વિશ્વમાં કેટલીક જગ્યાઓ એવી છે, જે દૂરથી આપણને જાણે પથ્થરના ઢગલા હોય એવો ભાષ થાય, જ્યારે અમુક પથ્થરો તો કોઇ વ્યક્તિ ઊભી હોય એવો અહેસાસ કરાવે.
આ પથ્થરોની પાસે જ્યારે જઇએ અને તેને જાણવાનો પ્રયત્ન કરીએ ત્યારે ખ્યાલ આવે કે આ પથ્થર પ્રાચીન સંસ્કૃતિની ધરોહર છે. ચિલી દેશના ઇસ્ટર આઇલેન્ડ પર આવેલું અહુ ટોંગારિકી એવું જ એક અનોખું સ્થળ છે. આ જગ્યા પર વિશાળ પથ્થરની પ્રતિમાઓ આવેલી છે અને આ મોઇ પ્રતિમા છે. આ કળાનું પ્રતીક હોવાની સાથે સાથે સ્થાનિક લોકો માટે પૂર્વજોની શ્રદ્ધાનું પ્રતીક પણ છે.
ઐતિહાસિક મહત્ત્વ
અહુ ટોંગારિકી ઇસ્ટર આઇલેન્ડ પરનું સૌથી મોટું સ્થળ છે. `અહુ' એટલે ધાર્મિક પ્લેટફોર્મ, જ્યાં મોઇ પ્રતિમાને રાખવામાં આવતી હતી. આ જગ્યા પર કુલ 15 પ્રતિમાઓ એક લાઇનમાં મૂકવામાં આવી છે. એવું મનાય છે કે 1૩મીથી 16મી સદી દરમિયાન આ પ્રતિમાને પથ્થરમાંથી કોતરવામાં આવી હશે. દરેક પ્રતિમા સાત મીટર ઊંચી છે અને તેનું વજન એક બે કિલોમાં નહીં પરંતુ ટનમાં છે.
આહુ ટોંગારિકીનું નિર્માણ રાપા નુઇ સભ્યતા દ્વારા કરવામાં આવ્યું હતું, જે એક પોલિનેશિયાઇ સમાજ હતો. તે પહેલાં ઇસ્ટર દ્વીપ પર આશરે 17મી સદી સુધી નિવાસ કર્યો હતો. પોલિનેશિયાઇ સમાજના લોકો પોતાના પૂર્વજોને દેવતા માનતા હતા. તેઓ એવું માનતા કે આ મોઇ પ્રતિમાઓમાં પૂર્વજોનો આત્મા વસે છે, જે જીવંત લોકોનું રક્ષણ કરવા ઉપરાંત તેમને આશીર્વાદ આપે છે. અહુ ટોંગારિકી પહેલાંના વખતમાં રાજકીય અને ધાર્મિક કેન્દ્ર તરીકે પણ ઓળખાતું હતું. રાપા નુઇ સભ્યતા પથ્થર ઉપર નકશી કામ કરવાના કૌશલ્ય માટે જાણીતી હતી, જે આહુ ટોંગારિકીની પ્રતિમાઓમાં સ્પષ્ટપણે જોવા મળે છે.
સ્થાપત્ય કલા
અહુ ટોંગારિકીની બધી પ્રતિમાઓ એકસરખી નથી, પરંતુ એકબીજા કરતાં અલગ છે. અમુક પ્રતિમાનાં માથાં ઉપર પુકાઓ નામના લાલ પથ્થરની ટોપી જેવાં આભૂષણો છે, જે શક્તિશાળી નેતાઓની ઓળખ આપે છે. આહુ ટોંગારિકીનું નિર્માણ એન્જિનિયરિંગનું અદ્ભુત પ્રમાણ છે, કારણ કે આ પ્રતિમાની લંબાઇ આશરે 220 મીટર છે, જે આ દ્વીપ પર સૌથી મોટો આહુ હોવાનું મનાય છે. એક લાઇનમાં ગોઠવવામાં આવેલી માઇ મૂર્તિઓમાં સૌથી ઊંચી મૂર્તિઓની ઊંચાઇ 14 મીટર છે. એનું વજન ૮6 ટન જેટલું છે. પ્રતિમાને મોઇને રાનો રારાકૂથી લઇ જવામાં આવી હતી, જે આશરે એક કિલોમીટર દૂર આવેલ જ્વાળામુખીનો ખાડો છે. આહુ ટોંગારિકની આ વિશાળ પ્રતિમાઓ ઇતિહાસકારો અને પુરાતત્ત્વવિદો માટે ચર્ચાનો વિષય છે.
મોઇ અને આહુના વિદ્વાનો વચ્ચે આ પ્રતિમા ચર્ચાનો વિષય રહ્યો છે. અમુક લોકોનું માનવું છે કે તેને મૃત પૂર્વજોના પ્રતિનિધિત્વ તરીકે બનાવવામાં આવ્યા હતા, જે જીવિત અને આધ્યાત્મિક દુનિયાની વચ્ચે કામ કરતા હતા. બીજી એક એવી માન્યતા પણ છે કે આ પ્રતિમા અધિકાર અને શક્તિનું પ્રતીક હતી. રાપા નુઇ લોકોને ખગોળ વિજ્ઞાનનું વિશેષ જ્ઞાન હતું. મોઇને આંતર્દેશીય તરફ મુખ રાખીને રાખવામાં આવ્યા છે. જેને સમુદાય પર નજર રાખવાની એક રીત માનવામાં આવે છે.
સૌથી મોટી વાત તો એ છે કે આ વિશાળ પ્રતિમાને વર્ષો પહેલાં કઇ રીતે બનાવવામાં આવી હશે? કારણ કે પહેલાંના વખતમાં અત્યાર જેટલી ટેક્નોલોજી નહોતી.
પુનર્નિર્માણ
1960માં ચિલીના દક્ષિણ ભાગમાં શક્તિશાળી સુનામી આવી હતી. આ સુનામીને કારણે આહુ ટોંગારિકીને ઘણું નુકસાન થયું હતું. જેના કારણે મોઇ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. એવું કહેવાય છે કે, સુનામીને કારણે પ્રતિમાઓ જમીન ઉપર પડી ગઇ હતી. આ જગ્યાને 1990માં ચિલી વિશ્વવિદ્યાલયના પુરાતત્ત્વવિદોની એક ટીમે જાપાનની કંપની પાસેથી આર્થિક મદદ લઇને તેનું પુનર્નિર્માણ કરવાનું શરૂ કર્યું. કહેવાય છે કે જીણોદ્ધારમાં આશરે પાંચ વર્ષ લાગી ગયાં હતાં. આજે આ સ્થળ ફરીથી તેની પ્રાચીન ભવ્યતા માટે વિશ્વભરમાં જાણીતું છે.
આહુ ટોંગારિકી એ રાપા નુઇ લોકો માટે ફક્ત પથ્થરની પ્રતિમાઓ નથી, પરંતુ તેમની સંસ્કૃતિ, ઇતિહાસ અને આધ્યાત્મિકતા સાથે જોડોયેલ છે. તેઓ પોતાની આ ધરોહર માટે ગૌરવ અનુભવે છે. વિશ્વમાં તેમની આ અનોખી સંસ્કૃતિ પુરાતત્ત્વવિદો અને એન્જિનિયર માટે ચર્ચાનો વિષય છે. આ ઉપરાંત દુનિયાભરમાંથી કલાપ્રેમીઓ તેને જોવા માટે આવે છે.