આધુનિક યુદ્ધમાં ટેન્કોને યુદ્ધભૂમિના `રાજા' માનવામાં આવે છે. વિરાટ કદ, જાડું સ્ટીલ અને કમ્પોઝિટ એલોયથી બનેલું સુરક્ષા કવચ (આર્મર) અને ભારે તોપ ધરાવતી ટેન્કને નષ્ટ કરવી અશક્ય લાગતી હતી, પરંતુ આ જ વિરાટ યુદ્ધ-વાહનોને ધૂળ ચાટતા કરવા માટે વિજ્ઞાનીઓએ એક અત્યંત સચોટ અને પ્રાણઘાતક શસ્ત્ર વિકસાવ્યું જેને એન્ટિ ટેન્ક ગાઇડેડ મિસાઇલ (ATGM) તરીકે ઓળખવામાં આવે છે.  

ATGM શું છે?

એન્ટિ ટેન્ક ગાઈડેડ મિસાઈલ એવી અત્યાધુનિક નિર્દેશિત (ગાઈડેડ) મિસાઈલ છે, જે ખાસ કરીને ભારે સશસ્ત્ર ટેન્ક, આર્મર્ડ વાહનો અને મજબૂત બંકરોને નષ્ટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. પરંપરાગત રોકેટ કે તોપના ગોળા ફેંકાયા પછી તેનો માર્ગ બદલી શકાતો નથી, જ્યારે ATGM તેની હવામાં ઉડાન દરમિયાન પણ લક્ષ્યનો પીછો કરી શકે છે અને પોતાનો માર્ગ બદલી શકે છે.  

ATGMની કાર્યપદ્ધતિ

ATGMના કામ કરવાનો આધાર મુખ્યત્વે બે બાબતો પર રહેલો છે - નેવિગેશન સિસ્ટમ (ગાઇડન્સ) અને વોરહેડ (વિસ્ફોટક).- ગાઇડન્સ સિસ્ટમ (લક્ષ્ય શોધવાની ટેક્નોલોજી)

વાયર/લેઝર ગાઇડેડ : જૂની અને લોકપ્રિય સિસ્ટમમાં મિસાઈલ પાછળ એક બારીક વાયર જોડાયેલો રહેતો અથવા ઓપરેટર લેઝર બીમ વડે ટેન્ક પર નિશાન સાધતો. મિસાઈલ તે લેઝર કે વાયરના સિગ્નલને અનુસરીને આગળ વધતી હોય છે.  

ઇન્ફ્રારેડ અને થર્મલ સીકર : આધુનિક ATGM ટેન્કના એન્જિનમાંથી નીકળતી ગરમી (Heat Signature) અથવા તેના થર્મલ ઈમેજને ઓળખીને લક્ષ્ય તરફ વધે છે.  

ફાયર એન્ડ ફોર્ગેટ : આ સૌથી અદ્યતન ટેક્નોલોજી છે. મિસાઈલ છોડ્યા પછી ઓપરેટરે કંઈ કરવાની જરૂર રહેતી નથી. મિસાઈલનું ઈન્ટરનલ કમ્પ્યૂટર પોતે જ ટેન્કનો પીછો કરે છે.  

એટેક મોડ્સ (હુમલો કરવાની શૈલી)  

ડાયરેક્ટ એટેક : મિસાઈલ સીધી રેખામાં ઊડીને ટેન્કના આગળના કે બાજુના ભાગ સાથે અથડાય છે.  

ટોપ એટેક : આજના યુગની સૌથી ખતરનાક પદ્ધતિ. ટેન્કની સૌથી નબળી છત (Top Armor) હોય છે. મિસાઈલ ઉપરથી આવીને સીધી ટેન્કની છત પર ત્રાટકે છે, જેથી ટેન્કનો સંપૂર્ણ નાશ થાય છે.  

ભારતની `નાગ' (NAG) અને `હેલિના' (HELINA) મિસાઈલ તેમજ વિશ્વવિખ્યાત `જેવલિન' (Javelin) અને `સ્પાઇક' (Spike) જેવી ATGM એ સાબિત કરી દીધું છે કે વિજ્ઞાન અને ટેક્નોલોજીના બળે કદમાં નાની મિસાઈલ પણ યુદ્ધક્ષેત્રના સૌથી મોટા રાક્ષસ સમાન ટેન્કને સેકન્ડોમાં ભસ્મીભૂત કરી શકે છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો