અત્યારે રસ્તે ચાલતા કોઈ લગ્નના વરઘોડાનું મ્યુઝિક કાને પડે, કોઈની સંગીત સંધ્યામાં જાઓ અને જે સંગીત સંભળાય કે પછી ઇન્સ્ટાગ્રામ ખોલતાં જે ઘેરી વળે એ મરહીદીનું મ્યુઝિક અને ધુરંધરના અક્ષય ખન્નાનો ગ્રેસફુલ બલોચ શૈલીનો ડાન્સ છે. ધુરંધર ફિલ્મ તો સુપરહિટ છે, પણ અચાનક જ અક્ષય ખન્નાની બોલબાલા વધી ગઈ. જાણે આખો દેશ એનાં વખાણ કરવા માટે કે એને લેજેન્ડ કહેવા માટે લાઇન લગાવતો હોય. અરે ભાઈ, અક્ષય ખન્ના એની કરિયરની શરૂઆતથી જ આવું સરસ કામ કરતો. આંખોથી એક્ટિંગ કરી શકતો નવી પેઢીમાં આ એકમાત્ર કલાકાર બચ્યો છે. આજે જ કેમ એની કદર થઈ?

આવું જ કંઈક થયું એનિમલ રિલીઝ થયું ત્યારે બોબી દેઓલના કિસ્સામાં. બધા એને લોર્ડ બોબી કહેવા લાગ્યા. બોબી સાઠના દાયકા નજીક પહોંચ્યા ત્યારે એ સ્ટાર બન્યા એવું લાગે. આવું કેમ? ભારતને કેમ એવું લાગ્યું કે અક્ષય ખન્ના નામનો ખજાનો આડે હાથે મુકાઈ ગયો એ આજે અચાનક જડી ગયો? શું વડીલોની કહેવત - ઘરડાં ગાડાં વાળે એ આટલી ક્રૂર રીતે સત્ય છે? આ શું ફિનોમેના છે કે લાયકાત હોવા છતાં જે તે સારા કલાકારને એની જિંદગીની સેકન્ડ ઇનિંગમાં એ શોહરત, એ પૈસો, એ સન્માન મળે. તો તો સરકાર જિંદગીના અંત ભાગ તરફ જે સન્માન આપે છે એ અને પબ્લિક જે રિવોર્ડ આપે છે એમાં ફરક શું રહ્યો? આવું કેમ?

આ યોગાનુયોગ હશે કે નસીબ હશે કે રેર ઇવેન્ટ હશે એ ખબર નહીં, પણ આવી બાબતો સામૂહિક રીતે આપણી વર્તણૂક કે આપણી માનસિકતા વિશે ઘણું છતું કરે છે. ભારતીયો હંમેશાં પ્રતિભાની યોગ્ય સમયે કદર કરનારી પ્રજા નથી. ભારતીયો છોડો, દુનિયાના કોઈ પણ પ્રદેશના માણસોની આ આદત છે. મરી જાય પછી એની પૂજા થાય, પણ જીવતેજીવ કોઈ ભળતા જ દુજાની પ્રશંસા થાય. વાન ગોગ સાથે શું થયું? જીવતેજીવ માંડ એક ચિત્ર વેચાયું. એ અદનો કલાકાર મર્યો એના પછી એનાં ચિત્રોની કરોડોની બોલી લાગી અને આજની તારીખે એમની કલાકૃતિના હાઈ-ટેક એક્ઝિબિશન થાય છે. ગાલિબ, ઇન્તેકાલ પામ્યા પછી વધુ પ્રસિદ્ધિ મળી અને પછી એમના શેરનું ઊંડાણ વધુ સમજાયું. જીવતેજીવ તો બહુ કપરી સ્થિતિમાં રહ્યા. મરીઝથી લઈને ઘણા કલાકારોનાં આવાં ઉદાહરણો આપી શકાય, જેને જીવતેજીવ એ સ્થાન ન મળ્યું. ધાર્મિક ઉદાહરણોમાં સાંઈ બાબાનું નામ પહેલાં લઈ શકાય. આખી જિંદગી ભટક્યા અને હવે સોનાનું સિંહાસન. આવું કેમ થાય છે?

મનુષ્ય માત્ર લગભગ એકસરખા ઇન્સ્ટિંક્ટ, એકસરખી મનોભાવના અને સમાન ચેતોવિસ્તાર ધરાવતું મનોવિશ્વ લઈને જીવતા હોય છે. સરળ રીતે કહીએ તો વધતાઓછા અંશે બધા માણસો સરખા છે, પણ ભૂગોળ મુજબ સંસ્કૃતિ બદલાય અને સંસ્કૃતિ મુજબ જે તે દેશના લોકોની વિચારશક્તિ અલગ અલગ હોય છે. વાતને વધુ સરળ બનાવવા ફક્ત ભારતીયોની વાત કરીએ, તો ભારતીયોના લોહીમાં ટોળાશાહીનું તત્ત્વ સારા એવા પ્રમાણમાં. જમણવારમાં પહેલી ડિશ કોણ લે એની બધા રાહ જોતા હોય. જાહેર સભામાં પ્રશ્નોતરી કરવામાં પહેલો પ્રશ્ન કોણ પૂછશે એની ઈંતેઝારી હોય. ટીચર સામે કોઈ રજૂઆત કોણ પહેલાં કરશે એની પણ વિદ્યાર્થીઓ રાહ જોતા હોય. વ્યવસ્થિત શરૂઆત થાય પછી બધા ચાલતી ગાડીએ ચડી જાય ને પછી તો એ ગાડી એવી દોડે કે એ ઘટના કે માણસના ભૂતકાળમાં ભટકી ભટકીને એના જૂના કામને પણ સપાટી ઉપર લાવીને એની પ્રશંસા કરવા માંડે. ભારતમાં સન્માન મોડું મળે છે. એના યોગ્ય સમયે અવગણના થાય, એના પછી એની અવહેલના પણ થઈ શકે અને છેલ્લે એની પૂજા થવા લાગે.

સામૂહિક જાગૃતિ અલગ રીતે કામ કરે છે. પબ્લિકને એવું લાગે કે આ માણસને ખભે બેસાડવાથી કોઈ આફત નહીં આવે, એ ગેરંટી મળ્યા પછી જ આપણી પબ્લિક વરઘોડો કાઢે છે. જે તે કલાકાર કે કોઈ પણ ક્ષેત્રના કાર્યકર્તાની સહનશક્તિની કસોટી કરવાની ભારતને આદત પડી ગઈ છે. કિતના દૂર તક ભાગ શકતા હૈ યે, દેખતે હૈં. એ માણસ એકાદી પેઢી જેટલો સમય ટકી જાય અને પછી પણ કંઈક કમાલ કરી દેખાડે તો ભારતીયોને એમાં રસ પડે. આપણી આ જ આદતમાં દેશને ઘરડા નેતાઓ મળે છે. યુવાનો ઉપર આપણને વિશ્વાસ નથી. અફસોસ કે સિનેમા જેવી કલાના ક્ષેત્રમાં પણ આવું થઈ રહ્યું છે.

સંસ્કૃતનું એક પદ છે `कालः पिबति यत् सर्वम्' - કાલ: પિબતિ યત સર્વમ. અર્થાત્ સમય બધું જ ઘોળીને પી જાય છે. જેટલો ભાગ સમયને પી જવાનો બાકી હોય એ ભાગ માટે આપણે હર્ષનાદો કરીએ છીએ. રિસરેક્શન ઓફ રોમેન્સ. પુનરુત્થાન સાથે ભારતીયોને મહોબ્બત છે. જુઓને, આજથી પચીસ વર્ષ પહેલાં સીરિયલમાં મરી ગયેલો મિહિર જીવતો થઈને પાછો આવ્યો અને આખા દેશે એના ટીવી રૂમમાં જાણે દિવાળી ઊજવી હતી. કલાકારોની ઉંમર પસાર થઈ જાય પછી એને માંડ એકાદી સીરિયલ કે ફિલ્મમાં બ્રેક મળતો હોય છે. તૂટવાની અણી ઉપર આવી જતા માણસને ખભો આપવામાં આપણી પ્રજાને શું આનંદ આવતો હોય છે? સૌથી વધુ યુવાનો ધરાવતા દેશની માનસિક ઉંમર સિનિયર સિટીઝન જેવી જુનવાણી કેમ છે?

બાય ધ વે, જ્યાં સૌથી વધુ યુવાનો હોય એ દેશ નજીકના ભવિષ્યમાં જ અતિ ઘરડો થવાનો હોય.

થોડી ઉદારતા સાથે ઊંડું વિચારતા ભારતીયોના આવા વલણનો એવો જવાબ મળે છે કે લગભગ દરેક ભારતીય પણ અમુક જખમો ધરબીને ફરતો હોય છે. વિલંબના જખ્મો. લગભગ નહીં પણ પૂર્ણ રીતે દરેક ભારતીય એ વિભાવના સાથે જ જીવે છે કે એને એની લાયકાત કરતાં ઓછું મળ્યું અને આ વિચારમાંથી મુકેશભાઈ કે જમનાભાઈ પણ મુક્ત નથી. દરેકને એમ લાગે છે કે હું બહુ વધુ ડિઝર્વ કરતો હતો. કાશ, મારી કરિયરને એ સમયે ધક્કો લાગી ગયો હોત, કાશ પેલા છોકરા સાથે કોલેજ પછી સગપણ થઈ ગયું હોત, કાશ મારાં મા-બાપે મારું એ સમયે માનીને મને ત્યાં મોકલ્યો હોત, કાશ મને આ શહેરમાં ભણવા મોકલી હોત વગેરે વગેરે. કરોડો ભારતીયો પોતાના દિલમાં આવા હજારો કાશ લઈને ફરે છે. આ `કાશવૃત્તિ' એમને સમયસર જે તે પ્રતિભા માટે તાલી પાડતા રોકે છે ને એ અસંતોષ સાથેનું સમાધાન જ વર્ષો પછી કોઈના કમબેકને વધાવી લેવા માટે પ્રેરે છે. રેખાની એક જ બાજુ કેવા વિરોધાભાસ બાજુ બાજુમાં રહે છે!

ટોળાનું માનસ ત્યારે સ્ટિમ્યુલેટ થાય જ્યારે જે તે વસ્તુની નોસ્ટાલ્જિક વેલ્યૂ વધે. જે તે વ્યક્તિ દૂર ચાલી જાય ત્યારે જ આપણને એની વધુ યાદ આવતી હોય છેને. પ્લસ, ભારતીયોને વાર્તા બહુ ગમે. સેન્ટિમેન્ટ્સ જોડાયેલી કોઈ પણ ઇમોશનલ વાર્તા પ્રોડક્ટ કે કલાકાર સાથે જોડાયેલી હોય તો ભારતીયો ભાવુક થઈ જશે. જો કોઈ દોઢ ડાહ્યો થશે તો પ્રજા એનો ઈગો પણ દેખાડશે. અર્જુન કપૂરને ગાળો પડે છે એનાં કારણો વિચારવાં અઘરાં નથી. અક્ષય ખન્ના જેવા કોઈ પણ કિસ્સામાં આ બધા બોક્સ ટિક થાય છે, પણ એમાં ભારતીય માનસધારાનાં દર્શન થઇ જાય છે. પ્રજાને કલાકારના જિનિયસ કરતાં સર્વાઇવલમાં વધુ રસ પડે છે. તાળીઓની જન્મદાત્રી ક્રૂરતા છે?