો કાઢ્યો કે `બધું જ થઈ ચૂક્યું છે.' પછી પોતે શું કરી રહ્યો છે અને એનાં કેવાં પરિણામ આવી શકે એની પૂરી સભાનતા સાથે પતિએ પત્નીની છાતીમાં, નીચલી પાંસળીઓ વચ્ચે, કટાર ઘુસાડી દીધી. અચાનક એના મનમાં એક એવી ભયાનક સભાનતા પ્રગટી કે `હું એક પત્નીને મારી રહ્યો છું, મારી પત્નીને.' આગળની વાત એના જ શબ્દોમાં.

(હું પત્નીની હત્યા કરી રહ્યો છું એવી સભાનતા પ્રગટતાંની સાથે જ) મેં તરત કટાર બહાર ખેંચી લીધી. જે થઈ ચૂક્યું હતું એને હવે હું રિપેર કરવા માગતો હતો, મારી જાતને (રોષની બેરોકટોક અભિવ્યક્તિને) રોકવા માગતો હતો. પત્ની બેઠી થઈ. એ ચિલ્લાઈઃ `આયા, આ માણસે મને મારી નાખી.'

આયા દરવાજામાં જ ઊભી હતી. અવાજો સાંભળીને એ દોડી આવી હતી. હું ટટ્ટાર ઊભો હતો. જાણે કશીક રાહ જોતો હતો. મેં આવું કર્યું એ વાત મારા માન્યામાં નહોતી આવી રહી. એ વખતે મેં પત્નીની છાતી-પેટના ભાગેથી લોહી બહાર નીકળતું જોયું. એ ઘડીએ મને સમજાઈ ગયું કે જે નહોતું થવા જેવું એ થઈ ચૂક્યું હતું અને એ પાછું વાળી શકાય તેમ નથી. હવે કશું થઈ શકે તેમ નથી. મેં નક્કી કર્યું કે કશું કરવાની જરૂર પણ નથી. બધું મારી ઇચ્છા પ્રમાણે જ થયું હતું. મેં મારી ઇચ્છા પૂરી કરી હતી. પત્ની ફરી ઢળી પડી ત્યાં સુધી હું ત્યાં ઊભો રહ્યો. આયા `ઓહ માય ગોડ' કહેતી પત્ની પાસે ધસી ગઈ. મેં કટાર ફગાવી દીધી અને હું કમરામાંથી જતો રહ્યો.

મેં મારી જાતને કહ્યું કે મારે ઉત્તેજિત ન થવું જોઈએ અને હું જે કરું એ મારે સમજી વિચારીને કરવું જોઈએ. અંદરથી આયા બીજી આયાને બોલાવી રહી હતી. હોલમાંથી પસાર થતી વખતે મેં બીજી આયાને અંદર (પત્ની પાસે) જવા કહ્યું અને હું મારા કમરા તરફ આગળ વધ્યો.

`હવે શું કરવું?' મેં મારી જાતને પૂછ્યું.

તરત મને સમજાઈ ગયું કે મારે શું કરવું જોઈએ. મારા કમરામાં પ્રવેશી મેં સીધા દીવાલ પાસે જઈને ત્યાં ટાંગેલી રિવોલ્વર હાથમાં લીધી. રિવોલ્વરને મેં ધ્યાનથી જોઈ. એ લોડેડ હતી. રિવોલ્વર મેં ટેબલ પર મૂકી. (થોડી વાર પહેલાં કટાર લઈ જતી વખતે) કટારનું કવર સોફાની પાછળ પડી ગયેલું. એ મેં શોધી કાઢ્યું. પછી હું બેસી ગયો. લાંબા સમય સુધી હું બેસી રહ્યો. મને કોઈ વિચારો નહોતા આવી રહ્યા, હું કશું યાદ નહોતો કરવા માગતો. મને પગલાંના, વસ્તુઓ ખસેડાવાના, વાસણોના અવાજો સંભળાઈ રહ્યા હતા. પછી એક માણસ આવ્યો. બીજો માણસ આવ્યો. નોકર ગ્રેગર સ્ટેશનેથી લાવેલા મારા સામાન સાથે મારા કમરામાં પ્રવેશ્યો. એ સામાનનું હવે કરવાનું શું?

`તને ખબર પડી શું થયું?' મેં ગ્રેગરને પૂછ્યું, `તેં પોલીસને બોલાવવા કહ્યું?'

ગ્રેગર કશું બોલ્યા વિના જતો રહ્યો. હું ઊભો થયો. મેં બારણું બંધ કરી દીધું. મેં સિગારેટ પેટાવી. હજુ તો સિગારેટ પૂરી પણ નહોતી થઈ એટલી વારમાં મને ઊંઘ આવવા લાગી અને હું ઊંઘમાં સરી પડ્યો. હું બેએક કલાક ઊંઘ્યો હોઈશ. એ દરમિયાન મને એવું સપનું આવ્યું કે પત્ની સાથે ઝઘડો થયા બાદ અમારી વચ્ચે સમાધાન થઈ ગયું હતું અને હવે બધું એકદમ બરાબર હતું.

દરવાજા પર પડેલા ટકોરાએ મને જગાડ્યો.

પોલીસ હશે. મેં હત્યા કરી છે કદાચ, પણ કદાચ દરવાજે એ પોતે (પત્ની) પણ હોય. કદાચ કંઈ નહીં બન્યું હોય.

ફરી ટકોરા પડ્યા, પણ હું ઊભો ન થયો. હું પ્રશ્ન ઉકેલી રહ્યો હતોઃ (ખૂનની) ઘટના ઘટી હતી કે નહોતી ઘટી?

અને મને કોર્સેટ (કડક આંતર્વસ્ત્ર)નો અવરોધ ભેદીને કટાર કઈ રીતે ઊંડે ઊતરેલી એ પળની અનુભૂતિ યાદ આવી. એ સાથે જ મને સમજાઈ ગયું કે, `હા, ઘટના ઘટેલી. હા, કટાર ખૂંપેલી. હા, હવે મારે મરી જવું જોઈએ.'

મેં મારી જાતને આપઘાત કરવાનું કહ્યું તો ખરું, પણ હું જાણતો હતો કે મારે એવું કરવું ન જોઈએ. છતાં મેં ઊભા થઈને રિવોલ્વર લીધી. અચાનક મને એ વાત યાદ આવી કે એમ તો અગાઉ અનેક વાર મેં આપઘાતનું વિચારેલું. ઇવન એ જ દિવસે ટ્રેનમાં આવતી વખતે પણ મેં વિચારેલું કે આપઘાત સહેલો છે અને સારો છે, કારણ કે આપઘાત કરીને હું એને (પત્નીને) ભયંકર આઘાત પહોંચાડી શકીશ, પણ હવે... અત્યારે? ના, હું આપઘાત ન કરી શકું. આપઘાતનું વિચારી પણ ન શકું.

`મરી જવાનો શો મતલબ?' મેં મારી જાતને પૂછ્યું.

બારણે ફરી ટકોરા પડ્યા.

પહેલાં તો મારે એ જાણવું જોઈએ બારણે કોણ ઊભું છે. (મરવું કે ન મરવું એ નક્કી કરવા માટે) મારી પાસે હજુ ઘણો સમય છે.

મેં રિવોલ્વર ફરી ટેબલ પર મૂકી દીધી. માથે છાપું ઢાંકી દીધું. મેં બારણા પાસે જઈને સ્ટોપર ખોલી.

સામે મારી સાળી હતી. ભલી અને ડોબી વિધવા.

`ઓહ! આ બધું શું થઈ ગયું?' એણે મને કહ્યું. એની આંખમાં આંસુ હતાં.

`તારે મારું શું કામ છે એ બોલ.' મેં તોછડાઈથી કહ્યું.

મને સ્પષ્ટપણે સમજાઈ રહ્યું હતું કે મારે એની સાથે તોછડાઈ દાખવવાની જરૂર નહોતી, પણ હું સારા ટોનમાં વાત ન કરી શક્યો.

`તમે જાવ. એને (પત્નીને) મળી લો. ડોક્ટર ઇવાનનું કહેવું છે કે એ મરી રહી છે.'

`ડોક્ટર ઘરમાં છે?'

પત્ની પરની મારી દાઝ ફરી ભડકી ઊઠી (મને ડોક્ટરો સામે બહુ વાંધો. એ સ્ત્રીઓનાં વસ્ત્રો હટાવીને શરીર તપાસે. સ્ત્રીઓને ગર્ભાવસ્થામાંથી બચવાની ટ્રિકો શીખવે અને મારી પત્નીને ડોક્ટરો ગમે.)

`હા, તો મારે શું કરવાનું છે?' મેં સાળીને પૂછ્યું.

`તમે પત્નીને મળો. ઓહ! કેવું ભયંકર થઈ ગયું આ બધું.'

`પત્ની પાસે જવાનું?' મેં મારી જાતને પૂછ્યું અને મને તરત અંદરથી જવાબ મળ્યો કે મારે પત્નીને મળવું જ જોઈએ.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો