મહેશને નાનપણથી જ અમેરિકા જવાની ઈચ્છા હતી, પણ એનું કોઈ સગુંવહાલું અમેરિકામાં રહેતું ન હતું, જે એને સ્પોન્સર કરી શકે. એની પાસે એટલું ધન પણ ન હતું કે તે અમેરિકામાં ફરવા જઈ શકે. એ ભણવામાં એટલો હોશિયાર પણ ન હતો કે એ ત્યાંની યુનિવર્સિટીમાં ભણવા માટે જઈ શકે. એનો ખર્ચો ખૂબ આવે, એની પણ એની પાસે સગવડ નહોતી. શહેરના મિત્રો વિઝિટર્સ વિઝાની અરજી કરતા હતા. એમની સાથે એણે પણ `બી-1/બી-2' વિઝાની અરજી કરી અને બધાનાં નસીબ સારાં કે બધાને વિઝા મળી ગયા.

અમેરિકા ગયા પછી મહેશને થયું કે વાહ! કેટલો સરસ દેશ છે. અહીં કામ કરીએ તો ભારત કરતા દસ ગણું મહેનતાણું મળે છે. કલાકના દસથી બાર ડોલર મળે છે. મહેશે એક ગેસ સ્ટેશન ઉપર ઈ-લીગલી નોકરી સ્વીકારી. ગેસ સ્ટેશનનો માલિક ગુજરાતી હતો અને એના શહેરનો હતો. આથી એણે મહેશને પોતાને ત્યાં નોકરી આપી. પણ અન્ય અમેરિકનોને જે પગાર આપવો પડે એના કરતા એણે મહેશને લગભગ અડધો પગાર જ આપ્યા. ચાર-પાંચ મહિના થયા અને મહેશને અમેરિકામાં જે છ મહિના રહેવા માટેનો સમય આપવામાં આવ્યો હતો એ સમય પૂરો થવા આવ્યો. હવે શું?

એના ગુજરાતી માલિકે સુજાડ્યું કે તારો રહેવાનો સમય વધારવાની માંગણી કર.

શું હું આવી માંગણી કરી શકું?

હા, અમેરિકાના ઈમિગ્રેશનના કાયદામાં પરદેશીઓ માટે ખાસ આવી સગવડ રાખવામાં આવી છે. જો કોઈ અનિવાર્ય સંજોગો આવી પડે તો અરજી કરીને `બી-1/બી-2' સ્ટેટ્સ અમેરિકામાં લંબાવી શકો છો અને એક વર્ષ રહી શકો છો. મહેશે હું માંદો પડ્યો છું, મને ડોક્ટરોએ લાંબો પ્રવાસ કરવાની ના પાડી છે. આવું જણાવીને ત્યાંના એક ડોક્ટરનું ખોટું સર્ટિફિકેટ લઈને `એક્ટેન્શન ઓફ ટાઈમ'ની અરજી કરી.

અમેરિકાના ઈમિગ્રેશનના કાયદામાં આ સગવડ છે. જો કોઈ પરદેશી `બી-1/બી-2' વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશ્યો હોય અને અણધાર્યા એવા કોઈ સંજોગો આવી પડે, એનો એક્સિડન્ટ થાય, એ માંદો પડે અને એને જે સમય આપ્યો હોય એટલા સમયમાં પાછો સ્વદેશ જઈ ન શકે તો અરજી કરીને એનો રહેવાનો સમય લંબાવી શકે છે. મહેશે આવી અરજી કરી અને એનો રહેવાનો સમય બીજા છ મહિના વધારવામાં આવ્યો. આમ, મહેશ અમેરિકામાં `બી-1/બી-2' વિઝા ઉપર એક વર્ષ રહ્યો અને ગેસ સ્ટેશન ઉપર ગેરકાયદેસર નોકરી કરી પુષ્કળ પૈસા કમાયો.

મહેશે આમ પરદેશીઓને અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાઓ જે સગવડ પૂરી પાડે છે એ સગવડનો ગેરલાભ લીધો. છેતરપિંડી આચરીને એણે પોતાનો અમેરિકામાં રહેવાનો સમય લંબાવ્યો.

જીતુ જેને અમેરિકામાં ભણવાની ઈચ્છા હતી, સાથે સાથે એને ત્યાં કામ પણ કરવું હતું. ભણવા ગયેલા પરદેશી વિદ્યાર્થીઓ અમેરિકામાં કામ કરી નથી શકતા. હા, કેમ્પસ ઉપર અઠવાડિયાના વીસ કલાક કામ કરી શકે છે, પણ બધા જ વિદ્યાર્થીઓને કેમ્પસ ઉપર નોકરી નથી મળતી અને જીતુને અંગ્રેજીના પણ ફાંફાં હતા. એટલે એને યુનિવર્સિટીઓ એડમિશન આપે એવી શક્યતા પણ ઓછી હતી. ભૂલેચૂકે પણ જો એને એડમિશન મળી જાય તો પણ એને અમેરિકામાં ભણવા માટેના જે `એફ-1' વિઝા છે એ મેળવતા તકલીફ પડે. એમ કહોને કે મળી જ ન શકે.

આવામાં જીતુને જાણવા મળ્યું કે અમેરિકાના ઈમિગ્રેશનના કાયદામાં એવી સવલત છે કે તમે એક વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશ કરો અને એ વિઝા હેઠળ તમને અમેરિકામાં જે સ્ટેટ્સ ઉપર દાખલ કરવામાં આવ્યા હોય એ સ્ટેટ્સ તમે જો જરૂર જણાય અમુક અણધાર્યા સંજોગો ઊભા થાય કે અનિવાર્ય જરૂરિયાત ઊભી થાય તો અરજી કરીને એ સ્ટેટ્સ બદલી શકો અને બીજા પ્રકારના વિઝા ઉપર જે કાર્ય કરી શકાય એ કાર્ય તમે કરી શકો.

જીતુએ એક બીજી પણ જાણકારી મેળવી કે અમેરિકાની બધી જ યુનિવર્સિટીઓ કંઈ એકદમ મોંઘી નથી હોતી અને અમુક યુનિવર્સિટીઓ તો નામની જ હોય છે. એમાં ભણતા વિદ્યાર્થીઓને તેઓ હાજરી આપે એવો આગ્રહ નથી સેવતી. એ વિદ્યાર્થીઓ ભણવાના બહાને અમેરિકામાં કામ કરે છે.

જીતુએ એવી એક યુનિવર્સિટીમાં ભણવાનું નક્કી કર્યું. એણે `બી-1/બી-2' વિઝાની અરજી કરી મારે અમેરિકા ફરવા જવું છે, હું પંદર દિવસ ત્યાં રહેવા ઈચ્છું છું. આવું જણાવીને વિઝા મેળવ્યા. અમેરિકામાં દાખલ થયો અને પછી થોડા સમયમાં એણે પેલી જે યુનિવર્સિટી બધી છૂટછાટો આપતી હતી એમાં પ્રવેશ મેળવ્યો. અરજી કરીને પોતાનું `બી-1/બી-2' સ્ટેટ્સ બદલીને `એફ-1' સ્ટેટ્સ મેળવ્યું. હવે એ અમેરિકામાં જ્યાં સુધી ભણ્યા કરે ત્યાં સુધી રહી શકે અને એ યુનિવર્સિટી એને જે સગવડ આપતી હતી, એનો લાભ લઈને એ ત્યાં ગેરકાયદેસર કામ કરી પણ શકે.

આમ, અમેરિકા પરદેશીઓને એમનું સ્ટેટ્સ ચેન્જ કરવાની જે સગવડ આપે છે એ છેતરપિંડી આચરીને જીતુએ એનો ગેરલાભ લીધો.

પ્રેમલ એક અમેરિકન સિટીઝન યુવતીને દિલ્હીમાં એક પ્રદર્શન ભરાયું હતું એમાં મળ્યો. બંનેની દોસ્તી થઈ. બંને એકબીજાને ગમવા લાગ્યાં. બંને પ્રેમમાં પડ્યાં પછી એ યુવતીએ પ્રેમલને કહ્યું કે, `તું અમેરિકા આવે તો હું તારી સાથે લગ્ન કરીશ અને આપણે જીવન સાથે ગુજારશું.'

પ્રેમલ એ યુવતી સાથે ભારતમાં લગ્ન કરે તો ઈમિગ્રન્ટ વિઝા મેળવીને અમેરિકા જતાં વર્ષ બે વર્ષ વાટ જોવી પડે. એ યુવતી એના માટે `કે-1' ફિયાન્સે વિઝાની પિટિશન પણ દાખલ કરી શકે, પણ આ પહેલાં પ્રેમલે ત્રણ-ચાર વાર અમેરિકાના `બી-1/બી-2' વિઝાની અરજી કરી હતી. એકવાર એણે સ્ટુડન્ટ વિઝાની પણ અરજી કરી હતી. એ બધી અરજીઓ નકારાઈ હતી. આથી પ્રેમલને એવું લાગ્યું કે એ જો મારે અમેરિકા પરણવા જવું છે એવું જણાવીને અરજી કરશે તો એને વિઝા મળશે જ નહીં અને `બી-1/બી-2' કે `એફ' વિઝા પણ કદાચ એ પાછી અરજી કરશે તો નહીં મળે

આથી પ્રેમલે ફરી `બી-1/બી-2' વિઝાની અરજી કરી અને એનું નસીબ સારું હતું કે એને `બી-1/બી-2' વિઝા મળી ગયા. એ મેળવીને એ અમેરિકામાં પ્રવેશ્યો. એક મહિના પાછી એણે એ અમેરિકન સિટીઝન યુવતી સાથે લગ્ન કર્યાં. પછી એ યુવતીએ એના લાભ માટે `ઇમિજિએટ રિલેટિવ કેટેગરી' હેઠળ ઈમિગ્રન્ટ વિઝાની પિટિશન દાખલ કરી, જે પ્રોસેસ થઈને એપ્રૂવ થઈ. પછી પ્રેમલ ઈમિગ્રન્ટ વિઝા મેળવીને અમેરિકામાં રહેવા લાગ્યો. ઈમિગ્રન્ટ વિઝા મેળવ્યા પછી એણે ગ્રીનકાર્ડ પણ પ્રાપ્ત કર્યું.

આમ, પ્રેમલે જે સ્ટેટ્સ એડજસ્ટ કરવાની સગવડ અમેરિકાના ઈમિગ્રેશનના કાયદામાં આપવામાં આવી છે, જે અનિવાર્ય સંજોગો હોય તો જ મળી શકે, પણ પ્રેમલે પહેલેથી જ એનો પૂર્વનિયોજિત ઈરાદો જ સ્ટેટ્સ ચેન્જ કરવાનો હતો તે છતાં આ સગવડનો ગેરલાભ લીધો.

તમે જો આવું કરવાનો વિચાર કરતા હોવ તો મહેરબાની કરીને એવું કરતા નહીં, કારણ કે જો પકડાશો તો તમારી દશા બહુ ભૂંડી થશે.