ફિલ્મકાર દેવ આનંદ અને કલ્પના કાર્તિકના પુત્ર સુનિલ આનંદનું 26મી જુલાઈના રોજ 70 વર્ષની વયે અવસાન થયું. સુનિલ અમેરિકાથી ભારત આવી રહ્યા હતા અને રસ્તામાં લંડન રોકાયા હતા, જ્યાં તેમને હાર્ટએટેક આવ્યો હતો. યોગાનુયોગ પિતા દેવ આનંદનું પણ લંડનમાં એ જ હોસ્પિટલમાં અવસાન થયું હતું.
સુનિલની એક ઈચ્છા પિતાના માનમાં એક એવી ફિલ્મ બનાવાની હતી, જેમાં ભારત, હોલિવૂડ અને ઈંગ્લેન્ડના કલાકારો હોય. `હું તેનું નિર્માણ અને નિર્દેશન કરી રહ્યો છું. શો મસ્ટ ગો ઓન. હું મારા પિતાની વિરાસતને આગળ ધપાવીશ' એવું સુનિલે ત્યારે કહ્યું હતું. બદનસીબે એ ફિલ્મ ન બની શકી.
સુનિલે પિતા વિશે વાત કરતાં કહ્યું હતું કે, આટલી વિરાટ લોકપ્રિયતા અને સ્ટારડમ મેળવ્યા પછી પણ તેઓ અત્યંત વિનમ્ર માણસ હતા. તેઓ ખૂબ સારા વાચક, જાણકાર અને દુનિયાની અનેક બાબતોમાં ઊંડી સમજ ધરાવતા હતા. કોઈ પણ વિષય પર, કોઈ પણ વ્યક્તિ સાથે તેઓ સહજતાથી વાતચીત કરી શકતા હતા.
સુનિલના શબ્દોમાં, `તેઓ કોઈ પણ વિષય પર કોઈ પણ વ્યક્તિ સાથે સરળતાથી સંવાદ સાધી શકતા. રસ્તા પરના સામાન્ય માણસ સાથે વાત કરતા હોય કે રાજવી પરિવારના સભ્ય સાથે, તેઓ બંને સાથે એકસરખી સહજતા અનુભવતા. જ્યારે કોઈ વ્યક્તિ આટલી મોટી સ્ટાર હોય, ત્યારે આટલી વિનમ્રતા જાળવી રાખવી ખરેખર ખૂબ મુશ્કેલ હોય છે.'
સુનિલ તેમનો એકનો એક દીકરો હતો. 1984માં પિતા દેવ આનંદે `આનંદ ઔર આનંદ' ફિલ્મ મારફતે સુનિલને હીરો તરીકે લોન્ચ કર્યો હતો (આ ફિલ્મ `બુનિયાદ' ટીવી સીરિયલથી જાણીતી થયેલી નતાશા સિંહા અને ગાયક અભિજિત ભટ્ટાચાર્યની પણ ડેબ્યૂ ફિલ્મ હતી).
ફિલ્મો અને ફિલ્મી હસ્તીઓ વચ્ચે મોટા થવાનું સૌભાગ્ય હોવા છતાં સુનિલની ફિલ્મી કારકિર્દી એટલી બુલંદ ન બની શકી, જેટલી પિતા દેવ આનંદની હતી. ત્રણ ફિલ્મોમાં એક્ટિંગ અને બે ફિલ્મોના નિર્માણ પછી સુનિલની કારકિર્દી સમેટાઈ ગઈ હતી અને પછી તેમણે ફિલ્મની દુનિયામાંથી વિદાય લઇ લીધી હતી.
અનેક સફળ કલાકારોને `જન્મ' આપનારા પિતાને પુત્રની નિષ્ફળતાનો રંજ તો હશે જ, પણ તે તેમણે ક્યારેય વ્યક્ત કર્યો નહોતો. નિરાશા જેવો કોઈ ભાવ દેવ આનંદના જીવનમાં નહોતો. તેની એક ઝલક `હરે રામા હરે કૃષ્ણા' ફિલ્મ રિલીઝ થયા પછીના એક પ્રસંગમાં જોવા મળે છે. રાકેશ સિંહ નામના એક ચાહકે, તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર દેવ આનંદની આત્મકથા `રોમાન્સિંગ વિથ લાઈફ'માં આ પ્રસંગ ટાંક્યો છે.
1972માં આવેલી `હરે રામા હરે કૃષ્ણા' દેવ આનંદની સૌથી મહત્ત્વાકાંક્ષી ફિલ્મ હતી. આગલા જ વર્ષે ભાઈ વિજય આનંદના નિર્દેશનમાં આવેલી `તેરે મેરે સપને'ને એટલો રિસ્પોન્સ મળ્યો નહોતો અને દેવ સાહેબે સ્વતંત્ર રીતે નિર્દેશક બનવાનું નક્કી કર્યું. `હરે રામા હરે કૃષ્ણા' અભિનેતા, નિર્માતા અને નિર્દેશક તરીકે તેમની પહેલી ફિલ્મ.
ફિલ્મને નેપાળમાં શૂટ કરવામાં આવી હતી. ફિલ્મના નિર્માણ દરમિયાન દેવ આનંદ માનસિક રીતે ખૂબ જ થાકી ગયા હતા. ફિલ્મ રિલીઝ થઈ ચૂકી હતી અને જબરદસ્ત સફળ પણ રહી હતી. એટલે દેવ સાહેબે થોડો વિરામ લેવાનું નક્કી કર્યું.
પુત્ર સુનિલ આનંદ તે સમયે વૉશિંગ્ટનની એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો હતો. તેને મળે ઘણો સમય થઇ ગયો હતો. દેવ સાહેબ પુત્રને મળવા માટે મુંબઈથી ન્યૂયોર્ક પહોંચ્યા. ત્યાંથી ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન પરથી ટ્રેન પકડીને વૉશિંગ્ટન ગયા. વૉશિંગ્ટન સ્ટેશન પર ઊતર્યા પછી ટેક્સી કરીને યુનિવર્સિટી પહોંચ્યા.
યુનિવર્સિટીના દરવાજા પર જ સુનિલ તેમની રાહ જોતો ઊભો હતો. પિતા-પુત્ર એકબીજાને ભેટી પડ્યા. બંનેની આંખો ભીની થઈ ગઈ. થોડા સમય પછી જ્યારે લાગણીઓ શાંત પડી, ત્યારે સુનિલે પિતાને યુનિવર્સિટી કેમ્પસમાં ફેરવ્યા.
પોતાના મિત્રોને પણ પોતાના ફિલ્મસ્ટાર પિતાનો પરિચય કરાવ્યો. એ ક્ષણે સુનિલને પોતાના પિતા પર અપાર ગર્વ હતો અને કેમ ન હોય! એક સદાબહાર, ખૂબસૂરત એક્ટર દેવ સાહેબ લોકપ્રિયતાની ટોચ પર હતા અને હવે તેમનું એક મોટા નિર્દેશક તરીકે પણ પદાર્પણ થયું હતું. કેમ્પસની મુલાકાત પછી સુનિલ તેમને પોતાની કારમાં બેસાડીને વૉશિંગ્ટન શહેર ફરવા લઈ ગયો.
ત્યાંથી પાછા ફરતી વખતે દેવ સાહેબે સુનિલને કહ્યું કે તેમને પોતાના માટે સરસ ગોગલ્સ ખરીદવા છે. સુનિલ તેમને ચશ્માંની એક મોટી દુકાનમાં લઈ ગયો. દેવ આનંદને એક જાણીતી બ્રાન્ડના ગોગલ્સ ખૂબ ગમી ગયા અને તેમણે તે ખરીદી લીધા.
સુનિલે પણ બીજી એક બ્રાન્ડનાં ચશ્માં પસંદ કરીને પિતાને આપતાં કહ્યું, `પાપા, બે ચશ્માં લઇ લો. એક તમારી પસંદનાં અને એક મારી પસંદનાં.'
પુત્રનો પ્રેમ જોઈ દેવ સાહેબ ખુશ થઈ ગયા. તેમણે સુનિલને કહ્યું, `તું પણ તારી પસંદનાં બે ચશ્માં લઈ લે.'
પરંતુ સુનિલે હસતાં કહ્યું, `મને ચશ્માં પહેરવાનો શોખ નથી. જ્યારે જરૂર પડશે ત્યારે હું પોતે ખરીદી લઈશ.'
ત્યારબાદ તેણે દેવ સાહેબના શર્ટના ખિસ્સામાંથી પૈસા કાઢીને ચશ્માંની કિંમત ચૂકવી દીધી. બચેલા ડૉલર ફરીથી સાવધાનીપૂર્વક તેમના ખિસ્સામાં મૂકી દીધા અને ખીસું બરાબર બંધ કરી દીધું, જેથી એક પણ ડૉલર નીચે ન પડી જાય.
બીજા દિવસે પિતા-પુત્ર સાથે મળીને ન્યૂયોર્ક ગયા. ત્યાં તેમણે બ્રોડવે પર એક મ્યુઝિકલ નાટક જોયું. નાટક પૂરું થયા પછી બંને પગપાળા ફિફ્થ એવન્યુ પર આવેલી પિયર હોટલ સુધી પગે ચાલીને ગયા. નાટકનું એક ગીત બંનેને ખૂબ ગમી ગયું હતું. રસ્તામાં ચાલતાં-ચાલતાં દેવ સાહેબ એ ગીત ગણગણતા હતા, જ્યારે સુનિલ તેની ધૂન સિસોટીમાં વગાડતો હતો.
હોટલના રૂમમાં પહોંચ્યા પછી સુનિલે કહ્યું, `પાપા, આજે હું તમારી સાથે જ સૂઈશ.' એ સાંભળીને દેવ સાહેબને પુત્રનું બાળપણ યાદ આવી ગયું. તે સાંજ તેમના માટે અત્યંત આનંદમય બની ગઈ.
બીજા દિવસે સુનિલને ફરી વૉશિંગ્ટન પાછું જવાનું હતું, પરંતુ વિદાયની ઘડીએ તેની આંખોમાં આંસુ હતાં. સુનિલની આંખોમાં આંસુ જોઈ દેવ સાહેબે તેના કપાળ પર ચુંબન કરીને કહ્યું, `જો તારે ન જવું હોય તો ન જા.'
સુનિલે જવાબ આપ્યો, `ના પાપા, જવું તો પડશે.
એ જરૂરી છે.'
દેવ સાહેબે તેને ફરીથી ગળે લગાવ્યો. થોડો સમય બંને લાગણીથી ભરાઈ ગયા. પછી સુનિલ વૉશિંગ્ટન જવા નીકળી ગયો.
દેવ સાહેબ પણ ન્યૂયોર્કથી મુંબઈ પરત ફરવા માટે વિમાનમાં બેઠા. મુસાફરી દરમિયાન તેમની નજર એક અખબારના સંપાદકીય લેખ પર પડી. તેમાં ઇંગ્લૅન્ડમાં ગેરકાયદે રીતે પહોંચતા ભારતીય ઇમિગ્રન્ટ્સ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
એ જ ક્ષણે દેવ સાહેબને એક ફિલ્મનો વિષય મળી ગયો. એ ફિલ્મ હતી 1978ની `દેશ પરદેશ.' ફિલ્મની વાત આવતા અંકે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
