આપણા ઘરમાં કન્યાનું જે સ્થાન છે, તે વનસ્પતિ ઔષધના ઉદ્યાનમાં `કુંવાર'નું છે. સામાન્ય વ્યવહારમાં કુંવારપાઠાને `કુંવાર' કહેવામાં આવે છે. વિરમગામ બાજુના લોકો તેને `લાબરું' પણ કહે છે. અત્યારે તો કુંવારપાઠું `એલોવેરા' નામથી વધારે પ્રસિદ્ધ છે.


કુંવાર શીળસ, શરદીના તાવ, શિરઃશૂળ, બરોળ અને લીવરના રોગો, મંદાગ્નિ વગેરેમાં હિતકારી છે. કુંવાર કડવી, શીતળ, પિચ્છિલ, સ્નિગ્ધ-ચીકણી, ત્વચાના રોગો, ઉદાવર્ત, જળોદર, વાયુને જીતનાર, નેત્ર માટે હિતકારી, વૃષ્ય, રસાયન, બળ આપનાર, દાઝી જવા પર, વિસ્ફોટક, રક્તપિત્ત વગેરે અનેક રોગોમાં તેનો ઉપયોગ થાય છે. કુંવાર આર્તવપ્રદ છે. (આર્તવ એટલે સ્ત્રીઓમાં દર મહિને પ્રવૃત્ત થતું રક્ત.) એટલે માસિક સંબંધી રોગોમાં તે ઉપયોગી છે.

કુંવાર સમગ્ર ગુજરાતમાં થાય છે, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના સમુદ્રતટની અને રેતાળ ભૂમિમાં તે ખૂબ થાય છે. તેના પર્ણની બંને ધારે નાના નાના કાંટા હોય છે. પર્ણના બે પડની વચ્ચે ગર-માવો રહેલો હોય છે. ઔષધોમાં આ ચીકણો ગર-માવો જ વપરાય છે, જે શીતળ અને કડવો હોય છે.

કુંવારના રસમાંથી એળિયો બનાવાય છે. આ એળિયામાં `એલોઈન' નામનું એક તત્ત્વ હોય છે, જેને લીધે તે રેચક કાર્ય કરે છે. કુંવારના આ રેચક ગુણને લીધે જ તે પાચનતંત્રની ઘણી વ્યાધિઓમાં હિતાવહ બને છે. એળિયો જો થોડી માત્રામાં પ્રયોજાય તો તે ભૂખ લગાડનાર, પાચક અને બળ વધારે છે. અધિક માત્રામાં તે રેચક, મૂત્ર પ્રવૃત્તિ વધારનાર, સોજો ઉતારનાર, માસિક વધારનાર અને પેટના કૃમિઓનો નાશ કરનાર છે. એળિયાનો લેપ સોજો અને દુખાવો મટાડે છે તથા ઘા-ઝખમને રૂઝ લાવે છે.

કમળા જેવા લીવરના રોગોમાં અને બરોળ મોટી થઇ હોય તો એક ચમચી જેટલા કુંવારના ગર સાથે અડધી ચમચી હળદર મિશ્ર કરી સવારે અને રાત્રે આપવાથી સારું પરિણામ મળે છે. પેટમાં આફરો અને ગેસ રહેતો હોય, તો કુંવારના એક ચમચી રસમાં બે ચમચી ઘી મિશ્ર કરી જમ્યા પછી લેવું, જેથી આહાર સરળતાથી પચી જશે અને ગેસ તથા આફરો થશે નહીં.

જન્મતાં જ અથવા ધાવણું બાળક ગુજરી ગયું હોય તો સ્તનમાં ખૂબ જ ધાવણ ભરાઈ આવે છે અને ગૂમડું પાકતું હોય એવી ખૂબ જ વેદના થાય છે. એ વખતે કુંવારનાં મૂળ અને હળદરનો લેપ કરવાથી ધાવણ ઓછું થઇ જાય છે અને વેદના મટી જાય છે.

જે સ્ત્રીઓને માસિક ખૂબ જ મોડું, અનિયમિત અને ઓછું આવતું હોય તથા ખૂબ જ દુખાવા સાથે આવતું હોય, તેવી સ્ત્રીઓએ કુમાર્યાસવનો ઉપયોગ કરવો જોઈએ. ચારથી છ ચમચી અથવા નાની સાઈઝના અડધા કપ જેટલો કુમાર્યાસવ લેવો. તેમાં એટલું જ પાણી ઉમેરીને જમ્યા પછી અડધા કલાકે બપોરે અને રાત્રે પીવો. ત્રણેક મહિના પીવાથી ક્ષીણ થયેલું માસિક ફરી યોગ્ય પ્રમાણમાં અને નિયમિત આવવા લાગે છે. 



આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: