નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને આ વર્ષે ટ્રેન્ડમાં શું રહેશે એના પર બધાની નજર છે. ગત વર્ષે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે બહુ વાતો થઇ.
આ ક્ષેત્રમાં જે હદે અપગ્રેડેશન થઇ રહ્યું છે એ જોતાં નવા વર્ષમાં પણ ટેક્નોલોજીના ટોપ ટ્રેન્ડ તરીકે નિ:શંકપણે AIનું જ નામ હશે. લોકોને સૌથી મોટો ડર એ છે કે નજીકના ભવિષ્યમાં AI એટલું સ્માર્ટ બની જશે કે લોકોની નોકરીઓ મોટા પાયે ખવાઈ જશે. આ ડર તદ્દન સાચો છે, કેમ કે આ વર્ષે `AI એજન્ટ્સ' ટ્રેન્ડમાં રહેવાના છે.
શું છે આ AI એજન્ટ્સ?
2026માં AI ક્ષેત્રે ઘણી મહત્ત્વપૂર્ણ પ્રગતિ અને નવા ટ્રેન્ડ્સ જોવા મળશે. ટેક્નોલોજી ક્ષેત્રનો હાલનો માહોલ અને નિષ્ણાતોના અનુમાન પ્રમાણે AI હવે માત્ર પ્રશ્નોના જવાબ આપવાથી આગળ વધીને વાસ્તવિક કાર્યો કરવા તરફ ડગલાં માંડી રહ્યું છે. આ વાત ઉદાહરણ સાથે સમજવી જોઈએ.
અત્યાર સુધી તમે Chat GPT કે Gemini AI ને તમારા પ્રશ્નો પૂછતા હતા અને ઉત્તર મેળવતા હતા, પણ ભવિષ્યમાં વાત માત્ર પ્રશ્નો પૂછવા પૂરતી સીમિત નહિ રહે. દાખલા તરીકે તમને પિત્તની પ્રકૃતિ છે અને પિત્તને કારણે તમે વારંવાર માથાના દુખાવાથી પીડાતા હોવ છો. તમારે એમાં રાહત જોઈતી હોય તો આજની તારીખે તમારા AI ટૂલને પિત્તને કારણે થતા માથાના દુખાવાનો ઉપચાર પૂછી શકો છો. AI ટૂલ તમને કેટલાક ઘરેલુ ઉપચાર સૂચવશે અને વધુ તકલીફ થાય તો ડોક્ટર પાસે જવાની સૂચના આપશે.
હવે નજીકના ભવિષ્યમાં સ્માર્ટ AI એજન્ટ્સ કાર્યરત થવાના છે. જે તમારા માથાના દુખાવાનો માત્ર ઈલાજ નહિ આપે, બલ્કે ગઈ કાલે તમે જે ફાસ્ટ ફૂડ ઓર્ડર કરેલું, એનો તમારા સ્વાસ્થ્ય ઉપર (એટલે કે પિત્ત ઉપર) પ્રભાવ પણ ચકાસી લેશે. એટલું જ નહિ, પણ તમારા ફેમિલી ડોક્ટરની એપોઇન્ટમેન્ટ પણ બુક કરી આપશે. ટૂંકમાં, એ તમારા પર્સનલ સેક્રેટરીની જેમ જ વર્તશે. બીજા શબ્દોમાં કહીએ તો AI એજન્ટ્સ એ એક પ્રકારના `ડિજિટલ સહાયક' અથવા `સ્માર્ટ વર્કર્સ' છે. આ વર્કર્સને તમે કોઈ કામ સોંપો એટલે તે પોતાની મેળે વિચારશે, યોગ્ય પ્લાનિંગ કરશે અને એ પછી જરૂરી સ્ટેપ્સ લઈને પોતાનું કામ પૂરું કરે છે.
હજી એક ઉદાહરણ દ્વારા સમજીએ. અત્યારે તમારે સિમલાના પ્રવાસે જવું હોય તો સિમલાનું હવામાન, આવવા-જવા માટેનું બુકિંગ (ટ્રેન, પ્લેન કે બસ) તેમજ હોટલના બુકિંગ માટે Chat GPTને અલગ અલગ પ્રશ્નો પૂછવા પડશે અને સંતોષકારક જવાબો મળ્યા બાદ જાતે બુકિંગ કરાવવું પડશે. એથી વિરુદ્ધ અપગ્રેડેટ એઆઈ એજન્ટ્સને તમારે માત્ર એટલું જ કહી દેવાનું રહેશે કે `હવામાન સહિતની બાબતો અનુકૂળ હોય તો બે વ્યક્તિ માટે અઠવાડિયાનો સિમલા પ્રવાસ પ્લાન કરો.' એ પછી પેલા એજન્ટ્સ બધું કામ જાતે જ નિર્ણય લઈને કરી લેશે. આ માટે એઆઈ એજન્ટ્સ સિમલાનું હવામાન સહિતનાં પરિમાણો ચકાસી લેશે અને તમારા ટ્રાવેલ એજન્ટને ટિકિટ બુકિંગનો ઓર્ડર આપી દેશે. જો બધું અનુકૂળ હોય અને પ્રવાસ કરવા જેવો હોય તો તમે નક્કી કરેલી તારીખ મુજબની ટિકિટ્સ સીધી તમારા ઘરે કુરિયર થઇ જશે.
આની પાછળ જવાબદાર છે મશીન લર્નિંગ. મશીન લર્નિંગ (Machine Learning) એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)નો એક મહત્ત્વનો ભાગ છે. ઉપલબ્ધ ડેટામાંથી જાતે જ માહિતી શોધીને એને આપમેળે પ્રોસેસ કરી શકવાની ક્ષમતા એટલે મશીન લર્નિંગ. જો તમારું AI ટૂલ મશીન લર્નિંગથી સજ્જ હોય તો તમારે કોઈ વધારાનો પ્રોગ્રામિંગ કોડ લખવાની જરૂર રહેતી નથી. ટૂંકમાં કહીએ તો મશીન લર્નિંગ એટલે એવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે માણસની માફક પોતાના અનુભવોમાંથી શીખતું રહે અને ઉપલબ્ધ ડેટામાંથી જોઈતી માહિતી તારવતું રહે. તો શું ભવિષ્યમાં માનવ કર્મચારીઓની જરૂરિયાત ઘટતી જશે? કદાચ હા.
Forbes.com વેબસાઈટના કહેવા મુજબ હવે પછીનો જમાનો મલ્ટિ-એજન્ટ સિસ્ટમનો છે. નામ મુજબ જ એમાં એક કરતાં વધુ AI એજન્ટ્સ જોડાયેલા હશે. વેબસાઈટના કહેવા મુજબ આ વર્ષે કસ્ટમર કેર સર્વિસમાં મલ્ટિ એજન્ટ એઆઈ ટૂલ્સનો મોટા પાયે પગપેસારો થવાનો છે, જે ડેટા એનાલિસિસ કરીને યોગ્ય કમ્યુનિકેશન દ્વારા એન્ડ ટુ એન્ડ ટાસ્ક પૂરો કરશે. નિષ્ણાતો તો ત્યાં સુધી કહે છે કે સ્માર્ટ એઆઈ પોતાની વિચારક્ષમતાને પ્રતાપે ગ્રાહક સાથે વાટાઘાટ (નેગોશિયેશન) પણ કરી શકશે!
જેમ જેમ એઆઈ એજન્ટ્સ વધુ ઓટોનોમસ (એટલે કે સ્વાયત્ત) બનશે, તેમ તેમ તેમના પર નિયમન અને સિક્યોરિટી પણ વધારતા જવા પડશે. કંપનીઓએ ગવર્નન્સ ફ્રેમવર્ક બનાવવા પડશે
જેથી સાઈબર એટેક અને ખોટા નિર્ણયો જેવાં જોખમોને ટાળી શકાય. Microsoft અને Googleના ટ્રેન્ડ્સ પ્રમાણે 2026માં એજન્ટ્સ માનવોને રિપ્લેસ નહીં કરે, પણ તેમની સાથે અપસ્કિલિંગ અને કન્ટિન્યૂઅસ લર્નિંગ પ્રોગ્રામ્સ દ્વારા કામ કરીને પ્રોડક્ટિવિટી વધારશે. પ્રખ્યાત મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ કંપની McKinseyના સર્વેમાં જણાવાયું છે કે 23% કંપનીઓમાં એજન્ટ્સને સ્કેલ કરવામાં આવ્યા છે. નજીકના ભવિષ્માં આ આંકડો નિ:શંકપણે વધવાનો છે.
આ બધા વચ્ચે આપણી એટલે કે માણસોની સુરક્ષાનો મુદ્દો પણ ઉપસ્થિત થશે જ. એજન્ટિક એઆઈ સિસ્ટમને નિયંત્રણમાં રાખવામાં નહિ આવે તો અનેક સાયન્સ ફિક્શન મૂવીઝમાં જોવા મળે છે એમ ભવિષ્યમાં એઆઈ લગભગ તમામ માનવીય ક્ષમતાઓને ઓવરટેક કરી જશે તો?
આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
