સુપ્રીમ કોર્ટે પર્યાવરણના નામે ચરી ખાતા તમારા જેવા લોકોને તાજેતરમાં બરાબરના ખખડાવ્યા એ વાત તો તમે છાપામાં વાંચી જ હશે.

તમે બધા લોકો મળીને જ્યારે વૃક્ષ બચાવવા નીકળી પડો છો ત્યારે સૌથી પહેલાં તો તમારે એ વિચાર કરવો જોઈએ કે તમે જે જગ્યાએ રહો છો ત્યાં પણ થોડા દાયકા પહેલાં વૃક્ષો જ હતાં.

તમે `વૃક્ષ બચાવો ઝુંબેશ'નાં પેમ્ફ્લેટ, પુસ્તિકા અને પ્રચારપત્રો છપાવો છો તે કાગળ પણ વૃક્ષમાંથી બને છે.

તમે વૃક્ષ બચાવવા માટે જ્યાં સભા, સરઘસો, આંદોલનો કરો છો તે મેદાનો પર પણ ક્યારેક વૃક્ષો હતાં.

તમે સભાસ્થળ સુધી પહોંચવા માટે, તમારી ઑફિસ, તમારી સંસ્થાની ઑફિસ, તમારા ધંધાની ઑફિસ સુધી પહોંચવા માટે ટ્રેન, બસ કે કારમાં જાઓ ત્યારે યાદ રાખો કે અત્યારે આ ટ્રેનના પાટા-સ્ટેશનો છે ત્યાં અને આ ડામર કે કોંક્રીટની સડકો છે. ત્યાં એક જમાનામાં વૃક્ષો હતાં. જો એ વૃક્ષો ન કપાયાં હોત તો તમારી અવરજવર, તમારું કમ્યૂટિંગ ઠપ થઈ ગયું હોત.

તમે રોજ સવારે જે ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, ટન્ગ ક્લીનર વાપરો છો, નહાવા-ધોવા માટે જે સાબુ વાપરો છો, શૅમ્પૂ અને ટુવાલ વાપરો છો, સાઈકલ, સ્કૂટર કે કાર વાપરો છો, સેલફોન, ટીવી, કમ્પ્યૂટર વાપરો છો, પંખો, એસી, કૂલર વાપરો છો - એ બધાનું મેન્યુફેક્ચરિંગ કરનારી ફેક્ટરીઓ અત્યારે જે જગ્યાએ ઊભી છે ત્યાં એક જમાનામાં વૃક્ષો હતાં.

તમે જે સ્કૂલમાં ભણ્યા, તમારાં સંતાનો જે સ્કૂલમાં ભણ્યાં એ શાળાઓ-કૉલેજો અને યુનિવર્સિટીઓનાં મકાનો વૃક્ષો કાપીને જ ઊભાં થયાં છે. તમે જ્યાં લગ્ન કર્યાં તે મંદિર/ કોર્ટ/ પાર્ટી પ્લોટ/ હૉલ પણ વૃક્ષો કાપીને જ બંધાયાં છે. તમે જે હિલસ્ટેશન પર હનીમૂન કરવા ગયા ત્યાંની એ તમારી માનીતી થઈ ગયેલી હોટલ પણ વૃક્ષો કાપીને જ બંધાઈ છે.

તમે જે દુકાનોમાંથી તમારી રોજિંદી ચીજવસ્તુઓ ખરીદો છો, તમે બીમાર પડો ત્યારે જે હૉસ્પિટલમાં સારવાર માટે જાઓ છો, તમે મનોરંજન માટે જે થિયેટર/મલ્ટિપ્લેક્સમાં જાઓ છો તે પણ એક જમાનામાં જ્યાં વૃક્ષો હતાં તે જ જગ્યાએ, એને કાપીને-જમીન સમથળ કરીને જ બંધાયાં છે.

તમે જે ટીવીના સ્ટુડિયો પર આવીને પર્યાવરણ વિશે ચિલ્લાચિલ્લી કરો છો, અમારા જેવા `વૃક્ષનું નિકંદન કાઢનારાઓ'ને મણ-મણની ચોપડાવો છો અને ફરિશ્તાઓનો તેજપુંજ તમારા સર પર હોય અને અમે બધા જ શેતાનની ઓલાદ હોઈએ એવી ચપડચપડ વાતો કરો છો, એ ટીવી સ્ટુડિયો પણ `જંગલો કાપીને' જ બંધાયા છે.

તમને દેશમાં જે હજારો નવાં શૌચાલયો જોઈએ છે, ગામડાઓમાં સ્કૂલો, હૉસ્પિટલો, લાઈબ્રેરીની સુવિધા જોઈએ છે, વિદ્યાર્થીઓ માટે કિતાબો જોઈએ છે એ બધું જ વૃક્ષો કાપ્યા વિના શક્ય નથી બનવાનું.

એક જમાનામાં વૃક્ષો કાપીને કાપડમિલો ન બની હોત તો તમે અત્યારે નગ્ન ફરતા હોત. એક જમાનામાં વૃક્ષો કાપીને વાસણો બનાવવાનાં, ગેસના સિલિન્ડર-ચૂલા બનાવવાનાં, મરીમસાલા, તેલ, ઘી બનાવવાનાં કારખાનાં ન બન્યાં હોત, લોટ પીસવાની ચક્કીઓ ન બની હોત તો તમે અત્યારે ભૂખ્યા પેટે હોત, કદાચ ઑલરેડી ભૂખે મરી ગયા હોત. તમારી પાસે અત્યારે જે ખોલી, વનરૂમ કિચન, ટુ બીએચકે, ડુપ્લેક્સ, રૉ હાઉસ કે બંગલો છે તે ન હોત અને જંગલમાં રામજીની જેમ કુટિયા બાંધીને રહેતા હોત.

મુંબઈમાં મેટ્રો-થ્રીના પ્રોજેક્ટ માટે, ગોરેગાંવ-મુલુંડના એલેવેટેડ વૅ માટે આરે કૉલોનીનાં સેંકડો વૃક્ષો કાપવાનો તમે વિરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ પોરબંદરથી ગૌહત્તી સુધીનો `જયમાલા માર્ગ' બનાવવાની ઘોષણા કરી, તે માટે પણ હજારો વૃક્ષ કાપવાં પડશે. મુંબઈ-અમદાવાદની બુલેટ ટ્રેન શરૂ કરવા માટે અને દેશની બીજી ડઝનબંધ નવી રેલવેલાઈનો માટે તથા એક્સપ્રેસ વેઝ બાંધવા માટે વૃક્ષો કપાવાનાં છે.

મુંબઈથી પૂનાનો, અમદાવાદથી વડોદરાનો એક્સપ્રેસ વે બન્યો ત્યારે તે શું ઝાડપાન કાપ્યા વિના બન્યો હતો? એ માર્ગો બન્યા તે પહેલાંનાં હાઈવેઝ શું વૃક્ષો કાપ્યા વિના બન્યા હતા? મુંબઈની મેટ્રો-થ્રી પહેલાંની શહેરની યાતાયાત યોજનાઓ ચાહે એ વેસ્ટર્ન રેલવે-સેન્ટ્રલ રેલવે કે હાર્બર રેલવેની લાઈનો હોય કે પછી બેસ્ટ બસના ડેપોઝ અને બેસ્ટની બસો જે સડકો પર દોડે છે તે સડકો હોય, એ બધી જ યોજનાઓ વૃક્ષો કાપ્યા વિના નથી બની.

પચીસ, પચાસ કે સો વર્ષ પહેલાં `વૃક્ષોનું નિકંદન' કાઢીને તમે આ બધી સુવિધાઓ મેળવી લીધી. હવે પચીસ-પચાસ વર્ષ પછી જેમના માટે અનિવાર્ય બનવાની છે એવી યોજનાઓ માટે તમે વિરોધ કરો છો? પોતે ભોગવી લીધું, માણી પણ લીધું એ ભારતની નવી પેઢીઓને તમે આ જ સુવિધાઓથી વંચિત રાખવા માગો છો? કેટલા સ્વાર્થી છો તમે? કે દેશની પ્રગતિની તમે આડે આવો છો અને તે પણ સેવાના નામે.

અમે આવું કહીએ છીએ ત્યારે હજુ પણ માનસિક મુગ્ધાવસ્થાના ઊંબરે ઊભેલાઓ અમને કહે છે: `તો શું અમારું ઘર તોડીને ત્યાં પાછું ઝાડ ઉગાડીએ?' અથવા `એટલે શું અમારે વૃક્ષ બચાવવાની ઝુંબેશ નહીં ચલાવવાની? કે પછી મેં તો કંઈ ઝાડ કાપીને ત્યાં મારું ઘર નથી બનાવ્યું. મેં તો જે ખાલી હતો તે પ્લોટ ખરીદ્યો હતો.'

અરે મારા સ્માર્ટ-ચતુરો, તમે નહીં તો કોઈએ તો ત્યાંનાં ઝાડ હટાવ્યાં હશેને?

અને હા, તમને જો વૃક્ષો બહુ જ પ્યારાં હોય તો કરી જુઓ - તમારો બંગલો પાડીને ત્યાં ઝાડ વાવી જુઓ. (વાત કરો છો ખાલીપીલી?)

વૃક્ષ જીવન છે અને જીવન માટે વૃક્ષોનું `નિકંદન' પણ અનિવાર્ય છે. આ બેઉ વાત સાચી છે.

નવી યોજનાઓ, નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે વૃક્ષો કાપવા પડે તો કાપવાનાં અને એના કરતાં બમણાં વૃક્ષો બીજે ક્યાંક ઉગાડવાનાં. મુંબઈમાં કે અમદાવાદમાં કે પછી વડોદરા-સુરત-રાજકોટમાં કે તમારા શહેરમાં/નગરમાં/ગામમાં તમે અત્યારે જે કંઈ સુવિધાઓ ભોગવો છો એમાંની ઘણી સુવિધા વૃક્ષો કપાવાને લીધે તમને પ્રાપ્ત થઈ છે.

ખાલી ફૂટપાથ જોઈને પોતાનો ધંધો પસારીને બેઠેલો ફેરિયો જૂનો થઈ ગયો એટલે નવો આવતો હોય તેને એ ફૂટપાથ પર પગદંડો જમાવવા ન દે એવી મેન્ટાલિટી મુંબઈના મેટ્રો-થ્રીનો વિરોધ કરતા પર્યાવરણવાદીઓની હતી. મુંબઈના જ શું કામ ભારત આખાના પર્યાવરણવાદીઓની એવી મેન્ટાલિટી છે.

પોતે કપાયેલાં ઝાડને કારણે મળતી બધી જ સગવડો મેળવી લીધી અને હવે જાણે પોતાના બાપનું રાજ હોય એમ આવનારી નવી પેઢીઓને એ સુવિધાઓ ન મળે એ માટે પ્રપંચ કરવાના.

જે લોકો એમ નથી કહી શકતા કે ફલાણો એક્સપ્રેસ વૅ બાંધવામાં એક નાનકડો હિસ્સો મારા બાપનો પણ છે, ફલાણી મેટ્રો યોજનાની સફળતામાં મારા પિતાએ પણ એક અધિકારી તરીકે કે પછી એક મજૂર તરીકે ફાળો આપ્યો છે તેઓ આવી યોજનાનો વિરોધ કરીને, વિકાસનાં કાર્યોમાં રોડાં નાખીને ચીપ પબ્લિસિટીમાં મહાલતા હોય છે. આવા ડબલ સ્ટાન્ડર્ડવાળા પર્યાવરણવાદીઓ કે કોઈ પણ વાદીઓનો મેન્ટલ ગ્રાફ કોઈ દિવસ એનેલાઈઝ કરીશું, મજા આવશે. બાકી બધું બીજા બુધવારે.

 એ જ લિખિતંગ,

 - તમારે જે મને કહેવું હોય તે'

 સાયલન્સ પ્લીઝ

મૈં યહાં ધૂપ મેં તપ રહા હૂં મગર,

વો પસીને મેં, ડૂબા હુઆ કૌન હૈ?

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો