નવજાત બાળકોને દફનાવવાનું ચલણ આખી દુનિયામાં છે. એમ પણ ખ્રિસ્તી કે મુસ્લિમ સમુદાયમાં તો મૃતકોની દફનવિધિ જ થાય છે.
હિન્દુ ધર્મમાં મૃતકને અગ્નિદાહ આપવામાં આવે છે, પરંતુ નાનાં બાળકોને દફન કરવાનો પણ રિવાજ છે, પરંતુ આ દફનવિઘિ એક કબ્રસ્તાનમાં જ થતી હોય છે. છતાં મુસ્લિમોનો એક સમુદાય એવો છે કે જે તેમના મૃત નવજાત શિશુઓને જમીનમાં નહીં પણ વૃક્ષમાં દફનાવે છે!
આજકાલ ઈન્ડોનેશિયા ફરવા જવાનું ચલણ વધી રહ્યું છે. સ્વાભાવિક રીતે જ તેનું ચલણ નાનું હોવાને કારણે ભારતીયો ઓછા ખર્ચમાં ઈન્ડોનેશિયા ફરી શકે છે. જાવા અને બીજા ટાપુઓનું સૌંદર્ય ભારતીયોને આકર્ષે છે. એમ પણ ભલે ઈન્ડોનેશિયા મુસ્લિમબહુલ દેશ છે, પરંતુ ત્યાં રામાયણનું પ્રચલન પણ વધુ છે. એ કારણે જ ક્યાંક આપણી સંસ્કૃતિની નજીક લાગે છે. પ્રકૃતિ માણવાનું સહેલાણીઓને ગમે એવું છે, પરંતુ કુદરતી સૌંદર્ય વચ્ચે હર્યાંભર્યાં વૃક્ષોને માણવાનું બાજુએ રહી જાય અને ડરવું પડે એવું પણ બની શકે છે. ઈન્ડોનેશિયાના દક્ષિણ સુલાવેસી પ્રાંતમાં તાના તોરોજા વિસ્તારમાં આદિવાસીઓ રહે છે. જેની અનેક પરંપરા જરા હટકે લાગે છે. એ ખરું કે હિન્દુ ધર્મ સિવાય મૃતકોના અગ્નિસંસ્કાર કરવાનું ચલણ એકે ધર્મ કે સંપ્રદાયમાં નથી. મૃતકોને જમીનમાં દફનાવાતા હોય,એ માટે ખાસ કબ્રસ્તાન હોય છે, પરંતુ તોરોજા સમુદાયના લોકો જેના દાંત આવ્યા ન હોય એવા નવજાત શિશુ મૃત્યુ પામે તો તેને જમીનમાં દફનાવવાને બદલે તેની યાદ તાજી રહે એ માટે વૃક્ષોમાં દફનાવે છે!
નવજાત શિશુ મૃત્યુદર આદિવાસીઓમાં વધુ રહે છે. આજે પણ દુનિયામાં અનેક આદિવાસી સમુદાયો એવા છે, જેઓ પોતાની પરંપરા મુજબ જ જીવ છે. તેમના સુધી આધુનિક સુખ-સુવિધા પહોંચી નથી. એ કારણસર સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ યથાવત્ રહી છે. એ કારણે પણ નવજાત શિશુ મૃત્યુદર ઊંચો રહે છે, પરંતુ જેમના દાંત આવ્યા ન હોય એવું બાળક મૃત્યુ પામે ત્યારે તેની દફનવિધિ જમીનમાં નહીં પણ વૃક્ષમાં કરે છે.
આ આદિવાસીઓ માને છે કે બાળકોનો આત્મા ખૂબ જ પવિત્ર હોય છે. તેમને જમીનમાં દફનાવવાને બદલે વૃક્ષમાં દફનાવવામાં આવે તો હવા અને કુદરત બાળકના આત્માને પોતાની સાથે વહાવી લઈ જાય છે. આ પરંપરાથી બાળકનો આત્મા સીધો જ કુદરતના ખોળે સમાઈ જાય છે. એ કારણે બાળકની આ વિધિને મૃત્યુ નહીં, પણ જીવનને નવા રૂપમાં પ્રવેશ કરવાનું માનવામાં આવે છે. સ્વાભાવિક રીતે આપણી પરંપરા અલગ હોવાને કારણે આ પ્રકારની અંતિમવિધિ ભયાવહ લાગે એવું બની શકે છે. વૃક્ષમાં કરવામાં આવતું પોલાણ અને એ આખો માહોલ રહસ્યમય લાગ્યા વિના નહીં રહે, પરંતુ આ આદિવાસીઓ આખી ક્રિયાને સન્માન અને શ્રદ્ધાથી કરે છે. તેમના માટે આ ક્રિયા માતમની નહીં, પણ આત્માની શાંતિનો માર્ગ છે. એ કારણે જ તેઓ આ ક્રિયાને પવિત્ર માને છે.
બાળક મૃત્યુ પામે એટલે તેના મૃતદેહની ફરતે ખાસ લેપ લગાવે છે, તેથી એ મૃતદેહ ખરાબ થતો નથી. મતલબ કે તેઓ મૃતદેહનું મમી બનાવી દે છે. એ બાદ પૈસા એકત્ર થાય ત્યાં સુધી અથવા તો એક ખાસ કાર્યક્રમ રામ્બૂ સોલો યોજાય ત્યાં સુધી એ મમી ઘરમાં જ રાખવામાં આવે છે. અહીં લોકો મૃત્યુને અંત નહીં પણ આધ્યાત્મિક યાત્રા માને છે. દાંત આવ્યા ન હોય એવા નવજાત બાળકનું મૃત્યુ થાય એટલે પહેલું કામ એક વૃક્ષ શોધવાનું થાય છે. મહદંશે કટહલના વૃક્ષની પસંદગી થાય છે.
એ પછી વૃક્ષના પ્રકાંડમાં બખોલ પાડવામાં આવે છે, જે બખોલમાં મૃત બાળકને મૂકી શકાય છે. મૃતકના મૃતદેહને સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે. બાદમાં મૃતદેહને નવાં કપડાં પહેરાવવામાં આવે છે અને પરિવારના લોકો મૃતદેહ સાથે ફોટો પણ પડાવે છે! ત્યારબાદ મૃતદેહને કપડામાં લપેટી દેવામાં આવે છે. એ બાદ તેને વૃક્ષમાં પાડવામાં આવેલી બખોલમાં રાખવામાં આવે છે. પછી તાડના વૃક્ષનાં પાન એટલે કે દેશી ભાષામાં છટિયા કહેવાય છે, તેના રેસાનો ઉપયોગ કરી બખોલને બંધ કરી દેવામાં આવે છે. સમય જતાં વૃક્ષ મોટું થાય એ સાથે વૃક્ષ પેલી બખોલની આસપાસ વિકસીને એ બંધ કરી દે છે, એમ વૃક્ષ જ એક એક બાળકનું કબ્રસ્તાન બનીને લહેરાતું રહે છે.
આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
