હાલ તો નવરાત્રી પતી એટલે મોટાભાગે બાળકોને સ્કૂલોમાં એક્ઝામની તૈયારીઓ ચાલુ થઇ ગઇ હશે અને બાળકોની સાથે માતા-પિતા પણ એની તૈયારીઓમાં જોડાઇ ગયાં હશે, પણ બહુ જલદી દિવાળી આવી રહી છે. દિવાળીની રજાઓમાં બહાર ફરવા જવાની તૈયારીઓ શરૂ થઇ જ ગઇ હશે, પણ દિવાળીએ ફરવા જતાં લોકોને મોટાભાગે એક સમસ્યા હોય છે કે બધે જ એટલી ભીડ હોય છે કે જવું ક્યાં? ભીડથી દૂર શાંતિવાળી જગ્યાએ જેને પણ જવાની ઇચ્છા હોય તેમણે ચોક્કસ તમિલનાડુના નીલગિરિ પહાડોમાં સ્થિત મંજૂર (Manjoor) જવાનો પ્લાન કરવો જોઇએ. આ એક અત્યંત શાંત, સુંદર અને અદ્ભુત હિલસ્ટેશન છે. ઊટીની ભીડભાડથી દૂર કુદરતના ખોળામાં વસેલું આ નાનકડું ગામ ચાના બગીચાઓ, ગાઢ જંગલો અને ધુમ્મસભરી પહાડીઓ માટે જાણીતું છે.
મંજૂરનો ઇતિહાસ
મંજૂરનો પ્રાચીન ઇતિહાસ નીલગિરિના મૂળ આદિવાસી સમુદાયો (જેવા કે બડગા અને તોડા) સાથે જોડાયેલો છે. બ્રિટિશ શાસન દરમિયાન 19મી સદીમાં જ્યારે અંગ્રેજોએ નીલગિરિ પ્રદેશનો વિકાસ કરવાનું શરૂ કર્યું, ત્યારે મંજૂર વિસ્તાર તેની ફળદ્રુપ જમીન અને અનુકૂળ હવામાનને કારણે ચાની ખેતી માટે પસંદ કરવામાં આવ્યો. બ્રિટિશરોએ અહીં ચાના મોટા મોટા બગીચાઓ બનાવ્યા હતા. ત્યારબાદ ભારતની આઝાદી પછી આ વિસ્તાર `કુન્દા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ' (Kundah Hydroelectric Project)ના કારણે મહત્ત્વપૂર્ણ બન્યો હતો. ડેમ અને વીજળી મથકોના નિર્માણ સાથે અહીં તમિલનાડુ વીજળી બોર્ડના કર્મચારીઓની વસાહત સ્થપાઈ અને આ નાનકડું ગામ એક સુંદર પર્યટન સ્થળ તરીકે વિકસિત થયું હતું. આજે પણ શાંતિને પસંદ કરતા લોકો આ જગ્યાએ ખાસ ફરવા આવે છે.
મંજૂરની મુખ્ય ફરવાલાયક જગ્યાઓ
1. કુન્દા ડેમ : મંજૂર નજીક આવેલો આ ડેમ અને તેની આસપાસનું સરોવર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. આજુબાજુની લીલીછમ ટેકરીઓ અને શાંત પાણી મન મોહી લે છે.
2. ગિડ્ડુ પહાડી અને ચાના બગીચા : અહીં માઇલો સુધી ફેલાયેલા લીલાછમ ચાના બગીચાઓ આવેલા છે. ગિડ્ડુ પોઇન્ટ પરથી નીલગિરિની ખીણોનો વિહંગમ નજારો જોવા મળે છે.
3. મંજૂર બજાર અને સ્થાનિક ચા કાફે : મંજૂરના નાના બજારમાં તાજી ચા પત્તી અને સ્થાનિક હર્બલ પ્રોડક્ટ્સ મળે છે. અહીંની તાજી બનેલી નીલગિરિ ચાનો સ્વાદ માણવા જેવો છે.
4. અવલાંચ અને અપર ભવાની : જો તમારી પાસે વન વિભાગની મંજૂરી હોય, તો મંજૂરથી અપર ભવાની લેક અને અવલાંચ સેન્ચુરી જઈ શકાય છે, જ્યાં કુદરતનું અસલી રૌદ્ર અને શાંત રૂપ જોવા મળે છે.
મંજૂર ક્યારે જવું?
મંજૂર જવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી માર્ચ દરમિયાનનો છે. આ સમયગાળામાં હવામાન ખૂબ જ આહલાદક હોય છે. જો તમને વરસાદ અને લીલોતરી પસંદ હોય, તો જુલાઈથી સપ્ટેમ્બરના મોન્સૂન સમયમાં પણ જઈ શકાય છે, પરંતુ પહાડી રસ્તાઓ પર સાવચેતી રાખવી જરૂરી છે.
જે લોકોને શાંતિ, પ્રકૃતિ અને ફોટોગ્રાફીનો શોખ છે, તેમના માટે તમિલનાડુનું આ મંજૂર હિલસ્ટેશન એક પરફેક્ટ ટ્રિપ બની શકે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો