કુદરતી સૌંદર્ય, અદ્ભુત ઇમારતો અને બેજોડ શિલ્પકારી દુનિયામાં બધી જગ્યાએ એકસાથે જોવા મળતી નથી, પરંતુ આ ત્રણેયનો ત્રિવેણી સંગમ આપણને સ્પેનમાં જોવા મળે છે. સમૃદ્ધ સંસ્કૃતિ અને ભવ્ય સ્થાપત્ય કલા માટે સ્પેન જાણીતું છે. સ્પેનના એન્ડાલુસિયામાં આવેલ ગ્રેનાડા શહેરના સાબિકા પર્વત ઉપર એલ્હામ્બ્રા કિલ્લો આવેલો છે, જે યુરોપના ઇસ્લામિક અને ખ્રિસ્તી સ્થાપત્યનો ભવ્ય ઇતિહાસ ધરાવે છે. 1984થી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આ કિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અરબી ભાષાના અલ-કસ્બ અલ-હમરા શબ્દ પરથી ઊતરી આવેલા આ નામનો અર્થ લાલ કિલ્લો થાય છે. સૂર્યાસ્ત સમયે સૂર્યનાં સોનેરી કિરણો જ્યારે આ કિલ્લાની લાલ માટીની દીવાલો ઉપર પડે છે, ત્યારે આખો કિલ્લો ઝળહળી ઊઠે છે.
ક્રાંતિયુક્ત એલ્હામ્બ્રાનો ઇતિહાસ
એલ્હામ્બ્રાનો ઇતિહાસ રાજવંશોના વૈભવ, યુદ્ધો અને ક્રાંતિઓથી ભરેલો છે. નવમી સદીમાં પર્વત ઉપર લશ્કરી સુરક્ષા માટે એક નાના કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેને અલ્કાઝાબા નામ આપવામાં આવ્યું. 13મીથી 14મી સદીમાં મુહમ્મદ બન અલ અહમારે ગ્રેનાડા સલ્તનતની સ્થાપના કરી અને એલ્હામ્બ્રાને એક આલિશાન શાહી મહેલમાં ફેરવવાનું શરૂ કર્યું. 14મી સદીમાં સુલતાન યૂસુફ પ્રથમ અને મોહમ્મદ પાંચમાના શાસનકાળમાં અહીંના જગપ્રસિદ્ધ મહેલો અને કોતરણીઓ તૈયાર થઈ. સ્પેનિશ રાજા ફર્ડિનાન્ડ અને રાણી ઇસાબેલાએ `રેકોન્ક્વિસ્ટા' એટલે કે ખ્રિસ્તી પુનર્વિજય આંદોલન હેઠળ ગ્રેનાડા પર આક્રમણ કર્યું. અંતિમ મુસ્લિમ શાસક બોઆબ્દિલે આત્મસમર્પણ કર્યું અને સ્પેનમાં 800 વર્ષ જૂના મુસ્લિમ શાસનનો અંત આવ્યો.
આ જ એલ્હામ્બ્રા મહેલમાં રાણી ઇસાબેલાએ ક્રિસ્ટોફર કોલંબસને તેની દરિયાઈ શોધયાત્રા માટે શાહી મંજૂરી અને આર્થિક સહાય આપી હતી, જેણે આગળ જતાં અમેરિકાની શોધ કરી.
સ્થાપત્યની અદ્ભુત રચના
એલ્હામ્બ્રા સંકુલ મુખ્યત્વે ચાર અનોખા ભાગોમાં વહેંચવામાં આવ્યું છે.
નાસ્રિદ મહેલો
નાસ્ત્રિદ મહેલ આ સંકુલનું હૃદય છે. તેની દીવાલો પર પ્લાસ્ટર વર્ક, અરબી કેલિગ્રાફી અને ત્રિમાણીય મધપૂડા આકારની કોતરણી કરવામાં આવી છે. અહીંનો `સલોન ડી કોમરેસ'જેસિંહાસન ખંડ છે જેની લાકડાની છતમાં 8,000થી વધુ ટુકડાઓનો ઉપયોગ કરીને સાત આકાશોનું નિરૂપણ કરાયું છે.
લાયન્સનો ચોક
સુલતાન મોહમ્મદ પાંચમા દ્વારા બનાવવામાં આવેલો આ ચોક વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેની મધ્યમાં 12 પથ્થરના સિંહોની પીઠ પર ટકેલો એક વિશાળ ફુવારો છે. ચોકની ચારેય બાજુ 124 સફેદ આરસપહાણના સ્તંભો પથરાયેલા છે, જે ઝાડની ડાળીઓની જેમ છતને ટેકો આપે છે.
જેનરાલિફ બગીચા
અરબી શબ્દ `જન્નત અલ-આરીફ' પરથી બનેલું આ સ્થળ સુલતાનોનું ગ્રીષ્મકાલીન નિવાસસ્થાન હતું. વહેતાં ઝરણાં, ફુવારા, ગુલાબના બગીચા અને સાયપ્રસનાં વૃક્ષોથી ઘેરાયેલું આ સ્થળ ઉનાળાની સખત ગરમીમાં પણ કુદરતી શીતળતા આપે છે.
અલ્કાઝાબા
આ કિલ્લાનો સૌથી જૂનો લશ્કરી ભાગ છે. તેનો `ટોરે ડે લા વેલા' એટલે કે વોચટાવર સમગ્ર ગ્રેનાડા શહેર પર નજર રાખવા માટે વપરાતો હતો.
એન્જિનિયરિંગનો ચમત્કાર
13મી સદીમાં પંપ વગર ચાલતી જળવ્યવસ્થા બનાવવામાં આવી હતી. જેમાં સિયેરા નેવાડાના પહાડો પરથી આવતી દારો નદીના પાણીને 6 કિલોમીટર દૂરથી કેનાલ દ્વારા લાવવામાં આવ્યું હતું.
કોઈ પણ પંપ વગર માત્ર ગુરુત્વાકર્ષણ અને હાઇડ્રોલિક દબાણના ઉપયોગથી મહેલના દરેક ખૂણા સુધી પાણી પહોંચાડવામાં આવતું હતું. એલ્હામ્બ્રાની દીવાલો પર 10,000થી વધુ અરબી શિલાલેખો છે, જેમાં સૌથી વધુ વાર નાસ્રિદ વંશનું સૂત્ર લખાયેલું છે: `વા લા ગાલિબ ઇલ્લા અલ્લાહ' એટલે કે અલ્લાહ સિવાય કોઈ વિજેતા નથી. 1492માં કિલ્લો છોડીને જતી વખતે અંતિમ સુલતાન બોઆબ્દિલે પહાડી પરથી પાછળ ફરીને એલ્હામ્બ્રા તરફ જોયું અને રડી પડ્યા. ત્યારે તેમની માતા આયેશાએ કહ્યું હતું: `જે દેશની રક્ષા તું પુરુષની જેમ ન કરી શક્યો, તેના માટે હવે સ્ત્રીની જેમ રડવાનો કોઈ અર્થ નથી.'
એલ્હામ્બ્રા એ કળા, ગણિત, કાવ્યાત્મકતા અને માનવ સંસ્કૃતિનો સંગમ છે, જે સમયની સાથે વધુ મૂલ્યવાન બન્યો છે. તે સ્પેનના વૈભવનો સાક્ષી છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો