હવાઈ ક્ષમતા અને આધુનિક યુદ્ધકળાનો સૌથી મોટો ફાયદો એ છે કે દુશ્મનની સીમામાં પ્રવેશ્યા વિના અથવા ઊંચાઈ પર રહીને જમીન પરનાં લક્ષ્યોને નષ્ટ કરી શકાય. આ કાર્ય માટે જે હથિયારનો ઉપયોગ થાય છે તેને એર-ટુ-સરફેસ મિસાઈલ (ASM) અથવા `હવામાંથી જમીન પર પ્રહાર કરનારી મિસાઈલ' કહેવામાં આવે છે. આ મિસાઈલોને લડાકુ વિમાનો (Fighter Jets), બોમ્બર અને એટેક હેલિકોપ્ટર પરથી લોન્ચ કરવામાં આવે છે. તેનો ઉપયોગ દુશ્મનનાં રડાર સ્ટેશનો, ટેન્કો, બંકરો, પુલ, કમાન્ડ સેન્ટર્સ અને નૌકાદળનાં જહાજો પર સચોટ હુમલો કરવા માટે થાય છે.  

મુખ્ય પ્રકારો

એર-ટુ-સરફેસ મિસાઈલોને તેમના લક્ષ્ય અને ઉપયોગના આધારે વિવિધ વર્ગોમાં વહેંચવામાં આવે છે.  

એન્ટિ-રેડિયેશન મિસાઇલ : આ મિસાઈલો દુશ્મનના એર ડિફેન્સ રડારમાંથી નીકળતા રેડિયો તરંગોને ટ્રેક કરીને સીધી રડાર સિસ્ટમ પર જ ત્રાટકે છે, જેથી દુશ્મનની હવાઈ સંરક્ષણ પ્રણાલી ઠપ્પ થઈ જાય છે.  

એન્ટિ-ટેન્ક ગાઇડેડ મિસાઇલ : હેલિકોપ્ટર કે ડ્રોન પરથી છોડવામાં આવતી આ મિસાઈલો દુશ્મનની ભારે કવચ ધરાવતી ટેન્કો અને બખ્તરબંધ વાહનોને તોડી પાડે છે.  

એન્ટિ-શિપ મિસાઇલ : સમુદ્રની સપાટી પર રહેલા દુશ્મનનાં યુદ્ધજહાજો કે સબમરીનને નષ્ટ કરવા માટે વિમાનોમાંથી છોડવામાં આવે છે.  

સ્ટેન્ડ-ઓફ/ક્રૂઝ મિસાઇલ : આ મિસાઈલો વિમાનમાંથી દુશ્મનના એર ડિફેન્સ ક્ષેત્રની બહારથી (સેંકડો કિલોમીટર દૂરથી) છોડવામાં આવે છે, જેથી વિમાન પોતે સુરક્ષિત રહે છે.  

એર-ટુ-સરફેસ મિસાઇલની કાર્યપદ્ધતિ

વિમાનમાંથી જમીન પર પ્રહાર કરતી વખતે ગુરુત્વાકર્ષણ અને જમીન પરના અવરોધો બંને ધ્યાનમાં રાખવા પડે છે. તેની કાર્યપદ્ધતિ મુખ્યત્વે ચાર તબક્કામાં વહેંચાયેલી છે.  

ટાર્ગેટ આઇડેન્ટિફિકેશન : વિમાનમાં રહેલા સેન્સર્સ, પોડ્સ અથવા સેટેલાઇટ ડેટા દ્વારા જમીન પર રહેલા દુશ્મનના સ્થિર કે ગતિશીલ લક્ષ્યની ઓળખ કરવામાં આવે છે.  

રિલીઝ અને બૂસ્ટ : વિમાનમાંથી મિસાઈલ નીચે ડ્રોપ થાય છે અને તેની થોડી જ સેકન્ડમાં તેની રોકેટ મોટર અથવા જેટ એન્જિન ચાલુ થાય છે. વિમાનની પોતાની ગતિને કારણે મિસાઈલને શરૂઆતમાં જ જબરદસ્ત પ્રારંભિક વેગ મળી જાય છે.  

ગાઇડન્સ અને નેવિગેશન : GPS/INS નેવિગેશન: મિસાઈલ અગાઉથી નક્કી કરેલા કોઓર્ડિનેટ્સ (અક્ષાંશ-રેખાંશ) પર ઉડાન ભરે છે.  

લેઝર ગાઇડન્સ : વિમાન અથવા જમીન પર રહેલા સૈનિકો લક્ષ્ય પર લેઝર બીમ પાડે છે અને મિસાઈલ તે લેઝર ડોટનો પીછો કરતી સીધી લક્ષ્ય પર ત્રાટકે છે.  

ટીવી/ઓપ્ટિકલ ગાઇડન્સ : મિસાઈલના કેમેરામાંથી મળતા લાઈવ વિઝ્યુઅલ્સના આધારે પાઇલટ અથવા કમ્પ્યૂટર મિસાઈલને લક્ષ્ય તરફ ગાઈડ કરે છે.  

ટર્મિનલ ઇમ્પેક્ટ અને વિસ્ફોટ : લક્ષ્યની નજીક પહોંચીને મિસાઈલની ઈન્ફ્રારેડ કે રડાર સીકર સિસ્ટમ એક્ટિવ થાય છે. તે લક્ષ્યની ચોક્કસ રચનાને ઓળખીને તેના પર ત્રાટકે છે. તેમાં રહેલું `આર્મર-પિયર્સિંગ' વોરહેડ કોંક્રીટના મજબૂત બંકરો કે ટેન્કના કવચને તોડીને અંદર વિસ્ફોટ કરે છે.   

ભારતનું આકાશી ભાથું

ભારતીય વાયુસેના પાસે વિશ્વસ્તરીય એર-ટુ-સરફેસ મિસાઈલો ઉપલબ્ધ છે. - રુદ્રમ (Rudram-1) : ભારતની પ્રથમ સ્વદેશી એન્ટિ-રેડિયેશન મિસાઈલ છે, જે દુશ્મનના રડાર અને કમ્યુનિકેશન સ્ટેશનોને નષ્ટ કરવા માટે DRDO દ્વારા વિકસાવવામાં આવી છે.  

બ્રહ્મોસ-ALCM (BrahMos Air Launched) : સુખોઈ-30MKI ફાઈટર જેટ પરથી છોડી શકાતી આ દુનિયાની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ છે, જે 400 કિલોમીટરથી વધુ દૂર રહેલાં જમીની લક્ષ્યોનો અચૂક સફાયો કરે છે.  

હેલિના/ધ્રુવાસ્ત્ર (Helina/Dhruvastra) : ધ્રુવ અને રુદ્ર હેલિકોપ્ટર પરથી છોડવામાં આવતી સ્વદેશી એન્ટિ-ટેન્ક મિસાઇલ.  

સ્કેલ્પ (SCALP) અને સ્પાઇસ (SPICE) : રાફેલ અને મિરાજ-2000 વિમાનોમાં તૈનાત આ મિસાઈલો અને બોમ્બ કિટ્સ અતિ સચોટ પિન-પોઈન્ટ હુમલા માટે જાણીતા છે (જેનો ઉપયોગ બાલાકોટ એરસ્ટ્રાઈક જેવા મિશનમાં થયો હતો).

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો