અલમોડા, જે કુમાઉની ટેકરીઓની રાણી તરીકે ઓળખાય છે. તે ઉત્તરાખંડ રાજ્યના પૂર્વી ભાગમાં આવેલું એક સુંદર અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ હિલસ્ટેશન છે. સમુદ્ર સપાટીથી આશરે 1,638 મીટરની ઊંચાઈએ સ્થિત, અલમોડા તેના આહ્લાદક વાતાવરણ, ભવ્ય હિમાલયનાં દૃશ્યો અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ સિવાય અલમોડા ઐતિહાસિક રીતે પણ પ્રખ્યાત છે.
અલમોડાનો ઇતિહાસ ઘણો પ્રાચીન અને રસપ્રદ છે. તેની સ્થાપના 1568માં ચંદ વંશના રાજા કલ્યાણચંદ દ્વારા કરવામાં આવી હતી. બ્રિટિશ શાસન પહેલાં, તે કુમાઉ રાજ્યની રાજધાની હતું. આ શહેરની રચના ઘોડાની નાળના આકારની પહાડી પર કરવામાં આવી છે. સ્વામી વિવેકાનંદ અને રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાનુભાવોએ પણ અહીં સમય વિતાવ્યો હતો, જે આ સ્થળના આધ્યાત્મિક અને શાંતિપૂર્ણ વાતાવરણની સાક્ષી પૂરે છે. અલમોડાનું કુદરતી સૌંદર્ય અને ત્યાંનાં જોવાલાયક સ્થળો અદ્ભુત છે. અલમોડાની આસપાસના વિસ્તારો કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. અહીંથી નંદા દેવી અને ત્રિશૂલ જેવા હિમાલયનાં શિખરોનું મંત્રમુગ્ધ કરી દે તેવું દૃશ્ય જોવા મળે છે.
બિનસર વન્યજીવ અભયારણ્ય : અલમોડાથી થોડે દૂર આવેલું આ અભયારણ્ય પ્રકૃતિપ્રેમીઓ અને પક્ષી નિરીક્ષકો માટે સ્વર્ગ સમાન છે.
કાસાર દેવી મંદિર : આ મંદિર તેની અદ્ભુત ચુંબકીય શક્તિ અને શાંતિ માટે જાણીતું છે. 1960ના દાયકામાં તે `હિપ્પી આંદોલન'નું મુખ્ય કેન્દ્ર પણ હતું.
જાગેશ્વર ધામ : અલમોડા નજીક આવેલું આ પ્રાચીન મંદિર શિવભક્તો માટે પવિત્ર સ્થાન છે, જે તેની પથ્થરની કોતરણી માટે જાણીતું છે.
બ્રાઇટ એન્ડ કોર્નર : સૂર્યાસ્ત અને સૂર્યોદયનાં અદ્ભુત દૃશ્યો જોવા માટે આ શ્રેષ્ઠ સ્થળ છે. મૂળ મુદ્દે પ્રવાસીઓ અહીંની સંસ્કૃતિ અને ખાણી-પીણીથી પ્રભાવિત છે. અલમોડા તેની હસ્તકલા અને ખાસ કરીને લાકડા પરની કોતરણી માટે જાણીતું છે. અહીંના બજારોમાં સુંદર કુમાઉની શાલ અને તાંબાનાં વાસણો જોવા મળે છે. જો ખાણી-પીણીની વાત કરીએ તો, અલમોડાની `બાલ મીઠાઈ' સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. ખોયા/માવો અને ખાંડના દાણાથી બનેલી આ મીઠાઈ અહીંની ઓળખ છે. આ ઉપરાંત `સિંગોડી' પણ પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય છે.
કેવી રીતે પહોંચવું? : અલમોડા પહોંચવા માટે વિવિધ પરિવહન સુવિધાઓ ઉપલબ્ધ છે. હવાઈ માર્ગથી અલમોડા પહોંચવા સૌથી નજીકનું એરપોર્ટ પંતનગર છે. ત્યાંથી તમે ટેક્સી અથવા બસ દ્વારા અલમોડા પહોંચી શકો છો. રેલ માર્ગે ત્યાં પહોંચવા સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન કાઠગોદામ છે. કાઠગોદામથી દિલ્હી, લખનૌ અને અન્ય મુખ્ય શહેરો માટે નિયમિત ટ્રેનો ઉપલબ્ધ છે. સડક માર્ગે અલમોડા પહોંચવા દિલ્હી, હલ્દવાની અને નૈનિતાલ જેવાં શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે. દિલ્હીથી અલમોડાનું અંતર લગભગ 350 કિમી છે અને ટેક્સી અથવા ખાનગી બસ દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. અલમોડા માત્ર એક પ્રવાસન સ્થળ નથી, પરંતુ તે કુમાઉની પરંપરાઓ અને હિમાલયની શાંતિનો સંગમ છે. જો તમે ભીડભાડથી દૂર કુદરતના ખોળે સમય વિતાવવા માંગતા હોવ, તો અલમોડા એક આદર્શ સ્થળ છે. આ સાથે અલમોડાની આસપાસના ટ્રેકિંગ રૂટ્સ પણ તેના પર્યટનનું એક મહત્ત્વનું પાસું છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો