ટીકાકારો સોફ્ટકોર પોર્નોગ્રાફી જેવી છબીઓને રાષ્ટ્રીય અખબારોમાં બાળકો માટે સરળતાથી ઉપલબ્ધ ન હોવી જોઈએ એમ કહેતા રહ્યા, કેટલાક રાજકારણીઓ ખાસ કરીને લેબર પાર્ટીના સાંસદોએ અખબારોમાંથી પેજ 3 દૂર કરવાના પ્રયાસો કર્યા. ધ સને આ ફીચરનો જોરશોરથી બચાવ કર્યો, સ્ત્રી વિવેચકોને શારીરિક રીતે અપ્રાકૃતિક અને ઈર્ષાળુ તરીકે દર્શાવ્યા. 1986માં લેબર પાર્ટીના સાંસદ ક્લેર શોર્ટે બ્રિટિશ અખબારોમાં ટોપલેસ મોડેલો પર પ્રતિબંધ મૂકતું હાઉસ ઓફ કોમન્સ બિલ રજૂ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ધ સને "સ્ટોપ ક્રેઝી ક્લેર'' ઝુંબેશ ચલાવી, શોર્ટને "કિલજોય (મજા બગાડનાર)'' ગણાવી હતી. તેની બેફામ છબીઓ છાપી. ક્લેરની ઝુંબેશ, તેમના પ્રયાસોને હેરિયેટ હાર્મન, સ્ટેલા ક્રિસી, લીન ફેધરસ્ટોન અને કેરોલિન લુકાસ સહિત અન્ય સાંસદો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. નિક ક્લેગ અને એડ વેઝે સહિત કેટલાક રાજકારણીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે આ ફીચર પર પ્રતિબંધ મૂકવાથી પ્રેસ સ્વતંત્રતા સાથે ચેડા થશે. બ્રિટિશ સરકારે ક્યારેય પેજ 3 વિરુદ્ધ કાયદો ઘડયો નથી.

જોવાની ખૂબી એ છે કે `વુમન ઇન જર્નાલિઝમ'ના સહ-સ્થાપક રેબેકા બ્રુક્સ વ્યક્તિગત રીતે પેજ 3 થી નારાજ હોવાનું અને તેથી જ જયારે તેઓ આ અખબારના 2003માં પ્રથમ મહિલા તંત્રી બન્યા ત્યારે તેઓ તેને બંધ કરાવી દેશે એમ મનાતું હતું; તેનાથી વિપરીત તંત્રીપદ સંભાળ્યા પછી બ્રુક્સે આ ફીચરનો બચાવ કર્યો અને તેમાં દેખાતી મોડેલ્સને "બુદ્ધિશાળી અને ઉત્સાહી યુવતીઓ'' ગણાવી, જેઓ પોતાની મરજીથી અને કામનો આનંદ માણવા માટે `ધ સન'માં દેખાય છે. જ્યારે ક્લેર શોર્ટે 2004ના ફરી કહ્યું કે "હું પેજ 3 પર પ્રતિબંધ મૂકવા ઈચ્છું છું" ત્યારે બ્રુક્સે 'હેન્ડ્સ ઓફ પેજ 3' અભિયાન દ્વારા શોર્ટને નિશાન બનાવ્યા. આ અભિયાનમાં ટોપલેસ મહિલાના શરીર પર શોર્ટનો ચહેરો મૂકીને તસવીર છાપવી, તેમને "જાડી અને ઈર્ષાળુ'' કહેવા અને શોર્ટના ઘરની બહાર `પેજ 3'ની મોડેલ્સના પ્રતિનિધિમંડળ સાથે ડબલ-ડેકર બસ ઊભી રાખવી જેવી બાબતોનો સમાવેશ થતો હતો. અખબારે વિરોધ બદલ હાર્મનને "નારીવાદી કટ્ટરપંથી'' અને ફેધરસ્ટોનને "ઝઘડાળુ મહિલા'' પણ કહ્યા હતા.

લેખિકા અને અભિનેત્રી લ્યુસી-એન હોમ્સે 2012 સમર ઓલિમ્પિક્સ દરમિયાન જોયું કે દેશના સૌથી વધુ વેચાતા અખબારમાં એક મહિલાનો સૌથી મોટો ફોટોગ્રાફ ઓલિમ્પિક રમતવીરનો નહીં પરંતુ "નીકર પહેરેલી એક યુવતી''નો હતો, તેણે પેજ 3 સામે ઝુંબેશ શરૂ કરી. ‘તે સ્ત્રીઓને સેક્સ ઓબ્જેક્ટ તરીકે દર્શાવે છે, છોકરીઓ અને મહિલાઓના શરીરની છબીને નકારાત્મક અસર કરે છે અને જાતીય હિંસાની સંસ્કૃતિમાં ફાળો આપે છે’ તેવી દલીલ કરીને, હોમ્સે તે વર્ષના ઓગસ્ટમાં ‘નો મોર પેજ 3’ ઝુંબેશ શરૂ કરી. આ ઝુંબેશએ એક ઓનલાઈન અરજી પર 240000 થી વધુ સહીઓ એકત્રિત કરી અને 140થી વધુ સાંસદો, તેમજ સંખ્યાબંધ ટ્રેડ યુનિયનો, યુનિવર્સિટીઓ, ચેરિટીઝ અને મહિલા હિમાયતી જૂથોનો ટેકો મેળવ્યો. તેણે બે મહિલા ફૂટબોલ ટીમો, નોટિંગહામ ફોરેસ્ટ વિમેન એફ.સી. અને ચેલ્ટનહામ ટાઉન એલ.એફ.સી.ને પ્રાયોજિત કરી, જેઓ તેમના શર્ટ પર "નો મોર પેજ 3'' લોગો સાથે રમતી હતી.

ફેબ્રુઆરી 2013માં, રુપર્ટ મર્ડોકે ટ્વિટર પર સૂચવ્યું કે ધ સન "હાફવે હાઉસ'' માં સંક્રમણ કરી શકે છે, જેમાં નગ્નતા દર્શાવ્યા વિના ગ્લેમર તસવીરોનો સમાવેશ થાય. 44 વર્ષથી વધુ સમય સુધી પેજ 3 પ્રકાશિત કર્યા પછી, 17 જાન્યુઆરી 2015ના રોજ ધ સને તેના ત્રીજા પાના પર લૅંઝરી અને બિકીની પહેરેલી મહિલાઓની છબીઓ દર્શાવવાનું શરૂ કર્યું. જોકે 22 જાન્યુઆરીના રોજ, એક આંખ મારતી મોડેલની છબી પ્રકાશિત કરી, જેમાં તેના સ્તનો સંપૂર્ણપણે ખુલ્લા હતા અને ફીચરના અંત પર ખુશ થનારાઓની મજાક ઉડાવતો કેપ્શન હતો. ત્યારબાદ ધ સને પેજ 3 દર્શાવ્યું ન હતું.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો