અંદામાન અને નિકોબાર ટાપુઓ ભારતનો એક એવો અમૂલ્ય હિસ્સો છે, જે કુદરતી સૌંદર્ય અને ઐતિહાસિક ગૌરવનો અજોડ સંગમ છે.
બંગાળની ખાડીમાં આવેલા આ ટાપુઓ પોતાની મંત્રમુગ્ધ કરી દેતી સુંદરતા, સફેદ રેતીના દરિયાકિનારા અને ઘેરા વાદળી પાણી માટે વિશ્વભરમાં જાણીતા છે, પરંતુ આ ટાપુઓ માત્ર પ્રવાસન સ્થળ નથી, તે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની અસંખ્ય ગાથાઓના સાક્ષી પણ છે. અંદામાન નિકોબારના ભૌગોલિક સ્થાન અને પ્રાકૃતિક વારસા વિશે પણ જાણવા જેવું ઘણું બધું છે. ત્યાં ફરવાલાયક જગ્યાઓ અને ઈતિહાસથી જોડાયેલી ઘણી રસપ્રદ બાબતો છે.
અંદામાન અને નિકોબાર આશરે 800થી વધુ નાના-મોટા ટાપુઓનો સમૂહ છે, જેમાંથી માત્ર 31 જેટલા ટાપુઓ પર માનવ વસવાટ છે. આ ટાપુ સમૂહ બે મુખ્ય ભાગમાં વહેંચાયેલો છે: ઉત્તરમાં અંદામાન અને દક્ષિણમાં નિકોબાર. આ બંનેને `ટેન ડિગ્રી ચેનલ' અલગ કરે છે. અહીંની આબોહવા ઉષ્ણકટિબંધીય છે, જે તેને બારેમાસ લીલુંછમ રાખે છે. અહીંનાં ગાઢ જંગલોમાં એવી અનેક વનસ્પતિઓ અને પ્રાણીઓ જોવા મળે છે જે વિશ્વમાં બીજે ક્યાંય નથી.
અંદામાનનું ઐતિહાસિક મહત્ત્વ જાણીને તમને નવાઈ લાગશે. ભારતના ઇતિહાસમાં અંદામાનનું નામ `કાલા પાની' તરીકે ઓળખાતી સેલ્યુલર જેલ સાથે જોડાયેલું છે. પોર્ટ બ્લેરમાં આવેલી આ જેલ અંગ્રેજો દ્વારા ભારતીય ક્રાંતિકારીઓને કડક સજા આપવા માટે બનાવવામાં આવી હતી. વીર સાવરકર જેવા અનેક મહાન દેશભક્તોએ અહીં અમાનવીય યાતનાઓ સહન કરી હતી. આજે આ જેલ એક રાષ્ટ્રીય સ્મારક છે, જે આપણને આઝાદીની કિંમતની યાદ અપાવે છે. અહીં રોજ સાંજે યોજાતો `લાઇટ એન્ડ સાઉન્ડ શો' મુલાકાતીઓની આંખો ભીની કરી દે છે.
અહીંની વિવિધ સંસ્કૃતિ અને જનજાતિઓ તેનું આકર્ષણ બની રહ્યું છે. અંદામાન અને નિકોબારમાં વસતી જનજાતિઓ (Tribes) આ ટાપુઓનું સૌથી રહસ્યમય અને રસપ્રદ પાસું છે. જારવા, સેન્ટિનલીઝ, ઓંગે અને ગ્રેટ અંદામાનીઝ જેવી આદિમ જનજાતિઓ અહીં હજારો વર્ષોથી રહે છે. સેન્ટિનલીઝ જેવી કેટલીક જનજાતિઓ આજે પણ આધુનિક વિશ્વથી સંપૂર્ણપણે અલિપ્ત છે. બીજી તરફ, ભારતનાં વિવિધ રાજ્યોમાંથી આવીને વસેલા લોકોએ અહીં એક `લઘુ ભારત' જેવું વાતાવરણ ઊભું કર્યું છે, જ્યાં દરેક ધર્મ અને ભાષાના લોકો હળીમળીને રહે છે.
ભારતમાં પ્રવાસન માટે અંદામાન-નિકોબાર એક અલગ ચાહકવર્ગ ધરાવે છે. ખાસ તો ત્યાંનાં સ્થળો માટે એવું કહી શકાય કે, પ્રવાસીઓ માટે અંદામાન એક સ્વર્ગ સમાન છે. જેમ કે -
હેવલોક ટાપુ (સ્વરાજ દ્વીપ) : અહીંનો `રાધાનગર બીચ' એશિયાના શ્રેષ્ઠ દરિયાકિનારાઓમાંનો એક ગણાય છે.
નીલ ટાપુ (શહીદ દ્વીપ): શાંતિ અને કુદરતી ખડકોની રચનાઓ માટે જાણીતો છે.
વોટર સ્પોર્ટ્સ: સ્કૂબા ડાઇવિંગ અને સ્નોર્કલિંગ દ્વારા દરિયાની અંદરની રંગબેરંગી પરવાળાની દુનિયા જોવી એ જીવનભરનો લહાવો છે.
બેરન આઈલેન્ડ: દક્ષિણ એશિયાનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી અહીં આવેલો છે.
અંદામાન અને નિકોબાર ટાપુઓ ભારત માટે વ્યૂહાત્મક, ઐતિહાસિક અને પર્યાવરણીય દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વના છે. 2004ની સુનામી જેવી કુદરતી હોનારતનો સામનો કર્યા પછી પણ આ ટાપુઓએ પોતાની સુંદરતા જાળવી રાખી છે. જો તમારે ઇતિહાસનાં પૃષ્ઠોને ફેરવવાં હોય અને સાથે જ પ્રકૃતિના ખોળામાં શાંતિ મેળવવી હોય, તો અંદામાન અને નિકોબારથી શ્રેષ્ઠ સ્થળ છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો