હનીમૂનથી જ લોચો પડી ગયો.

પત્નીની હત્યા કરનાર પોઝ્નીશેફ (ટોલ્સ્ટોયની લઘુનવલ `ક્રોત્ઝર સોનાટા'નો નાયક) એક ટ્રેનયાત્રા દરમિયાન કોઈ અજાણ્યા સહયાત્રીને એકડે એકથી આખી ખૂનકથા કહે છે ત્યારે એ જણાવે છે કે ઝઘડાઓની શરૂઆત હનીમૂનથી જ થઈ ગયેલી. હનીમૂનના ત્રણ-ચાર દિવસમાં જ પત્નીને વાસનાનું વરવું રૂપ સમજાઈ ગયું અને એ કદાચ પોતાની પવિત્રતા ગુમાવવાના દુઃખથી રડી પડી. પતિએ રડવાનું કારણ પૂછ્યું તો એણે મમ્મી યાદ આવે છે એવું કહ્યું. એના પ્રતિભાવમાં પતિ પોઝ્નીશેફ હસ્યો. એ હાસ્ય જોઈને પત્નીના ચહેરા પર ધિક્કાર ડોકાયો. એ ધિક્કાર જોઈને પતિ ફફડી ઊઠ્યો. બંને વચ્ચે દલીલબાજી થઈ. પોઝ્નીશેફ બયાન આગળ વધારે છે.

એ પહેલાં ઝઘડા વિશે મેં એમ માન્યું કે એ તો થવા કાળ થઈ ગયું અને એ કોઈ નાની ગેરસમજના પરિણામે થયેલો ઝઘડો હતો. પછી તો અમે ફરી તીવ્ર સુખભોગમાં અને જોરદાર જલસાના વહેણમાં તણાયાં અને પહેલો ઝઘડો જાણે ભુલાઈ ગયો. થયું એવું કે હનીમૂન પૂરું થાય એ પહેલાં જ અમે એકમેકથી જાણે ધરાઈ ગયાં. પછી મને સમજાઈ ગયું કે પહેલો ઝઘડો અપવાદરૂપ નહોતો. અમારી વચ્ચે જન્મેલો ધિક્કાર એક વાર પૂરતો નહોતો; એ તો અમારો સ્થાયી ભાવ બની રહેવાનો હતો. પહેલાં ઝઘડાના થોડા જ સમય પછી અમારી વચ્ચે બીજો ઝઘડો થયો. બીજા ઝઘડાનું કારણ અત્યંત વાહિયાત હતું. એણે મારા પર આરોપ મૂક્યો કે હું મારા પૈસાના જોરે એને કાબૂમાં રાખવા માગું છું. એના આ શબ્દોથી હું ખૂબ ઘવાયો. પહેલા ઝઘડા કરતાં પણ આ બીજો ઝઘડો મને વધુ આઘાતજનક લાગ્યો. પૈસાના મામલે મેં ક્યારેય કચકચ કરી નથી કે એને સતાવી નથી. છતાં એણે મારા પર પૈસાના જોરે અંકુશ લાદવાનો આરોપ મૂક્યો. એ આરોપ મૂર્ખામીભર્યો અને સાવ જ હલકા પ્રકારનો હતો. જોકે, હલકાઈ અને મૂર્ખામી મારા સ્વભાવમાં પણ નથી અને એના સ્વભાવમાં પણ નહોતી. ને બહુ ગુસ્સો ચડ્યો. એણે પૈસાવાળી વાત કરી ત્યારે મેં કહ્યું કે એ મારા પ્રત્યે કઠોરતા દાખવી રહી હતી. એણે કહ્યું કે કઠોરતા તો હું દાખવી રહ્યો હતો. ફરી એની આંખોમાં મેં જોયો ભયંકર ધિક્કાર. એમ તો ભાઈ સાથે કે મિત્રો તથા પિતા સાથે પણ મારે ક્યારેક ઝઘડા થતા, પરંતુ પત્નીની આંખોમાં જોવા મળેલો દ્વેષ મને એ બધાની આંખોમાં ક્યારેય નહોતો દેખાયો.

થોડો સમય વીત્યો. જાતીય સુખભોગમાં અમારો પારસ્પરિક દ્વેષ થોડો સમય દબાયેલો રહ્યો. મેં ફરી એમ વિચારીને મન મનાવ્યું કે અમારી વચ્ચેના વાંધાવચકા મિટાવી શકાય એવા છે.

પણ પછી જ્યારે ત્રીજો અને ચોથો ઝઘડો થયો ત્યાં સુધીમાં મને સમજાઈ ગયું કે આ કોઈ અપવાદરૂપ વાંધવચકા નહોતા. પહેલા બે ઝઘડા વખતે હું અત્યંત ફફડી ઊઠેલો, પણ પછીના ઝઘડાઓ દરમિયાન મેં ફફડાટ કરતાં વધુ તો આઘાત-આશ્ચર્યની લાગણી અનુભવી. મને થયું કે એકલું મારું જ લગ્નજીવન આવું છે. બાકીનાં ઘરોમાં આવું બધું નહીં થતું હોય. ત્યારે મને ખબર નહોતી કે બધાં જ ઘરોમાં પતિ-પત્ની વચ્ચે આવા અણધાર્યા ક્લેશો થતા જ રહેતા હોય છે. બધાને એવું લાગતું હોય છે કે આવા ઝઘડા માત્ર એમના ઘરમાં જ થાય છે અને બધા લોકો લગ્ન સંબંધમાંનો દ્વેષ જાણે કોઈ ખરાબ રોગ હોય તેમ દુનિયાથી તેમજ પોતાની જાતથી પણ છુપાવવા મથતા હોય છે.

લગ્નના પહેલા અઠવાડિયાથી જ મને અણસાર તો આવી જ ગયેલો કે હું ભેરવાઈ ગયો હતો અને લગ્ન હું જે માનતો હતો એવી ચીજ નહોતી. લગ્ન એ કોઈ આનંદ નહોતો. એ તો આકરી પરીક્ષા હતી, પણ આ વાત કબૂલવા હું તૈયાર નહોતો (ઇવન અત્યારે પણ તમારી સમક્ષ આ કબૂલાત મેં ન કરી હોત, પણ આ તો જે કંઈ થઈ ગયું - ખૂન એટલે). અત્યારે મને એ વાતની નવાઈ લાગે છે કે ત્યારે હું આખી વાતની વાસ્તવિકતા સ્પષ્ટપણે જોઈ શક્યો નહોતો. નાની-નાની વાતે ઝઘડવું અને પછી એ પણ ભૂલી જવું કે ઝઘડો શેના વિશે હતો. આ બધા પરથી મને સમજાઈ જવું જોઈતું હતું કે એકમેક પ્રત્યેનો દ્વેષ એ અમારી સ્વાભાવિક સ્થિતિ હતી.જેવી રીતે કોઈ મોજીલો માણસ જોક સાંભળ્યા વિના પણ કોઈ કારણ વિના બસ એમ જ હસી શકે એવી રીતે અમે બેય કોઈ કારણ વિના એકમેકને ધિક્કારી શકતાં હતાં, કારણ કે પારસ્પરિક ધિક્કાર અમારી અંદર આપોઆપ ઉકળતો રહેતો અને મોટી મુશ્કેલી એ હતી કે ધિક્કારનો કોઈ ઉપાય નહોતો, સમાધાનનો કોઈ માર્ગ નહોતો. ક્યારેક ઝઘડાઓ પછી અમે એકમેકને મનાવતાં, રડતાં પણ ખરાં. ઘડીકમાં અત્યંત અપમાનજનક વાતો કહેવાની અને ઘડીકમાં ભેટીને કૂણી કૂણી વાતો કરવાની. આ બધું કેટલું હલકું હતું એ હું ત્યારે જોઈ કેમ ન શક્યો? તમને થશે કે હું આડીઅવળી વાતો કરી રહ્યો છું, પણ ના, હું મારી પત્નીના મેં કરેલા ખૂન વિશે જ કહી રહ્યો છું. (ક્રમશઃ)

***

પોઝ્નીશેફ ભલે દાવા સાથે કહે કે બધાં જ લગ્નો સરવાળે દુઃખી અને ધિક્કારયુક્ત જ હોય છે. અસલમાં બધાં લગ્નો દ્વેષથી ખદબદતાં નથી.મૂળ વાત એમ છે કે આ કથાના લેખક ટોલ્સ્ટોય એક અપવાદરૂપ ખૂનની કથા દ્વારા સ્ત્રી-પુરુષ વચ્ચેની વાસના, ઇર્ષ્યા, માલિકીભાવ, દંભ વગેરેનું એક એવું ચિત્ર રજૂ કરવા માગે છે, જે જોઈને લોકો ચોંકે, જાગે.

સરવાળે આ કથા લખવા પાછળનો લેખકનો હેતુ કેટલીક ગંદી સચ્ચાઈ બાબતે વાચકને ઢંઢોળીને છેવટે તેને જે કંઈ શુભ, સુંદર અને પવિત્ર છે તેના તરફ પ્રેરવાનો છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો