`જે પોષતું તે મારતું.' આ કહેવત તો સાંભળી જ હશે, પણ વિજ્ઞાન અને ટેક્નોલોજીને સાચી દિશામાં વિવેકબુદ્ધિપૂર્વક કામે લગાડવામાં આવે તો આ કહેવત ઉલટાવી પણ શકાય છે. આ મુદ્દો થોડો વિગતવાર સમજવો જોઈએ. ભારતના આંદામાન-નિકોબાર નજીક આવેલ મલાક્કાની ખાડીનો જળમાર્ગ વિશ્વના સૌથી વ્યસ્ત શિપિંગ રૂટ પૈકીનો એક ગણાય. આ પ્રકારના રૂટ્સને રૂંધી નાખવામાં આવે ત્યારે વિશ્વમાં કેવી જંગી ઊર્જા કટોકટી પેદા થાય, એ આપણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થયું ત્યારે અનુભવી લીધું. સ્વાભાવિક છે કે ચીન જેવો કટ્ટર વિસ્તારવાદી પડોશી દેશ ધરાવતું ભારત પોતાની નજીક આવેલ મલાક્કા સ્ટ્રેટના જળમાર્ગ પર પોતાનું પ્રભુત્વ ઈચ્છતું હોય. આવું પ્રભુત્વ મેળવવા માટે માત્ર ભૌગોલિક નજદીકી જ પૂરતી નથી, બલકે લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભાં કરવાં પડે. આ માટે ભારતે હાલ ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે.
અહીં એક મુદ્દો સમજવો પડશે. કોઈ પણ પ્રકારનું જંગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જે-તે સ્થળના પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા સિવાય શક્ય નથી અને માત્ર પર્યાવરણ બચાવવા માટે થઈને વિકાસને અવરોધનાર પ્રજા અંતે ગરીબી અને એથીય આગળ વધીને ગુલામીમાં સબડે છે. તો કરવું શું? જવાબ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. એવો વિકાસ કરવો જેનાથી પર્યાવરણને ઓછામાં ઓછું - અનિવાર્ય હોય એટલા પ્રમાણમાં જ નુકસાન થાય. આ નુકસાન ભરપાઈ કરવા માટે બીજા સંલગ્ન પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવે. આ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરી શકાય. ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ વિશે તો આવનારા સમયમાં ખબર પડશે જ, પણ શરૂઆતમાં જે કહેવતનો ઉલ્લેખ કર્યો, એની વાત કરીએ.
ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ કરવાથી `જે મારતું તે જ પોષતું'વાળી પરિસ્થિતિ ઊભી કરી શકાય છે. વાયુ પ્રદૂષણનો જ દાખલો લો. આપણે જાણીએ છીએ કે વાહનવ્યહારથી માંડીને ઇન્ડસ્ટ્રીઝને કારણે કાર્બન ડાયોક્સાઈડ તેમજ કાર્બન મોનોક્સાઈડ જેવા વાયુઓ મોટા પ્રમાણમાં હવાને પ્રદૂષિત કરે છે, પણ હવા ચોખ્ખી રાખવા માટે વાહનવ્યવહાર કે ઇન્ડસ્ટ્રીઝ બંધ કરી દેવાનું તો પોસાય નહિને! એના બદલે એવી ટેક્નોલોજી વિકસાવીએ, જે હવામાં પ્રસરેલા કાર્બન ગેસીસને શોષી લે અને હવાને ચોખ્ખી રાખે, તો?
આઈડિયા તો જોરદાર છે અને ખરેખર આવી ટેક્નોલોજી કાર્યરત થઇ ચૂકી છે, જેનું નામ છે `ડાયરેક્ટ એર કેપ્ચર (Direct Air Capture) આમ તો DAC ટેક્નોલોજી સૌથી પહેલાં 1999થી ચર્ચામાં છે, પણ હવે ધીમે ધીમે લોકો એના વિશે જાણી રહ્યા છે.
કઈ રીતે કામ કરે છે DAC?
આ ટેક્નોલોજીની કાર્યપદ્ધતિ જટિલ છે, પણ અહીં સાદી રીતે સમજીશું. માનો કે DAC એક સાદું મશીન છે, જે વાતાવરણમાંથી હવા શોષી લે છે. જે રીતે એક્ઝોસ્ટ ફેન રૂમની હવા શોષીને બહાર ફેંકે છે, એ રીતે આ મશીનમાં લાગેલો વિશેષ પ્રકારનો પંખો બહારની હવા ખેંચીને મશીનની અંદર મોકલે છે. આ હવામાંથી મશીનની અંદર રહેલ ફિલ્ટર્સ કાર્બન ડાયોક્સાઈડ(CO2)ના અણુઓ શોષી લે છે. આ રીતે શોષાયેલા અણુઓને હીટ પ્રોસેસ અથવા કેમિકલ પ્રોસેસ દ્વારા છૂટા પાડીને અલગ કંપાર્ટમેન્ટમાં મોકલાય છે. બાકી બચેલી કાર્બન ડાયોક્સાઈડ વિનાની શુદ્ધ હવાને વાતાવરણમાં છોડી મુકાય છે. જ્યારે અલગ કમ્પાર્ટમેન્ટમાં મોકલાયેલા કાર્બન ડાયોક્સાઈડને સ્ટોર કરી શકાય છે. આ રીતે સ્ટોર થયેલો કાર્બન ડાયોક્સાઈડ પાછળથી અન્ય હેતુઓ માટે વાપરી શકાય છે.
સ્વિટ્ઝર્લેન્ડની ક્લાઈમવર્ક્સ કંપની વિશ્વની સૌથી પ્રસિદ્ધ અને અગ્રણી ડાયરેક્ટ એર કેપ્ચર (DAC) કંપની છે, જે 2009માં સ્થપાઈ હતી. આ કંપની દ્વારા વિશ્વનો પહેલો વ્યાપારિક DAC પ્લાન્ટ 2021 આઈસલેન્ડ ખાતે શરૂ કરાયો, જે દર વર્ષે 4,000 ટન CO2 હવામાંથી કેપ્ચર કરે છે. વિશ્વનો સૌથી મોટો DAC પ્લાન્ટ પણ આ જ કંપની દ્વારા 2024માં શરૂ કરાયો. આ પ્લાન્ટ પણ આઈસલેન્ડમાં જ છે, જેની ક્ષમતા ટૂંક સમયમાં વાર્ષિક 36,000 ટન CO2 સુધી પહોંચશે.
ઓકે ફાઈન. જો આ બધું બરાબર હોય તો દુનિયામાં ઠેર ઠેર આવા પ્લાન્ટ્સ કેમ શરૂ નથી થઇ રહ્યા? જવાબ છે તોતિંગ ખર્ચો. 2025ના અંદાજ મુજબ વાતાવરણમાંથી એક ટન કાર્બન ડાયોક્સાઈડ શોષી લેવા પાછળ એક હજાર ડૉલર્સનો ખર્ચો આવે છે. નિષ્ણાતોના કહેવા મુજબ જો વાર્ષિક એક મિલિયન ટનની કેપેસિટી ધરાવતો પ્લાન્ટ બનાવવામાં આવે તો આ ખર્ચ માત્ર 200 ડૉલર્સ પ્રતિ ટન જેટલો થઇ જાય.
મોટા ભાગના નિષ્ણાતો માને છે કે ટેક્નોલોજી અપગ્રેડ થશે તો આ ખર્ચમાં ઘટાડો આવશે. બીજા શબ્દોમાં કહીએ તો ટેક્નોલોજી વધવાથી પ્રદૂષણ વધ્યું અને ટેક્નોલોજી અપગ્રેડ થવાથી જ પ્રદૂષણનો તોડ પણ મળશે. જે ટેક્નોલોજીને કારણે તકલીફ ઊભી થઇ, એ જ સોલ્યુશન પણ આપશે.
વિશ્વના અનેક દેશોની સાથે ભારત પણ આ દિશામાં પા પા પગલી પાડી રહ્યું છે. સાયન્સ અને ટેક્નોલોજી સાથે જોડાયેલી ભારતની આઈઆઈટી સહિતની સંસ્થાઓ આ દિશામાં રિસર્ચ કરી રહી છે. આશા રાખીએ કે ભારતીયો પ્રદૂષણમુક્ત હવા મેળવવા માટે કોઈ સસ્તી છતાં અસરકારક ટેક્નોલોજી વિકસાવી લે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો