હું પોસ્ટ ગ્રેજ્યુએટ થઇને એક શાળામાં શિક્ષિકા તરીકે જોડાઇ છું. મારા પરિવારે હાલમાં જ મારી સગાઈ કરી છે, પણ હમણાં અચાનક જ મારા સ્કૂલ સમયનો એક બોયફ્રેન્ડ જય (નામ બદલ્યું છે.) મને વર્ષો પછી અચાનક મળી ગયો. હું એને ખરેખર લવ કરતી હતી. હું તેની સાથે મેરેજ કરવા ઇચ્છુ છું, પણ સગાઈ થઇ ગઈ છે તો શું કરું? સલાહ આપશો.
વિકલ્પા (નામ બદલ્યું છે),
તારા ઇ-મેલમાં તેં તારી સગાઈ થઇ ગયા પછી તારો સ્કૂલ સમયનો બોયફ્રેન્ડ જય મળ્યો તે અંગે ખૂબ વિસ્તૃત માહિતી જણાવી છે. તને જય ખૂબ જ ગમતો હતો. એ સમયે તમે સગીર વયના કિશોર અવસ્થામાં હોવાથી લવ વિશે બહુ ખ્યાલ ન હતો અને તે અંગે ગંભીર પણ ન હતાં, પરંતુ જયના પિતાએ મોટા સિટીમાં બિઝનેસ શરૂ કરતાં પરિવાર ત્યાં જતો રહેતાં જય સાથેનો નાતો તૂટી ગયો હતો. કોલેજ સમય દરમિયાન તારે કોઇ જ બોયફ્રેન્ડ ન હતો. તારું ધ્યાન માત્ર અભ્યાસમાં જ હતું. કરિયર બનાવવા પર જ ધ્યાન આપ્યું હતું. ખૂબ હોશિયાર હોવાથી તારા માર્ક્સ સારા આવતા! યુનિવર્સિટી કક્ષાએ પણ તને ઇનામો મળ્યાં હતાં.
પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ પરિવારે પસંદ કરેલા છોકરા હરીન (નામ બદલ્યું છે.) સાથે એન્ગેજમેન્ટ થઇ ગયા. અહીં સુધી તો બધું બરાબર છે, પરંતુ સમસ્યા હવે સર્જાઇ છે. તારો સ્કૂલ સમયનો ફ્રેન્ડ જય તને અચાનક મળતાં તને ભૂતકાળની ફ્રેન્ડશિપ યાદ આવી. એના પ્રત્યેની દબાવેલી લાગણી બહાર આવી છે. હવે તક મળી છે તો તેને શા માટે છોડવી? એ પણ બેંક મેનેજરના હોદ્દા પર છે અને હજી એન્ગેજમેન્ટ પણ નથી થયા. તારા કેસમાં આ મુદ્દો ખૂબ મહત્ત્વનો છે. હવે તારે તેને મેળવવો જ હોય તો તે માટે તારે એન્ગેજમેન્ટ ફોક કરવા પડશે, પરંતુ એ ઇઝી નહીં હોય. તારા અને હરીનના પરિવારને કન્વીન્સ કરવા પડશે. આ માટે તારે હરીનને સમજાવવો પડશે. તેને તારા અને જય વચ્ચેની સ્કૂલ સમયની ફ્રેન્ડશિપની વાત કરીને જણાવવું કે એ પહેલાં મળ્યો હોત તો તું એન્ગેજમેન્ટ જ ન કરત. આ તો બાદમાં બાય લક મળી ગયો છે એટલે શું કરું?
લગ્ન બાદ તને અમારા સંબંધની ખબર પડે એ બરાબર નથી. તેમજ હું તેને ભૂલી શકવાની નથી. એની સાથે ફ્રેન્ડશિપ તો કોઇ કાળે ન તોડી શકું. આ પરિસ્થિતિમાં તું હાલ સપોર્ટ આપી એન્ગેજમેન્ટ ફોક કરવા કોઇ માર્ગ બતાવે એ જરૂરી છે. આગળ જતાં આપણે ડિવોર્સ લેવા જેવી સ્થિતિ સર્જાય એવું હું નથી ઇચ્છતી. તારી સાથે મારે ફ્રેન્ડશિપ તો રાખવી જ છે. તારી આ નમ્રતાપૂર્વકની સ્પષ્ટ વાતથી તારો ફિયાન્સ તારી પરિસ્થિતિ સમજી જ જશે. સ્કૂલ-કોલેજ સમયમાં બોય્ઝ-ગર્લ્સ વચ્ચે લવ થાય એ સ્વભાવિક છે. કદાચ હરીનને પણ કોઇ સાથે લવ હોઈ શકે! એવુંય બને કે એન્ગેજમેન્ટ ફોક કરવામાં એનેય રસ હોય!
આ માટે તમારે બંનેએ મળીને તમારા પરિવારોને સ્પષ્ટ વાત જ જણાવવી પડશે. ભવિષ્યમાં લગ્ન બાદ સમસ્યા સર્જાય તે પહેલાં જ હલ મળી જાય એમ હોવાથી એન્ગેજમેન્ટ ફોક કરવા એ જ બહેતર છે એમ તેઓને સમજાવવું પડશે. જરૂર પડે તો તારે ખૂબ મક્કમ વલણ અપનાવી કહેવાનું કે પરાણે મેરેજ કરાવશો તો કરી તો લઇશ, પરંતુ જય સાથે સંબંધ ચાલુ રાખીશ. ત્યારે ઘરની આબરૂનો સવાલ ન લાવતા! હું ડિવોર્સ માટેય કોર્ટ જઇશ! તારી આ ખુલ્લી ધમકી પછી કોઇ તારા મેરેજ પરાણે કરાવવાની હિંમત કરશે?
થોડી હિંમત જિંદગીભરનું સુખ આપનારી બની રહેશે. હરીન પણ અન્ય યુવકને ચાહતી યુવતીને પત્ની બનાવવા તૈયાર ન જ હોય! એ તો તારી વાત સાંભળીને તને તરત જ છૂટી કરી દેશે! એ કદાચ બીજી કોઇ ઝંઝટમાં નહીં પડે! એમ થશે તો તારે બીજો કોઇ સંઘર્ષ કરવો નહીં પડે. તારું કામ સરળ થઇ જશે. જોકે, આ બધી બાબત ત્યારે આગળ ધપાવી શકાશે કે જ્યારે જય તારી સાથે મેરેજ કરવા તૈયાર હોય! તું પહેલાં એ તને લવ કરે છે તો ખરોને? કરતો હોય તો મેરેજ કરવા તૈયાર તો છેને? એને કોઇ અન્ય યુવતી સાથે લવ છે કે નહીં? તે પણ જાણી લેવું પડશે. એ તૈયાર થાય પછી જ તું બીજી બધી બાબત આગળ વધારજે. હવે ધારો કે હરીન તને છોડવા માગતો ન હોય અને તું પરપુરુષની પ્રેમિકા હોવાથી પોતાની પત્ની બીજાની બને તે સહ્ય ન હોય, તને સજા કરવાની માનસિકતા ધરાવતો હોય અને તને ડિવોર્સ જ ન આપે તો? આ પરિસ્થિતિમાં શું કરવું તે તમારે બંનેએ વિચારી લેવું પડશે. કોર્ટમાંથી ડિવોર્સ તો મળી જ જશે, પરંતુ તેમાં ખાસ્સો સમય જશે. હરીનનો આ જ ઈરાદો હોય કે તમે બંને કેમ હેરાન થાઓ. હવે તેની સામે તમારે ખાસ કરીને તારે હિંમત રાખીને જય સાથે ખુલ્લેઆમ સંબંધ રાખવો.
જે જોઈને સમાજમાં પોતાની બદનામીના ડરે એ તને તરત ડિવોર્સ આપવા તૈયાર થઈ જશે. ધારો કે તે તમને વધુ હેરાન કરવા તમારા વચ્ચે અનૈતિક આડા સંબંધની ફરિયાદ કરે, તો તેની સામે શું કરવું તે અંગે વકીલની સલાહ લેવી. તું ડિવોર્સની પ્રોસિજર ચાલતી હોવાનો મુદ્દો રજૂ કરી જય સાથે જ મેરેજ કરવાનું પણ સ્પષ્ટ કરી દેતા પોલીસ પણ કોઈ પગલું નહીં લે. જોકે, આ તો શક્યતા દર્શાવી છે, જે થવાની કોઈ શક્યતા નથી. બસ, હવે તારે આગળ વધવાની જ વાર છે. સંભવતઃ તારું કામ સરળ થઈ જશે અને તને તારો પ્રેમ મળી જશે.
