આરંભે આપણે એક જ કોષ હોઈએ છીએ. કેવળ એક જ કોષ.
પછી એ એકમાંથી બેમાંથી ચારમાંથી આઠમાંથી સોળ... એમ કોષોનો સંખ્યા વધતી જાય અને છેવટે ખર્વો કોષો ધરાવતો માનવી રચાય.
અહીં સવાલ એ થાય કે જો એક જ કોષમાંથી જ થયેલા વિભાજનોના પરિણામે અનેક કોષો બને તો એ અનેક કોષો એકસરખા હોવા જોઈએ ને! લોખંડના એક ટુકડાના વધુ ને વધુ ટુકડા કરતા જઈએ તો એની સંખ્યા વધે, પણ પ્રત્યેક ટુકડો છેવટે તો લોખંડ જ રહેવાનો.
પણ ધાતુ ધાતુ છે, આપણે આપણે છીએ.
ફિલ્મ શોલેમાં ઠાકુર કહે છેઃ સિક્કે ઔર ઇન્સાન મેં શાયદ યે હી ફર્ક હૈ.
ધાતુનું વિભાજન કરવાથી એના ટુકડાની સંખ્યા વધે, પણ એ રહે તો એની એ જ ધાતુ, પરંતુ એક કોષ રૂપે જીવનયાત્રા શરૂ કરનાર ભ્રૂણમાં કોષવિભાજન દ્વારા માત્ર સંખ્યા જ નથી વધતી, વૈવિધ્ય પણ વધતું જાય.
એક કોષમાંથી અનેક કોષ બને એટલું જ નહીં, એક પ્રકારના કોષમાંથી અનેક પ્રકારના કોષો બને. હૃદયના કોષો જુદા. પગના નખના કોષો જુદા. માથાના વાળના કોષ જુદા. જાણે જ્ઞાતિઓ જોઈ લો. સ્નાયુજ્ઞાતિના કોષો અલગ. અસ્થિજ્ઞાતિના કોષો અલગ.
વળી, જ્ઞાતિમાં પણ પ્રત્યેક કોષ પોતપોતાની રીતે નોખો હોય. એની પોતાની એક આગવી નિરાળી દુનિયા હોય. એ કોષ પોષણ ભલે બહારથી મેળવે અને કચરો ભલે બહાર ફેંકે, પણ કોષની અંદરની દુનિયા એકદમ આગવી. એક કોષ અને એનો પડોશી કોષ એકમેકથી સાવ જ જુદા. વચ્ચે સ્પષ્ટ સરહદો અંકાયેલી હોય.
-અને છતાં એ બધા કોષોમાં જે ડીએનએ હોય એમાં કેવળ એ કોષની કૉપી બનાવવા માટેનો નકશો ન હોય, આખેઆખા મનુષ્યની રચનાનો નકશો હોય.
ટેક્નિકલી એવું કહી શકાય કે કનુભાઈની ટચલી આંગળીના નખમાંથી લીધેલા ડીએનએ પરથી માનવી રચાય અને કનુભાઈના જઠરના કોષમાંથી લીધેલા ડીએનએમાંથી માનવી રચાય તો એ બન્ને માનવી ડિટ્ટો કનુભાઈ જ હોય, એકદમ સરખા. આ તો થિયરીની વાત થઈ. પ્રેક્ટિલકલી ડીએનએના તાંતણા પરથી માણસનું ઉત્પાદન કરતી ફૅક્ટરીઓ હજુ સુધી સ્થાપી નથી શકાઈ. થેંક ગોડ.
મુદ્દો આ છેઃ પ્રત્યેક કોષ પોતે જાણે એક વિશિષ્ટ ‘વ્યક્તિ’ છે. એની આગવી ઓળખ છે, સ્વભાવ છે અને ઇવન ‘જ્ઞાતિ’ પણ છે.
કવિ નિદા ફાઝલીએ કહેલું
હર એક આદમી મેં હોતે હૈ દસ બીસ આદમી
જિસ કો ભી દેખના કંઈ બાર દેખના.
અર્થાત્, માણસ એક જ નથી હોતો, એની અંદર અનેક વ્યક્તિત્વો હોય છે એટલે કોઈને સમજવો હોય તો ધારીને, ધીરજથી જોવો.
કવિ તો દસ-વીસ પર અટક્યા, પરંતુ પ્રત્યેક કોષનો જો આપણે ઓલમોસ્ટ વ્યક્તિ ગણીએ તો આપણા શરીરની અંદર ખર્વો (સરેરાશ 30 ટ્રિલિયન ગણીએ તો 300 ખર્વ) જેટલી માણસોની વસતિ થઈ.
ના, અહીં કોષોને પરાણે વ્યક્તિ ગણવાની વાત નથી. કોષ કોષ જ છે, વ્યક્તિ નથી જ, પરંતુ એક કોષનું જીવન, એની જવાબદારીઓ, એનું કામકાજ જોઈએ તો ચોક્કસ એવું લાગી શકે કે એક કોષનો જીવનકાળ એક મનુષ્યના જીવનકાળ જેટલો જ ઘટનાસભર હોય છે.
માથાની અંદરના મગજનો કોષ અને પગના નખમાંનો એક કોષ એકમેકથી સાવ જ ભિન્ન પ્રકારનું જીવન જીવે છે. એ બન્ને ક્યારેય એકમેકને મળતા નથી કે એમને એવી કશી ખબર નથી હોતી કે તે એક જ વ્યક્તિના શરીરના ભાગ છે. એ તો બસ, પોતાની રીતે જીવી જાય છે અને મૃત્યુ પામે છે.
આ બધા કોષો સામાન્ય રીતે સંપીને રહે, તેઓ પોતપોતાનું કામ કરે, એકમેકની કામગીરીમાં ટાંગ ન અડાડે. પરંતુ ક્યારેક ભૂલથી કોઈ એક કોષ બીજા કોષને દુશ્મન ગણીને એની સામે લડે એવું પણ બને. જેમ કે આપણા શરીરના સૈનિક કોષો એટલે કે શ્વેતકણો આમ તો આપણા માટે જોખમરૂપ એવા બાહ્ય જીવાણુ-વિષાણુ સામે જ લડે, પણ ક્યારેક ભૂલથી આપણા પોતાના શરીરના કોષોને એ દુશ્મન ગણીને લડવા લાગે એવું પણ બને. આવી રીતે શરીરનું સુરક્ષાતંત્ર શરીરના સાંધાની લાઈનિંગના કોષો સામે વાંધા પાડીને લડે ત્યારે ડોક્ટર કહેશેઃ આ આરએ –રુમેટોઈડ આર્થરાઈટિસ-નો કેસ છે. વૈદ્ય કહેશેઃ ગઠિયો વા થયો છે.
આવું ઓછું બને, પણ બને ખરું.
પણ આખી વાતમાં વિચારવા જેવું એ છે કે એક જ માણસમાં ખર્વો કોષો જન્મે, મરે, નવા જન્મે, ફરી મરે... આ બધો હોબાળો એટલા બધા મોટા પાયે ચાલતો હોય છે કે આપણી ભાષાનું પેલું વિધાન એકદમ સાચું લાગેઃ જે પિંડે તે બ્રહ્માંડે.
બ્રહ્માંડમાં પણ (અને બ્રહ્માંડ મોટું પડતું હોય તો એકલી પૃથ્વી પર) અબજો મનુષ્યે જન્મે, જીવે, મરે છે. એવો જ ખેલ શરીરમાંના કોષોનો છે.
અહીં સવાલ એ થાય કે પેલા કોષોને તો નથી જ ખબર હોતી કે તે એક મનુષ્યના શરીરના અંશો હોય છે, પરંતુ શું આપણે માણસો પણ કોઈ એક અતિ વિરાટ કાયાના ભિન્નભિન્ન કોષો હોવા બાબતે અજાણ હોઈએ એવું બની શકે ખરું?
પ્રત્યેક માનવી અલગઅલગ જ છે. તુંડ તુંડે મતિર્ભિન્ના. અને ક્યારેક અલગાવ બાબતે નારાજ થઈને આપણે અંદરોઅંદર લડીએ પણ ખરા, પણ સરવાળે શરીરમાંના કોષોની જેમ આપણે સૌ પણ એક જ વિરાટ એકમના ભાતીગળ અંશો હોઈએ એવું ન બને? કોષમાં જેમ ડીએનએ હોય એમ બ્રહ્માંડનું મૂળભૂત બ્રહ્મતત્ત્વ પણ આપણા સૌની અંદર હોય એવું ન બની શકે? હિન્દુ ધર્મ –ઉપનિષદો- તો કહે જ છે કે જીવમાં શિવ છે, અહં બ્રહ્માસ્મિ. વ્યક્તિ બ્રહ્મ જ છે.
અલબત્ત, આ વિજ્ઞાનની નહીં, ફિલોસોફીની યા કહો કે ભેદભરમની વાત થઈ. છતાં, આ દિશામાં શાંતિથી વિચારી જોવું. બાકી આ જ વાત સાચી છે એવા દાવા સાથે બીજાંઓ સાથે લડાઈ ન આદરવી. મનુષ્યો આવી રીતે અંદરોઅંદર લડે તો માનવજાતને ‘ગઠિયો વા’ થાય.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
