અમેરિકા અને કેનેડા સહિત ઘણા દેશોમાં ડેટા સેન્ટર્સનો વિરોધ થઈ રહ્યો છે. દુનિયાભરમાં એક એન્ટી-AI (AI વિરોધી) લહેર પણ જોવા મળી રહી છે. વાસ્તવમાં AI પ્રત્યક્ષ (ડાયરેક્ટ) અને પરોક્ષ (ઇનડાયરેક્ટ) બંને રીતે લોકોને નુકસાન પહોંચાડી રહ્યું છે.દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)નો ક્રેઝ જેટલી ઝડપથી વધી રહ્યો છે, એટલી જ ઝડપથી તેની ખતરનાક અસરો પણ સામે આવવા લાગી છે. ઘણા દેશોમાં એન્ટિ-AI પ્રોટેસ્ટ (વિરોધ પ્રદર્શન) જમીન પર જોવા મળી રહ્યા છે.  


યુએન યુનિવર્સિટી(UN University)ના રિપોર્ટ અનુસાર AIનો ઝડપથી વધી રહેલો ઉપયોગ ઊર્જા, પાણી અને જમીન જેવાં સંસાધનો પર મોટું દબાણ લાવી રહ્યો છે. આ માત્ર ટેક્નોલોજીનો મામલો નથી, પરંતુ હવે આ પર્યાવરણ અને ભવિષ્યની સ્થિરતા (સસ્ટેનેબિલિટી) સાથે જોડાયેલો મોટો સવાલ બની ચૂક્યો છે.  

જો માત્ર વીજળીની વાત કરીએ તો, ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) અનુસાર, 2030 સુધીમાં દુનિયાભરના ડેટા સેન્ટર આશરે 945 ટેરાવોટ-અવર (TWh) વીજળીનો વપરાશ કરી શકે છે. આ આંકડાને સમજવા માટે તેને સરળ રીત સમજીએ.  

એક આખા દેશ બરાબર વીજળીનો વપરાશ!

945 ટેરાવોટ-અવર વીજળીનો અર્થ છે જાપાન જેવા આખા દેશના વાર્ષિક વીજળી વપરાશ બરાબર. એટલે કે, જે વીજળી એક આખો વિકસિત દેશ વાપરે છે, એટલી વીજળી માત્ર AI અને ડેટા સેન્ટર્સ ખાઈ જશે. આ વૈશ્વિક વીજળી વપરાશના લગભગ 3 ટકા જેટલું હોઈ શકે છે.  

હવે તેને વધુ સરળ ભાષામાં સમજીએ તો, એક સામાન્ય ભારતીય ઘર વર્ષભરમાં જેટલી વીજળી વાપરે છે, તેટલી વીજળીમાં હજારો ઘરો ચાલી શકે છે, પરંતુ એટલી જ વીજળી AIના સર્વર્સ માત્ર થોડી સેકન્ડોમાં વાપરી નાખે છે, જ્યારે લાખો લોકો એકસાથે AIને સવાલો પૂછી રહ્યા હોય છે.  

પહેલાં વીજળી ફેક્ટરી, ઘર અને ટ્રાન્સપોર્ટમાં વપરાતી હતી. હવે તેનો એક મોટો હિસ્સો ડિજિટલ દુનિયા ખાઈ રહી છે, જે દેખાતી નથી, પણ તેની અસર ખૂબ મોટી છે, પરંતુ અસલી કટોકટી પાણીની છે. Earth.Orgના રિપોર્ટ અનુસાર 2030 સુધીમાં AI ડેટા સેન્ટર્સ આશરે 9.3 ટ્રિલિયન લિટર પાણીનો વપરાશ કરી શકે છે. આ પાણી સર્વરને ઠંડું રાખવા માટે વપરાય છે, કારણ કે AI મોડલ્સ ચલાવતી ચિપ્સ અત્યંત ગરમ થઈ જાય છે.   

1.3 અબજ લોકોની જરૂરિયાત બરાબર પાણી

હવે આ આંકડાને સમજવો જરૂરી છે. 9.3 ટ્રિલિયન લિટર પાણીનો અર્થ છે આશરે 1.3 અબજ (130કરોડ) લોકોની જરૂરિયાત બરાબર પાણી. એટલે કે જેટલું પાણી ભારત જેવા દેશની આખી વસ્તીને જોઈએ, તેટલું પાણી માત્ર મશીનોને ઠંડાં રાખવામાં ખર્ચ થઈ શકે છે.  

જો તેને વધુ સરળ રીતે સમજીએ તો, વિચારો કે એક શહેરમાં રોજ પાણીની અછત થાય છે, લોકો ટેન્કર મંગાવે છે, પાણી બચાવવાની અપીલ થાય છે. બીજી તરફ ડેટા સેન્ટર્સ લાખો લિટર પાણી માત્ર પોતાના સર્વરને ઠંડાં રાખવામાં ખર્ચી રહ્યાં છે. એટલે કે એક તરફ માણસ પાણી માટે વલખાં મારી રહ્યો છે અને બીજી તરફ મશીનો તે જ પાણી વાપરી રહ્યાં છે. હવે આ મુદ્દા પર માત્ર એક્સપર્ટ્સ જ નહીં, સામાન્ય લોકો પણ વિરોધ કરવા લાગ્યા છે. ખાસ કરીને અમેરિકામાં AI ડેટા સેન્ટર્સ વિરુદ્ધ વિરોધ ઝડપથી વધી રહ્યો છે.  

અમેરિકામાં ડેટા સેન્ટર્સનો વિરોધ

રિપોર્ટ્સ અનુસાર અમેરિકાના ઘણાં શહેરોમાં લોકોએ ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સનો વિરોધ કર્યો છે. તેનું સૌથી મોટું કારણ પાણી અને વીજળીનો ભારે વપરાશ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ડેટા સેન્ટર્સના કારણે તેમના વિસ્તારમાં પાણીની અછત અને વીજળી પર દબાણ વધી શકે છે.  

કેટલીક જગ્યાએ તો પ્રોજેક્ટ્સ અટકાવવા પણ પડ્યા છે. અમેરિકામાં ગયા વર્ષે આશરે 200 અબજ ડૉલરના ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સ વિરોધના કારણે કાં તો રોકી દેવામાં આવ્યા અથવા તેમાં વિલંબ થયો. આ દર્શાવે છે કે આ હવે માત્ર ટેક્નોલોજીનો મુદ્દો નથી રહ્યો, પરંતુ એક પબ્લિક ઇશ્યૂ (જાહેર મુદ્દો) બની ગયો છે.

લોકોને ડર છે કે કંપનીઓ તેમનાં સંસાધનોનો ઉપયોગ કરીને AI ચલાવી રહી છે, પરંતુ તેનો ફાયદો સામાન્ય જનતાને તેટલો નથી મળી રહ્યો. ખાસ કરીને પાણીની અછતવાળા વિસ્તારોમાં આ ચિંતા વધુ ઊંડી છે.  

યુનાઇટેડ નેશન્સ (UN) સાથે જોડાયેલા રિપોર્ટ્સમાં પણ સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે AIનું આ વધતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાણી, જમીન અને ક્લાઇમેટ (હવામાન) ત્રણેય પર દબાણ લાવી રહ્યું છે. ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં પહેલેથી જ પાણીની અછત છે, ત્યાં ડેટા સેન્ટરનો વિસ્તાર મોટી સમસ્યા બની શકે છે.

રોજબરોજના ઉપયોગમાં સૌથી વધુ વપરાશ

સૌથી ચોંકાવનારી વાત એ છે કે AIનો મોટાભાગનો વીજળી વપરાશ તેની ટ્રેનિંગમાં નથી થતો, પરંતુ રોજબરોજના ઉપયોગમાં થાય છે. IEAના વિશ્લેષણ મુજબ લગભગ 80થી 90 ટકા ઊર્જા વપરાશ `ઇન્ફરન્સ'માં થાય છે, એટલે કે જ્યારે આપણે AIને સવાલ પૂછીએ છીએ. મતલબ કે, દરેક વખતે જ્યારે તમે સવાલ પૂછો છો, ફોટો બનાવો છો અથવા AI વીડિયો જનરેટ કરો છો, ત્યારે તેની પાછળ સર્વર્સ ચાલુ થાય છે, વીજળી વપરાય છે અને તેને ઠંડાં રાખવા માટે પાણી પણ લાગે છે, એટલે કે AI જેટલું વધારે વપરાશે, સંસાધનો પર એટલું જ વધુ દબાણ વધશે.  

શું આનો કોઈ ઉકેલ છે?

ટેક કંપનીઓ હવે ગ્રીન એનર્જી, રિસાઇકલ કરેલું પાણી અને નવી કૂલિંગ સિસ્ટમ પર કામ કરી રહી છે. ઘણી કંપનીઓ દાવો કરે છે કે તેઓ પોતાના ડેટા સેન્ટરને સોલર કે વિન્ડ એનર્જી(પવન ઊર્જા)થી ચલાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ અસલી પડકાર એ છે કે AIની ડિમાન્ડ એટલી ઝડપથી વધી રહી છે કે આ પ્રયાસો પાછળ છૂટી શકે છે. આજે AI આપણી જિંદગી સરળ બનાવી રહ્યું છે, પરંતુ જો આ જ ટેક્નોલોજી ભવિષ્યમાં પાણી અને વીજળીની અછતનું કારણ બની જશે, તો તે એક નવી સમસ્યા ઊભી કરી શકે છે. 

AIનું ફ્યૂચર જેટલું સ્માર્ટ દેખાય છે, પર્યાવરણ પર તેની અસર એટલી જ ગંભીર થતી જઈ રહી છે.  

શું દુનિયા AI અને નેચર (પ્રકૃતિ) વચ્ચે બેલેન્સ બનાવી શકશે કે પછી ટેક્નોલોજીની આ રફ્તાર આપણને એક નવી કટોકટી તરફ લઈ જઈ રહી છે?      


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: