આપણે મોટેભાગે ભારતમાં ફરવું હોય તો ઉત્તરાખંડના પહાડો ઉપર પસંદગી ઉઅતારીએ છીએ, કેમ કે ત્યાં કુદરતી સૌંદર્ય પણ છે અને મનને શાતા પહોંચાડતી ઠંડક પણ છે, પણ ઉત્તરાખંડના પહાડો માત્ર કુદરતી સૌંદર્ય કે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ તે આપણી આખી ઈકોસિસ્ટમનું હૃદય પણ છે. 'ઓપન જીઓસાયન્સીસ' જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં અલકનંદા બેસિનની હિમનદીઓ અને ગ્લેશિયલ સરોવરો વિશે થોડાં ચિંતાજનક તથ્યો સામે આવ્યા છે, જે સમયસર ધ્યાન ન આપવા પર ભવિષ્યમાં મોટી હોનારતનો સંકેત આપે છે.

લેન્ડસેટ અને સેન્ટિનલ-2 જેવા સેટેલાઇટ ડેટાના આધારે છેલ્લા 30 વર્ષો (1994 થી 2023) દરમિયાન 74 ગ્લેશિયલ સરોવરો પર અભ્યાસ ચાલી રહ્યો હતો. આ સમયગાળામાં બરફ પીગળવાની ગતી ચિંતાજનક રીતે વધી છે, એવું જાણવા મળ્યું છે. 1994માં 24 જાણીતા હિમનદી સરોવરોનું કુલ ક્ષેત્રફળ 0.97 ચોરસ કિલોમીટર હતું, જે 2023 સુધીમાં 67 ટકા વધીને 1.62 ચોરસ કિલોમીટર થઈ ગયું છે. આ સિવાય, આ જ ગાળામાં 57 નવા હિમનદી સરોવરો અસ્તિત્વમાં આવ્યા છે, જેમાંથી 18 સરોવરો 0.01 ચોરસ કિલોમીટરથી મોટા છે. હાલમાં અલકનંદા બેસિનમાં આવા સરોવરોની કુલ સંખ્યા વધીને 131 થઈ ચૂકી છે.

આ અભ્યાસમાં 27 સરોવરોના કદમાં અસાધારણ વૃદ્ધિ નોંધાઈ છે, જેમાં વસુંધરા સરોવરના ક્ષેત્રફળમાં 261 ટકા અને બલબાલા સરોવરમાં 119 ટકાનો વધારો થયો છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે બદ્રીનાથ ધામ જેવા મહત્વના યાત્રાધામની બિલકુલ ઉપરના ભાગે પણ એક સરોવર આમા શામેલ છે. જો ભવિષ્યમાં આ સરોવરની કુદરતી દીવાલો તૂટે, તો નીચાણવાળા વિસ્તારમાં વસેલા બદ્રીનાથ અને આસપાસના રહેણાંક વિસ્તારો માટે વિનાશ સર્જાઈ શકે છે.

 ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ એટલે કે GLOF ત્યારે સર્જાય છે જ્યારે હિમનદીઓ પીગળવાથી એકઠું થતું પાણી કાંકરા અને બરફની નબળી મોરેન દીવાલોને તોડીને બહાર ધસી આવે છે. તાપમાન વધવાના કારણે, હિમસ્ખલન, ભૂસ્ખલન કે ભૂકંપને કારણે આ કુદરતી દીવાલો અચાનક તૂટતા હજારો ગેલન પાણી, કાદવ અને પથ્થરો સાથે સેકન્ડોમાં નીચે તરફ ધસી આવે છે. આ સ્થિતિ માર્ગો, પુલો, મકાનો અને હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સને ક્ષણવારમાં તબાહ કરી દે છે, જેના ઉદાહરણો આપણને નેપાળમાં થયેલી હોનારતોમાં જોવા મળ્યા છે.

આ સંકટ માત્ર અલકનંદા બેસિન પુરતું સીમિત નથી પરંતુ સમગ્ર હિમાલય ક્ષેત્ર માટે વ્યાપક પડકાર છે. પોટ્સડેમ યુનિવર્સિટીના રિપોર્ટ મુજબ હિમાલયના લગભગ 5,000 સરોવરો પર પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. આ ઉપરાંત, ઈસરો (ISRO)ના એપ્રિલ 2024ના ડેટા અનુસાર નોંધાયેલા 2,431 ગ્લેશિયલ સરોવરોમાંથી 676 સરોવરોનું ક્ષેત્રફળ ત્રણ દાયકામાં બમણું થયું છે. GBPNIHEના અભ્યાસ અને પર્યાવરણ મંત્રાલય દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સમક્ષ રજૂ કરાયેલા આંકડા પણ હિમાલયી વિસ્તારોમાં વધી રહેલા જળાશયોના જોખમની પુષ્ટિ કરે છે.

આ સમસ્યાના ઉકેલ માટે માત્ર સેટેલાઇટ ટેકનોલોજી પૂરતી નથી, પરંતુ તેની સાથે જમીની નિરીક્ષણનો સમન્વય અત્યંત જરૂરી છે. સેટેલાઇટથી ક્ષેત્રફળ જાણી શકાય છે, પરંતુ સરોવરની ઊંડાઈ, પાણીનો જથ્થો અને ઢોળાવોની સ્થિરતા સમજવા માટે ગ્રાઉન્ડ ઇન્સ્પેક્શન અનિવાર્ય છે. અતિશય વરસાદ, ભૂસ્ખલન અને ભૂકંપ જેવી ઘટનાઓ એકબીજા સાથે જોડાઈને આ જોખમ બમણું કરી શકે છે.

આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જોખમી સરોવરો પર અર્લી વોર્નિંગ સિસ્ટમ ગોઠવવી જોઇએ. હિમાલયન દેશો વચ્ચે ડેટા અને સંશોધનોનું આંતરરાષ્ટ્રીય સ્તરે આદાનપ્રદાન કરવું તથા સ્થાનિક લોકોને જાગરૂત કરવા ખૂબ જરૂરી છે. સાથે જ જોખમી વિસ્તારોમાં બાંધકામ પર નિયંત્રણ રાખવું અને હાઇડ્રોપાવર કે રોડ પ્રોજેક્ટ્સનું પ્લાનિંગ કરતી વખતે પર્યાવરણીનાં જોખમોને ધ્યાનમાં લેવા પડશે. વૈજ્ઞાનિકો, નીતિવિષયકો અને સ્થાનિક સમુદાયોના સહિયારા પ્રયાસોથી જ હિમાલયના આ અમૂલ્ય નિવસનતંત્રને અને લાખો લોકોના ભવિષ્યને સુરક્ષિત કરી શકાશે. આ સિવાય જે આપણને હંમેશા કહેવાયું છે કે પ્રદુષણ ઉપર બને તેટલો કંટ્રોલ બધાના સહિયારા સાથથી જ કરવો પડશે. જેટલું પ્રદુષણ અટકશે એટલી જ કુદરતી હોનારતો પણ અટકશે. જો આપણે કુદરતી હોનારતોથી બચવું હોય તો પર્યાવરણની જાળવણી અને પ્રદુષણનો અટકાવ ચોક્ક્સપણે કરવો જરૂરી છે. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો