1990ના દાયકાની શરૂઆતમાં જ્યારે હિન્દી સિનેમા એક નિર્ણાયક પડાવ પરથી પસાર થઇ રહી હતી, ત્યારે નિર્દેશક રમેશ સિપ્પીએ એક અસામાન્ય અને જોખમથી ભરેલો પ્રયોગ કર્યો હતો. `શોલે', `શાન' અને `શક્તિ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો પછી, સિપ્પીએ તેમના ફેવરિટ અમિતાભ બચ્ચન સાથે એક એવી એક્શન ફિલ્મ બનાવી હતી, જે સફળ નીવડી હોત, તો ટ્રેન્ડસેટર બની ગઈ હોત, પણ
એ સાહસ એવું ઊંધું પડ્યું કે આ ફિલ્મને આજે ન તો સિપ્પી યાદ કરે છે, ન અમિતાભ કે ન તો તેમના ચાહકો.
8 નવેમ્બર, 1991ના રોજ રિલીઝ થયેલી `અકેલા' ફિલ્મ, ભલે બોક્સ-ઓફિસ પર તેની છાપ છોડી ન શકી, પણ સિનેમાના અભ્યાસુઓ વચ્ચે તેને એક એવા ઈમાનદાર પ્રયાસના રૂપમાં યાદ કરવામાં આવે છે, જેમાં બોલિવૂડના પારંપરિક મસાલા માળખામાં એક પશ્ચિમી શૈલીના `એન્ગ્રી કૉપ'ને સ્થાપિત કરવાની કોશિશ કરવામાં આવી હતી.
દાયકાની શરૂઆતમાં 49 વર્ષના અમિતાભ બચ્ચનનો અતિ-સફળ એન્ગ્રી યંગ મેન થોડો થાક્યો હતો અને તેમાં `નવા લોહી'ની જરૂર હતી. તે જ વર્ષે મુકુલ આનંદે `હમ' ફિલ્મમાં અમિતાભને `એન્ગ્રી બિગ બ્રધર' તરીકે પેશ કરીને ઈમેજમાં મેકઓવર કરવા પ્રયાસ કર્યો હતો. અમિતાભ ખુદ તેમની ઉંમરને અનુરૂપ, પણ એન્ગ્રી યંગ મેનથી બહુ દૂર ન હોય તેવા કિરદાર માટે સક્રિય પ્રયાસ કરતા હતા.
એવા જ તુક્કામાં `અકેલા'ના ઇન્સ્પેક્ટર વિજય વર્માનો જન્મ થયો હતો. દેખીતી રીતે જ અમિતાભ અને રમેશ સિપ્પીની નજર હોલિવૂડના એક્શન હીરો ક્લિંટ ઇસ્ટવૂડના માથાફરેલા પોલીસ કિરદાર ડર્ટી હેરી પર ઠરી હતી.
હોલિવૂડમાં 1971માં આવેલી ફિલ્મ `ડર્ટી હેરી'માં ક્લિંટ ઇસ્ટવૂડે સાન ફ્રાન્સિસ્કોના એક એવા સખત કિસમના પોલીસનો કિરદાર કર્યો હતો, જે પોતે ઓછું બોલે છે, પણ તેની .44ની મેગ્નમ રિવોલ્વર વધુ બોલે છે. તેને નિયમો પાળવા કરતાં પરિણામમાં વધુ વિશ્વાસ હોય છે. તેને ડર્ટી હેરી એટલા માટે કહેવામાં આવે છે, કારણ કે તેને સૌથી ગંદા અને ખતરનાક કામો સોંપવામાં આવે છે.
70ના દાયકામાં અમેરિકામાં જે રીતે અપરાધ વધી રહ્યા હતા, તેને લઈને જનતામાં પોલીસ અને ન્યાયવ્યવસ્થા માટે બહુ નારાજગી હતી. એટલે કાયદાને પોતાના હાથમાં લેતા આ હેરીનો કિરદાર લોકોમાં એટલો લોકપ્રિય થઇ ગયો કે ઇસ્ટવૂડે અગામી 20 વર્ષમાં તેની ચાર સિક્વલ ફિલ્મો કરીને તેને અમર બનાવી દીધો.
સિપ્પીએ `અકેલા' ફિલ્મમાં અમિતાભને `ડર્ટી હેરી'ના અવતારમાં પેશ કર્યા હતા. તેની પટકથા જાણીતા લેખક સલીલ ખાને લખી હતી અને એક વિદેશી માળખાને ભારતીય સામાજિક-ભાવનાત્મક માળખામાં ઢાળવાનો પ્રયાસ કર્યો હતો.
ફિલ્મનું નામ `અકેલા' બે કારણોસર રાખવામાં આવ્યું હતું. એક તો વિજય, ડર્ટી હેરીની માફક, ન તો ટીમમાં કામ કરે છે, ન તો નિયમમાં. તે એકલવીર છે અને પોતાની રીતે ગંદકી સાથે લડે છે. એ અર્થમાં તે એકલો છે. બીજું, તે જીવનમાં પણ એકલો છે. તે અંગત દુઃખો, અધૂરા પ્રેમ અને સિસ્ટમના બોજ તળે દબાયેલો છે અને પોતાને એકલો મહેસૂસ કરે છે. આ ભાવનાત્મક ગહેરાઈ તેને એ સમયના બીજા એક્શન હીરો અને ખુદની એન્ગ્રી યંગ મેનની ઈમેજથી અલગ કરે છે.
ફિલ્મની શરૂઆત એક વિમાન અપહરણથી થાય છે, જ્યાં ઈન્સ્પેક્ટર વિજય વર્મા એક ખતરનાક અપરાધી ટોની (કિથ સ્ટીવન્સન)ને પકડી લે છે, પરંતુ કોર્ટમાં કાનૂની જટિલતાઓના કારણે ટોની છૂટી જાય છે અને વિજયને તેનો અંગત દુશ્મન બનાવી દે છે.
અહીંથી ઉંદર-બિલાડીનો લાંબો ખેલ શરૂ થાય છે. વિજય દરેક અપરાધનું પગેરું દબાવીને ટોનીને દબોચવા મહેનત કરે છે, પણ દર વખતે તે સફાઈથી છટકી જાય છે. એકવાર `સીતા ઔર ગીતા' (જે રમેશ સિપ્પીએ જ બનાવી હતી) ફિલ્મ જોતી વખતે વિજયને ભાન થાય છે કે અપરાધના સમયે ટોની એકસાથે બે જગ્યાએ કેવી રીતે હોય? એમાંથી તેને શંકા પડે છે કે ટોનીનો બીજો કોઈ હમશકલ ભાઈ હોવો જોઈએ, જે તેના અપરાધમાં કવર તરીકે કામ આવે છે.
એ દુશ્મનીમાં વિજય ખુદના પ્રિયજનોને ટોનીના હાથે ગુમાવે છે. તેના મિત્રો શેખર અને સીમા (જેકી શ્રોફ અને મીનાક્ષી શેષાદ્રી) અને તેના ભાઈ અને ભાભી (આદિત્ય પંચોલી અને કિરણ જુનેજો). અંતે વિજય નોકરી છોડે છે અને ટોનીના આતંકનો ખાત્મો કરવા માટે એકલો મેદાને પડે છે.
અંતે ટોનીનો અંત થઇ જાય છે, પણ ફિલ્મ તેને કેવળ એક `જીત'ના રૂપમાં પ્રસ્તુત નથી કરતી. પોલીસ કમિશનર (શશી કપૂર) વિજયના ગેરકાનૂની કૃત્યની નિંદા કરે છે, પણ એવુંય સ્વીકારે છે કે સિસ્ટમની સીમાઓમાં રહીને અપરાધને રોકી શકાતા નથી. આ દ્વંદ્વ `એકેલા'ને નૈતિક રૂપે જટિલ બનાવે છે.
દર્શકોએ ભલે ફિલ્મને ખાસ આવકાર આપ્યો ન હોય, અમિતાભ બચ્ચને એકલવીર વિજય વર્માનો કિરદાર બહુ વિશ્વસનીય રીતે નિભાવ્યો હતો. તેમનો ગંભીર, થાકેલો અને અંદરથી તૂટેલો પોલીસ ઓફિસર તે સમયની તેમની એન્ગ્રી યંગ મેનની ઈમેજનું એક પરિપક્વ રૂપ હતું.
કદાચ ફિલ્મની નબળી કડી તેનો વિલન કિથ સ્ટીવન્સન હતો. કિથ ન તો અમિતાભના કદનો બની શકે છે અને ન તો તે દર્શકોમાં ડર પેદા કરે છે. સલીમ ખાને આ નવા વિલનને બહુ પ્રમોટ કર્યો હતો અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તે બીજો ગબ્બર પુરવાર થશે, પરંતુ અમિતાભના કદના હીરો સામે તે ફિક્કો પડી ગયો હતો અને સલીમ ખાન ઇચ્છતા હતા તેવું હીરો-વિલનનું સંતુલન બની ન શક્યું.
ત્યાં સુધી કે થોડાં વર્ષો પહેલાં અમિતાભ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં `એકલા'ના એક દૃશ્યને ભૂલથી `અગ્નિપથ'નું દૃશ્ય બતાવી બેઠા હતા. પાછળથી તેમણે ભૂલ સુધારી લીધી હતી, પણ આ બતાવે છે કે `અકેલા' ફિલ્મ કેટલી હદ સુધી મુખ્ય ધારાની સ્મૃતિમાંથી વિસરાઈ ગઈ છે.
ફિલ્મ રિલીઝ થઇ ત્યારે તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. તેના સ્ટાર-પાવરના કારણે તે 1991ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સામેલ તો થઇ, પણ તેના સર્જકો જે સ્તરની સફળતા ઇચ્છતા હતા તે પૂરી ન થઇ. એ સમયે હિન્દી ફિલ્મોનો ઝુકાવ પારિવારિક અને રોમેન્ટિક ડ્રામા તરફ વધી રહ્યો હતો. તેમાં એક ગંભીર, હિંસક અને નૈતિક દ્વંદ્વથી ભરેલી ફિલ્મને વ્યાપક સ્વીકૃતિ મળે તે આસાન નહોતું. એ ઉપરાંત પશ્ચિમની તર્જ પરની થ્રિલર રચનાનો પારંપરિક બોલિવૂડ મસાલામાં મેળ ખાય તેવો નહોતો. તેમ છતાં સમયની સાથે `અકેલા' એક કલ્ટ ફિલ્મ તરીકે ચોક્કસ યાદ રહે તેવી છે. વિદેશી ફિલ્મો કેવી રીતે ભારતીય સિનેમાને પ્રભાવિત કરે છે તેનો જ્યારે-જ્યારે અભ્યાસ થશે, ત્યારે-ત્યારે `અકેલા'ને જરૂર યાદ કરવામાં આવશે. આ ફિલ્મ સાહસિક હતી, મહત્ત્વાકાંક્ષી હતી અને વિચારોત્તેજક હતી અને કદાચ એ જ તેની સૌથી મોટી ઉપલબ્ધી હતી.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
