માથેરાનના ઇકો પોઈન્ટ પર જઈને ગાળો બોલો તો તે જ પાછી આવે અને પ્રેમાળ શબ્દો બોલો તો તે જ પાછા સંભળાય. કમ્પ્યૂટર નિષ્ણાતો જી.આઈ.જી.ઓ.ના ટૂંકાક્ષરોનો ઉપયોગ કરતા ગાર્બેજ ઈન, ગાર્બેજ આઉટ. અર્થાત્ કમ્પ્યૂટર એટલી જ માહિતી પ્રોસેસ કરીને તમને પાછી આપી શકશે જેટલી માહિતી એમાં ફિટ કરવામાં આવી હોય.
કોઈક ઘટના કે કોઈક વ્યક્તિ વિશે કે પછી પોતાના વિશે સતત નકારાત્મક વિચાર્યા પછી મનમાંથી જે બહાર આવશે તેમાં કોઈ સુખદ પ્રતીતિ નહીં હોય. મનનો ખોરાક નક્કી કરવાની જવાબદારી અને એ અધિકાર મનના માલિકના છે.
કચરપટ્ટી ખોરાક ખાધા પછી તનના સ્વાસ્થ્યની શું હાલત થાય છે તે તમે જાણો છો. મનને એવો ખોરાક આપ્યા પછી મનની હાલત પણ એવી જ થવાની. આવો ખોરાક સતત ખાધા પછી છેવટે દિમાગ સ્વાસ્થ્યરહિત, નકારાત્મક અને બિનઉત્પાદક બની જવાનું.
મનને ટેવ હોય છે બિલિયર્ડ્સની રમત રમવાની. બિલિયર્ડ્સમાં જે બોલ તમારું લક્ષ્ય છે એને તમે તાકતા નથી. કોઈક બીજા, ત્રીજા, ચોથા બોલનું લક્ષ્ય તમે તાકો છો. મનને પણ જે વાતે દેખીતી રીતે અકળામણ થતી હોય છે તે વિશે વિચારવાને બદલે કોઈક બીજી, ત્રીજી, ચોથી જ વાતે ઉદાસ અને પછી ફ્રસ્ટ્રેટ થઈ જવાની આદત પડી ગઈ છે. દુ:ખે છે પેટ અને કૂટે છે માથુંવાળી કહેવતમાં પૂર્વજોએ મનના બિલિયર્ડ્સની આ આખીય વાત સમજાવી દીધી છે.
દરેક ગુસ્સાનું, દરેક ઈર્ષ્યાનું કે દરેક ગમગીની તથા દરેક હતાશાનું કારણ નજર સામે જે વંચાય છે તે હોતું નથી. જે વંચાય છે તે કારણ માત્ર ખીંટી હોય છે. અગાઉનાં કારણોને લટકાવવાની ખીંટીં, ખીંટી પરથી નજર હટે અને એના આધારે જૂનું શું શું લટકી રહ્યું છે તે જોઈ શકાય તે માટે થોડી તાલીમની જરૂર છે. મનમાં જન્મતી અણગમતી લાગણીના તાણાવાણાને છૂટા પાડ્યા પછી જ સમજાય છે કે આવું ન ગમતું પોત કેવી રીતે વણાયું!
પ્રસંગોપાત મનમાં જમા થઈ ગયેલો કચરો છારી બનીને સપાટી પર તરતો રહે છે. આવા સમયે ઊમટતી લાગણીઓને ફટ દઈને કોઈની આગળ વ્યક્ત કરી નાખવાની ઉતાવળ ન થાય. કેટલાક લોકો તો મનમાં જે હોય તે ચોખ્ખેચોખ્ખું કહી નાખવામાં માનતા હોય તો એવી શેખી કરવી બિનજરૂરી છે. કોઈને તરત જ કહી નાખવાની લાગણીને કાયમ માટે ઢબૂરી દેવી પણ ખોટી. એલોપથિક દવાઓ જેમ રોગને દાબી દે છે, પણ જડમૂળમાંથી એ દૂર નથી થતો અને કોઈક બીજા જ સ્વરૂપે એ ફૂટી નીકળે એમ દાબી દીધેલી વિકારયુક્ત લાગણીઓ પણ આજે નહીં તો કાલે કોઈક બીજા સ્વરૂપે, વધુ વિકૃત સ્વરૂપે ફૂટી નીકળવાની.
તો પછી કરવું શું? મનમાં જન્મતી લાગણી કોઈને કહેવી નહીં ને એને દાબી દેવી પણ નહીં, તો કરવું શું? ઘણું બધું. કેટલાંક રમકડાંને એકાદવાર ગોળ ફેરવો ત્યારે એ મિનિટો સુધી આપોઆપ ગોળગોળ ફરતાં રહે છે. તમારા કોઈ પ્રયત્ન વિના નકારાત્મક વિચારો શરૂ થઈ ગયા પછી એ જ કે એવા જ વિચારો આપોઆપ આવતા રહે છે. ક્યારેક તો પ્રયત્ન કરવા છતાં એની વર્તુળાકાર ગતિ અટકતી નથી. કોઈ પણ સંજોગોમાં આ ગતિ અટકવી જ જોઈએ. દુ:ખથી છટપટાહટ કરતાં દર્દી પર ઑપરેશન ન થઈ શકે. એને શાંત પાડવો જ પડે. ટ્રાન્ક્વિલાઈઝર વડે અને જરૂર પડ્યે એનેસ્થેશિયા વડે. કામચલાઉ પલાયનવાદનો આશરો લઈને પણ નકારાત્મક વિચારોની સ્વયંચક્રી ગતિને અટકાવી દેવી પડે. યાદ રાખવાનું કે અહીં પલાયનવાદનો આશ્રય દવારૂપે લેવાનો છે, શરબતરૂપે નહીં.
યંત્ર ફરતું અટકી ગયા પછી એમાં ક્યાં ખામી સર્જાઈ છે તે શોધવું પડે. શક્ય છે કે જ્યાંથી અવાજ આવતો હોય તે જગ્યાનો પૂરજો સલામત હોય, પણ કોઈક અન્ય બાજુનો પાર્ટ ખોટકાયો હોય. પૂરતી જાણકારી વિના યંત્રનું સમારકામ કોઈ કરતું નથી, મનનું સમારકામ કેવી રીતે થઈ શકે. મનની અટપટી ગતિવિધિઓ માણસના સમજની બહારની નથી. બાબાગુરુઓએ એવું ઠસાવી દીધું છે કે મનની ગતિ કોઈ જાણી સમજી શકતું નથી, એટલે આપણે સમજવાનો પ્રયત્ન પણ છોડી દીધો. મનની ગતિ સમજી શકાય છે. માત્ર પોતાના જ નહીં, બીજાના મનની ગતિ પણ સમજી શકાય છે.
આ સમજનું પહેલું પગથિયું છે - પોતાની આંતરસૂઝનો આદર કરવો. હું આમ કરીશ કે કહીશ તો સામેની વ્યક્તિને ખોટું લાગશે એવો વિચાર આવે ત્યારે માની લેવું કે સો ટકા તમે માનો છો એવું જ લાગવાનું. માટે એવું લગાડવા માગતા હો તો જ એવું કહેવું કે કરવું. સામેની વ્યક્તિને ખરાબ લગાડવાનો તમારો આશય ન હોય તો માત્ર તમારો બળાપો ઠાલવવા આવી લાગણીના ઉશ્કેરાટને મનની બહાર કાઢવાની જરૂર નથી. નાક લૂછવા હાથરૂમાલ વપરાય, ડ્રોઈંગરૂમમાં લટકતો પડદો નહીં. મનમાં જન્મતા કચરાની છારીને કાં તો તમે કાગળ પર લટકાવી શકો કાં ડાયરી લખવાની ટેવ હોય તો એ ડાયરીનાં પાનાંઓમાં. આ કાગળિયાં તમારાં તદ્દન ખાનગી મિત્રો છે. તેઓ બધું જ સહન કરી લેશે. કોઈ વ્યક્તિ કે ઘટના વિશેના કે તમારા પોતાના વિશેના નકારાત્મક વિચારોને શબ્દસ્થ કરી લીધા પછી સૌથી પહેલાં તો તમને રાહતની લાગણી થશે. તમારે જે કહેવું છે તે કહેવાઈ ગયું એટલે બોજારહિત થઈ જવાથી અનુભવાતી હળવાશને કારણે મળતી એક રાહત. બીજી રાહત એ વાતની કે આ વાત હજુ સુધી કોઈનાય સુધી પહોંચી નથી એટલે હજુય તમારી પાસે તક છે એને વાળી લેવાની. તીર છૂટ્યું નથી. તાત્કાલિક છોડવું કે નહીં એનો નિર્ણય લેવાની ફરજ નહીં પડે, અનિવાર્યતા લાગશે તો જ અને ત્યારે જ તીર છોડાશે.
નકારાત્મક લાગણીઓને બીજા સુધી પહોંચાડ્યા વિના મનમાંથી બહાર કાઢી લેવાનો આ જ એકમાત્ર ઉપાય નથી. શાંત મંદિર, આશ્રમ કે મઠના ધ્યાનખંડમાં બેસીને જાત સાથે વાતચીત કરીને પણ આ જ કામ થઈ શકે. કોઈકને પોતાના ફોનના રેકોર્ડરમાં બધું જ બોલી નાખવાનું સુગમ પડે. ક્યારેક એવું પણ બને કે જે વ્યક્તિને આ નકારાત્મક લાગણી સાથે કોઈ સીધો યા આડકતરો સંબંધ જ નથી એવી વ્યક્તિ અને જેના પર પૂરો વિશ્વાસ મૂકી શકાય એમ છે એ વ્યક્તિ આગળ હૃદય ખોલી નાખવાથી કામ આસાન થઈ જાય.
મોટાભાગની નકારાત્મક લાગણીઓ આવા ઉપાયોથી શમી જતી હોય છે. આમ છતાં જો કોઈ લાગણી બાકી રહી જાય તો એનો અર્થ એ છે કે હવે તમારે એ લાગણી બીજી વ્યક્તિ સુધી પહોંચાડવી જ જોઈએ. પહોંચી ગયા પછી સામેની વ્યક્તિને શું નુકસાન થઈ શકે છે કે એ તમને શું નુકસાન કરી શકે છે એની ગણતરી પહેલેથી કરી રાખવી. નકારાત્મક લાગણીઓ જન્મે એ સ્વાભાવિક છે, એ બીજાઓ આગળ પ્રગટ થાય એ પણ સ્વાભાવિક છે, માત્ર એ કાચા સ્વરૂપે પ્રગટ થાય એ જ અસ્વાભાવિક છે, કારણ કે દરેક નકારાત્મક લાગણી પ્રગટ થયા પછી એનું પરિણામ ભોગવવું જ પડે છે અને મનમાં જન્મતી બધી જ નકારાત્મક લાગણીઓ કાયમી નથી હોતી. તો પછી એ જેવી જન્મે કે તરત જ એને પ્રગટ કરી દઈને આખી જિંદગી ખોટનો ધંધો શું કામ કરવો?
સાયલન્સ પ્લીઝ!
પ્રેમ કરવો એ બહુ અઘરી વાત છે, કારણ કે દરેકના હૃદયમાં એક અંધારિયો ખૂણો તો હોવાનો જ.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો










