ઈ.સ. પૂર્વે 411ની વાત છે. એથેન્સ અને સ્પાર્ટા વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું. ત્યારે ગ્રીક નાટ્યકાર એરિસ્ટોફેનિસે એક અદ્ભુત અને હાસ્યાસ્પદ ઉકેલ કલ્પ્યો: જો સ્ત્રીઓ પુરુષો સાથે સૂવાનો જ ઇનકાર કરી દે તો?  

તેના પ્રખ્યાત કોમેડી નાટક લિસિસ્ટ્રાટામાં ગ્રીક શહેરોની તમામ સ્ત્રીઓ એક થાય છે અને જ્યાં સુધી પુરુષો યુદ્ધ બંધ ન કરે ત્યાં સુધી શારીરિક સંબંધો બાંધવાનો ઇનકાર કરે છે. આ વિચાર બોલ્ડ તો છે. પુરુષની નબળી રગ સ્ત્રીઓએ પકડી પાડી છે. ઈન્સ્ટાગ્રામ, પોડકાસ્ટ અને જેન્ડર-વોરની રીલ્સ શરૂ થઈ તેના બે હજાર વર્ષ પહેલાં કોઈ સમજી ગયું હતું કે સ્ત્રી અને પુરુષ માત્ર પ્રેમીઓ, જીવનસાથીઓ કે મિત્રો નથી; તેઓ બે અલગ અલગ વોટબેંક કે વિરોધી જૂથો પણ છે! માનવ ઇતિહાસનું સૌથી જૂનું શીતયુદ્ધ બે દેશોની બોર્ડર પર નહીં, રાત્રે બે ઓશિકા વચ્ચે ખેલાઈ રહ્યું છે!  

માનવજાતે હજારો વર્ષ સ્ત્રી અને પુરુષને ભેગાં કરવામાં કાઢ્યાં છે અને એટલો જ સમય એકબીજાને અસહ્ય સાબિત કરવામાં પણ કાઢ્યો છે. પુરુષો સદીઓથી પત્નીઓ પર જોક્સ બનાવતા આવ્યા છે અને સાઇકોલોજીએ શબ્દો શોધ્યા એ પહેલાંથી સ્ત્રીઓ પોતાની દીકરીઓને પુરુષોની દાનત વિશે ચેતવતી આવી છે.  

પરંતુ હવે કંઈક ભયંકર રીતે બદલાયું છે. સ્ત્રી અને પુરુષ વચ્ચેના આ જૂના ઝઘડાને હવે એક વિચારધારા, એક અલ્ગોરિધમ અને એક ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક મળી ગયું છે.  

એક સ્ત્રી કોઈ ખરાબ સંબંધમાંથી પસાર થાય છે અથવા તેનું શોષણ થાય છે. તેનો જખમ સાચો છે, તેનો ગુસ્સો વાજબી છે. બીજી તરફ એક પુરુષ ભયંકર ડિવોર્સમાંથી પસાર થાય છે અથવા તેની લાગણીઓને કચરાપેટીમાં નાખી દેવામાં આવે છે. તેની પીડા પણ વાસ્તવિક છે, પણ પછી... અચાનક એક સાઇકોલોજિકલ રમત રમાય છે.  

"મને એક પુરુષે હર્ટ કરી'' એ વાક્ય ધીમે ધીમે "દુનિયાના તમામ પુરુષો આવા જ હોય છે''માં ફેરવાઈ જાય છે. "મને એક સ્ત્રીએ દગો આપ્યો'' એ ધીમે ધીમે "તમામ સ્ત્રીઓ સ્વાર્થી હોય છે''માં ફેરવાઈ જાય છે. માણસનો અંગત ઘા એક સામાજિક થિયરી બની જાય છે અને ઘામાંથી જન્મેલી થિયરીઓ બહુ ખતરનાક રીતે આકર્ષક હોય છે, કારણ કે તેના પુરાવાઓ લોહીલુહાણ હોય છે. ખરો સવાલ એ નથી કે સ્ત્રીઓ ખરાબ છે કે પુરુષો ખરાબ છે. એ તો ઇન્ટેલેક્ચ્યુઅલ જંક ફૂડ છે. સૌથી ઊંડો સવાલ એ છે કે: માણસના અંગત ઘાને આખી દુનિયા સાથે જનરલાઈઝ કરવાની આટલી ભયંકર ઉતાવળ કેમ હોય છે?  

આનો જવાબ ફેમિનિઝમ કે પિતૃસત્તાક સમાજ કરતાં પણ જૂનો છે. માણસનું મગજ પેટર્ન શોધવા ટેવાયેલું છે. જંગલમાં એક વાઘ હુમલો કરે, તો બધા વાઘથી ડરવું એ ઉત્ક્રાંતિનો નિયમ છે. પૂર્વજોને દરેક વાઘનું વ્યક્તિગત એસેસમેન્ટ કરવાનો સમય નહોતો મળ્યો, પરંતુ જે નિયમ જંગલમાં આપણો જીવ બચાવે છે, તે જ નિયમ માનવસમાજમાં આપણો જીવ લઈ શકે છે! કોઈ એક અપ્રામાણિક માણસ મળે અને કોઈ નક્કી કરી લે કે "આખી જ્ઞાતિ જ આવી છે'' તો એ તેની મૂર્ખામી છે. એક માણસનો દગો, કોઈ ફિલોસોફી ન બની શકે. હકીકતમાં પૂર્વગ્રહ એ બીજું કંઈ જ નથી, પોતાની આત્મકથાને સમાજશાસ્ત્ર તરીકે ખપાવવાનો દંભ માત્ર છે.  

ડિજિટલ યુગે આને ભયંકર હદે ખતરનાક બનાવી દીધું છે. પહેલાં એક પુરુષનું બ્રેકઅપ થતું, તો તે ચાની કીટલી પર ચાર ભાઈબંધોને કહેતો. બે સહાનુભૂતિ આપતા, એક એનો જ વાંક કાઢતો અને ચોથો બીજી છોકરી બતાવતો. વાત ત્યાં પૂરી થઈ જતી. આજે? આજે એ જ પુરુષ બ્રેકઅપ પછી સળંગ ચાર કલાક સુધી મેનિપ્યુલેટિવ સ્ત્રીઓના, ખોટા કેસોના અને ફેક ફેમિનિઝમના સેંકડો વીડિયો જુએ છે. મધરાત સુધીમાં તેને ખાતરી થઈ જાય છે કે આ કોઈ અંગત નિષ્ફળતા નથી, આ તો આખી માનવ સભ્યતામાં ચાલતું સ્ત્રીઓનું બહુ મોટું ષડ્યંત્ર છે! સ્ત્રીઓનું પણ આવું જ છે - ટોક્સિક પુરુષોની સ્ટોરીઓ સાંભળી સાંભળીને તે આખી પુરુષ જાતિને વિલન માની લે છે.  

અલ્ગોરિધમ માણસની આ જ નબળાઈ પર રમે છે. તમને જે વાત પર શંકા હોય, અલ્ગોરિધમ એવા દસ હજાર પુરાવા તમારી સ્ક્રીન પર ફેંકે છે. આનાથી તમને ઈમોશનલ કમ્ફર્ટ મળે છે, પણ તમે આંકડાકીય રીતે કટ્ટર બની જાઓ છો. સોશિયલ મીડિયાની ફીડ એક એવો કોર્ટરૂમ બની ગઈ છે, જ્યાં માત્ર પ્રોસિક્યુશન સાક્ષીઓ જ આવે છે.  

પરિણામ? આજની તારીખમાં ફર્સ્ટ ડેટ પર એક યુવાન અને યુવતી મળે, ત્યારે તેઓ હકીકતમાં એકબીજાને નથી મળતા. પેલો યુવાન આખી સ્ત્રીજાતિને મળી રહ્યો છે અને યુવતી આખી પુરુષજાતિને! બંનેના મગજમાં ઈન્ટરનેટ પરના અજાણ્યા લોકોએ તૈયાર કરેલી શંકાની ફાઈલો પડી છે. સાત દાયકાઓથી બોર્ડર પર લડતા બે દેશોની સરકારો જે ટેન્શનથી દ્વિપક્ષીય મંત્રણા કરવા બેસે, બરાબર એવા જ ટેન્શનથી બે યુવા હૈયા મુલાકાત કરે છે! "તારા રેડ ફ્લેગ્સ કયા છે?'', "તારી અટેચમેન્ટ સ્ટાઈલ કેવી છે?'', "તું મને કંટ્રોલ તો નહીં કરેને?'' - રોમાન્સ હવે ડ્યુ-ડેલિજન્સ (કાયદાકીય ઓડિટ) જેવો થઈ ગયો છે.  

ચેતતા રહેવું એ મૂર્ખાઈ નથી. સ્ત્રીઓએ ખોટા પુરુષ પર ભરોસો કરવા માટે ઐતિહાસિક રીતે બહુ મોટી કિંમત ચૂકવી છે, પણ... સાવચેતી અને તિરસ્કાર વચ્ચે બહુ મોટો તફાવત છે.   

લોકોને એક લાકડીએ હાંકવાનો જૂનો શોખ છે, કારણ કે સામૂહિક દોષારોપણ કરવાથી આપણો અંગત અહંકાર સુરક્ષિત રહે છે. જો "બધા પુરુષો હલકટ છે'' અથવા "બધી સ્ત્રીઓ સ્વાર્થી છે'', તો મારે ક્યારેય એ વિચારવાનું જ નથી આવતું કે "મારા પોતાનામાં શું ખામી હતી?'' કુલ માનવવસ્તીના અડધા એટલે કે ચાર અબજ લોકોને ગુનેગાર ઠેરવવા સહેલા છે, પણ એકલા બેસીને મારામાં પણ થોડી ભૂલ છે એવું સ્વીકારવા માટે ભયંકર નૈતિક હિંમત જોઈએ છે.  

પુરુષ અને સ્ત્રી એ કોઈ પાડોશી દેશો નથી કે આપણે એકબીજા સામે યુદ્ધ જાહેર કરી શકીએ. આપણે એકબીજાના પિતા, માતા, ભાઈ, બહેન, મિત્ર અને પ્રેમી છીએ. જેની સામે આપણે સોશિયલ મીડિયા પર યુદ્ધ લડી રહ્યા છીએ, તે કથિત દુશ્મન હકીકતમાં આપણા ડાઇનિંગ ટેબલ પર જ આપણી સામે બેઠો છે. પૂર્વગ્રહને જીવતા રહેવા માટે હંમેશાં કેટેગરીની જરૂર પડે છે. જ્યારે પ્રેમને શ્વાસ લેવા માટે હંમેશાં એક નામની જરૂર હોય છે. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો