વર્ષ 2001ની એ 6 જાન્યુઆરીની શિયાળાની સાંજ, કેરળના એર્નાકુલમ જિલ્લામાં આવેલા શહેર આલુવામાં રોજની જેમ જ સામાન્ય હતી. રેલવે સ્ટેશન રોડ પર શનિવારની સાંજ હોવાને કારણે લોકોની ભારે અવરજવર ચાલુ હતી. આ જ અત્યંત વ્યસ્ત અને ઘોંઘાટિયા રોડ પર આવેલું `મંજૂરાન હાઉસ' આલુવા શહેરના અત્યંત પ્રતિષ્ઠિત, સુખી અને ધનાઢ્ય પરિવારોમાંના એક એવા ઓગસ્ટિન અને તેની પત્ની બેબીના પરિવારનું આશિયાનું હતું. 47 વર્ષના ઓગસ્ટિન આલુવા રેલવે સ્ટેશન રોડ પર જ `મંજૂરાન હાર્ડવેર' નામની મોટી અને ધમધોકાર દુકાન ચલાવતા હતા, જેને કારણે સમગ્ર વેપારીવર્ગમાં તેમનું મોટું નામ હતું. તેમના પરિવારમાં 42 વર્ષની પત્ની બેબી ઉર્ફે મેરી, 14 વર્ષનો પુત્ર જેમોન ઉર્ફે જેસમોન કે જે સ્થાનિક શાળામાં ભણતો હતો, 12 વર્ષની માસૂમ પુત્રી દિવ્યામોલ ઉર્ફે દિવ્યા તેમની 74 વર્ષની અશક્ત વૃદ્ધ માતા ક્લારા અને તેમની 42 વર્ષની અપરિણીત બહેન કોચુરાની સાથે પ્રેમપૂર્વક રહેતાં હતાં.
6 જાન્યુઆરી, શનિવારની એ સાંજે ઓગસ્ટિન, બેબી ને બંને બાળકો આલુવાના એક સિનેમા હોલમાં નવી રજૂ થયેલી મૂવી જોવા જવાનું આયોજન કરી રહ્યાં હતાં, જ્યારે ઘરમાં ઓગસ્ટિનની માતા ક્લારા અને બહેન કોચુરાની રોકાવાના હતા.
આ જ સમયગાળા દરમિયાન આલુવા નગરપાલિકામાં હંગામી ડ્રાઈવર તરીકે કામ કરતો એન્ટની ઉર્ફે અંતપ્પન નામનો એક ચાલાક વ્યક્તિ આ પરિવારના વિનાશનું કારણ બનવા નજીક આવી રહ્યો હતો. એન્ટની એ ઓગસ્ટિનનો દૂરનો સંબંધી અને કૌટુંબિક મિત્ર હતો, જેને મંજૂરાન પરિવારમાં નોકર નહીં, પણ પોતાના સગા પુત્ર સમાન દરજ્જો આપવામાં આવ્યો હતો. એન્ટની માટે મંજૂરાન હાઉસના દરવાજા દિવસ-રાત ચોવીસે કલાક ખુલ્લા રહેતા હતા, જેના કારણે તે ઘરના ખૂણેખૂણાથી અને તિજોરીઓની જગ્યાથી સંપૂર્ણ વાકેફ હતો, પરંતુ એન્ટની ઉપરથી જેટલો શાંત દેખાતો હતો, અંદરથી તે ભારે દેવાના કળણમાં અને આર્થિક સંકટમાં ઘેરાયેલો હતો. તે ગલ્ફના દેશોમાં જઈને રાતોરાત અમીર બનવાનાં સપનાં જોતો હતો અને તેના માટે તેણે સાઉદી અરેબિયાના દમ્મામ શહેરની એક વિઝા એજન્સી દ્વારા કામ મેળવીને વિઝાની વ્યવસ્થા પણ કરી લીધી હતી, પરંતુ વિઝા મેળવવા, દસ્તાવેજો તૈયાર કરવા અને એજન્ટને કમિશન ચૂકવવા માટે તેને તાત્કાલિક 35,000 રૂપિયાની જરૂર હતી, જે તે સમયના હિસાબે એક મધ્યમવર્ગીય માણસ માટે ખૂબ મોટી રકમ હતી. શનિવારની વહેલી સવારથી જ એન્ટની આ નાણાંની વ્યવસ્થા કરવા માટે મિત્રો અને અન્ય વ્યાજખોરો પાસે ભટકી રહ્યો હતો, પરંતુ તેને ક્યાંયથી પણ કોઈ આશાસ્પદ જવાબ મળ્યો નહોતો. અંતે તેને મંજૂરાન પરિવાર યાદ આવ્યો. તેને પાકી ખાતરી હતી કે જો તે ઓગસ્ટિન પાસે મદદ માંગશે તો તેને ક્યારેય ખાલી હાથે પાછા ફરવું નહીં પડે.
એન્ટની જ્યારે સાંજે સાત વાગ્યાની આસપાસ મંજૂરાન હાઉસ પહોંચ્યો ત્યારે ઓગસ્ટિન, બેબી અને બંને બાળકો સિનેમાહોલ જવા નીકળી ચૂક્યાં હતાં અને આખા ઘરમાં માત્ર કોચુરાની અને વૃદ્ધ માતા ક્લારા જ હાજર હતાં. એન્ટનીએ હંમેશાંની જેમ હકથી ઘરમાં પ્રવેશ કર્યો અને કોચુરાની પાસે 35,000 રૂપિયાની તાત્કાલિક માંગણી કરી, સાથે જ તેણે પોતાની વિદેશ જવાની અંતિમ તક ગુમાવવાની મજબૂરી જણાવીને કરગરવાનું શરૂ કર્યું. તેણે દલીલ કરી કે જો તેને આજ રાત સુધીમાં આ પૈસા નહીં મળે તો તેનો વિઝા રદ થઈ જશે અને તેની આખી જિંદગી બરબાદ થઈ જશે, પરંતુ કોચુરાનીએ પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી, કારણ કે ઓગસ્ટિનની ગેરહાજરીમાં આટલી મોટી રકમ તિજોરીમાંથી કાઢીને આપવાનો તેને કોઈ અધિકાર નહોતો અને વળી અગાઉ પણ એન્ટનીએ લીધેલી ઉધાર રકમ ક્યારેય ચૂકવી નહોતી, જે બાબતે ઘરમાં ચર્ચા અને કેટલી વખત તો આંતરિક માથાકૂટ પણ થતી રહેતી હતી. કોચુરાનીના આ અપેક્ષિત ઇનકારે એન્ટનીના મગજ પર સવાર વિદેશ જવાની લાલસા, મોહ અને દેવાના બોજથી જન્મેલી હતાશાને અત્યંત હિંસક આક્રોશમાં બદલી નાખી. રસોડાની બિલકુલ બાજુમાં પડેલો ભારે અને લાકડા કાપવા માટે વપરાતો અત્યંત ધારદાર કોયતો જેને સ્થાનિક ભાષામાં `વાકકાથી' કહેવાય છે, તેના પર એન્ટનીની નજર પડી ગઈ. તેના મગજમાંથી વર્ષોના સંબંધો, દયા અને માનવતાના તમામ વિચારો પળભરમાં ગાયબ થઈ ગયા અને તેની જગ્યા ક્રૂરતાએ લઈ લીધી. તેણે એ ભારે કોયતો હવામાં ફેરવીને ઉપાડ્યો અને કંઈ પણ વિચાર્યા વિના કોચુરાની પર હિચકારો હુમલો કરી દીધો. તેણે કોચુરાનીના ગળા અને માથા પર નિર્દયતાથી એક પછી એક ઘા કરવાના શરૂ કર્યા. કોચુરાની પોતાની જાતને બચાવવા માટે જમીન પર આળોટતાં બૂમો પાડતી રહી, પરંતુ ટ્રેનોના અવાજો અને બહારની અવરજવરના ઘોંઘાટમાં તેનો અવાજ ઘરની દીવાલોની બહાર જઈ શક્યો નહીં અને તે થોડી જ ક્ષણોમાં લોહીના ખાબોચિયામાં નિષ્પ્રાણ થઈને ઢળી પડી.
કોચુરાનીની કંપારી છૂટી જાય તેવી છેલ્લી ચીસો સાંભળીને બાજુના રૂમમાં આરામ કરી રહેલી 74 વર્ષની અશક્ત અને બીમાર ક્લારા ધ્રૂજતા હાથે લાકડીના સહારે ધીમે ધીમે ત્યાં દોડી આવ્યાં. રસોડાના દરવાજે પહોંચતાં જ પોતાની વહાલસોયી દીકરીને લોહીથી લથપથ અને મૃત અવસ્થામાં જોઈને તે ભારે આઘાત સાથે સ્તબ્ધ થઈ ગઈ. તેણે ડર અને કરુણતાથી ચીસ પાડવાનો પૂરો પ્રયત્ન કર્યો, પરંતુ એન્ટનીના મગજ પર હવે હેવાનિયત સંપૂર્ણપણે સવાર થઈ ચૂકી હતી. તે સારી રીતે જાણતો હતો કે ક્લારાએ તેને આ ઘાતકી કૃત્ય કરતાં જોઈ લીધો છે અને જો આ વૃદ્ધા જીવતી રહેશે તો તે પોતે ક્યારેય કાયદાની પકડમાંથી બચી શકશે નહીં. તેથી એન્ટનીએ ક્લારાના માથાના મધ્ય ભાગમાં કોયતાનો એટલો જોરદાર ઘા ઝીંક્યો કે તેમની ખોપરીનું હાડકું તૂટી ગયું. ક્લારા કોઈ પણ અવાજ કર્યા વિના ત્યાં જ ઢગલો થઈને ફસડાઈ પડી અને તેના શ્વાસ કાયમ માટે થંભી ગયા. બે નિર્દોષ સ્ત્રીઓની ઘાતકી હત્યા કર્યા પછી એન્ટની લોહીથી નીતરતા હથિયાર સાથે એકલો ઊભો રહ્યો અને તેને ક્ષણભર માટે સમજાયું કે તેનાથી એક ન સુધરી શકે તેવી ભયંકર ભૂલ થઈ ગઈ છે, પરંતુ હવે પાછા વળવાના કે પશ્ચાત્તાપ કરવાના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા હતા, તેથી તેનું શાતિર ગુનેગાર મગજ પોતાની અસાધારણ ઝડપે દોડવા લાગ્યું. તે જાણતો હતો કે ઓગસ્ટિન અને તેનો પરિવાર જ્યારે મોડી રાત્રે સિનેમા જોઈને પાછા ફરશે, ત્યારે તેઓ તરત જ સમજી જશે કે ઘરમાં ઘૂસનાર અને આ હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ એન્ટની જ છે, કારણ કે તે સાંજે અહીં આવવાનો હતો તે વાત ઘરમાં નક્કી હતી.
પોતાના પાપ પર પડદો પાડવા અને કાયમ માટે બચી જવા માટે એન્ટનીએ એક નિર્ણય લીધો. તેણે ક્રૂરતાપૂર્વક નક્કી કર્યું કે તે મંજૂરાન પરિવારના એક પણ સભ્યને જીવતો નહીં છોડે, જેથી આ ગુનાનો કોઈ પુરાવો, સાક્ષી કે નામ લેનાર પણ બાકી ન રહે. તેણે ગુનાના પુરાવા છુપાવવાની આ યોજનાના ભાગરૂપે ઘરની તમામ લાઈટો એક પછી એક બંધ કરી દીધી, બંને સ્ત્રીઓના મૃતદેહોને અંધારામાં ખૂણા તરફ ધકેલી દીધા અને પોતે હાથમાં એ જ લોહિયાળ કોયતો કડક પકડ સાથે પકડીને, એક અંધારા ખૂણામાં શિકારી પશુની જેમ ઓગસ્ટિનના આખા પરિવારની આતુરતાથી રાહ જોતો બેસી રહ્યો.
રાત્રે આશરે સાડા દસ વાગ્યાની આસપાસ મંજૂરાન હાઉસની બહાર વાહન આવીને રોકાવવાનો અને કમ્પાઉન્ડનો લોખંડનો દરવાજો ખૂલવાનો અવાજ સંભળાયો. ઓગસ્ટિને પોતાની પાસે રહેલી ચાવીથી ઘરનો મુખ્ય લાકડાનો દરવાજો ખોલ્યો અને પરિવાર સાથે અંદર પ્રવેશ કર્યો. ઘરમાં અસાધારણ શાંતિ અને સંપૂર્ણ અંધારું જોઈને તેમને ભારે આશ્ચર્ય થયું અને તેઓ લાઈટની સ્વીચ શોધવા માટે હાથ ફેલાવે તે પહેલાં જ અંધારાના ગર્ભમાંથી એક કાળો પડછાયો હિંસક ઝડપે બહાર આવ્યો. એન્ટનીએ પૂરી શારીરિક તાકાત લગાવીને ઓગસ્ટિનના માથા પર કોયતાનો પહેલો ઘા કર્યો. પોતાના પતિને અચાનક ઢળી પડતાં જોઈને બેબી ભયથી કાંપતી ચીસ પાડી ઊઠી, પણ એન્ટનીએ તેને પણ બીજી જ સેકન્ડે ગળાના ભાગે લોહિયાળ હથિયાર મારીને સદાય માટે શાંત કરી દીધી. અંધારામાં આ ઘાતકી હુમલા વચ્ચે શું થઈ રહ્યું છે તે સમજવામાં નિષ્ફળ ગયેલા 14 વર્ષના જેમોન અને 12 વર્ષની માસૂમ દિવ્યામોલ બૂમો પાડતાં જીવ બચાવવા ઘરના અંદરના રૂમ તરફ ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યાં, પરંતુ એન્ટની પર હવે શેતાન સવાર હતો. તેણે બંને નિર્દોષ બાળકોને દોડીને પકડી પાડ્યા અને અંધકારથી ઘેરાયેલા એ સાંકડા રૂમમાં જ તેમના પર વરસેલા કોયતાના ઘા વડે તેમનું શરીર વીંધી નાખ્યું. છ નિર્દોષ, પ્રતિષ્ઠિત અને હસતી-રમતી જિંદગીઓ માત્ર થોડા કલાકોની અંદર જ લાલસાના નામે લોહીના સમંદરમાં ડૂબીને કાયમ માટે શમી ગઈ.
હત્યાની આ ભયાનક પ્રક્રિયા પૂરી કર્યા પછી પણ એન્ટનીના ચહેરા પર કોઈ ભય કે ગભરાટ નહોતો. તેણે અત્યંત ઠંડા કલેજે અને શાંતિથી ઘરની તિજોરીઓ તોડી અને તમામ મૃતદેહો પર રહેલા સોનાના કીમતી દાગીના ઉતારવાનું શરૂ કર્યું. તેણે મૃત મહિલાઓના ગળામાંથી ભારે ચેઈન, હાથમાંથી સોનાની બંગડીઓ અને કાનનાં કુંડળ ખેંચીને લોહિવાળા હાથે જ કાઢી લીધાં. ત્યારબાદ તેણે બાથરૂમમાં જઈને નળ ચાલુ કરીને પોતાના શરીર અને કપડાં પરથી લોહીના લાલ ડાઘા પાણીથી ઘસીને ધોયા. ઘરના મુખ્ય દરવાજાને બહારથી તાળું મારીને તે રાત્રિના અઢી વાગ્યાના સન્નાટામાં ગાયબ થઈ ગયો. તે સીધો આલુવા રેલવે સ્ટેશન તરફ ઝડપી પગલે ગયો અને ત્યાંથી પસાર થતી ત્રિશૂર તરફ જતી લોકલ ટ્રેન પકડી લીધી. ત્રિશૂર પહોંચીને તેણે સવારની ટ્રેન દ્વારા મુંબઈ ભાગી જવાનું આયોજન કર્યું અને મુંબઈ પહોંચતાં જ તેણે અગાઉથી સંપર્કમાં રહેલા કોસ્મોસ ટ્રાવેલ્સના માલિક અરુણ મેમણનો સંપર્ક સાધ્યો. એન્ટનીએ મંજૂરાન હાઉસમાંથી લૂંટેલું સોનું મુંબઈના ઝવેરી બજારમાં એક સોનીને સસ્તા ભાવે વેચી દીધું અને તેમાંથી મળેલી રોકડ રકમ વડે ટ્રાવેલ એજન્ટના વિઝા અને ટિકિટના બાકીના તમામ પૈસા ચૂકવી દીધા. તેની પાસે વિઝા, પાસપોર્ટ અને તમામ દસ્તાવેજો પહેલેથી જ તૈયાર હોવાથી, તે મુંબઈના સહાર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સાઉદી અરેબિયાના દમ્મામ શહેર માટે ફ્લાઈટ પકડીને ભારતની સરહદ વટાવી અદૃશ્ય થઈ ગયો. તેને લાગ્યું કે તેણે આખી દુનિયાની નજરમાંથી બચીને એક `પરફેક્ટ ક્રાઈમ' કર્યો છે અને હવે કાયદો તેને ક્યારેય સ્પર્શ પણ કરી શકશે નહીં, પણ કાયદાથી કોઈ ગુનેગાર બચી શકતો નથી.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
