ભારતમાં જ નહીં, પરંતુ પરદેશમાં પણ ભવ્ય કિલ્લાઓ આવેલા છે, જે આજે પણ તેના સ્થાપત્ય માટે પ્રખ્યાત છે. ઓમન દેશના અખ્દર પર્વતોની તળેટીમાં બહલા નામનો અત્યંત પ્રખ્યાત અને ભવ્ય ઐતિહાસિક કિલ્લો આવેલો છે. આ કિલ્લો ઓમાનનો જ નહીં, પરંતુ સમગ્ર અરબ જગતનો સૌથી જૂનો, વિશાળ અને રહસ્યમય કિલ્લાઓમાંથી એક માનવામાં આવે છે. 1987માં યુનેસ્કો દ્વારા તેને વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.   

બહલા કિલ્લાનો ઇતિહાસ

બહલા કિલ્લાના નિર્માણની શરૂઆત 12મીથી લઇને 15મી સદીમાં થઇ હતી. એ સમયે આ વિસ્તાર પર બનુ નેભાન નામની જનજાતિનું શાસન હતું. નવાઇની વાત તો એ છે કે આ કિલ્લો પથ્થર કે સિમેન્ટમાંથી બનાવવામાં આવ્યો નથી, પરંતુ ઇંટો, કાચી માટી અને કાદવના મિશ્રણમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. સિમેન્ટ અને પથ્થર વગર બનાવવામાં આવેલી આટલી વિશાળ રચના આજે પણ અડીખમ ઊભી છે, એ જે તેની વિશેષતા છે. કિલ્લાની સુરક્ષા માટે વિશાળ વોચટાવરો, શસ્ત્રાગાર, સભાખંડો અને ધાર્મિક સ્થાનો બનાવવામાં આવ્યાં હતાં. બનુ નેભાન શાસકોએ બહલાને પોતાની રાજધાની બનાવી હતી અને અહીંથી જ મસાલા અને ધૂપના આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગો પર નિયંત્રણ રાખવામાં આવતું હતું. દુશ્મનોના આક્રમણ સમયે આખા શહેરને બચાવવા માટે કિલ્લાની ચારેય બાજુ 13 કિલોમીટર લાંબી એક મોટી દીવાલ બનાવવામાં આવી હતી. જે ચીનની વિશાળ દીવાલ જેવી લાગે છે.   

કિલ્લાનું એન્જિનિયરિંગ

રણપ્રદેશની વચ્ચે આવેલા આ કિલ્લામાં પાણીની કોઇ અછત ન સર્જાય તે માટે ફલાજ નામની ભૂગર્ભ નહેર પ્રણાલી વિકસાવવામાં આવી હતી. પહાડોમાંથી નીકળતા પાણીને ભોંયરામાંથી કિલ્લાની અંદર અને આસપાસના ખજૂરના બગીચાઓ સુધી પહોંચાડવામાં આવતું હતું. આ ટેક્નોલોજીના કારણે લાંબા ઘેરાબંધીના સમયે પણ કિલ્લાના રહીશો મહિનાઓ સુધી જીવંત રહી શકતા હતા. કિલ્લાની અંદરના રસ્તાઓ ખૂબ જ સાંકડા અને ભુલભુલામણી જેવા બનાવવામાં આવ્યા છે, જેથી અજાણ્યો વ્યક્તિ કે દુશ્મન અંદર ઘૂસી જાય તો દિશા ભૂલી જાય. કિલ્લાના તળિયે જમીનની અંદર મોટાં ભોંયરાંઓ છે જ્યાં મહિનાઓ સુધી ચાલે એટલો ખોરાક અને દારૂગોળો છુપાવી શકાતો હતો. કિલ્લાના મુખ્ય દરવાજાઓની બરાબર ઉપર નાનાં છિદ્રો બનાવવામાં આવ્યાં હતાં. જો દુશ્મન સૈનિકો દરવાજો તોડવાનો પ્રયાસ કરે તો ઉપરથી ઉકળતો ખજૂરનો રસ કે ગરમ તેલ રેડવામાં આવતું હતું.   

રોમાંચક અને રહસ્યમય વાતો

બહલા કિલ્લો જેટલો તેના સ્થાપત્ય માટે પ્રખ્યાત છે, તેનાથી વધારે તે તેની સાથે જોડાયેલી લોકકથાઓ અને રહસ્યો માટે જાણીતો છે. ઓમાનની લોકસંસ્કૃતિમાં બહલાને જીનોનું શહેર માનવામાં આવે છે.   

સ્થાનિક લોકકથા અનુસાર પાડોશી રાજ્ય જ્યારે બહલા પર આક્રમણ કરવા આવી રહ્યું હતું ત્યારે કિલ્લાના શાસકોએ રક્ષણ માટે અદૃશ્ય શક્તિઓ પાસે મદદ માંગી. આવા સમયે મૈથા અને ગૈથા નામની બે જાદુઇ બહેનોએ ભેગાં થઇને 13 કિલોમીટર લાંબી દીવાલ એક જ રાતમાં તૈયાર કરી દીધી હતી. અહીં વસવાટ કરતા લોકોમાં આજે પણ એવી વાતો પ્રચલિત છે કે પ્રાચીન સમયમાં અહીંના જાદુગરો પાસે એવી શક્તિઓ હતી કે તેઓ ક્ષણવારમાં માણસોને ગધેડા કે અન્ય પ્રાણીઓમાં બદલી નાખતા હતા.   

કિલ્લાના પરિસરમાં એક જૂનું વૃક્ષ આવેલું છે, તેના વિશે કહેવાય છે કે, જો કોઇ વ્યક્તિ તેને સ્પર્શ કરે તો તે અદૃશ્ય થઇ જાય છે અથવા તેને કોઇ મોટી સમસ્યા આવી પડે છે. એવું પણ કહેવાય છે કે, સદીઓ પહેલાં કાળો જાદુ કરવાના આરોપમાં મારી નાખવામાં આવેલા એક જાદુગરનો આત્મા કિલ્લાના ભોંયરાઓ અને અંધારી ગલીઓમાં આજે પણ ભટકે છે, તેથી લોકો રાત્રે અહીં આવતા ડરે છે.   

લાંબા સમય સુધી યોગ્ય જાળવણીના અભાવે માટીનો આ કિલ્લાને નુકસાન થયું હતું. જોકે, યુનેસ્કોની મદદથી 1990ના દાયકામાં ઓમાન સરકારે કરોડો રૂપિયાના ખર્ચે તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. 2012માં ફરીથી તેને પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.   

બહલા કિલ્લો ફક્ત ઇતિહાસ પ્રેમીઓ અને આર્કિટેક્ટ્સ માટે જ આકર્ષણનું કેન્દ્ર છે એવું નથી, પરંતુ જે રહસ્યમય કથાઓમાં રસ દાખવે છે તેવા પ્રવાસીઓ માટે પણ આ કિલ્લો જોવાલાયક છે.    


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો