ટ્રમ્પ વહીવટીતંત્રએ એક ઐતિહાસિક અને વિવાદાસ્પદ નિર્ણય લેતાં પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાંથી સત્તાવાર રીતે અલગ થવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલાં વચનોને અમલી બનાવતાં આ દિશામાં પગલું ભર્યું છે.

આ નિર્ણય સાથે જ અમેરિકા હવે વૈશ્વિક સ્તરે કાર્બન ઉત્સર્જન ઘટાડવાના સંયુક્ત પ્રયાસોમાંથી બહાર નીકળી ગયું છે, જેની અસર સમગ્ર વિશ્વ પર પડવાની ભીતિ છે. આ પગલાને વૈશ્વિક ગ્લોબલ વોર્મિંગ વિરોધી લડત માટે એક `બહુ મોટો આંચકો' ગણવામાં આવી રહ્યો છે. પર્યાવરણવાદીઓ, સંયુક્ત રાષ્ટ્ર (UN) અને યુરોપિયન યુનિયન(EU)ના નેતાઓએ આ નિર્ણયની આકરી ટીકા કરી છે. ટીકાકારોનું કહેવું છે કે, વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર અને બીજા ક્રમના સૌથી મોટા કાર્બન ઉત્સર્જક તરીકે અમેરિકાની પીછેહઠથી તાપમાન ઘટાડવાનાં લક્ષ્યાંકો હાંસલ કરવાં મુશ્કેલ બનશે. ખાસ કરીને વિકાસશીલ દેશોને ક્લાઇમેટ ફંડ હેઠળ મળતી નાણાકીય સહાય પર પણ તેની વિપરીત અસર પડશે. બીજી તરફ ટ્રમ્પ વહીવટીતંત્રનું તર્ક છે કે પેરિસ કરાર અમેરિકન ઉદ્યોગો અને અર્થતંત્ર પર ભારણ સમાન છે. આ નિર્ણયથી કોલસા અને તેલ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે તેવી સરકારની ધારણા છે.

ભારત અને વર્લ્ડ બેંક વચ્ચે 8-10 બિલિયન ડોલરનો મહત્ત્વપૂર્ણ કરાર

ફેબ્રુઆરી 2026ના પ્રારંભમાં ભારત સરકાર અને વિશ્વ બેંક વચ્ચે એક વ્યૂહાત્મક અને ઐતિહાસિક સમજૂતી કરવામાં આવી છે. આ સમજૂતી અંતર્ગત વાર્ષિક 8થી 10 બિલિયન ડોલરના `કન્ટ્રી પાર્ટનરશિપ ફ્રેમવર્ક' (CPF)ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ભારતના ગ્રામીણ અને શહેરી એમ બંને વિસ્તારોમાં રોજગારીનું મોટાપાયે સર્જન કરવાનો અને આર્થિક અસમાનતા ઘટાડવાનો છે. આ જંગી આર્થિક સહાયનો ઉપયોગ મુખ્યત્વે સ્કિલ ડેવલપમેન્ટ (કૌશલ્ય વિકાસ) અને માળખાકીય સુવિધાઓને વધુ આધુનિક બનાવવા માટે કરવામાં આવશે. આ કરારથી ભારતના લોજિસ્ટિક્સ સેક્ટર, રિન્યુએબલ એનર્જી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ઊંચાઈ મળશે. આર્થિક નિષ્ણાતોના મતે, વિશ્વ બેંકનું આ રોકાણ ભારતના `વિકસિત ભારત'ના લક્ષ્યને સાકાર કરવામાં પાયાનો પથ્થર સાબિત થશે.

AI ક્રાંતિ કે રોજગારીનું સંકટ? UNના રિપોર્ટમાં આર્થિક અસમાનતા વધવાની ચેતવણી

સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા એક વિશેષ અહેવાલે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ રિપોર્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)ના ઝડપી પ્રસાર અને તેની વૈશ્વિક શ્રમ બજાર પર થનારી અસરો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો યોગ્ય નીતિઓ ઘડવામાં નહીં આવે, તો AI ટેક્નોલોજી વિશ્વમાં આર્થિક અને સામાજિક અસમાનતાની ખાઈ વધુ ઊંડી કરી શકે છે. અહેવાલ મુજબ, AI અને ઓટોમેશનના કારણે વહીવટી, ડેટા એન્ટ્રી અને ગ્રાહકસેવા જેવાં ક્ષેત્રોમાં મોટા પાયે રોજગારી ગુમાવવાનું જોખમ (Job Loss) રહેલું છે. ટેક્નોલોજીના ફાયદાઓ ચોક્કસપણે ઉત્પાદકતામાં વધારો કરશે, પરંતુ તેની સામે સામાન્ય શ્રમિકો અને મધ્યમવર્ગના કર્મચારીઓની આજીવિકા સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા થયાં છે. યુએનના અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું છે કે વિકસિત દેશો આ પરિવર્તનને સ્વીકારવા સક્ષમ હોઈ શકે છે, પરંતુ વિકાસશીલ દેશોમાં આ ટેક્નોલોજી ગરીબી અને બેરોજગારીમાં વધારો કરી શકે છે. રિપોર્ટમાં સૂચવવામાં આવ્યું છે કે માત્ર ટેક્નોલોજી વિકસાવવી પૂરતી નથી, પરંતુ માનવ સંસાધનોને

`રિ-સ્કિલ' (ફરીથી કુશળ બનાવવા) કરવા અનિવાર્ય છે. સામાજિક સુરક્ષાના માળખાને મજબૂત કરવા અને AI દ્વારા થતા નફાનું સમાન વિતરણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

રશિયા-ચીન મૈત્રીના નવા આયામો : પુતિન અને શી જિનપિંગ વચ્ચે વ્યૂહાત્મક શિખર મંત્રણા

જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે એક અત્યંત મહત્ત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠક માત્ર ઔપચારિક નહોતી, પરંતુ બદલાતાં વૈશ્વિક સમીકરણો વચ્ચે બંને દેશોની અતૂટ મિત્રતાનું પ્રતીક બની રહી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ બંને રાષ્ટ્રો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીનાં 30 વર્ષ અને `ટ્રીટી ઓફ ગુડ-નેબરલીનેસ'નાં 25 વર્ષની ભવ્ય ઉજવણી કરવાનો હતો. આ મંત્રણા દરમિયાન બંને નેતાઓએ સંરક્ષણ, ઊર્જા અને આર્થિક ક્ષેત્રે સહયોગને નવી ઊંચાઈ પર લઈ જવાની મક્કમ ખાતરી આપી હતી. પુતિને ચીન સાથેના સંબંધોને `ઇતિહાસના સર્વશ્રેષ્ઠ તબક્કા' ગણાવ્યા હતા, જ્યારે શી જિનપિંગે રશિયાને ચીનનું સૌથી વિશ્વસનીય ભાગીદાર ગણાવ્યું હતું. બંને દેશોએ પશ્ચિમી દેશોના વધતા પ્રભાવ અને પ્રતિબંધો સામે એકજૂથ થઈને લડવા અને બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થા(Multipolar World Order)ને મજબૂત કરવા સંમતિ દર્શાવી હતી. ખાસ કરીને આર્કટિક ક્ષેત્રમાં સંયુક્ત વિકાસ અને અવકાશ ટેક્નોલોજીમાં પરસ્પર મદદ કરવા અંગે પણ ચર્ચાઓ થઈ હતી.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો