આધુનિક હવાઈ યુદ્ધ (Aerial Warfare) માત્ર વિમાનોની ઝડપ કે પાઇલટની કુશળતા પર જ નહીં, પરંતુ વિમાનમાં તૈનાત હથિયારોની ક્ષમતા પર પણ નિર્ભર કરે છે. આ સંદર્ભમાં એર-ટુ-એર એટલે કે હવામાંથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ (AAM) સૌથી નિર્ણાયક હથિયાર સાબિત થાય છે. આ મિસાઈલોને ફાઈટર જેટ અથવા હેલિકોપ્ટર પરથી લોન્ચ કરવામાં આવે છે અને તેનો મુખ્ય ઉદ્દેશ હવામાં ઊડી રહેલા દુશ્મનનાં લડાકુ વિમાનો, હેલિકોપ્ટર, ડ્રોન કે ક્રૂઝ મિસાઈલોનો સફાયો કરવાનો છે. તેને લશ્કરી ભાષામાં `ડોગફાઈટ' (Dogfight) અથવા આકાશી ઝપાઝપી કહેવામાં આવે છે. તેમાં આ મિસાઈલો ગેમ-ચેન્જર સાબિત થાય છે.
મુખ્ય પ્રકારો
અંતરના આધારે એર-ટુ-એર મિસાઈલોને બે મુખ્ય ભાગમાં વહેંચવામાં આવે છે.
શોર્ટ રેન્જ અથવા ક્લોઝ કોમ્બેટ મિસાઇલ (SR-AAM / CCM) : આ મિસાઈલો સામાન્ય રીતે 20 કિલોમીટર સુધીના નજીકના અંતરે લડાતા આકાશી યુદ્ધ માટે વપરાય છે. આ મિસાઈલો અત્યંત ચપળ (Highly Maneuverable) હોય છે, જે દુશ્મનના વિમાનના તીવ્ર વળાંકોની સાથે પોતાની દિશા સેકન્ડના ભાગમાં બદલી શકે છે.
બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ મિસાઇલ (BVR-AAM) : આ મિસાઈલો 37 કિલોમીટરથી લઈને 200 કિલોમીટરથી પણ વધુ અંતર સુધી પ્રહાર કરી શકે છે. આનો અર્થ એ કે પાઇલટ પોતાની આંખોથી દુશ્મનના વિમાનને જોઈ શકતો નથી, પરંતુ રડારની મદદથી તેને હજારો ફૂટની ઊંચાઈએથી જ તોડી પાડે છે.
એર-ટુ-એર મિસાઇલની કાર્યપદ્ધતિ
એર-ટુ-એર મિસાઈલની લંબાઈ અને વજન અન્ય મિસાઈલોની સરખામણીએ ઓછું હોય છે જેથી તેને ફાઈટર જેટ પર સરળતાથી લઈ જઈ શકાય. તેની કાર્યપદ્ધતિ આ પ્રમાણે છે.
ટાર્ગેટ લોકિંગ : સૌ પ્રથમ ફાઈટર જેટનું શક્તિશાળી રડાર અથવા પાઇલટના હેલ્મેટમાં રહેલી સિસ્ટમ (HMDS) દુશ્મનના વિમાનને ટ્રેક કરીને તેના પર નિશાન (Lock-on) સાધે છે.
લોન્ચિંગ અને પ્રિ-ગાઇડન્સ : મિસાઈલ છૂટ્યા પછી તેની સોલિડ-ફ્યુઅલ રોકેટ મોટર સક્રિય થાય છે, જે તેને પળવારમાં અવાજ કરતાં 3થી 4 ગણી વધુ (સુપરસોનિક) ગતિ આપે છે. શરૂઆતના તબક્કામાં મિસાઈલ પોતાના વિમાનના રડારમાંથી મળતા ડેટા લિંક કમાન્ડના આધારે આગળ વધે છે.
ટર્મિનલ હોમિંગ : જ્યારે મિસાઈલ દુશ્મનના વિમાનની નજીક પહોંચે છે, ત્યારે તેની પોતાની આંતરિક ગાઈડન્સ સિસ્ટમ સક્રિય થાય છે. આ સિસ્ટમ બે રીતે કામ કરે છે :
ઇન્ફ્રારેડ (IR) / હીટ-સીકિંગ : આ મિસાઈલો દુશ્મનના વિમાનના એન્જિનમાંથી નીકળતી પ્રચંડ ગરમીને શોધીને તેનો પીછો કરે છે. નજીકની લડાઈમાં આ ટેક્નોલોજી અચૂક ગણાય છે.
એક્ટિવ રડાર હોમિંગ: મિસાઈલની અણીમાં પોતાનું નાનું રડાર હોય છે, જે દુશ્મનના વિમાન પર રેડિયો તરંગો ફેંકીને તેને ટાર્ગેટ કરે છે.
બ્લાસ્ટ અને વિનાશ : મિસાઈલમાં `પ્રોક્સિમિટી ફ્યૂઝ' હોય છે, એટલે કે જો મિસાઈલ વિમાન સાથે સીધી ન ભટકાય પરંતુ તેની બિલકુલ નજીક(કંઈક મીટરના અંતરે)થી પણ પસાર થાય, તો પણ તે આપોઆપ બ્લાસ્ટ થઈ જાય છે. આ બ્લાસ્ટથી હવામાં ફેલાતા તીક્ષ્ણ ટુકડાઓ દુશ્મનના વિમાનને ચીરી નાખે છે.
હવાઈ ક્ષેત્રમાં પોતાનો દબદબો જાળવી રાખવા માટે એર-ટુ-એર મિસાઈલો અનિવાર્ય છે. ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને હાઈપરસોનિક ગતિ ધરાવતી સ્માર્ટ મિસાઈલો આવી રહી છે, જે રડારને છેતરીને દુશ્મન વિમાનને બચવાની એક પણ તક આપશે નહીં. ભારતે `અસ્ત્ર' મિસાઈલ બનાવીને આ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પોતાની સૈન્ય ટેક્નોલોજીનો ડંકો વગાડ્યો છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો