તમે કોઇ રેસ્ટોરાંમાં જાઓ છો ત્યારે તમને ફૂડ મેનુ આપવામાં આવે છે અને તમે તેમાંથી જે તે ફૂડની પસંદગી કરો છો, પરંતુ પૂર્વ ચીનની એક નામી રેસ્ટોરાંમાં એક એવો એઆઇ શેફ છે જે તમારો ચહેરો પ્લસ જીભ સ્કેન કરીને એક-બે સવાલ કરીને તમારા મૂડ પ્રમાણેની પરફેક્ટ ફૂડ ડિસ ખાવા માટે આગ્રહ કરે છે. આશ્ચર્યની વાત તો એ છે કે, અહીં જે શેફ એઆઇ છે તે 100થી પણ વધુ મસાલેદાર અને ચટાકેદાર ફૂડ બનાવી શકે છે. આ ફૂડ ડિસીસમાં થ્રી કપ ચિકન, ક્રેબ રો ટોફૂ અને બેઝ્ડ પોર્ક ટ્રોટર્સ જેવી ડિસનો પણ સમાવેશ થાય છે. આ એઆઇ શેફ હાંગઝોઉની ફેમસ નુડલ ડિશ પિયાન એર ચુઆન પણ ચપટી વગાડતામાં જ તૈયાર કરી આપે છે. નોંધનીય છે કે આ એઆઇ શેફના મશીનમાં અસલ શેફના કૂકિંગ ડેટાને સમાવવામાં આવ્યો છે, જેથી જે તે ફૂડને કેટલી આંચ પર પકવવું કે શેકવું, તેમજ કઢાઇને કેટલી ઊંચે લેવી અને કેવી રીતે ફેરવવી તે બાબતોને પણ સમાવવામાં આવી છે. નોંધનીય છે કે, એઆઇ શેફથી આ હોટલનું ફૂડ સસ્તું પણ બન્યું છે.

ચુંબન ઈમોજીવાળો `લિપ્સ પ્લાન્ટ'

મોબાઇલની દુનિયામાં આપણે અનેક પ્રકારના ઈમોજી જોતા હોઇએ છીએ અને તેનો ઉપયોગ આપણે મિત્રો, સ્નેહીજનો અને અન્ય વર્તુળોમાં કરતા હોઇએ છીએ. અલબત્ત, આ ઈમોજીમાં એક લિપ્સ ઈમોજી સૌ કોઇના આકર્ષણનું કેન્દ્ર છે, એટલે કે પ્રેયસી કે મનગમતી વ્યક્તિ માટે નેટિજન્સ આ ઇમોજી વધુ વાપરતા હોય છે. આ ઈમોજી તો મોબાઇલ સુધી સિમિત છે, પરંતુ પ્લાન્ટ વર્લ્ડમાં લિપ્સ દર્શાવતો એક પ્લાન્ટ પણ આવે છે, જેને `લિપ્સ પ્લાન્ટ', `સાઇકોટ્રિયા ઇલાટા પ્લાન્ટ' અને `હુકર્સ લિપ્સ પ્લાન્ટ' પણ કહેવામાં આવે છે. લિપ્સ પ્લાન્ટમાં બે લાલ પાંદડીઓ (બ્રેક્ટ્સ) એવી રીતે ઊગતી જોવા મળે છે, જાણે કોઇએ પ્લાન્ટમાં માત્ર જીવંત લિપ્સનાં ઈમોજી મૂક્યાં હોય! વધુમાં પહેલી નજરે તમને કોઇએ અસલ લિપ્સની કારીગરી કરી હોય તેવું લાગે, પરંતુ તે લિપ્સની પાંદડીઓ હમિંગ બર્ડ અને પતંગિયાંઓને આકર્ષવા માટે હોય છે. આ પાંદડીઓની વચ્ચે જ સફેદ રંગના નાનાં-નાનાં સુંગધી ફૂલ નીકળતાં હોય છે. મૂળ આ પ્લાન્ટ કોસ્ટારિકા, ઇક્વાડોર અને મધ્ય તેમજ દક્ષિણ અમેરિકાના વર્ષાવનોમાં જોવા મળે છે અને ભારત(અરુણાચલ પ્રદેશ)માં પણ જોવા મળે છે. લિપ્સ પ્લાન્ટની 2000 કરતાં પણ વધુ પ્રજાતિઓ છે. જોકે, આ પ્લાન્ટ ખૂબ જ દુર્લભ છે, તેથી તેના સંરક્ષણ માટેનાં પગલાં ભરવાં વિશેષ જરૂરી બને છે.

500 વર્ષ સુધી જીવતી શાર્કનો મૃતદેહ મળ્યો

સમુદ્રના પેટાળમાં આજે પણ એવાં રહસ્યો જોવા મળે છે, જેની કલ્પના સામાન્ય માણસ કરી શકતો નથી. અલબત્ત, સમુદ્રના પેટાળમાં એવા પણ જીવજંતુઓ જોવા મળે છે, જેનું હજી સુધી નામ પણ શોધાયું નથી. અલબત્ત, આ જીવ પહેલી વાર જ જોવામાં આવ્યા હોય છે. નોંધનીય છે કે, સમુદ્રના પેટાળમાં વિવિધ પ્રકારની શાર્ક પણ જોવા મળે છે. આ શાર્કમાં 500 વર્ષ સુધી જીવતી શાર્કનો પણ સમાવેશ થાય છે. થોડા દિવસ પહેલાં જ આયર્લેન્ડના એક બીચ પર 150 વર્ષ જૂની ગ્રીનલેન્ડ શાર્ક મૃત હાલતમાં મળી હતી. આ શાર્ક 500 વર્ષ સુધી જીવતી પ્રજાતિમાંની એક છે. 9.5 ફૂટની લંબાઇ ધરાવતી આ શાર્ક ભલે મૃત અવસ્થામાં મળી, પરંતુ વૈજ્ઞાનિકો માટે આ શાર્ક એક મોટા રિસર્ચનો વિષય સાબિત થઇ શકે તેમ છે. આમ તો આ શાર્ક મોટાભાગે આર્કટિક અને ઉત્તર એટલાન્ટિક મહાસાગરના પેટાળમાં જોવા મળે છે, જ્યાં તેની લંબાઇ 4થી 6 મીટર સુધીની જોવા મળે છે. હાલમાં આ શાર્કના મૃતદેહને આયર્લેન્ડના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં મોકલી દેવામાં આવ્યો છે, જ્યાં તેના ટિશ્યૂ અને શરીરના કેટલાક ભાગોને સંરક્ષિત પણ કરવામાં આવશે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો